Tuesday, 11 February 2020

શૂટિંગ પહેલા રણવીરસિંહ ભૂલ્યા વગર જરૂર કરે છે આ કામ!




બોલીવુડ સુપરસ્ટાર એન્ડ ટેલેન્ડ એક્ટર રણવીરસિંહ હાલ તેની અપકમિંગ ફિલ્મ જયેશભાઈ જોરદારના શૂટિંગમાં વ્યસ્ત છે. આ જ ફિલ્મના શૂટિંગ માટે જાન્યુઆરીમાં રણવીરસિંહ ગુજરાત પણ આવ્યા હતા. ગુજરાતમાં જયેશભાઈ જોરદારનું 30 દિવસનું શૂટિંગ થયું છે. આ ફિલ્મને કેવી રીતે જઈશ, બે યાર અને ચાસણીમાં લીડ રોલ કરી ચૂકેલા દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરી રહ્યા છે. ગુજરાતી બેકગ્રાઉન્ડ પર આધારિત આ ફિલ્મમાં ઘણા ગુજરાતી કલાકારો પણ જોવા મળશે. ત્યારે વન ઈન્ડિયાએ પણ રણવીર સાથે કામ કરી ચૂકેલા ગુજરાતી કલાકારો સાથે વાત કરીને તેમનો અનુભવ જાણ્યો છે.

ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં હંમેશા રણવીરિસિંહના એનર્જીલેવલ અંગે ચર્ચા થઈ હોય છે. રણવીર કેરેક્ટરને કેટલું અદ્દલ ભજવે છે એની ચર્ચા થતી હોય છે. જો કે સેટ પર આ માટે રણવીર કેવી તૈયારી કરે છે એ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. જી હાં, રણવીરસિંહ શૂટ શરૂ થતા પહેલા સેટ પર મોટેથી મ્યુઝિક ખાસ સાંભળે છે. જયેશભાઈ જોરદારમાં રણવીર સાથે કામ કરી રહેલા ગુજરાતી એક્ટર મેહુલ દેસાઈએ પોતાનો અનુભવ શૅર કરતા કહ્યું કે,રણવીર શૂટ દરમિયાન ખૂબ જ સ્ટ્રીક્ટ હોય છે.  એક વખત એક્શન બોલાય પછી પિન ડ્રોપ સાઈલન્સ એને જોઈએ છે. જો કે શૂટિંગ શરૂ થાય એ પહેલા રણવીર ચિલ હોય છે. જયેશભાઈના સેટ પર પણ એ અમારી સાથે ખૂબ મસ્તી કરતો. મજાક કરતો. કૂલ રહેતો, પણ એક વખત એક્શન થાય પછી પેકઅપ સુધી એ શૂટિંગમાં જ ઈન્વોલ્વ હોય છે.

 જાહેરજીવનમાં ભલે રણવીરસિંહ કેટલો ડિસિપ્લિન્ડ છે એની ચર્ચાઓ થતી હોય, પરંતુ એક્ટિંગ બાબતે આ સુપરસ્ટાર ખૂબ જ મહેનત કરે છે. મેહૂલ દેસાઈના કહેવા પ્રમાણે,કેરેક્ટર પકડવા કે ફીલ પકડવા માટે રણવીર શૂટ પહેલા જે-તે સીનની ફીલનું મ્યુઝિક વગાડે છે. એટલે કે રોમેન્ટિક સીન હોય તો એ ટાઈપનું અને સેડ સીન હોય તો શૂટ કરતા પહેલા એ સેટ પર એ મ્યુઝિક વગાડે છે. આ ઉપરાંત રસપ્રદ વાત એ છે કે રણવીરસિંહના નામે ભલે ઢગલાબંધ હિટ ફિલ્મો બોલતી હોય અને એ સંખ્યાબંધ બેસ્ટ એક્ટરના એવોર્ડ પણ જીતી ચૂક્યા હોય, તેમ છતાંય શૂટિંગ પહેલા રિહર્સલ ખાસ કરે છે. ક્યારે ક્યાં કેમેરા હશે, કઈ મૂવમેન્ટ કરવાની છે, આ બધી જ તૈયારી પરફેક્ટ રીતે કર્યા પછી જ રણવીરસિંહ શૂટિંગ શરૂ કરે છે.

