Friday, 14 February 2020

17 વર્ષ બાદ ફરી ગુજરાતી ફિલ્મમાં દેખાશે મરાઠી એક્ટર સચિન ખેડેકર




બોલીવુડ અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખ્યાતનામ એક્ટર સચિન ખેડેકર ફરી એકવાર ગુજરાતી ફિલ્મમાં સિલ્વર સ્ક્રીન પર આવી રહ્યા છે. મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલ સ્ટારર ગુજરાતી ફિલ્મ ગોળકેરીમાં સચિન ખેડેકર જોવા મળશે. ગુજરાતી ફિલ્મ ગોળકેરી 28 ફેબ્રુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. હાલ ફિલ્મની કાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના ટ્રેલરને લોકોએ વખાણ્યુ છે.


ફરી દેખાશે સચિન ખેડેકર

જો કે આ ફિલ્મની સિંગર માનસી પારેખ ગોહિલ પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા તેઓ મલ્હાર સાથે વેબસિરીઝ ડુ નોટ ડિસ્ટર્બમાં દેખાયા હતા. ઉપરાંત બોલીવુડમાં પણ તે ઘણી ફિલ્મો કરી ચૂક્યા છે. જો કે ગુજરાતી ફિલ્મોમાં આ તેમનો ડેબ્યુ છે. સાથે જ આ ફિલ્મની મહત્વની વાત એ પણ છે કે મરાઠી એક્ટર સચિન ખેડેકર ફરી એકવાર ગુજરાતી ફિલ્મમાં દેખાવાના છે.




2002માં આવી હતી ફિલ્મ

આ પહેલા 2002માં આવેલી ફિલ્મ પૈસો મારો પરમેશ્વરમાં સચિન ખેડેકર કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મને શૈલેષ ગંગલાણીએ પ્રોડ્યુસ કરી હતી તો, ક્રિશ્નારાવ ચેકુરુએ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સંગીત ગૌરાંગ વ્યાસનું હતું. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં દયાભાભી એટલે કે દિશા વાકાણી પણ હતા. સચિન ખેડેકર અને દિશા વાકાણી સાથે જીત ઉપેન્દ્ર અને કલ્યાણીએ પણ આ ફિલ્મમાં કામ કર્યુ હતુ.

મરાઠી ઈન્ડસ્ટ્રીનું મોટુ નામ

ઉલ્લેખનીય છે કે સચિન ખેડેકર મરાઠીમાં શાનદાર ફિલ્મો આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં પણ ઘણું કામ કરી ચૂક્યા છે. બોલીવુડમાં સચિન ખેડેકરના નામે જુડવા 2, તેરે નામ, ટોઈલેટઃ એક પ્રેમકથા, ઘાયલ વન્સ અગેઈન સહિતની ફિલ્મો છે.

Tuesday, 11 February 2020

શૂટિંગ પહેલા રણવીરસિંહ ભૂલ્યા વગર જરૂર કરે છે આ કામ!




બોલીવુડ સુપરસ્ટાર એન્ડ ટેલેન્ડ એક્ટર રણવીરસિંહ હાલ તેની અપકમિંગ ફિલ્મ જયેશભાઈ જોરદારના શૂટિંગમાં વ્યસ્ત છે. આ જ ફિલ્મના શૂટિંગ માટે જાન્યુઆરીમાં રણવીરસિંહ ગુજરાત પણ આવ્યા હતા. ગુજરાતમાં જયેશભાઈ જોરદારનું 30 દિવસનું શૂટિંગ થયું છે. આ ફિલ્મને કેવી રીતે જઈશ, બે યાર અને ચાસણીમાં લીડ રોલ કરી ચૂકેલા દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરી રહ્યા છે. ગુજરાતી બેકગ્રાઉન્ડ પર આધારિત આ ફિલ્મમાં ઘણા ગુજરાતી કલાકારો પણ જોવા મળશે. ત્યારે વન ઈન્ડિયાએ પણ રણવીર સાથે કામ કરી ચૂકેલા ગુજરાતી કલાકારો સાથે વાત કરીને તેમનો અનુભવ જાણ્યો છે.

ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં હંમેશા રણવીરિસિંહના એનર્જીલેવલ અંગે ચર્ચા થઈ હોય છે. રણવીર કેરેક્ટરને કેટલું અદ્દલ ભજવે છે એની ચર્ચા થતી હોય છે. જો કે સેટ પર આ માટે રણવીર કેવી તૈયારી કરે છે એ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. જી હાં, રણવીરસિંહ શૂટ શરૂ થતા પહેલા સેટ પર મોટેથી મ્યુઝિક ખાસ સાંભળે છે. જયેશભાઈ જોરદારમાં રણવીર સાથે કામ કરી રહેલા ગુજરાતી એક્ટર મેહુલ દેસાઈએ પોતાનો અનુભવ શૅર કરતા કહ્યું કે,રણવીર શૂટ દરમિયાન ખૂબ જ સ્ટ્રીક્ટ હોય છે.  એક વખત એક્શન બોલાય પછી પિન ડ્રોપ સાઈલન્સ એને જોઈએ છે. જો કે શૂટિંગ શરૂ થાય એ પહેલા રણવીર ચિલ હોય છે. જયેશભાઈના સેટ પર પણ એ અમારી સાથે ખૂબ મસ્તી કરતો. મજાક કરતો. કૂલ રહેતો, પણ એક વખત એક્શન થાય પછી પેકઅપ સુધી એ શૂટિંગમાં જ ઈન્વોલ્વ હોય છે.

 જાહેરજીવનમાં ભલે રણવીરસિંહ કેટલો ડિસિપ્લિન્ડ છે એની ચર્ચાઓ થતી હોય, પરંતુ એક્ટિંગ બાબતે આ સુપરસ્ટાર ખૂબ જ મહેનત કરે છે. મેહૂલ દેસાઈના કહેવા પ્રમાણે,કેરેક્ટર પકડવા કે ફીલ પકડવા માટે રણવીર શૂટ પહેલા જે-તે સીનની ફીલનું મ્યુઝિક વગાડે છે. એટલે કે રોમેન્ટિક સીન હોય તો એ ટાઈપનું અને સેડ સીન હોય તો શૂટ કરતા પહેલા એ સેટ પર એ મ્યુઝિક વગાડે છે. આ ઉપરાંત રસપ્રદ વાત એ છે કે રણવીરસિંહના નામે ભલે ઢગલાબંધ હિટ ફિલ્મો બોલતી હોય અને એ સંખ્યાબંધ બેસ્ટ એક્ટરના એવોર્ડ પણ જીતી ચૂક્યા હોય, તેમ છતાંય શૂટિંગ પહેલા રિહર્સલ ખાસ કરે છે. ક્યારે ક્યાં કેમેરા હશે, કઈ મૂવમેન્ટ કરવાની છે, આ બધી જ તૈયારી પરફેક્ટ રીતે કર્યા પછી જ રણવીરસિંહ શૂટિંગ શરૂ કરે છે.

        મેહૂલ દેસાઈના ફિલ્મમાં રણવીરસિંહ સાથે વન ટુ વન સીન પણ છે. એ અંગે મેહુલનું કહેવું છે કે શૂટિંગમાં રણવીર એટલો ઈન્ટેન્સ હોય છે કે એની આંખોમાં જોઈને તમે પણ શાનદાર પર્ફોમ કરી શકો. ઉલ્લેખનીય છે કે રામ લીલા બાદ રણવીરસિંહ જયેશભાઈ જોરદારમાં ફરીવાર ગુજરાતી પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મ યશરાજ બેનર હેઠળ બની રહી છે.

Friday, 7 February 2020

જ્યારે મેં પહેલીવાર 'આગિયા' જોયા !!


ઉંમર હતી 22 વર્ષ, સાલ હતી 2014. સ્થળ હતું પાટણનું કોઈક ગામ, હાલ તો નામ યાદ નથી. પણ એ દિવસે લાગ્યુ કે વાહ, કુદરત પણ કરામતી છે ને યાર ! બાળપણમાં ભણતી વખતે આગિયા વિશે જાણ્યુ હતું. કવિતાઓ અને જુદા જુદા પાઠમાં આગિયાના વર્ણન આવતા, એટલે આપણને એટલી ખબર કે અંધારામાં કંઈક ચમકે, પણ જોયુ હોય તો ખ્યાલ આવેને ! એટલે સમજણ પડી ત્યારે લાગ્યુ કે અબરખની જેમ ચમકતુ હશે. થોડી વધુ સમજણ પડી ત્યારે લાગ્યુ કે રેડિયમ જેવું હશે. પણ જ્યારે સાચેસાચ જોયા ત્યારે તો આમ મજા મજા પડી ગઈ.

