Sunday, 25 August 2019

Montu Ni Bittu:જેટલું હસાવશે, એટલા જ લાગણીશીલ પણ કરશે, મળ્યા આટલા સ્ટાર

ડિરેક્ટરઃ વિજયગિરી બાવા

કાસ્ટઃ મૌલિક નાયક, આરોહી, મેહુલ સોલંકી, હેમાંગ શાહ



વિજયગિરી બાવાની પ્રેમજી જેણે જોઈ હશે, તેમને મોન્ટુની બિટ્ટુ પાસેથી અપેક્ષા તો હશે જ. પ્રેમજી ધ રાઈઝ ઓફ વૉરિયરમાં એક સાવ જુદા પ્રકારની સ્ટોરી હતી, તો મોન્ટુની બિટ્ટુ તેના કરતા એલગ જ બેકગ્રાઉન્ડ અને અલગ જ જૉનરની ફિલ્મ છે. કોમન છે ડિરેક્ટર વિજયગિરી બાવાનો ટચ અને ફિલ્મની કાસ્ટ. આ ફિલ્મનો એક જ શબ્દમાં રિવ્યુ કરવો હોય ને તો કહી શકાય કે 2 કલાક અને 13 મિનિટની ફિલ્મ જલસો કરાવે છે. આ ફિલ્મ તમને જેટલા હસાવશે ને એટલો જ ગળે ડૂમો પણ બાઝવા મજબૂર કરશે. ફિલ્મના કેટલાક સીનમાં તમે ખુરશી પકડીને ખડખડાટ હસશો, તો કેટલાકમાં તમારી આંખમાંથી આંસુ નીકળવાના પૂરા ચાન્સ છે.

પોળની અંદર પોળ, અને પોળમાં 'સ્ટોરી'

ફિલ્મની સ્ટોરી બહુ નોર્મલ છે. વાર્તા ફિલ્મના નામ પ્રમાણે જ મોન્ટુ અને બિટ્ટુની આસપાસ ફરે છે. ફિલ્મના નામ પરથી જ ખ્યાલ આવે કે મોન્ટુને બિટ્ટુ ખૂબ ગમે છે. પોળમાં સાથે રહેતા મોન્ટુ અને બિટ્ટુ બેસ્ટ ફ્રેન્ડ છે, જોડે રમીને મોટા થયા છે. અને મોન્ટુને બિટ્ટુ ગમવા લાગે છે. જો કે આ મોટા ભાગના છોકરાઓની જેમ (હળવાશમાં) મોન્ટુ ફક્ત બિટ્ટુનો બેસ્ટ ફ્રેન્ડ છે. મોન્ટુની પોતાના પ્રત્યેની ફીલિંગ બિટ્ટુને ખબર છે, તો મોન્ટુને ય બિટ્ટુ પાસેથી કોઈ અપેક્ષા નથી. મોન્ટુ માટે બિટ્ટુ જ દુનિયા છે. પણ બિટ્ટુના જીવનમાં એન્ટ્રી થાય છે અભિનવની અને અહીંથી સમીકરણો બદલાય છે. અહીંથી મોન્ટુ અને બિટ્ટુના સંબંધોમાં જે ચડાવ ઉતાર આવે છે, એની મજા છે. સ્ટોરી ખૂબ સુંદર લખાઈ છે. જાણીતા લેખક રામ મોરીએ આ ફિલ્મથી રાઈટર તરીકે ડેબ્યુ કર્યો છે. અને કહી શકાય કે તેઓ સફળ રહ્યા છે.