        મેહૂલ દેસાઈના ફિલ્મમાં રણવીરસિંહ સાથે વન ટુ વન સીન પણ છે. એ અંગે મેહુલનું કહેવું છે કે શૂટિંગમાં રણવીર એટલો ઈન્ટેન્સ હોય છે કે એની આંખોમાં જોઈને તમે પણ શાનદાર પર્ફોમ કરી શકો. ઉલ્લેખનીય છે કે રામ લીલા બાદ રણવીરસિંહ જયેશભાઈ જોરદારમાં ફરીવાર ગુજરાતી પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મ યશરાજ બેનર હેઠળ બની રહી છે.

Friday, 7 February 2020

જ્યારે મેં પહેલીવાર 'આગિયા' જોયા !!


ઉંમર હતી 22 વર્ષ, સાલ હતી 2014. સ્થળ હતું પાટણનું કોઈક ગામ, હાલ તો નામ યાદ નથી. પણ એ દિવસે લાગ્યુ કે વાહ, કુદરત પણ કરામતી છે ને યાર ! બાળપણમાં ભણતી વખતે આગિયા વિશે જાણ્યુ હતું. કવિતાઓ અને જુદા જુદા પાઠમાં આગિયાના વર્ણન આવતા, એટલે આપણને એટલી ખબર કે અંધારામાં કંઈક ચમકે, પણ જોયુ હોય તો ખ્યાલ આવેને ! એટલે સમજણ પડી ત્યારે લાગ્યુ કે અબરખની જેમ ચમકતુ હશે. થોડી વધુ સમજણ પડી ત્યારે લાગ્યુ કે રેડિયમ જેવું હશે. પણ જ્યારે સાચેસાચ જોયા ત્યારે તો આમ મજા મજા પડી ગઈ.

ગામડા સાથે મારો દૂર દૂરનો કોઈ નાતો નથી. હા દાદા અને ભાભુ (એટલે અમે મોટા પપ્પાને દાદા કહીએ) ગામડે રહે છે, પણ ત્યાં જવાનું, રહેવાનું ખાસ બન્યુ નથી. એકાદ વેકેશનમાં 4-5 દિવસ રહ્યો હોઈશ. પણ ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ ભણતી વખતે આવી તક 3 - 3 વાર મળી. પહેલીવાર NSS કેમ્પમાં સતત સાત દિવસ ગામડામાં રહ્યો પછી પદયાત્રાના ભાગ રૂપે એક વખત પાટણ અને બીજી વખત વલસાડના ગામડાઓમાં 4-4 દિવસ રહેવા મળ્યુ. અને મારાજ જેવા અમદાવાદી, જેનું ફેવરિટ સિટી મુંબઈ છે, એને જો જાણે જલસો પડી ગયો.

પન્નાલાલ પટેલ, મેઘાણીની વાર્તાઓમાં વાંચેલા તમામ દ્રશ્યો જાણે તાદૃશ થતા ગયા. એ ગાયોનું ધણ, છોકરાઓની મસ્તી, ઉડતી ધૂળ, ગામ વચ્ચે માત્ર એક જ સરકારી સ્કૂલ, ચોરે બેઠેલા ભાભાઓ, કપડા ધોવા જતી મહિલાઓ આ બધુ પુસ્તકના પાનામાં વાંચ્યુ હતુ, પણ જોયુ પહેલીવાર, ગાડામાં બેઠો પહેલીવાર, ખેતરમાં ગયો પહેલીવાર. અને સાચુ કહુ તો એ જ્યારે જોયુ ને એ ફીલિંગને એ, ચહેરા પર અનુભવેલી એ હવાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય એમ જ નથી. 

એમાંય રાતે તો આગિયા જોવા મળ્યા. કેવી અજબ જેવી વાત છે ! એક નાનકડુ જંતુ અને જંતુના ચમકતા ટોળેટોળા. કેમનું ચમકતુ હશે આ? કેવા ઉડાઉડ કર્યા કરે ? ઓટલે બેઠા બેઠા જોવાની જે મજા પડી છે, જે મજા પડી છે. ગજ્જબ.. આટલુ બધુ હતુ, અને 22 વર્ષ સુધી ક્યાં હતો હું? જાણે અફસોસ થયો ઘણું ગુમાવ્યાનો. અહીં અમદાવાદમાં તો તારા પણ નથી દેખાતા. અને મુંબઈ ભલે આપણા કરતા વધુ વિકસિત હોય, પણ ત્યાં તારા દેખાય છે, ત્યાં લીલોતરી દેખાય છે, ઝાડનો છાંયો મળી રહે છે. આપણે જ ક્યાંક ચૂક્યા છીએ. સાલુ આપણે આપણી આવનારી પેઢીને આ બધાથી વંચિત રાખીશું ? મને તો આગિયા છેક 22 વર્ષે જોવા મળ્યા. પણ હવેની પેઢીનો ચકલી કદાચ જોવાય નહીં મળે. ઠીક છે, આ બધી ચર્ચાઓ તો આપણે કરતા હોઈએ છીએ ને કરીને ભૂલીય જઈએ છીએ. 