ગામડા સાથે મારો દૂર દૂરનો કોઈ નાતો નથી. હા દાદા અને ભાભુ (એટલે અમે મોટા પપ્પાને દાદા કહીએ) ગામડે રહે છે, પણ ત્યાં જવાનું, રહેવાનું ખાસ બન્યુ નથી. એકાદ વેકેશનમાં 4-5 દિવસ રહ્યો હોઈશ. પણ ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ ભણતી વખતે આવી તક 3 - 3 વાર મળી. પહેલીવાર NSS કેમ્પમાં સતત સાત દિવસ ગામડામાં રહ્યો પછી પદયાત્રાના ભાગ રૂપે એક વખત પાટણ અને બીજી વખત વલસાડના ગામડાઓમાં 4-4 દિવસ રહેવા મળ્યુ. અને મારાજ જેવા અમદાવાદી, જેનું ફેવરિટ સિટી મુંબઈ છે, એને જો જાણે જલસો પડી ગયો.

પન્નાલાલ પટેલ, મેઘાણીની વાર્તાઓમાં વાંચેલા તમામ દ્રશ્યો જાણે તાદૃશ થતા ગયા. એ ગાયોનું ધણ, છોકરાઓની મસ્તી, ઉડતી ધૂળ, ગામ વચ્ચે માત્ર એક જ સરકારી સ્કૂલ, ચોરે બેઠેલા ભાભાઓ, કપડા ધોવા જતી મહિલાઓ આ બધુ પુસ્તકના પાનામાં વાંચ્યુ હતુ, પણ જોયુ પહેલીવાર, ગાડામાં બેઠો પહેલીવાર, ખેતરમાં ગયો પહેલીવાર. અને સાચુ કહુ તો એ જ્યારે જોયુ ને એ ફીલિંગને એ, ચહેરા પર અનુભવેલી એ હવાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય એમ જ નથી. 

એમાંય રાતે તો આગિયા જોવા મળ્યા. કેવી અજબ જેવી વાત છે ! એક નાનકડુ જંતુ અને જંતુના ચમકતા ટોળેટોળા. કેમનું ચમકતુ હશે આ? કેવા ઉડાઉડ કર્યા કરે ? ઓટલે બેઠા બેઠા જોવાની જે મજા પડી છે, જે મજા પડી છે. ગજ્જબ.. આટલુ બધુ હતુ, અને 22 વર્ષ સુધી ક્યાં હતો હું? જાણે અફસોસ થયો ઘણું ગુમાવ્યાનો. અહીં અમદાવાદમાં તો તારા પણ નથી દેખાતા. અને મુંબઈ ભલે આપણા કરતા વધુ વિકસિત હોય, પણ ત્યાં તારા દેખાય છે, ત્યાં લીલોતરી દેખાય છે, ઝાડનો છાંયો મળી રહે છે. આપણે જ ક્યાંક ચૂક્યા છીએ. સાલુ આપણે આપણી આવનારી પેઢીને આ બધાથી વંચિત રાખીશું ? મને તો આગિયા છેક 22 વર્ષે જોવા મળ્યા. પણ હવેની પેઢીનો ચકલી કદાચ જોવાય નહીં મળે. ઠીક છે, આ બધી ચર્ચાઓ તો આપણે કરતા હોઈએ છીએ ને કરીને ભૂલીય જઈએ છીએ. 

Thursday, 6 February 2020

Movie Review: તો આવી છે Luv ni Love Story!!!



પ્રતીક ગાંધીની ફિલ્મ હોય, એટલે સ્વાભાવિક છે કે અપેક્ષાઓનો અંબાર હોય. એમાંય આ વખતે તો ત્રણ ત્રણ હિરોઈન્સ શ્રદ્ધા ડાંગર, વ્યોમા નંદી અને દીક્ષા જોશી સાથે છે, એટલે ફિલ્મ જોવાની ઈચ્છા જબરજસ્ત હોય. વળી પ્રતીક ગાંધીએ આ વખતે થોડો અલગ રોલ કરવાનો ટ્રાય કર્યો છે. ત્યારે વાંચો કેવી છે આ ફિલ્મ.