એક્ટિંગના એક્કા

મૌલિક નાયકને અત્યાર સુધી આપણે કોમેડી કરતા જ જોયા છે. પ્રેમજી હોય કે લવની ભવાઈ મૌલિક હંમેશા કોમેડી કરતા આવ્યા છે. પરંતુ મૌલિક મોન્ટુના રોલમાં 100 ટકા ફિટ બેસે છે. પહેલા હાફમાં તો મૌલિક અને હેમાંગ શાહ ખૂબ હસાવે છે. ફિલ્મનો મોટા ભાગનો ભાર આ બંને એક્ટર્સના ખભા પર જ છે. કોમિક ટાઈમિંગમાં આ બંને એક્ટર્સનો જોટો જડે એમ નથી. અને જ્યારે સાથે સ્ક્રીન પર સાથે જોવા મળે તો બીજું જોઈએ શું ? ખાસ તો મૌલિકના એક્સપ્રેશન જોઈને જ તમે પોતાની જાતને હસતા નહીં રોકી શકો. આરોહી દરેક ફિલ્મની જેમ ખૂબ જ નેચરલ લાગે છે. પિંકી પરીખ લાંબા સમયે કેમેરા સામે આવ્યા છે, અને તેમને જોવા ગમે છે. હેપ્પી ભાવસાર સાવ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે, તેમને જોવાની પણ મજા આવશે. ધૂનકી બાદ કૌશાંબી સાવ અલગ જ અવતારમાં દેખાયા છે, પણ દર્શકોને સૌભાગ્યલક્ષ્મી યાદ તો રહી જ જશે. હા મેહુલની એક્ટિંગ થોડી ડલ લાગે છે. મેહુલનું પાત્ર અભિનવ જે રીતે એન્ટ્રી લે છે અને ઈમ્પેક્ટ ઉભી થાય છે, એ ફ્લો જળવાતો નથી. મેહુલના ડાઈલોગ્સમાં પ્રેમજીના પાત્રના ઉચ્ચારણની છાંટ દેખાય છે. પણ અહીં અભિનવના પાત્રમાં હજી સારું કરવાનો સ્કોપ હતો.


ડિરેક્ટર તરીકે વિજયગિરી બાવા ઓલમોસ્ટ દરેક સીનમાં સક્સેસફુલ છે. ફિલ્માં પહેલી 10-15 મિનિટ થોડી સ્લો લાગશે. પણ ત્યાં સુધી અમદાવાદની પોળનું કલ્ચર તમે જોઈ ચૂક્યા હશો, જે ખૂબ સારી રીતે ઝીલાયું છે. ખાસ કરીને પોળની સવાર, પોળમાં ઉજવાતા તહેવારોનો માહોલ અને પાડોશીઓ સાથેના સંબંધો બતાવવામાં ડિરેક્ટર વિજયગિરી બાવા સફળ રહ્યા છે. અને મેહુલ સુરતીનું મ્યુઝિક હોય તો પછી પૂછવું જ શું. ફિલ્મના કેટલાક સીન એવા છે, જેમાં ડાઈલોગ્સ નથી, પણ એક્ટિંગ, ડિરેક્શન અને બેકગ્રાઉન્ડ સ્કોરના કોમ્બિનેશનથી આવા સીન તમને ટચ કરી જશે.

તો સરવાળે કહી શકાય કે ફિલ્મની થોડી સ્લો શરૂઆત, જેમાં મોટા ભાગે પોળનો માહોલ અને કેરેક્ટર ઈન્ટ્રોડ્યુસ થાય છે, ત્યાં ફિલ્મ સહેજ સ્લો લાગે છે. અને મેહુલ સોલંકી થોડા ડીમ લાગે છે. પણ બાકી બધ્ધું જ મજેદાર છે.

મિડ ડે મીટર: 5માંથી 3.5 સ્ટાર


તા. ક.: તમારી લાઈફની 'મોન્ટુ મોમેન્ટ્સ' યાદ ના આવી જાય તો કહેજો !!!!

Monday, 19 August 2019

ગુજરાતનું એક ગામ જ્યાં દરેક ઘરના લોકો કરે છે દેશ સેવા

દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર છે. આઝાદી બાદ પણ દેશના ઘડરતમાં, વ્યવસાયમાં ગુજરાતીઓ આગળ છે. પણ સરહદ પર દેશની સુરક્ષા કરનાર જવાનોમાં અત્યાર સુધી ગુજરાતીઓની સંખ્યા બહું ઓછી હતી. પણ હવે સરહદો પર જવાનોમાં ગુજરાતીઓની સંખ્યા હવે વધી રહી છે અને આ સંખ્યા વધારવામાં ગુજરાતનું આ ગામ મોખરે છે. જેનું નામ છે રંગપુર. ગુજરાતના પાટનરગર ગાંધીનગર જિલ્લામાં આવેલું આ ગામ અનોખું છે. ગાંધીનગરથી મહુડી જવાના હાઈવે પર માણસા તાલુકામાં આ ગામ આવેલું છે. અમદાવાદથી અંતર છે માત્ર 60 કિલોમીટર.