Thursday, 6 February 2020

Movie Review: તો આવી છે Luv ni Love Story!!!



પ્રતીક ગાંધીની ફિલ્મ હોય, એટલે સ્વાભાવિક છે કે અપેક્ષાઓનો અંબાર હોય. એમાંય આ વખતે તો ત્રણ ત્રણ હિરોઈન્સ શ્રદ્ધા ડાંગર, વ્યોમા નંદી અને દીક્ષા જોશી સાથે છે, એટલે ફિલ્મ જોવાની ઈચ્છા જબરજસ્ત હોય. વળી પ્રતીક ગાંધીએ આ વખતે થોડો અલગ રોલ કરવાનો ટ્રાય કર્યો છે. ત્યારે વાંચો કેવી છે આ ફિલ્મ.

ફિલ્મની સ્ટોરી તો ટ્રેલરમાં સમજાઈ જ ગઈ હશે, કે એક હીરો અને ત્રણ હિરોઈન છે. હીરો એટલે કે આપણા લવભાઈને વારાફરતી ત્રણ હિરોઈન સાથે પ્રેમ થાય છે. પણ લગ્ન કોની સાથે થાય છે ? આટલું ટ્રેલરમાં બતાવ્યુ છે. એ જોયા પછી અપેક્ષા કોઈક ટ્વિસ્ટની હતી. જો કે આપણા દુર્ભાગ્યે અને લવના પાત્રના સદભાગ્યે ટ્વિસ્ટ આવતું નથી. ના એટલે સારી બાબતો પણ છે હોં ફિલ્મમાં.

ફિલ્મની સારી વાત એ છે કે એમાં મહિલાઓને કેવી રીતે માન આપવું, સન્માન આપવું, એમના કામની કદર કરવી, એ સારી રીતે દર્શાવાયુ છે. વનલાઈનર્સ સારા છે. અને ફિલ્મનો બોનસ પોઈન્ટ છે હાર્દિક સાંગાણી. બોસ લવના મિત્રના પાત્રમાં એમના ભાગે વધુ ડાઈલોગ્સ તો નથી, પણ જેટલા છે એમાં એમણે બોલ ગ્રાઉન્ડની બહાર મોકલી આપ્યો છે. તાનાજી બાદ એમની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે. અને અહીં પણ ઓછા ડાઈલોગ્સ સાથે હાર્દિકે ફટકાબાજી કરી છે. હિરોઈન્સમાં શ્રદ્ધા ડાંગર, વ્યોમા નંદીને જોવાની મજા પડે. દીક્ષા જોશી પણ પોતાનું કામ સારી રીતે કરી ગયા છે. પણ, પ્રતીક ગાંધી... આ વખતે અપટુ ધ માર્ક નથી. પર્સનલી મને બહુ ગમતા એક્ટર છે. પણ કદાચ આ વખતે રોલ થોડો જુદો છે, કંઈક નવું ટ્રાય કરવાનો પ્રયાસ છે. ગલોટિયા ખાવડાવી, વાળ આગળ કપાળ પર રખાવી ક્યુટનેસ લાવવાનો ટ્રાય કર્યો છે, પણ એ પૂરેપૂરી નથી જામતી, એક્સેપ્ટેબલ નથી લાગતી. જો કે પ્રતીક ગાંધીની મહેનત દેખાય છે. અને હા એક્ટિંગની વાત ચાલે છે તો મેહુલ બૂચને પણ જોવાની મજા પડશે.

