Sunday, 5 July 2015

હડતાળ કેટલી યોગ્ય? ક્યારે અયોગ્ય?


``આજકાલ હડતાળો રોજની થઈ પડી છે.તે વર્તમાન અશાંતિની નિશાની છે. રાજકીય હેતુઓ સિદ્ધ કરવા હડતાળ પડાવી શકાય છે. વજૂદવાળા કારણો વિના હડતાળ પાડવાની ન હોય. કોઈ પણ અન્યાયી હડતાળ  સફળ થવી ન જોઈએ.''(પૃ-34-36, મારા સ્વપ્નનું ભારત, ગાંધીજી) `મારા સ્વપ્નનું ભારત' પુસ્તકમાં હડતાળ નામના પ્રકરણમાં પૂ.બાપુ હડતાળ વિશેના તેમના વિચારો આ શબ્દોમાં વ્યક્ત કરે છે.
     હવે, ગત્ શુક્રવારે તા.3 જુલાઈના બધા જ છાપામાં હેડલાઈન્સ હતી. અમદાવાદની વાડીલાલ સારાભાઈ(વી.એસ.) હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાળ. આ ઉપરાંત રાજકોટ અને દિલ્હીમાં પણ રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ પાડી હતી. દર્દી માટે ભગવાન મનાતા ડૉક્ટરો કે જેમની પર દર્દીઓને બચાવવાની જવાબદારી છે. તેઓ જ હડતાળ પર ઉતરી જાય છે. 
          ગાંધીજી કરે છે,`હડતાળો રોજની થઈ પડી છે. તે વર્તમાન અશાંતિની નિશાની છે.' તેની સામે છેલ્લા છ મહિનામાં રેસિડેન્ટ ડૉક્ટરોની આ પાંચમી હડતાળ હતી. મજૂરો કે અન્ય જૂથના લોકો, વિવિધ બેન્કો કે સરકારી કર્મચારીઓ હડતાળ કરે તો વધુમાં વધુ ઉત્પાદન અટકી પડે અથવા સરકારી કામકાજ અટકી જાય પણ એ ખોટ સહન કરી શકાય. જ્યારે ડૉક્ટરો હડતાળ કરે તો દર્દીએ પોતાનો જીવ અને તેના સ્વજનોને પોતાનું કોઈ વ્યક્તિ ગુમાવવાનો વારો આવે. આ દર્દી એવી વ્યક્તિ પણ હોઈ શકે જેના પર આખો પરિવાર નભતો હોય.
            દર્દીઓ હોસ્પિટલમાં ડૉક્ટરો પાસે ઝડપથી આમ થવાની આશા લઈને આવતા હોય છે. હવે, જ્યારે ડૉક્ટરો જ હડતાળ કરે ત્યારે દર્દીઓએ શારીરીક અને માનસિક બંને કષ્ટ સહન કરવાના આવે છે. પૈસેટકે સુખી લોકોને તો સરકારી હોસ્પિટલોમાં આવવાની જરૂર જ પડતી નથી. તેઓ તો ખાનગી હોસ્પિટલોમાં જ સારવાર લે છે. તેથી આ ડૉક્ટરોની હડતાળને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને જ ભોગવવું પડે છે.
          વી.એસ. હોસ્પિટલમાં ડૉક્ટરોની હડતાળને પગલે ઓપરેશન રદ કરવા પડ્યા. વી.એસમાં રોજના સરેરાશ 70-75 ઓપરેશન થાય છે. જ્યારે હડતાળને કારણે માત્ર 36 ઓપરેશન થયા. રોજ ઓપીડીમાં 1500 દર્દીઓ હોય છે. જેના સ્થાને હડતાળને પગલે માત્ર 850 દર્દી નોંધાયા હતા. આ ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટના દર્દીઓની સંખ્યા પણ ઘટી. હવે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાયો તો દર્દીઓએ ફરજિયાત પણે ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે. જ્યાં તેમને દવાનો કમરતોડ ખર્ચનો બોજો સહન કરવાનો આવે છે.
           એક અખબારી અહેવાલ પ્રમાણે સરકારી ખર્ચે ભણ્યા બાદ ડૉક્ટરો ગામડાઓમાં પ્રેક્ટિસ કરવા તૈયાર હોતા નથી. ધીક્તી કમાણીને કારણે માત્રને માત્ર શહેરમાં પ્રેક્ટિસ કરે છે. તો ઊંચા પગારને કારણે ડૉક્ટરોનો કોર્પોરેટ હોસ્પિટલો તરફનો ઝોક પણ વધ્યો છે. અમદાવાદ સિવિલ, કિડની ઈન્સ્ટીટ્યુટ, યુ.એન.મહેતા જેવી હોસ્પિટલોમાં પહેલેથી જ પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો નથી. ત્યારે જે ડૉક્ટરો અહીં કામ કરે છે તેઓ પણ જો હડતાળ કરે તો દર્દીઓને તકલીફ પડે જ.  ડૉક્ટરોએ વારંવાર હડતાળનો સહારો ન લેવો જોઈએ.
       હવે ડૉક્ટરોના પક્ષે પણ નજર કરીએ તો બુધવારે રાત્રે 60 વર્ષીય સાયરાબાનુને ખેંચ આવતા વી.એસમાં દાખલ કરાયા, જ્યાં ડૉક્ટરો અને નર્સ બરાબર સારવાર કરતા નથી તેવા આક્ષેપ સાથે દર્દીના સગાએ ડૉક્ટર પર હુમલો કર્યો બાદમાં ડૉક્ટરોએ કામથી અળગાં રહેવાનું નક્કી કર્યું. એક દર્દીના સગાને કારણે હોસ્પિટલના બધા જ દર્દીએ સહન કરવું પડ્યું.
         દર્દીઓના ઉશ્કેરાટના પણ યોગ્ય કારણ હશે જ. એક તો સરકારી હોસ્પિટલોમાં ગંદકીના થર હોય છે. ઝડપથી દર્દી પર ધ્યાન અપાતું નથી. અને ડૉક્ટર-નર્સ દર્દી અને તેના સગા જાણે તુચ્છ હોય તેમ વર્તન કરતા હોય છે. આ જગજાણીતી હકીકત છે.(કેટલાક અપવાદરૂપ કિસ્સા હશે જ.) હવે આવી સ્થિતિમાં પોતાનું કોઈ સ્વજન કે પ્રિયજન બીમાર હોય ત્યારે તેના સગાને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. પરંતુ તેના કારણે ડૉક્ટરોને માર મારવા અને ડૉક્ટરોએ હડતાળ કરવી તે કંઈ યોગ્ય પગલું તો નથી જ.
         આ પરિસ્થિતિ નિવારવા કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. પોલીસે ડૉક્ટર પર હુમલો કરનાર ત્રણની ધરપકડ કરી અને હોસ્પિટલ મેનેજમેન્ટે પણ હડતાળિયા ડૉક્ટરો સાથે વાત કરી પણ ડોક્ટરો તેમની જીદ છોડવા તૈયાર ન હતા. અને જ્યારે તેમની સામે પગલા લેવાની વાત આવી કે તરત જ હડતાળ સમેટાઈ ગઈ
       દર્દીના સગાની ભૂલ છે જ. પરંતુ એથી કંઈ ડૉક્ટરોએ પોતાની જવાબદારી તો ન જ ભૂલવાની હોય. દર્દીઓ અને તેના પરિજનો ડૉક્ટરને ભગવાનની જેમ જોતા હોય છે. પરંતુ જીવ બચાવનાર જ જ્યારે હાથ ઉંચા કરી દે ત્યારે નિઃસહાય લોકોની પરિસ્થિતિનું શું? હાલ તો કેટલીક શરતો સાથે ડૉક્ટરોએ પોતાની હડતાળ સમેટી લીધી છે. પરંતુ ફરીવાર આવી હડતાળ નહીં થાય તેની કોઈ ખાતરી છે?
          હોસ્પિટલ મેનેજમેન્ટે ડૉક્ટરો પર હુમલા ન થાય તે માટે કોઈ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તો ડૉક્ટરો નર્સ અને હોસ્પિટલ સ્ટાફે પણ પોતાનું દર્દીઓ પ્રત્યેનું વર્તન-વલણ સુધારવા જોઈએ. તો સામે પક્ષે દર્દીના પરિજનોએ પણ ધીરજથી કામ લેવું જરૂરી છે. જો આવી આદર્શ પરિસ્થિતિ થાય અને દરેક મોરચો સચવાય તો કદાચ ફરી ડૉક્ટરો હડતાળ ન કરે. છતાંય આમાં સૌથી મોટી જવાબદારી તો ડૉક્ટરોની જ બને છે. કારણ કે, અંતે તો દર્દી તેમના ભરોસે જ હોય છે.

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...