ફિલ્મની સ્ટોરી તો ટ્રેલરમાં સમજાઈ જ ગઈ હશે, કે એક હીરો અને ત્રણ હિરોઈન છે. હીરો એટલે કે આપણા લવભાઈને વારાફરતી ત્રણ હિરોઈન સાથે પ્રેમ થાય છે. પણ લગ્ન કોની સાથે થાય છે ? આટલું ટ્રેલરમાં બતાવ્યુ છે. એ જોયા પછી અપેક્ષા કોઈક ટ્વિસ્ટની હતી. જો કે આપણા દુર્ભાગ્યે અને લવના પાત્રના સદભાગ્યે ટ્વિસ્ટ આવતું નથી. ના એટલે સારી બાબતો પણ છે હોં ફિલ્મમાં.

ફિલ્મની સારી વાત એ છે કે એમાં મહિલાઓને કેવી રીતે માન આપવું, સન્માન આપવું, એમના કામની કદર કરવી, એ સારી રીતે દર્શાવાયુ છે. વનલાઈનર્સ સારા છે. અને ફિલ્મનો બોનસ પોઈન્ટ છે હાર્દિક સાંગાણી. બોસ લવના મિત્રના પાત્રમાં એમના ભાગે વધુ ડાઈલોગ્સ તો નથી, પણ જેટલા છે એમાં એમણે બોલ ગ્રાઉન્ડની બહાર મોકલી આપ્યો છે. તાનાજી બાદ એમની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે. અને અહીં પણ ઓછા ડાઈલોગ્સ સાથે હાર્દિકે ફટકાબાજી કરી છે. હિરોઈન્સમાં શ્રદ્ધા ડાંગર, વ્યોમા નંદીને જોવાની મજા પડે. દીક્ષા જોશી પણ પોતાનું કામ સારી રીતે કરી ગયા છે. પણ, પ્રતીક ગાંધી... આ વખતે અપટુ ધ માર્ક નથી. પર્સનલી મને બહુ ગમતા એક્ટર છે. પણ કદાચ આ વખતે રોલ થોડો જુદો છે, કંઈક નવું ટ્રાય કરવાનો પ્રયાસ છે. ગલોટિયા ખાવડાવી, વાળ આગળ કપાળ પર રખાવી ક્યુટનેસ લાવવાનો ટ્રાય કર્યો છે, પણ એ પૂરેપૂરી નથી જામતી, એક્સેપ્ટેબલ નથી લાગતી. જો કે પ્રતીક ગાંધીની મહેનત દેખાય છે. અને હા એક્ટિંગની વાત ચાલે છે તો મેહુલ બૂચને પણ જોવાની મજા પડશે.

ડિરેક્શનમાં થોડા લોચા છે. ફિલ્મમાં ત્રણ લવસ્ટોરી છે, એટલે લાંબી લાગે એ સ્વાભાવિક છે. પણ પહેલી અને ત્રીજી લવસ્ટોરી કંઈક વધુ જ લાંબી લાગે છે. પ્રતીક ગાંધી અને વ્યોમા નંદીની સિકવન્સ મુંબઈની ફાસ્ટ  લોકલની સ્પીડથી ભાગે છે, તો બાકીની બે લવસ્ટોરી બતાવવામાં કેમ લોચો પડ્યો ? જ્યારે પ્રતીક ગાંધી વ્યોમના નંદીના ઘરેથી છેલ્લી વખતે નીકળે છે, અને વ્યોમાના ઘરનો દરવાજો બંધ થાય છે, એ મારી ગમતી સિકવન્સ છે. કદાચ તમને પણ એ ગમશે. કારણ છે ડોર પરની નેમ પ્લેટ !!! ડિરેક્ટર દુર્ગેશ તન્ના વધુ સારી ટ્રીટમેન્ટ આપી શક્યા હોત.



મ્યુઝિક તો ફિલ્મનું ગજબનાક જ છે. પાર્થ ઠક્કર અને નિરેન ભટ્ટની જોડી હંમેશા કમાલ કરે છે. ઘૂમે ઘૂમે હોય કે મંઝિલ, કે પછી આસમાની આ ત્રણે સોંગ્સ સિંગલ સાંભળવા ગમે છે, ને કળજુગનો કનૈયો આદિત્ય ગઢવીના અવાજમાં હોઠે ચડી જાય એવું છે. પણ આ જ સોંગ્સ ફિલ્મમાં પ્રિડિક્ટેબલ અને રિપીટ થયા હોય એવું લાગે છે. એટલે પહેલી લવસ્ટોરીમાં ઘૂમે ઘૂમે આવે તો ગમે, કનેક્ટ થવાય. પણ પછીના બંને સોંગ ફરજિયાત મૂક્યા હોય એવું લાગે છે. અને હા, કળજુગનો કનૈયૌ સરપ્રાઈઝ (હા, રિપ્રાઈઝ નહીં સરપ્રાઈઝ!!) વર્ઝન પણ સાંભળવું ગમે છે.

ઓવરઓલ વાત કરીએ તો પ્રતીક ગાંધી પહેલીવાર થોડા નબળા દેખાયા છે, હાર્દિક સાંગાણીએ પોતાની જગ્યા બનાવી છે. ત્રણે એક્ટ્રેસ પણ યાદ તો રહી જ જાય એવી છે. સ્ટોરીટેલિંગ અને ડિરેક્શનમાં ક્યાંક લોચા પડ્યા છે. પણ વન ટાઈમ વૉચ તો ખરી જ. હા, ટ્રેઈલર જોઈને જો ટ્વિસ્ટની આશા રાખશો તો નિરાશ થશો, પણ રોમાન્સ ભરપૂર મળશે.

Wednesday, 5 February 2020

કેમ છો?: દરેક પરિણીત પુરુષને પોતાની લાગે એવી ફિલ્મ



રિલીઝ થયાના બીજા અઠવાડિયે ફિલ્મ જોઈ છે, એટલે રિવ્યુ તો નથી લખતો. પણ ફિલ્મ મને ઘણી ગમી એટલે એના વિશે કેટલીક વાતો કહેવાનો પ્રયત્ન છે. આમ તો ટ્રેલર જોઈને જ ફિલ્મ જોવાની ઈચ્છા હતી. પણ છતાંય આશંકા હતી કે એટલી સારે હશે કે નહીં. જો કે, ફિલ્મ જોયા પછી ખરેખ મજા પડી છે. આ ફિલ્મનો પાયો એની સ્ટોરી, ડાઈલોગ્સ અને રાઈટિંગ છે. પણ જો ડિરેક્ટર આ બધું સુપેરે પાર ન પાડે તો ફિલ્મ સારી ન બને.

એટલે કે સ્ક્રીનપ્લે, ડાઈલોગ્સ રાઈટર, સ્ટોરી રાઈટર અને ડિરેક્ટરે મસ્ત રીતે એક મધ્યમવર્ગીય પુરુષની વ્યથા, એનું મનોમંથન, એના જીવનની સમસ્યાઓ, એની ઈચ્છાઓ સ્ક્રીનથી આપણા સુધી પહોંચાડી છે. આમ તો કિંજલ રાજપ્રિયાને આપણે આવા અવતારમાં જોયા નથી, પણ કાઠિયાવાડી બોલીમાં મજા તો કરાવે છે. ઓહ સોરી! આ તો રિવ્યુ જેવું થઈ ગયું.

મને જે ફિલ્મમાં ગમ્યુ એ કે આપણે હંમેશા ફિલ્મોમાં કાં તો એક ખૂબ જ પૈસાદાર પરિવારને અથવા તો ગરીબમાંથી મહેનત કરીને પોતાનું ધ્યેય પામતા હીરોને જ જોયો છે. પહેલીવાર આટલી સટિક રીતે એક સાવ જ કોમનમેનનું પાત્ર રજૂ થયુ છે. અને ફક્ત એક મધ્યમવર્ગીય પુરુષની જ વાત નથી કહેવાઈ, એની પત્નીની લાગણીઓ, એક પુત્રવધુને પોતાની સાસુની વાત અને મમ્મીની વાત કેવી રીતે જુદી લાગે છે એ, એક પિતાન લાગણી, એટલું જ નહીં પોતાની જોહુકમી ચલાવતા બાપની વાત સારી રીતે કહેવાઈ છે.



અને બેસ્ટ પોઈન્ટ છે ફિલ્મનો નાયક. એને બધું જ કરવું છે, પણ પુરુ નથી થતું. આ વાત લગભગ બધા જોડે થાય છે. પણ સમજવી મુશ્કેલ છે. મને હંમેશા લાગતુ કે ઓફિસમાં કામના પ્રેશર પછી ઘરનો સ્ટ્રેસ લેવો એ ભોગો થઈને ત્રીજો સ્ટ્રેસ આવે. આ આખીય લાગણીઓને કોમેડી સાથે ખૂબ જ સારી રીતે પીરસવામાં આવી છે.

સરવાળે એટલું કહી શકાય કે દરેક સામાન્ય માણસને થતી લાગણીઓ અહીં દેખાય છે. 

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...