ડિરેક્શનમાં થોડા લોચા છે. ફિલ્મમાં ત્રણ લવસ્ટોરી છે, એટલે લાંબી લાગે એ સ્વાભાવિક છે. પણ પહેલી અને ત્રીજી લવસ્ટોરી કંઈક વધુ જ લાંબી લાગે છે. પ્રતીક ગાંધી અને વ્યોમા નંદીની સિકવન્સ મુંબઈની ફાસ્ટ  લોકલની સ્પીડથી ભાગે છે, તો બાકીની બે લવસ્ટોરી બતાવવામાં કેમ લોચો પડ્યો ? જ્યારે પ્રતીક ગાંધી વ્યોમના નંદીના ઘરેથી છેલ્લી વખતે નીકળે છે, અને વ્યોમાના ઘરનો દરવાજો બંધ થાય છે, એ મારી ગમતી સિકવન્સ છે. કદાચ તમને પણ એ ગમશે. કારણ છે ડોર પરની નેમ પ્લેટ !!! ડિરેક્ટર દુર્ગેશ તન્ના વધુ સારી ટ્રીટમેન્ટ આપી શક્યા હોત.



મ્યુઝિક તો ફિલ્મનું ગજબનાક જ છે. પાર્થ ઠક્કર અને નિરેન ભટ્ટની જોડી હંમેશા કમાલ કરે છે. ઘૂમે ઘૂમે હોય કે મંઝિલ, કે પછી આસમાની આ ત્રણે સોંગ્સ સિંગલ સાંભળવા ગમે છે, ને કળજુગનો કનૈયો આદિત્ય ગઢવીના અવાજમાં હોઠે ચડી જાય એવું છે. પણ આ જ સોંગ્સ ફિલ્મમાં પ્રિડિક્ટેબલ અને રિપીટ થયા હોય એવું લાગે છે. એટલે પહેલી લવસ્ટોરીમાં ઘૂમે ઘૂમે આવે તો ગમે, કનેક્ટ થવાય. પણ પછીના બંને સોંગ ફરજિયાત મૂક્યા હોય એવું લાગે છે. અને હા, કળજુગનો કનૈયૌ સરપ્રાઈઝ (હા, રિપ્રાઈઝ નહીં સરપ્રાઈઝ!!) વર્ઝન પણ સાંભળવું ગમે છે.

ઓવરઓલ વાત કરીએ તો પ્રતીક ગાંધી પહેલીવાર થોડા નબળા દેખાયા છે, હાર્દિક સાંગાણીએ પોતાની જગ્યા બનાવી છે. ત્રણે એક્ટ્રેસ પણ યાદ તો રહી જ જાય એવી છે. સ્ટોરીટેલિંગ અને ડિરેક્શનમાં ક્યાંક લોચા પડ્યા છે. પણ વન ટાઈમ વૉચ તો ખરી જ. હા, ટ્રેઈલર જોઈને જો ટ્વિસ્ટની આશા રાખશો તો નિરાશ થશો, પણ રોમાન્સ ભરપૂર મળશે.

Wednesday, 5 February 2020

કેમ છો?: દરેક પરિણીત પુરુષને પોતાની લાગે એવી ફિલ્મ



રિલીઝ થયાના બીજા અઠવાડિયે ફિલ્મ જોઈ છે, એટલે રિવ્યુ તો નથી લખતો. પણ ફિલ્મ મને ઘણી ગમી એટલે એના વિશે કેટલીક વાતો કહેવાનો પ્રયત્ન છે. આમ તો ટ્રેલર જોઈને જ ફિલ્મ જોવાની ઈચ્છા હતી. પણ છતાંય આશંકા હતી કે એટલી સારે હશે કે નહીં. જો કે, ફિલ્મ જોયા પછી ખરેખ મજા પડી છે. આ ફિલ્મનો પાયો એની સ્ટોરી, ડાઈલોગ્સ અને રાઈટિંગ છે. પણ જો ડિરેક્ટર આ બધું સુપેરે પાર ન પાડે તો ફિલ્મ સારી ન બને.

એટલે કે સ્ક્રીનપ્લે, ડાઈલોગ્સ રાઈટર, સ્ટોરી રાઈટર અને ડિરેક્ટરે મસ્ત રીતે એક મધ્યમવર્ગીય પુરુષની વ્યથા, એનું મનોમંથન, એના જીવનની સમસ્યાઓ, એની ઈચ્છાઓ સ્ક્રીનથી આપણા સુધી પહોંચાડી છે. આમ તો કિંજલ રાજપ્રિયાને આપણે આવા અવતારમાં જોયા નથી, પણ કાઠિયાવાડી બોલીમાં મજા તો કરાવે છે. ઓહ સોરી! આ તો રિવ્યુ જેવું થઈ ગયું.