રંગપુર ગામમાં પ્રવેશતા જ વર્તાશે દેશભક્તિની સુગંધ

તમે રંગપુર ગામના દરવાજામાં પ્રવેશ કરો કે તરત જ તેની હવાથી, તેના વાતાવરણથી અંજાઈ જાવ. અહીંની હવામાં જ તમને દેશભક્તિની સુગંધ વર્તાશે. અહીં ભૂમિમાં જ તમને દેશમાટે મરી ફીટવાની ભાવના વર્તાશે. આ રંગપુર ગામ ખાસ એટલા માટે છે કે અહીં ભૂમિ, અહીંની માતાઓ નરબંકાઓને જન્મ આપે છે. રંગપુર ગામ ખાસ એટલા માટે છે કે આ ગામમાં એક પણ ઘર એવું નથી જ્યાંથી કોઈ દેશસેવા કરવા ન ગયું હોય.

Rangpur-Gandhinagar


450 ઘરમાંથી 125 યુવાનો છે આર્મીમાં

દરેક ઘરમાંથી ઓછામાં ઓછો એક યુવાન તો આર્મી, SRP અથવા પોલીસમાં ભરતી થયેલો જ છે. આ ગામમાં લગભગ 450 જેટલા ઘર છે. જેમાં 125 લોકો આર્મીમાં છે, 25 જવાનો SRPમાં તો 325 જવાનો પોલીસ જીવના જોખમે ફરજ બજાવે છે. આ આંકડા જ રંગપુર ગામના લોકોની દેશભક્તિને સાબિત કરવા માટે પૂરતા છે. અહીં દેશભક્તિના સંસ્કાર ગળથૂથીમાંથી જ મળે છે. ગામમાં સમજણા થયેલા છોકરાની ઉંમર ગમે તે હોય, પણ તમને તેને પૂછશો કે બેટા તારુ સપનું શું છે, તો જવાબ એક જ મળશે. સૈન્યમાં જવું છે, કે પોલીસમાં જવું છે. ગામના નાના નાના બાળકો પણ એક જ ધ્યેય સાથે મોટા થાય છે, આ ધ્યેય છે માતૃભૂમિની રક્ષાનું. અને આ વાત ફક્ત કહેવા પૂરતી નથી, 12-13 વર્ષના બાળકો પણ ગામના યુવાનો સાથે શારીરીક રીતે સશક્ત થવા તૈયારી કરતા તમને ગામમાં જ મળી આવશે.

Rangpur-Gandhinagar

એકનો એક દીકરો હોય તો પણ આર્મીમાં મોકલે છે : ક્રિષ્નાબા જાડેજા

સામાન્ય રીતે કોઈ ગામમાં જે વ્યક્તિની આર્થિક સ્થિતિ સદ્ધર હોય, તેને સૌથી વધુ માન મળે. પરંતુ અહીં રંગપુરમાં સ્થિતિ જુદી છે. અહીં જે ઘરમાંથી સૌથી વધુ લોકો સૈન્યમાં કે પોલીસમાં હોય તેનું માન સૌથી વધુ હોય છે. ગામના સરપંચ ક્રિષ્નાબા ચાવડા કહે છે કે,'અમારા ગામનું નામ આ જ કારણે ગર્વથી લેવાય છે. મને પણ ગામના છોકરાઓ પર, માતાપિતા પર ગર્વ છે.' સૈન્યમાં અને પોલીસમાં બંનેમાં જીવનું જોખમ હોય છે. તેમ છતાંય માતા-પિતા ખુશી ખુશી પોતાના બાળકોને માતૃભૂમિના ચરણે ધરી દે છે. સરપંચ ક્રિષ્નાબા જાડેજા કહે છે કે,'ભલે એકનો એક જ દીકરો હોય, પણ આર્મીમાં મોકલતા મારા ગામના લોકો અચકાતા નથી.'

Rangpur-Gandhinagar

ગામના લોકો પાટણ વસાવનાર વનરાજ ચાવડાના છે વંશજ

આ વાત આજ કાલની નથી. રંગપુર ગામમાં મોટા ભાગની વસ્તી દરબાર સમુદાય એટલે કે ક્ષત્રિયોની છે અને ક્ષત્રિઓની જવાબદારી કહો કે પછી તેમના લોહીમાં જ માતૃભૂમિનું રક્ષણ કરવાની ભાવના હોય છે. આ ગામનો ઇતિહાસ સૈકાઓ જૂનો છે. ગામના એક અગ્રણી કહે છે કે આ ગામના લોકો પાટણ શહેર વસાવનાર વનરાજ ચાવડાના વંશજો છે. તેમના વડવાઓ પણ યુદ્ધ લડવા જતા હતા અને આજે પણ ગામના દરેક પરિવારે તે વારસો સાચવી રાખ્યો છે.

Rangpur-Gandhinagar

આર્મી હોય છે પહેલો પ્રેફરન્સઃ જીતેન્દ્રસિંહ

આમ તો ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. પરંતુ છેલ્લી બે પેઢીથી ગામના દરેક પરિવારના લોકો આર્મી કે પોલીસમાં જ છે. પોલીસ અને આર્મીમાં જવાની તૈયારી કરતા ગામના યુવાન જીતેન્દ્રસિંહનું કહેવું છે કે,'અમે બધી જ સરકારી ભરતીની તૈયારી કરીએ છીએ, પરંતુ અમારો પ્રેફરન્સ પહેલા આર્મી અને બીજી પોલીસ હોય છે.' ગામમાંથી ભલે દરેક પરિવારના લોકો દેશસેવા કરતા હોય, પરંતુ કદાચ સરકારનું ધ્યાન અહીં નથી ગયું. શારીરીક રીતે મજબૂત થવા ગામના યુવાનો અને લોકોએ જ ફાળો કરીને શાળામાં જીમ ઉભુ કર્યું છે. જિતેન્દ્રસિંહ કહે છે કે અમે સવાર સાંજ સાથે દોડવાની પ્રેક્ટિસ કરીએ અને સાથે જ શાળામાં થોડાક સાધનોથી કસરત કરીએ છીએ. સર્વિસમાંથી નિવૃત્ત થયેલા લોકો, કે પછી પાસ થયેલા યુવાનો ગામના નાના યુવાનોને તાલીમ આપે છે . હાલ SRPમાં ફરજ બજાવતા વનરજાસિંહનું કહેવું છે કે છોકરાઓ શારીરીક તૈાયરીઓની સાથે થિયરની તૈયારી પણ કરે છે. ભરતી નજીક આવે ત્યારે એક જગ્યાએ ભેગા થઈને વાંચવા બેસે. એકબીજાને પુસ્તકો સજેસ્ટ કરે છે. અને કોઈને ન ખબર પડે તો શીખવતા પણ રહે છે. આ જ રીતે સાથે ચાલવાની ભાવનાથી લોકો આગળ ચાલે છે. સરપંચ ક્રિષ્નાબા ચાવડાનું કહેવું છે કે,'અમારી સરકારને અરજ છે કે ગામ પર ધ્યાન આપે, અને છોકરાઓને તૈયારી માટે સુવિધા કરી આપે. અમારા બાળકોને તૈયારી માટે એક ગ્રાઉન્ડની પણ જરૂર છે.'



આપણે માનીએ કે ન માનીએ પરંતુ દેશભક્તિનો ખુમાર તો ગણતરીના પ્રસંગોએ જ જોવા મળે છે. પરંતુ રંગપુર ગામ દેશભક્તિના રંગે એવું રંગાયું છે કે અહીં બાળકો જન્મે જ છે દેશની સેવા માટે. 15મી ઓગસ્ટે આવા ગામના તમામ લોકોને શત શત પ્રણામ.

Monday, 12 August 2019

મચ્છુ જળ હોનારતઃ વાંચો તે દુર્ઘટના અનુભવનાર લોકોનો આંખે દેખ્યો અહેવાલ

11 સપ્ટેમ્બર, 1979નો દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળના નામે નોંધાયેલો છે. મચ્છુ 2 ડેમ, જે બન્યો હતો મોરબીવાસીઓને પાણી આપવા માટે. મોરબી વાસીઓની જીવાદોરી માટે. પરંતુ કહેવત છે ને જે પોષતું તે મારતું. એવો જ ક્રમ અહીં દેખાયો. જે મોરબી 2 ડેમનો ઉપયોગ લોકોને પાણી પહોંચાડવા માટે થવાનો હતો, તે જ ડેમના પાણીએ હજારો જિંદગી હણી લીધી. પાણી બચાવો તે આપણને બચાવશે એવા સૂત્રો આપણે સાંભળ્યા છે, પરંતુ અહીં તો બચાવેલું પાણી જ હજારો જિંદગીઓ તાણી ગયું.

શું માનવી અને શું પશું, ઈમારતો કે વાહનો... પાણીના જોર સામે બધું જ રમકડાની જેમ તણાઈ ગયું. મોરબીના લોકો જ્યારે આજે પણ એ ઘટનાને યાદ કરે છે ત્યારે ભયનું લખલખું પસાર થઈ જાય છે. 1979ના ઓગસ્ટ મહિનાની 11 તારીખે કુદરતે જે કૅર વર્તાવ્યો, તે યાદ કરતા આજે પણ લોકોની આંખના ખૂણાં ભીના થઈ જાય છે. અવાજને ડૂમો બાઝી જાય છે. તે સમયે કદાચ મોરબીનું એક પણ ઘર એવું નહોતું, જેના પરિવારનો ભોગ મચ્છુ ડેમ હોનારતે ન લીધો હોય.

morbi dam disaster

જેણે આ દુર્ઘટના અનુભવી નથી, તે પણ સાંભળીને ધ્રૂજી ઉઠે છે. તો જરા વિચાર કરો, જે લોકોએ મોરબીના પૂરને અનુભવ્યું છે, તેમની હાલત શું થઈ હશે. મોરબી દુર્ઘટનાના 40 વર્ષે gujaratimidday.comના કોરસપોન્ડન્ટ ભાવિન રાવલે આ દુર્ઘટનાને નજરે નિહાળનાર, મોરબી દુર્ઘટનામાં બચી જનાર લોકો સાથે ખાસ વાતચીત કરીને તે સમયની ઘટનાને જાણવાનો પ્રયત્ન કર્યો. અને જે માહિતી મળી તે ખરેખર દર્દનાક છે.
વલ્લભભાઈના પરિવારના 11 લોકો તણાયા
વલ્લલબાઈ પ્રજાપતિએ આ આખીય દુર્ઘટના નજરે જોઈ છે. અને તેઓ પોતાના પરિવારના 11 લોકોને આ દુર્ઘટનામાં ગુમાવી ચૂક્યા છે. વલ્લભભાઈ એ ગોઝારો દિવસ યાદ કરતા કહે છે કે,'8 દિવસથી વરસાદ ચાલુ હતો. મોરબી 1 ડેમ ઓવરફ્લો થયો એટલે એનું પાણી 2 નંબરના ડેમમાં આવ્યું. અમારું ઘર ડેમથી 6-7 કિલોમીટર દૂર હતું. ડેમ તૂટ્યો એટલે પહેલા તો 2-3 ફૂટ પાણી ભરાયા. પાણી મોરબી તરફ જતું હતું, પછી પાછુ આવ્યું. અને જે ફોર્સમાં પાણી આવ્યું, એની સ્પીડ સામે બચવાના કોઈ વિકલ્પ જ નહોતા. પશુઓ જીવ બચાવવા છત પર ડી ગયા હતા. જોત જોતામાં પાણી 10 ફૂટ સુધી ભાઈ ગયા. અમે બધાં માતાનો મઢ હતો એની છત પર ચડી ગયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હતું. બપોરે 3.30 વાગ્યાની આસપાસ પાણી ભરાયા એ સાંજે લગભગ 10-11 વાગે ઉતર્યા. પછી બધાએ પોતાના ