Wednesday, 3 April 2019

સેરેબ્રલ પાલ્સીને હરાવી આ ગુજરાતી યુવાને જીત્યો ઓલોમ્પિકમાં મેડલ


મક્કમ મનોબળ એટલે શું. તમે Google કે Youtube કરશો તો તમે અસંખ્ય આર્ટિકલ્સ કે મોટીવેશનલ વીડિયોઝ મળી રહેશે. પરંતુ જો મક્કમ મનોબળ કે પરિસ્થિતિ સામે કેવી રીતે ઝઝુમવું તે તમારે પ્રેક્ટિલમાં જોવું હોય તો અમદાવાદના યુવાન રાજ બંધારાને મળો. રાજને સેરેબ્રલ પાલ્સી નામની રૅર બીમારી છે. જેને કારણે રાજ પોતાના પગ પર ઉભો પણ નહોતો રહી શક્તો. પરંતુ આજે રાજે ઈન્ટરનેશનલ લેવલે દેશ માટે એક નહીં પણ બબ્બે મેડલ જીત્યા છે. જેની પાછળ કારણભૂત છે રાજનું મનોબળ, રાજની મમ્મીનો ત્યાગ અને રાજના કોચની મહેનત.



વાત આજથી લગભગ 15 વર્ષ પહેલાની...

અમદાવાદના પ્રીતમનગર અખાડાના સ્કેટિંગ રીંગમાં એક બહેન પોતાના બાળકને લઈ પહોંચ્યા. સ્કેટિંગ રીંગમાં બાળકો પ્રેક્ટિસ કરતા હતા, પરંતુ આ બહેન પાસે જે બાળક હતો તે શારીરિક રીતે સશક્ત ન હતો. સેરેબ્રલ પાલ્સીને કારણે આ બાળકને ઉભા રહેવા માટે સહારો જોઈતો હતો. આ બહેને સ્કેટિંગ કોચને વાત કરી કે મારા બાળકને પણ શીખવો. પહેલીવારે કોચ માટે પણ એક સવાલ હતો કે જે બાળક ઉભો ન રહી શક્તો હોય તેને સ્કેટિંગ કેમનું શીખવવું. પણ આખરે તે સ્પોર્ટ્સ પર્સન હતા. પડકાર લીધો અને આ બાળકને શીખવવાનું શરૂ કર્યુ. આ જ બાળક આજે ઓલિમ્પિકમાં રોલર સ્કેટિંગમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે.

વાત રાજ બંધારાની

રાજ બંધારાને ખૂબ જ રૅર ગણાતી સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે. સેરેબ્રલ પાલ્સીમાં મેન્ટલી મુશ્કેલી રહે, નાનું મગજ કમાન્ડ ન આપે, સમજણશક્તિ ઓછી હોય અને બોડીમાં તાકાત પણ ઓછી હોય. રાજના મમ્મી ભાવના બંધારા કહે છે કે, 'રાજ માત્ર છ મહિનાનો હતો, ત્યારે તેને ખેંચ આવી અને તેની શ્વાસનળી-અન્નનળી ડેમેજ થઈ ગઈ. એના નાના મગજને પણ અસર પહોંચી. ડોક્ટરોએ કીધું એને સેરેબ્રલ પાલ્સી છે. હવે એ ક્યારેય ચાલી નહીં શકે, બેસી નહીં શકે, કશું જ કામ જાતે નહીં કરી શકે.' આ સાંભળીને રાજના માતા-પિતા બંનેને ઝટકો લાગ્યો, દુઃખ થયું. પરંતુ તેમણે નસીબ સામે લડવાનો નિર્ણય કર્યો. રાજને ફિઝિયોથેરાપી, એક્યુપંચર થેરાપી કારવી, ન્યૂરોલોજી ડોક્ટર્સને બતાવ્યું. વર્ષો સુધીની આ મહેનત રંગ લાવી. માતા પિતાની લાગણી અને મહેનતના સરવાળે રાજનું બોડી થોડું થોડું કામ કરતું થયું. પણ છતાંય તે નોર્મલ લોકો કરતા ક્યાંય દૂર હતો.


નોર્મલ સ્ટુડન્ટ્સ વચ્ચે ભણ્યો રાજ

જો કે રાજના મમ્મીને તો પોતાના બાળકને નોર્મલ જ બનાવવો હતો. પણ હવે પડકાર હતો ભણતરનો. રાજના મમ્મીએ તેને નોર્મલ સ્કૂલમાં દાખલ કરાવવા પ્રયત્ન શરૂ કર્યા. પરંતુ સ્કૂલે ના પાડી દીધી. જો કે આખરે વિનંતીઓનો દોર ચાલ્યો અને અમદાવાદની અંકુર શાળામાં રાજને એડમિશન મળ્યું. પોતાની બીમારીને ટક્કર આપીને રાજ પણ જાણે માતાની લાગણીઓ કે મહેનતને યથાર્થ કરવા ઈચ્છતો હોય તેમ નોર્મલ સ્કૂલમાં નોર્મલ લોકોની વચ્ચે રહીને 10 ધોરણ ભણ્યો અને ડિપ્લોમા એન્જિનિરિંગ પણ કર્યું.