મને જે ફિલ્મમાં ગમ્યુ એ કે આપણે હંમેશા ફિલ્મોમાં કાં તો એક ખૂબ જ પૈસાદાર પરિવારને અથવા તો ગરીબમાંથી મહેનત કરીને પોતાનું ધ્યેય પામતા હીરોને જ જોયો છે. પહેલીવાર આટલી સટિક રીતે એક સાવ જ કોમનમેનનું પાત્ર રજૂ થયુ છે. અને ફક્ત એક મધ્યમવર્ગીય પુરુષની જ વાત નથી કહેવાઈ, એની પત્નીની લાગણીઓ, એક પુત્રવધુને પોતાની સાસુની વાત અને મમ્મીની વાત કેવી રીતે જુદી લાગે છે એ, એક પિતાન લાગણી, એટલું જ નહીં પોતાની જોહુકમી ચલાવતા બાપની વાત સારી રીતે કહેવાઈ છે.



અને બેસ્ટ પોઈન્ટ છે ફિલ્મનો નાયક. એને બધું જ કરવું છે, પણ પુરુ નથી થતું. આ વાત લગભગ બધા જોડે થાય છે. પણ સમજવી મુશ્કેલ છે. મને હંમેશા લાગતુ કે ઓફિસમાં કામના પ્રેશર પછી ઘરનો સ્ટ્રેસ લેવો એ ભોગો થઈને ત્રીજો સ્ટ્રેસ આવે. આ આખીય લાગણીઓને કોમેડી સાથે ખૂબ જ સારી રીતે પીરસવામાં આવી છે.

સરવાળે એટલું કહી શકાય કે દરેક સામાન્ય માણસને થતી લાગણીઓ અહીં દેખાય છે. 

Saturday, 21 December 2019

નવલકથા લખવાનો સંઘર્ષ કેવો હોય ? નવલકથા લખતી વખતે લેખકના મગજમાં શું ચાલતુ હશે ?



 ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ શુક્રવારથી શરૂ થઈ ચૂક્યો છે. આજે તેનો અંતિમ દિવસ છે. ફેસબુક પર કેટલાક લોકો GLFને ટ્રોલ કરી રહ્યા છે, કેટલાક લોકો એન્જોય કરતી સેલ્ફી મૂકી રહ્યા છે. સિક્કાની બે બાજુ હોય જ છે, હંમેશા બધા જ લોકોને બધું જ ગમે એ જરૂરી નથી હોતું. શનિવારે હું પણ જઈ આવ્યો. ગમતા ત્રણ સેશન અટેન્ડ કર્યા. બ્રિન્દા ઠાકરના ફેસબુક પરના લખાણ વાંચ્યા છે, કાલે તેમને સાંભળ્યા. કાંતિ ભટ્ટને ક્યારે વાંચ્યા નથી પણ કાલે એમના વિશે ઘણું સાંભળ્યું. જો કે ખાસ મોમેન્ટ બની રહી ધૈવત ત્રિવેદી સાથે ચા પર 10 મિનિટની ચર્ચા. આ જ તો GLFની કમાલ છે ને, તમને ગમતા લેખકો સાથે તમે ચર્ચા કરી શકો.

        બ્લોગર્સ પાર્ક સેશનમાં બ્રિન્દા ઠક્કરે કહ્યું કે,સર્જકનું સર્જન વાંચવું, સર્જકને મળવું નહીં. અને તેઓ તો પોતાની કરિયરમાં ઘણા સર્જકોના ઈન્ટરવ્યુ કરી ચૂક્યા છે એટલે તેમને કદાચ અનુભવ પણ થયા હશે. જો કે મને તો ધૈવતભાઈ સાથે આવું કશું જ લાગ્યુ નહીં. કાંતિ ભટ્ટ અંગેના સેશનમાં શીલા ભટ્ટે ત્રણ અગત્યના મુદ્દા કહ્યા. જેમાં તેમણે કહ્યું કે કાંતિ ભટ્ટના જીવન પ્રમાણે તેઓ માનતા કે ત્રણ પ્રકારના લોકોએ પત્રકાર બનવું નહીં. એમાંની એક કન્ડીશન છે અંતર્મુખી લોકોએ પત્રકાર બનવું નહીં. પણ આ તો જો માસ્ટર્સ કરતા પહેલા ખબર પડી હોત તો આપણે ચેતી જાત. હવે તો પત્રકાર બની ચૂક્યો છું, અને બીજું કશું આવડતું નથી. એટલે બધાનો સરવાળો કરીને આવું કંઈક લખી લઈએ.
       
