Wednesday, 31 August 2016

મિશન 2017:ભાજપ માટે કપરું ચઢાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં જે યોજનાનું ખાતમૂહુર્ત કર્યું હતું.. તે સૌની યોજનાનું મંગળવારે લોકાર્પણ કરાયું. કાર્યક્રમ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની તંગી દૂર કરવા માટે તૈયાર થયેલી સૌની યોજનાના પહેલા તબક્કાના લોકાર્પણનો હતો. પરંતુ નિશાન હતું 2017ની વિધાનસભા ચૂંટણી. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ભલે ક્યાંય ચૂંટણીલક્ષી ઉલ્લેખ ન કર્યો હોય, પરંતુ ચૂંટણી માટે ભાજપની તૈયારીઓનું રણશિંગુ જરૂર ફૂંકી દીધું છે. ભાજપે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રની પ્રજાને ખુશ કરવાનો પ્રયત્ન જરૂર કર્યો છે.. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં જે ગુજરાત ભાજપને ચૂંટણી જીતવાની આદત પડી તે ભાજપ માટે આવનારી વિધાનસભાની ચૂંટણી આસાન સ્હેજેય નહીં હોય.
ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં શાસન ટકાવી રાખવા માટે આ વખતે ભાજપે નક્કર પ્રયત્નો કરવા પડશે તે નક્કી છે. પાટીદાર આંદોલન, દલિત અત્યાચાર કાંડ ઉડીને આંખે વળગે તેવા આ બે મુદ્દા ભાજપની સત્તાની ખુરશીના પાયા હલાવી શકે છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ હાલ ભલે ગુજરાતની બહાર હોય પરંતુ ચૂંટણી પહેલા તો તે પણ ગુજરાતમાં પાછા ફરશે. અને ભૂતકાળ જોતા તે પાટીદારોને ભાજપ વિરુદ્ધ મત આપવા હાકલ પણ કરશે. પાટીદાર આંદોલનને પગલે ભાજપની પરંપરાગત ગણાતી પાટીદાર વોટબેન્કમાં ગાબડું પડી ચૂક્યું છે.. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તેના પરિણામ પણ ભોગવી ચૂકી છે. ત્યારે ભાજપે પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયત્ન કર્યો છે. પોતાની શાખ બચાવવા ભાજપે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કર્યું, પરંતુ ભાજપને પણ ઉંડે ઉંડે પાટીદારો પોતાનો સાથ છોડશે તેવી ચિંતા સતાવી રહી છે. પરિણામે પાટીદારોને રાજી કરવા માટે નીતિન પટેલને ઉપમુખ્યપ્રધાન બનાવાયા, તો પાટીદાર નેતા જીતુ વાઘાણીને પક્ષ પ્રમુખનો તાજ પહેરાવાયો.. પરંતુ માર્ગ હજી  પણ કાંટાળો છે. કેટલાક સમય પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જોતા આગામી ચૂંટણીમાં પાટીદારો ભાજપને કેટલે અંશે સાથ આપે છે તે એક સવાલ છે.. હવે જો ભાજપની પરંપરાગત વોટબેન્ક જ તેનો સાથ છોડે તો ભાજપના વોટની ટકાવારીમાં ખાસ્સો એવો ફરક નોંધાઈ શકે છે..
ફક્ત પાટીદારો જ નહીં પરંતુ દલિતો પણ આવનારી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે.. આનંદીબહેનના કાર્યકાળના અંતિમ તબક્કામાં ઉનાના સમઢિયાળામાં થયેલા દલિત અત્યાચારની ગૂંજ સંસદ સુધી સંભળાઈ.. અને એક પાટીદારોની નારાજગીનો સામનો કરી રહેલા ભાજપે દલિતોની પણ નારાજગી વહોરવી પડી.. અત્યાચારના બહાર આવેલા વિડીયો બાદ રાજ્યભરમાં દલિતો એક થયા. દલિતો ભલે પાટીદાર આંદોલન જેટલી મોટી ચળવળ ઉભી નથી કરી શક્યા. પરંતુ છૂટાછવાયા યોજાઈ રહેલા દલિત સંમેલનો સભાઓ એ વાતની સાબિતી છે કે રાજ્ય સરકાર પ્રત્યે હજી પણ દલિતોના મનમાં રોષ ભભૂકી રહ્યો છે.. જો વિધાનસભાની ચૂટણી પહેલા ભાજપ આ રોષ ઠારવા કોઈ અસરકારક કામગીરી નહીં કરે તો તે જ્વાળામુખી બનીને ભાજપને નુક્સાન જરૂર પહોંચાડી શકે છે..