અચાનક ગુમાવી પિતાની છત્રછાયા

પણ નસીબ જાણે હજીય તેની પરીક્ષા લેવા ઈચ્છતું હતું. રાજ જ્યાં માંડ પરિસ્થિતિ સામે લડતા શીખ્યો હતો, ત્યાં જ આઘાત લાગ્યો પપ્પાને ગુમાવવાનો. 10મા ધોરણમાં જ રાજના પપ્પા એક્સપાયર થઈ ગયા. હવે મુસીબત બમણી હતી. આર્થિક છત્ર છીનવાયું હતું, એક બાજું રાજની સારવારનો ખર્ચ હતો, બીજી બાજુ ઘર ચલાવવાનો પડકાર. પણ ડગે એ બીજા. રાજની સાથે સાથે ભાવનાબહેને આ પડકાર ઝીલી લીધો. તેમણે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં જોબ શરૂ કરી. તેની પાછળ પણ કારણ હતો રાજ. રાજની સ્થિતિ જોઈને તેમને પણ આવા બીજા બાળકો પાછળ મહેનત કરવાની ઈચ્છા થઈ અને આર્થિક આધાર માટે તેમણે આ નોકરી સ્વીકારી. જવાબદારી બેવડી હતી પણ મનોબળ મક્કમ હતું.



રાજના કોચે પણ કરી મહેનત 

એક તરફ પિતા ગુમાવવાનું દુઃખ બીજી તરફ બીમારી આ બંને વચ્ચે રાજ સ્કેટિંગ શીખતો રહ્યો. રાજના સ્કેટિંગ કોચ વૈભવ બ્રહ્મભટ્ટની પણ મહત્વની ભૂમિકા રહી છે. વૈભવ બ્રહ્મભટ્ કહે છે કે,'રાજને કેવી રીતે શીખવવું એ સમસ્યા મારા માટે પણ હતી. પણ એની ઈચ્છા જોયા પછી મને પણ મહેનત કરવાની ઈચ્છા થઈ. ' રાજ 8 વર્ષનો હતો ત્યારથી વૈભવે તેને સ્કેટિંગ શીખવવાનું શરૂ કર્યું છે. વૈભવ કહે છે કે,'શરૂઆતમાં રાજને શીખતા લાંબો સમય લાગતો હતો. પણ એ શીખ્યો. અને આજે તો રાજ મારા કોચિંગ સેન્ટરમાં નોર્મલ બાળકોને સ્કેટિંગ શીખવે છે.' રાજને સ્કેટિંગ શીખવવા દરમિયાન તેમના કોચે ક્યારેય રાજ પાસેથી સ્કેટના પૈસા નથી લીધા.

સ્પેશિયલ ઓલિમ્પિકમાં જીત્યા મેડલ 

રાજના મમ્મી ભાવનાબેન સ્પેશિયલ એજ્યુકેશનમાં કામ કરે એટલે તેમને આવા બાળકો માટેની સ્પર્ધાઓની ખબર પડી. રાજને તેમણે ખેલ મહાકુંભમાં ભાગ લેવા મોકલ્યો અને સ્પેશિયલ કેટેગરીમાં રાજે ગોલ્ડ મેડલ જીત્યો. બસ પછી તો રાજ આગળ સ્પર્ધાઓમાં ભાગ લેતો જ ગયો. નેશનલ લેવલે પણ રમ્યો. અને છેલ્લે તેણે દુબઈ ખાતે યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં 2-2 મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. રાજે રોલર સ્કેટિંગમાં 100 મીટરમાં સિલ્વર મેડલ અને 300 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.  જો કે રાજ બંધારાની અહીં સુધીની સફર સહેલી નથી રહી. રાજ જીવતું જાગતું ઉદાહરણ છે કે પરિસ્થિતિ સામે લડીને, પડકારોને કેવી રીતે પહોંચી વળાય. 

Saturday, 16 March 2019

Movie Review:કેવી છે મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર ?

Movie Review:કેવી છે મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર ?
ઓવરઓલ સારી છે, પણ બધાને નહીં ગમે
સ્ટારકાસ્ટઃ ઓમ કનોજિયા, અંજલિ પાટિલ, મકરંદ દેશપાંડે
લેખકઃ હુસૈન દલાલ, મનોજ મૈરતા, રાકેશ ઓમપ્રકાશ મહેરા
ડિરેક્ટરઃ રાકેશ ઓમપ્રકાશ મેહરા
નિર્માતાઃ રાકેશ ઓમપ્રકાશ મહેરા અને અન્ય

તો ભૈયા યૈ હૈ ઔર એક શૌચાલય કે મેસેજવાલી ફિલ્મ

અરે ભાઈ, આ વાત તો તમને પણ ટ્રેલર જોઈને ખબર પડી જ ગઈ હશે. ટોઈલેટ એક પ્રેમકથાની જેમ વાત અહીં પણ સિમ્પલ છે. રાકેશ ઓમપ્રકાશ મહેરા તમને કહેવા માગે છે કે દેશમાં લાખો લોકો શૌચાલય વગર જીવે છે, અને તેમણે કેવી જિંદગી ગુજારવી પડે છે. સ્ત્રીઓને ખુલ્લામાં જતા કેટલી શરમ આવે છે. વગેરે વગેરે. ટોઈલેટમાં સ્ટોરી થોડી જુદી રીતે કહેવાઈ હતી અહીં સેન્સિટિવીટી થોડી વધારે છે. પણ મેસેજની સાથે સાથે લોકોને ફિલ્મ જોવા મજબૂર કરે એવું એન્ટરટેઈનમેન્ટ ફેક્ટર ખૂટે છે.

ફિલ્મમાં શૌચાલયના મેસેજની સાથે સાથે અન્ય બે મેસેજ પણ ડિરેક્ટરે ખૂબ સરળતાથી આપી દીધા છે. એક તો હિન્દુ-મુસ્લિમ છોડીને યુનિટીનો મેસેજ તમે ગમી જશે, જ્યારે કાન્હા એટલે આપણો નાનકડો હીરો અને તેની માતા પાડોશી મુસ્લિમ ફેમિલી સાથે બેસીને જમશે. બીજી વાત એ કે રેપ થયા બાદ પણ એક સ્ત્રીને સ્વીકારી શકાય, લગ્ન કરી શકાય. આ બે મેસેલ ખૂબ જ સલુકાઈથી આપી દેવાયા છે.

એક્ટિંગમાં તો આવું છે ભાઈ

કાન્હાની મોમના રોલમાં અંજલિ પાટિલની એક્ટિંગ સારી છે. નેશનલ એવોર્ડ વિનર છે. તેનામાં સિંગલ મધરની સ્ટ્રગલ પણ દેખાય છે અને નાની ઉંમરની સ્ત્રીના અરમાનો પણ. તો કાન્હાના રોલમાં ઓમ કનોજિયાની ઈનોસન્સ પણ તમને ગમી જશે. પણ અહીં છોટા પેકેટ બડા ધમાકા પણ છે. કાન્હાનો મિત્ર રિંગટોનની એક્ટિંગ દરેક સીનમાં તમને ગમશે. રિંગટોનના રોલમાં આદર્શ ભારતી ધ્યાન ખેંચી લે છે. અને મકરંદ દેશપાંડે નામ હી કાફી હૈ ભાઈ. તમે જ્યારે હોળીના ગીતમાં મકરંદને નાચતા જોશો ત્યાં જ તેના ફેન થઈ જશો.


શું ખૂટે છે ?

જુઓ ભાઈ આ શૌચાલય બનાવવાનો મેસેજ તો આપણે ટોઈલેટમાં જોઈ ચૂક્યા છીએ. વળી એમાં અક્ષયકુમાર પણ હતા. તો ઝૂંપડપટ્ટીની લાઈફ સંખ્યાબંધ ફિલ્મોમાં દર્શકો જોઈ ચૂક્યા છે, એમાંય ઝોયા અખ્તરની લેટેસ્ટ ફિલ્મ ગલી બૉયમાં તો લોકોએ તે ડિટેઈલમાં જોઈ છે. બસ આ જ ડિટેઈલિંગ ખૂટે છે. એક ઝૂંપડપટ્ટીની મુશ્કેલીઓ, ઝૂંપડપટ્ટીના લોકોની મુશ્કેલીઓ પાણીની તંગી કરતાંય વધુ છે. એ બતાવવાનું ચૂકાયુ છે. વળી જ્યારે સોશિયલ મેસેજ આપવો હોય ત્યારે કડવી દવા જેમ માતા બાળકને ફોસલાવીને પીવડાવે તેમ એન્ટરટેઈનમેન્ટ સાથે આપવો પડે. જેથી દર્શકો સુધી પહોંચે અને પૂરેપૂરો પહોંચે. બસ રાકેશ ઓમપ્રકાશ મહેરા સોશિયલ ઈસ્યુ હાઈલાઈટ કરવામાં એન્ટરટેઈનમેન્ટ ચૂક્યા છે.

ઓવરઓલ ફિલ્મ સારી છે સાથે નબળી પણ છે. બધાને નહીં ગમે.


મિડ ડે મીટરઃ 2.5 સ્ટાર (આ અડધો સ્ટાર ખાસ રિંગટોનની એક્ટિંગ માટે)

Friday, 31 August 2018

સંઘર્ષ વચ્ચે તપીને સરિતાએ મેળવી 'સુવર્ણ' સિદ્ધિ

એક પછાત જિલ્લાના અત્યંત પછાત ગામની યુવતીએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

ડાંગ, આ જિલ્લાની ઓળખ તેના કુદરતી સૌંદર્યને લીધે છે. ડાંગને ગુજરાતનું સ્વીટ્ઝર્લેન્ડ પણ કહેવાય છે. એમાંય હાલ જો ચોમાસા દરમિયાન તમે ડાંગનો કુદરતી નજારો માણો તો આંખો ક્યારેય ન થાકે. પરંતુ ઠેર ઠેર પથરાયેલા કુદરતી સોંદર્ય વચ્ચે ડાંગમાં એવા અનેક ગામડા છે, જ્યાં પ્રાથમિક સુવિધા નથી. તમે કદાચ માની નહીં શકો કે આજના જમાનામાં જ્યાં ઈન્ટરનેટ હાથવગું છે, ત્યારે અહીંના કેટલાક ગામમાં હજી છાપું પણ નથી પહોંચતું. અને આવા જ એક ગામની છોકરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરીને ગોલ્ડ મેડલ અપાવે તે વાત કદાચ માની ન શકાય. પણ, ડાંગની દોડવીરે આ વાત સાચી કરી બતાવી છે.

વાત છે સરિતા ગાયકવાડની. છેલ્લા 24 કલાકમાં કદાચ તમે આ નામ તમારી ટીવી સ્ક્રીન પર કે સોશિયલ મીડિયા પર વાંચી ચૂક્યા હશો, અને ફોટા પણ જોઈ ચૂક્યા હશો. તમારા હાથવગા ઈન્ટરનેટથી સરિતા પર તમે શુભકામનાઓનો વરસાદ પણ વરસાવ્યો હશે. પરંતુ જે દેખાઈ રહી છે તે સરિતાની સુવર્ણ સફળતા છે. તેની પાછળ સરિતા અને તેના પરિવારનો જબરજસ્ત સંઘર્ષ રહેલો છે.  ભારતને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતાડનાર સરિતાએ આ સફળતા માટે આકરો સંઘર્ષ કર્યો છે. કહેવાય છે કે શુદ્ધ સોનું પકવવા માટે આકરી આગમાં તેને તપવવું પડે. સરિતાની આ સુવર્ણ સફળતા પણ સંઘર્ષની આગમાંથી તપીને નીકળી છે.

સરિતા ગાયકવાડ વતની છે, પછાત ગણાતા ડાંગ જિલ્લાની. એમાં પણ આહવા તાલુકામાં આવેલા અંતરિયાળ ગામ કરાડી આંબા એ સરિતાનું ગામ. જ્યાં પ્રાથમિક સુવિધાઓ માત્ર નામ પૂરતી છે. વાહનવ્યવહારની સગવડ નથી, બસ પકડવા માટે પણ ચાર કિલોમીટર ચાલીને ચીખલી સુધી જવું પડે ત્યારે ક્યાંક જઈ શકાય. મોબાઈલ નેટવર્ક પકડવા માટે ઉંચી ટેકરી પર જવું પડે છે, ત્યારે ઈન્ટરનેટની તો વાત જ શું કરવી. પાણીની સુવિધા પણ હજી કેટલાક મહિનાઓ પહેલા આવી છે. વીજળી છે પણ નામની. મૂડ આવે ત્યારે લાઈટ આવે ને ઈચ્છા હોય ત્યારે જતી રહે. એટલે કે ગામમાં કમ્યુનિકેશનના નામે મીંડુ છે. વળી આ ગામમાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે. ગામની આવી સ્થિતિ જોઈને કદાચ પહેલીવાર માની ન શકાય કે કરાડી આંબામાંથી કોઈ વ્યક્તિ એમાંય યુવતી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નેતૃત્વ કરે અને ગોલ્ડ મેડલ પણ અપાવે. પરંતુ એશિયન ગેમ્સમાં સરિતાએ સિદ્ધિ મેળવીને સાબિત કર્યું છે સફળતા કોઈ સુવિધાઓની મોહતાજ નથી હોતી.

કરાડી આંબા ગામ વિશે સાંભળીને જ સરિતાએ આ લેવલ પર પહોંચવા માટે કેટલી મહેનત કરવી પડી હશે, તેનો આછો અંદાજ આવી જાય. પરંતુ આ તો સંઘર્ષની શરૂઆત હતી. એક તો પછાત ગામ અને અપાર આર્થિક મુશ્કેલીઓ. નળિયાવાળું નાનકડું ઘર. ઘરની દીવાલો પર કાચી માટીનું લીંપણ. બહારથી ઘરની દીવાલોની ઈંટો દેખાય, અને અંદર લટકે છે સરિતાની સફળતાના પ્રતીક મેડલ્સ.


આવું છે ગોલ્ડ મેડલ જીતનાર સરિતાનું ઘર. પાયાની સુવિધાઓ વગર સપના પૂરા કરવા એ સરિતાની પહેલી પરીક્ષા હતી. પરંતુ સૌથી મોટી મુશ્કેલી હતી પૈસાની. અંતરિયાળ ગામ હોવાને કારણે અહીં કોઈ ધંધા ઉદ્યોગ તો છે નહીં. ગામના મોટા ભાગના લોકો ખેતમજૂરી કરે છે. તે પણ ત્યારે જ મળે જ્યારે પાકની સિઝન હોય. બાકીના સમયે તો ઘરમાં ખાલી હાંડા જ કુસ્તી કરે. 


સરિતાના માતા રમુબહેન અને પિતા લક્ષ્મણભાઈ પણ ખેતમજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે. એક તો ખેત મજૂરીની ટૂંકી આવક તેમાં સરિતા સહિત ચાર સંતાનને ભણાવીને મોટા કરવાના. જો કે જે રીતે સરિતાએ સંઘર્ષ કર્યો છે, પરિસ્થિતિનો પડકાર ઝીલ્યો છે, તેટલી જ મહેનત તેના માતાપિતાની પણ છે.

ડાંગના અંતરિયાળ ગામમાં જન્મેલી સરિતા ગાયકવાડ ખડતલ તો હતી જ. પરિસ્થિતિ સાથેના સંઘર્ષે જ તેને શારીરીકની સાથે સાથે માનસિક બળ આપ્યું. ગામમાં કોઈ સુવિધા ન હોવાને કારણે ક્યારેક પાણી લેવા ટેકરીઓ ચડવી ઉતરવી પડે, તો કિલોમીટરોના કિલોમીટર સુધી ચાલવું પડે. બાળપણથી આ રીતે મોટી થયેલી સરિતાની શારિરીક તાકાત વિક્સી હતી. પણ ગામમાં ન તો સ્પોર્ટ્સ માટે કોઈ સુવિધા હતી, ન તો કોઈ પ્રોત્સાહન મળી શકે તેવી સ્થિતિ. હાલ ભલે સરિતાએ 4*400 મીટર રિલેમાં ગોલ્ડ અપાવ્યો હોય, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે સરિતા મૂળ ખેલાડી હતી ખો ખોની. એટલે સુધી કે સરિતા 17-17 વખત રાષ્ટ્રીય સ્તરે ખો ખોની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે.


વાંસદાની સ્કૂલમાં અભ્યાસ કરતી સરિતા ખો ખોમાં ભલભલા ખેલાડીઓને પાછળ પાડી દેતી. સ્કૂલનું શિક્ષણ પુરુ થયા પછી સરિતાને ગ્રેજ્યુએશન કરવું હતું. અને અહીં સુધી તો સરિતાએ ક્યારેય એથ્લેટિક્સમાં ભાગ લેવાનું વિચાર્યું નહોતું. પણ ચીખલીની એમ.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સરિતાને પ્રવેશ મળ્યો. અને અહીંના કોચે તેને ખો ખોની સાથે સાથે લાંબી દોડમાં ભાગ લેવાની સલાહ આપી. સરિતાએ દોડવાની શરૂઆત કરીને ટ્રેક પર આ ડાંગ એક્સપ્રેસની સ્પીડ જોઈને તમામ લોકોની આંખો પહોળી થઈ જતી.

આજે સરિતાની સફળતાથી ખુશ તેના પિતા લક્ષ્મણભાઈ ભીની આંખે કહે છે કે,'પરિવારમાં આવક ઉભી કરવી પ્રાથમિક્તા હતી. અને એમાંય ચાર ચાર સંતાનોને ભણાવીને મોટા કરવાના. પણ ટૂંકી આવકમાંય જેમ તેમ કરીને અમે બાળકોને ભણાવ્યા. અને બાળકોએ પણ આજે અમારી મહેનતને સાર્થક કરી બતાવી છે.' હાલ તો સરિતાનો પરિવાર ખુશખુશાલ છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે સરિતા માટે મેદાન સુધી પહોંચવાના પૈસા ન હતા.

આર્થિક સ્થિતિ એવી કે સરિતા જોડે દોડવા માટે ન તો શૂઝ હતા. ન તો પૂરતા ખોરાકની સગવડ. જો કે અહીં સરિતાને સહાય મળી એમ.આર.દેસાઈ કોલેજ તરફથી. કોલેજે સરિતાને શૂઝ આપ્યા સાથે જ સરિતાને જરૂરી આર્થિક સહાય પણ મળી.સરિતાના હેડ કોચ જયમલ નાઈક કહે છે કે, 'શરૂઆતમાં સરિતા શૂઝ વગર દોડતી હતી. તેને શૂઝ પહેરીને દોડવાનું કહેવાયું. પરંતુ બાળપણથી શૂઝ વગર દોડી હોવાને કારણે તેને શૂઝ ન ફાવ્યા. તેમ છતાંય તેણે ટ્રેક પર બાકીની તમામ હરીફોને ધૂળ ચાટતી કરી દીધી. જો કે બાદમાં અમે તેને શૂઝ પહેરીને દોડવાની તાલીમ આપવાની શરૂ કરી.' એક તરફ સરિતાની મહેનત હતી અને આર્થિક સહાય કોલેજ તરફથી મળવાની શરૂ થઈ, બસ અહીંથી સરિતાએ ટ્રેક પર એવી સ્પીડ પકડી કે પાછું વાળીને જોયું નથી. સરિતાની સ્પીડ જોઈને નડિયાદ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા તાલીમ માટે તેની પસંદગી થઈ. અહીં 2 વર્ષની તાલીમ બાદ સરિતાની મહેનત રંગ લાવી. અને નેશનલ કેમ્પ પટિયાલામાં ટ્રેનિંગ માટે સરિતાને તેડું આવ્યું. આકરા સંઘર્ષની આગમાંથી પસાર થયા બાદ સરિતાની કિસ્મતની ચાવી ખુલી હતી.


નેશનલ કેમ્પમાં જબરજસ્ત મહેનત અને આકરી તાલીમ બાદ નેશનલ લેવલ પર તો સરિતા સારું પ્રદર્શન કરી જ રહી હતી, મેડલ્સ પણ જીતી રહી હતી. પરંતુ દરેક ખેલાડીનું જે સપનું હોય છે, તેવું જ ઈન્ડિયાની ટી-શર્ટ પહેરી દેશને ગૌરવ અપાવવાનું સરિતાનું સપનું પણ હજી રાહ જોવડાવતું હતું. આખરે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ માટે સરિતાની પસંદગી થઈ. જો કે આ ગેમ્સમાં ભારતને રિપ્રેઝન્ટ કરવાનું તેનું સપનું જરૂર પુરુ થયું, પણ સરિતાને મેડલ ન જીતી શકવાનો અફસોસ હતો.. કોમનવેલ્થ ગેમ્સ બાદ જકાર્તામાં જ ગયા વર્ષે યોજાયેલી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સરિતા ટ્રેક પર ઉતરી અને આ વખતે મેડલ પણ જીતી લાવી. જે બાદ અમેરિકાના બહામાસમાં યોજાયેલી રિલે ચેમ્પિયનશિપમાં પણ સરિતા ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. સરિતાના સતત જબરજસ્ત પર્ફોમન્સે જ તેને એશિયન ગેમ્સમાં તક અપાવી. બસ તક સરિતાએ ઝડપી લીધી અને 4*400 મીટર રિલેની ટીમ ઈવેન્ટમાં સરિતા પોતાની ટીમમેટ્સ હીમા દાસ, પૂવમ્મા રાજુ મછેત્તીરા અને વેલ્લુવા કોરોથ વિસ્મયા સાથે એવું દોડી કે ગોલ્ડ મેડલ જીતી લાવી.


સંઘર્ષની આગમાં તપીને નીકળેલી સરિતાની સિદ્ધિને સો સો સલામ. એશિયન ગેમ્સમાં સફળતા મેળવી ચૂકેલી આ ડાંગી દોડવીરની નજર હવે 2020માં યોજનારા ટોકિયો ઓલિમ્પિક્સ પર છે. સરિતા હવે ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીતવા ઈચ્છે છે. ત

Monday, 2 January 2017

તારી યાદ....

દિલના એક ખૂણે ધરબેલી તારી યાદો નીકળી,
જેને સંતાડી હતી હ્રદયના એક અંધારા ખૂણામાં
મૂક્યો હતો એક કાળમીંઢ પથ્થર એના પર
પણ
લાગણીની એ લીલીછમ કૂંપળ આજે ફરી ફૂટી નીકળી

Thursday, 15 December 2016

કરચલી

આ કરચલી નથી, મારા વૃદ્ધત્વની નિશાની,
એ તો ઘા છે, મારા જીવન સમરાંગણના

Wednesday, 12 October 2016

જિંદગી

શરૂઆત
નિર્દોષ બાળપણ
યૌવન
હૂંફાળી હવા
આહલાદક વાતાવરણ
ઊંઘવાની મજા
તાપ
જવાબદારી
આકરી ગરમી
પડકારો
વરસાદ માટે ટાળવળતી ધરતી
જમીનમાં પડેલા ચીરા
મુશ્કેલીઓ
ગરમ પવન, વાતી લૂ
સુસવાટા
વંટોળ
મહેનત કરીને ઉગાડેલા પાકને ઉખાડી નાખતું વાવાઝોડું
નિષ્ફળતા
ફરી ખેડાતું ખેતર
વધુ એક પ્રયત્ન
આકરી મહેનત
પરસેવાથી તરબતર
ઇન્તેજાર
વરસાદ
સફળતા
આનંદ

Wednesday, 31 August 2016

મિશન 2017:ભાજપ માટે કપરું ચઢાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં જે યોજનાનું ખાતમૂહુર્ત કર્યું હતું.. તે સૌની યોજનાનું મંગળવારે લોકાર્પણ કરાયું. કાર્યક્રમ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની તંગી દૂર કરવા માટે તૈયાર થયેલી સૌની યોજનાના પહેલા તબક્કાના લોકાર્પણનો હતો. પરંતુ નિશાન હતું 2017ની વિધાનસભા ચૂંટણી. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ભલે ક્યાંય ચૂંટણીલક્ષી ઉલ્લેખ ન કર્યો હોય, પરંતુ ચૂંટણી માટે ભાજપની તૈયારીઓનું રણશિંગુ જરૂર ફૂંકી દીધું છે. ભાજપે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રની પ્રજાને ખુશ કરવાનો પ્રયત્ન જરૂર કર્યો છે.. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં જે ગુજરાત ભાજપને ચૂંટણી જીતવાની આદત પડી તે ભાજપ માટે આવનારી વિધાનસભાની ચૂંટણી આસાન સ્હેજેય નહીં હોય.
ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં શાસન ટકાવી રાખવા માટે આ વખતે ભાજપે નક્કર પ્રયત્નો કરવા પડશે તે નક્કી છે. પાટીદાર આંદોલન, દલિત અત્યાચાર કાંડ ઉડીને આંખે વળગે તેવા આ બે મુદ્દા ભાજપની સત્તાની ખુરશીના પાયા હલાવી શકે છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ હાલ ભલે ગુજરાતની બહાર હોય પરંતુ ચૂંટણી પહેલા તો તે પણ ગુજરાતમાં પાછા ફરશે. અને ભૂતકાળ જોતા તે પાટીદારોને ભાજપ વિરુદ્ધ મત આપવા હાકલ પણ કરશે. પાટીદાર આંદોલનને પગલે ભાજપની પરંપરાગત ગણાતી પાટીદાર વોટબેન્કમાં ગાબડું પડી ચૂક્યું છે.. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તેના પરિણામ પણ ભોગવી ચૂકી છે. ત્યારે ભાજપે પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયત્ન કર્યો છે. પોતાની શાખ બચાવવા ભાજપે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કર્યું, પરંતુ ભાજપને પણ ઉંડે ઉંડે પાટીદારો પોતાનો સાથ છોડશે તેવી ચિંતા સતાવી રહી છે. પરિણામે પાટીદારોને રાજી કરવા માટે નીતિન પટેલને ઉપમુખ્યપ્રધાન બનાવાયા, તો પાટીદાર નેતા જીતુ વાઘાણીને પક્ષ પ્રમુખનો તાજ પહેરાવાયો.. પરંતુ માર્ગ હજી  પણ કાંટાળો છે. કેટલાક સમય પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જોતા આગામી ચૂંટણીમાં પાટીદારો ભાજપને કેટલે અંશે સાથ આપે છે તે એક સવાલ છે.. હવે જો ભાજપની પરંપરાગત વોટબેન્ક જ તેનો સાથ છોડે તો ભાજપના વોટની ટકાવારીમાં ખાસ્સો એવો ફરક નોંધાઈ શકે છે..
ફક્ત પાટીદારો જ નહીં પરંતુ દલિતો પણ આવનારી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે.. આનંદીબહેનના કાર્યકાળના અંતિમ તબક્કામાં ઉનાના સમઢિયાળામાં થયેલા દલિત અત્યાચારની ગૂંજ સંસદ સુધી સંભળાઈ.. અને એક પાટીદારોની નારાજગીનો સામનો કરી રહેલા ભાજપે દલિતોની પણ નારાજગી વહોરવી પડી.. અત્યાચારના બહાર આવેલા વિડીયો બાદ રાજ્યભરમાં દલિતો એક થયા. દલિતો ભલે પાટીદાર આંદોલન જેટલી મોટી ચળવળ ઉભી નથી કરી શક્યા. પરંતુ છૂટાછવાયા યોજાઈ રહેલા દલિત સંમેલનો સભાઓ એ વાતની સાબિતી છે કે રાજ્ય સરકાર પ્રત્યે હજી પણ દલિતોના મનમાં રોષ ભભૂકી રહ્યો છે.. જો વિધાનસભાની ચૂટણી પહેલા ભાજપ આ રોષ ઠારવા કોઈ અસરકારક કામગીરી નહીં કરે તો તે જ્વાળામુખી બનીને ભાજપને નુક્સાન જરૂર પહોંચાડી શકે છે..
તો આમ આદમી પાર્ટી પણ ભાજપની જીતમાં વિઘ્ન ઉભું કરી શકે છે. રાજ્યમાં પગ જમાવવા મથતી આમ આદમી પાર્ટી ભલે ભાજપની સત્તા ન હલાવી શકે. પરંતુ તેના પાયા જરૂર ડગમગાવી શકે છે. દિલ્હીમાં સત્તા મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીની નજર પંજાબ અને ગોવાની સાથે સાથે ગુજરાત પર પણ છે, અને આ માટે આમ આદમી પાર્ટીએ સંગઠન મજબૂત કરવાની કવાયતો શરૂ કરી દીધી છે. ભાજપથી નારાજ પાટીદારો અને દલિતોના મત પોતાની તરફ ખેંચવા આમ આદમી પાર્ટી પ્રયાસો કરી રહી છે. તો દિલ્હીના શાસનનું ઉદાહરણ આપી ગુજરાતની પ્રજાને આકર્ષવાની કોશિશ કરાઈ રહી છે.. એટલે સુધી કે અરવિંદ કેજરીવાલ ટૂંકાગાળામાં બે વખત ગુજરાતનો પ્રવાસ ખેડી ચૂક્યા છે.. ત્યારે ભાજપ માટે આ કપરાં કાળમાં આમ આદમી પાર્ટી પણ પડકાર સાબિત થઈ શકે છે..
 ગુજરાતીઓના મન જીતવા કેજરીવાલ એન્ડ કંપની ધમપછાડા તો કરી રહી છે પરંતુ ઈતિહાસ જોતા ગુજરાતની પ્રજાએ ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી ત્યારે ભાજપ માટે આમ આદમી પાર્ટી કદાચ પોતાની હરિફાઈ જ નહીં હોય, પરંતુ લાંબા સમય બાદ કોંગ્રેસ જરૂર ભાજપને  સ્પર્ધા પૂરી પાડી શકે છે... નરેન્દ્ર મોદીના શાસનકાળમાં તો રાજ્યમાં જાણે વિપક્ષ જ ન હોય તેવો શન્યાવકાશ સર્જાયો હતો. પરંતુ રાજ્યમાં મરણપથારીએ પડેલી કોંગ્રેસમાં પાટીદાર આંદોલને પ્રાણ ફૂંક્યો.. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ પર ભારે પડ્યા બાદ કોંગ્રેસમાં દોડવાનું જોમ આવ્યું. હવે હાથમાં આવેલી તક કોંગ્રેસ જવા દેવા તૈયાર નથી. ચૂંટણીમાં જીતના જાગેલા આશાના કિરણ બાદ કોંગ્રેસે પણ 2017ની ચૂંટણી માટે કમર કસી લીધી છે. એક સમયે ખામ થિયરી અપનાવનાર કોંગ્રેસ હવે પટેલો અને દલિતોને પોતાના પક્ષમાં કરવાના મૂડમાં છે..
તો પોતાના ચાર્મથી લોકોને આકર્ષતા વડાપ્રધાન મોદી અને ચૂંટણીને ચાણક્ય ગણાતા અમિત શાહ પણ આ ચૂંટણીમાં ગુજરાતમાં નથી.. પાછલી દરેક ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપનો ચહેરો હતા.. અને અમિત શાહ ચૂંટણીની રણનીતિ ઘડતા હતા. જો કે હવે આ બંને નેતાઓ રાષ્ટ્રીય કક્ષાએ સક્રિય છે..આ બંને નોતાઓ ભાજપને જીતાડવા પ્રયત્ન જરૂર કરશૈ.. પરંતુ  અમિત શાહ અને નરેન્દ્ર મોદી જેવા બે માહિર મહારથીઓની ગેરહાજરીથી ભાજપને ચૂંટણી અભિયાનોમાં મુશ્કેલી પડી શકે છે.
સરવાળે, પાટીદાર આંદોલન, દલિત અત્યાચાર કાંડ, ભાખોડિયા ભરી રહેલી આમ આદમી પાર્ટી અને નવયુવાન થયેલી કોંગ્રેસ આ ચારેય મુદ્દા ભાજપને 2017ની ચૂંટણી જીતવામાં અંતરાય રૂપ જરૂર સાબિત થઈ શકે છે.. પરંતુ વિધાનસભાની ચૂંટણીને હજી 12 મહિનાની વાર છે, ત્યારે ટી.20 મેચની માફક પાસું ક્યારેય પણ પલટાઈ શકે છે.. માટે આગે આગે દેખિયે હોતા હૈ ક્યા... 

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...