       આડવાતો બહુ થઈ, મારે તો આજે વાત કરવી છે નવલકથા લખવાના સંઘર્ષની. નવલકથાઓ આપણે વાંચીએ તો આપણને મજા આવે, થ્રીલ આવે. અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતા, કાજલબેન, કુંદનિકા કાપડિયા, પન્નાલાલ પટેલે આવા તમામ લેખકોની નવલકથાઓ પૂરી થાય તો આપણને એમ થાય કે યાર પુરી થઈ ગઈ ? ક્યારેક પત્રકાર તરીકે અને (અંદરથી લખવાનો એક કીડો છે એના કારણે) હું વિચારુ પણ ખરો કે યાર આ લોકો કેવી રીતે લખતા હશે ? આટલું બધું કેવી રીતે કરી શક્તા હશે. એમને પણ પોતાની રૂટિન લાઈફ છે, પરિવાર છે, સમય કેવી રીતે કાઢતા હશે. તો ધૈવતભાઈએ કાલે કહ્યું કે,મેક્લિન એસ્ટેટ લખતા લખતા મને ખરેખર હાર્ટ એટેક આવે એવી સ્થિતિ સર્જાઈ હતી.
        
          જી હાં, આપણે જે નવલકથા વાંચીને મજા પડી એ લખતા લખતા એના લેખત સતત અન્ડર પ્રેશર હોય, એ વાત આપણે કદાચ સ્વીકારી ન શકીએ. પણ GLFમાં ધૈવત ભાઈએ સ્ટેજ પરથી આ વાત સ્વીકારી, અને પછી ચા પર ચર્ચા દરમિયાન પણ તેમની સાથે નવલકથા લખવાના સંઘર્ષ વિશે વાત થઈ. મેક્લિન એસ્ટેટ વિશે જાણવા જેવી બાબત એ છે કે દિવ્યભાસ્કરના ડિજિટલ પ્લેટફોર્મ પર આ નવલકથા દૈનિક પ્રકાશિત થતી, પણ જ્યારે પહેલો હપતો પ્રકાશિત થયો તો લેખક પાસે બીજો હપતો રેડી નહોતો. ધૈવતભાઈ રોજ રાત્રે 8 વાગે પોતાનું રૂટિન કામ પુરુ કરે અને 12 વાગે તો બીજા હપતાની ડેડલાઈન હોય. એટલે ચાર કલાકમાં એ પણ વિચારવાનું કે આગળના હપતામાં શું હશે, એમાં કયું પાત્ર શું કરશે, સાથે જ ઈન્ટ્રેસ્ટિંગ એન્ડ પણ આપવાનો. માત્ર ચાર કલાકમાં ફાઈનલ ડ્રાફ્ટ લખવાનો એ એવરેસ્ટ સર કરવાથી કમ નથી જ. આપણે તો એક નિબંધ લખતાય સ્કૂલમાં પરસેવા છૂટી જતા હતા.
         
        આટલું સાંભળ્યા પછી મને બીજા અનેક સવાલ થયા. કારણ કે બે વર્ષ પહેલા અશ્વિની ભટ્ટ વિશેના સેશનમાં ધૈવતભાઈને જ અને ઉર્વીશ કોઠારીને સાંભળ્યા હતા. એ વખતે વાત થઈ હતી અશ્વિની ભટ્ટની લખવાની શૈલી વિશે. ત્યારે આ બંને લેખકોએ કહેલું કે અશ્વિની ભટ્ટ ઓબ્ઝર્વ કરતા. કોઈ વિષય પર લખવાનું હોય તો એના વિશે બધી જ તપાસ કરતા અને જાણી લેતા. મને યાદ છે કે ઉર્વીશ કોઠારીએ કહેલું કે તેમણે મેચ ફિક્સિંગ વિશેના છાપાના તમામ આર્ટિકલ્સ અશ્વિની ભટ્ટને મોકલી આપેલા કારણ કે અશ્વિનીદાદા એવા વિષય પર નોવેલ લખવાના હતા. તો મારા મનમાં પ્રશ્ન એ હતો કે 8થી 12નો સમય એમાં તમારે સ્કોટલેન્ડનું વર્ણન કરવાનું, મહાબળેશ્વરનું વર્ણન કરવાનું એ પણ ડીટેઈલમાં તો ધૈવતભાઈ આ બધું કેવી રીતે કરી લેતા હશે ? ચાય પે ચર્ચા દરમિયાન આનો જવાબ મળ્યો.
         
        મેનેજ કરવાનું. લેખકને પણ પરિવાર હોય, આપણે હોય તેવા જ પરિવારના કામ પણ હોય છતાંય રોજ લખવું એ એમનું ડેડિકેશન છે. ધૈવત ભાઈએ કહ્યું કે,હું ફેમિલી સાથે મહાબળેશ્વર ગયો હતો, ત્યારે આર્થર પોઈન્ટ વિશે ખૂબ માહિતી મેળવી હતી, એ નવલકથા લખતી વખતે કામ લાગી. ક્યારેક કોઈ સ્થળ વિશે લખવાનું હોય તો એના ફોટોગ્રાફ્સ જોઈ લઉ. એના વીડિયોઝ જોઉં. એના વિશે વાંચું. બધા જ સ્થળની મુલાકાત લીધી હોય એ જરૂરી નથી. જેમ કે સમરહિલ લખતા પહેલા ધૈવતભાઈએ તિબેટ જવાનું નક્કી કર્યુ હતું, પણ વિઝા ન મળ્યા. આખરે રિસર્ચ કામ આવ્યું.
               
         એટલે કે નવલકથાના જે વિશ્વમાં આપણે ખોવાઈ જઈએ છીએ, તેને આપણા સુધી પહોંચાડવું લેખકો માટે પણ ખૂબ કપરં હોય છે. ખાસ તો થ્રિલર નવલકથાઓ, જેમાં ખાસ કોઈ પદ્ધતિઓનો ઉલ્લેખ હોય, કોઈ સ્પેસિફિક સ્થળોનું વર્ણન હોય એ આબેહૂબ પહોંચાડવું એક પડકાર છે. ક્યાંક સાંભળ્યુ હતું કે દીવ અથવા દમણાં એક પથ્થર છે, જેનું વર્ણન અશ્વિનીદાદાએ પોતાની નવલકથામાં કરેલું છે, એ પથ્થર જ અશ્વિની ભટ્ટના નામથી ફેમસ છે. આ વાત કેટલી સાચી કે ખોટી એ તો ખબર નથી. પણ આવું બને તો ગુજરાતી લેખકો અને વાચકો માટે અહોભાગ્યથી ઓછું નથી.

Friday, 29 November 2019

Movie Review: વાંચો ‘ગુજરાત 11’નો ગોલ ઓડિયન્સની ગોલ પોસ્ટમાં થશે કે નહીં ?

 
ડિરેક્ટરઃ જયંત ગિલાટર

 કાસ્ટઃ ડેઝી શાહ, પ્રતીક ગાંધી, કવિન દવે, ચેતન દૈયા

ગુજરાત 11…. ડેઝી શાહની ગુજરાતી ડેબ્યુ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી હતી. આખરે આજે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મમાં પ્રતીક ગાંધી જેવા શાનદાર એક્ટર હોવા છતાંય ફિલ્મના પોસ્ટરથી લઈને ટ્રેલર સુધી સેન્ટરમાં ડેઝી શાહ જ રહ્યા છે. કારણ કદાચ એ કે ફિલ્મની આખી સ્ટોરી તેમના જ જીવનની આસપાસ ફરી રહી છે.
સ્ટોરી તો ટ્રેલર જેવી જ….
ફિલ્મની સ્ટોરી ડેઝી શાહ એટલે કે સબ ઈન્સ્પેક્ટર દિવ્યા ચૌહાણની લાઈફ અને બાળસુધાર ગૃહના બાળકો વિશે છે. દિવ્યા ચૌહાણ ફૂટબોલના ખેલાડી છે, જેઓ ગુજરાત પોલીસમાં પોતાની કામગીરીથી ડંકો વગાડી રહ્યા છે. પણ હાય રે સિસ્ટમ, સારા કર્મોના પાપે દિવ્યાને બાળસુધાર ગૃહના બાળકોની જવાબદારી મળે છે. અને પછી તો ટ્રેલરમાં તમે જોયું જ છે… ડેઝી શાહ બાળ અપરાધીઓને લાવે છે ફૂટબોલ ગ્રાઉન્ડ પર .. આગળની સ્ટોરી પ્રિડિક્ટેબલ છે. મોટા ભાગની ફિલ્મોમાં હોય છે એવી. પણ સ્ટોરી સ્ટીલ કનેક્ટ્સ… જો કે સેકન્ડ હાફ લાંબો લાગે છે. ખાસ કરીને ફૂટબોલની મેચ.
મેન ઓફ ધી મેચ છે… કવિન દવે….
ડેઝી શાહની ડેબ્યુ ફિલ્મ છે, સો ઓબ્વિયસલી સૌથી વધુ ચર્ચા એમની જ થવાની. ડેઝી શાહની એક્ટિંગ એટલીસ્ટ રેસ 3 કરતા તો ઘણી સારી છે. પ્રતીક ગાંધી ફરી એકવાર બિઝનેસમેન બન્યા છે, એમના ભાગે ખાસ કંઈ કરવાનું નથી આવ્યું, પણ જેટલી વાર સ્ક્રીન પર આવે એટલીવાર તેમને જોવા ગમે છે. અને આ ફિલ્મના મેન ઓફ ધી મેચ છે કવિન દવે… કવિન દવેએ ફિલ્મને જે ખેંચી છે બોસ.. ત્રણ તાલીનું માન થઈ જાય. કવિનનો કોમિક ટાઈમિંગ તમને ખડખડાટ હસાવશે. એમના એક્સપ્રેશન્સ… ડાઈલોગ ડિલિવરી… બધું જ મસ્ત છે. બે યાર બાદ કવિને આમાં પણ જામો પાડી દીધો છે. યાર કવિન તમે દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ તો કરો જ… તમને સ્ક્રીન પર જોઈને જ મજા પડી જાય છે. તો ફિલ્મની ગુજરાત 11 એટલે કે બધા જ ખેલાડીઓની એક્ટિંગ પણ જોવી ગમશે.
ઐસા ક્યું કિયા… ?
સિક્કાની બે બાજુ તો હોય જ ને. પહેલા કીધું એમ સ્ટોરી પ્રિડિક્ટેબલ છે, સ્ટીલ કનેક્ટ્સ. પણ કેટલાક સીન પરાણે મૂક્યા હોય એવું લાગે. ખાસ તો ડેઈઝી શાહની એન્ટ્રી સિકવન્સ, હજી સારી બની શકી હોત. ગુજરાતી ફિલ્મમાં ગરબા હોવા જ કંઈ જરૂરી છે ? ચણિયા ચોળીમાં ફાઈટ.. સવાલો સર્જે પણ જોઈને થોડી ઘણી મજા તો પડે. અંડરડોગ સ્પોર્ટ્સ ટીમની સ્ટોરી હંમેશા પ્રિડીક્ટેબલ હોય છે, અહીં પણ એવું જ કંઈક છે. ખાસ તો ફિલ્મમાં VFXની ક્વોલિટી ખૂબ જ ખરાબ છે. એમાંય ડેઈઝી શાહ ફૂટબોલ સાથે રમે છે, એ VFX ખૂબ જ ખરાબ છે. સમજી શકાય કે પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ છે, પણ દર્શકો માટે તો આખરે ફિલ્મ છે.
રિવ્યુ તો છે અહીં છે…
ઓવરઓલ કહું તો ફિલ્મ વન ટાઈમ વોચ છે. આ વીક એન્ડમાં એક વાર જોઈ લેવાય. જો તમે ટ્રેલર અને ફિલ્મના બે ગીતો જોયા હશે, તો આખી ફિલ્મ તેના કરતા વધુ સારી લાગશે. નટસમ્રાટ અને ચોક એન્ડ ડસ્ટર જેવી ફિલ્મો આપી ચૂકેલા ડિરેક્ટર જયંત ગિલાટર ટચ કદાચ નહીં જોવા મળે. પણ કવિન દવે માટે તો જોઈ જ લેવાય.
રેટિંગઃ 5માંથી 3 સ્ટાર

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...