તો આમ આદમી પાર્ટી પણ ભાજપની જીતમાં વિઘ્ન ઉભું કરી શકે છે. રાજ્યમાં પગ જમાવવા મથતી આમ આદમી પાર્ટી ભલે ભાજપની સત્તા ન હલાવી શકે. પરંતુ તેના પાયા જરૂર ડગમગાવી શકે છે. દિલ્હીમાં સત્તા મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીની નજર પંજાબ અને ગોવાની સાથે સાથે ગુજરાત પર પણ છે, અને આ માટે આમ આદમી પાર્ટીએ સંગઠન મજબૂત કરવાની કવાયતો શરૂ કરી દીધી છે. ભાજપથી નારાજ પાટીદારો અને દલિતોના મત પોતાની તરફ ખેંચવા આમ આદમી પાર્ટી પ્રયાસો કરી રહી છે. તો દિલ્હીના શાસનનું ઉદાહરણ આપી ગુજરાતની પ્રજાને આકર્ષવાની કોશિશ કરાઈ રહી છે.. એટલે સુધી કે અરવિંદ કેજરીવાલ ટૂંકાગાળામાં બે વખત ગુજરાતનો પ્રવાસ ખેડી ચૂક્યા છે.. ત્યારે ભાજપ માટે આ કપરાં કાળમાં આમ આદમી પાર્ટી પણ પડકાર સાબિત થઈ શકે છે..
 ગુજરાતીઓના મન જીતવા કેજરીવાલ એન્ડ કંપની ધમપછાડા તો કરી રહી છે પરંતુ ઈતિહાસ જોતા ગુજરાતની પ્રજાએ ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી ત્યારે ભાજપ માટે આમ આદમી પાર્ટી કદાચ પોતાની હરિફાઈ જ નહીં હોય, પરંતુ લાંબા સમય બાદ કોંગ્રેસ જરૂર ભાજપને  સ્પર્ધા પૂરી પાડી શકે છે... નરેન્દ્ર મોદીના શાસનકાળમાં તો રાજ્યમાં જાણે વિપક્ષ જ ન હોય તેવો શન્યાવકાશ સર્જાયો હતો. પરંતુ રાજ્યમાં મરણપથારીએ પડેલી કોંગ્રેસમાં પાટીદાર આંદોલને પ્રાણ ફૂંક્યો.. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ પર ભારે પડ્યા બાદ કોંગ્રેસમાં દોડવાનું જોમ આવ્યું. હવે હાથમાં આવેલી તક કોંગ્રેસ જવા દેવા તૈયાર નથી. ચૂંટણીમાં જીતના જાગેલા આશાના કિરણ બાદ કોંગ્રેસે પણ 2017ની ચૂંટણી માટે કમર કસી લીધી છે. એક સમયે ખામ થિયરી અપનાવનાર કોંગ્રેસ હવે પટેલો અને દલિતોને પોતાના પક્ષમાં કરવાના મૂડમાં છે..
તો પોતાના ચાર્મથી લોકોને આકર્ષતા વડાપ્રધાન મોદી અને ચૂંટણીને ચાણક્ય ગણાતા અમિત શાહ પણ આ ચૂંટણીમાં ગુજરાતમાં નથી.. પાછલી દરેક ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપનો ચહેરો હતા.. અને અમિત શાહ ચૂંટણીની રણનીતિ ઘડતા હતા. જો કે હવે આ બંને નેતાઓ રાષ્ટ્રીય કક્ષાએ સક્રિય છે..આ બંને નોતાઓ ભાજપને જીતાડવા પ્રયત્ન જરૂર કરશૈ.. પરંતુ  અમિત શાહ અને નરેન્દ્ર મોદી જેવા બે માહિર મહારથીઓની ગેરહાજરીથી ભાજપને ચૂંટણી અભિયાનોમાં મુશ્કેલી પડી શકે છે.
સરવાળે, પાટીદાર આંદોલન, દલિત અત્યાચાર કાંડ, ભાખોડિયા ભરી રહેલી આમ આદમી પાર્ટી અને નવયુવાન થયેલી કોંગ્રેસ આ ચારેય મુદ્દા ભાજપને 2017ની ચૂંટણી જીતવામાં અંતરાય રૂપ જરૂર સાબિત થઈ શકે છે.. પરંતુ વિધાનસભાની ચૂંટણીને હજી 12 મહિનાની વાર છે, ત્યારે ટી.20 મેચની માફક પાસું ક્યારેય પણ પલટાઈ શકે છે.. માટે આગે આગે દેખિયે હોતા હૈ ક્યા... 

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...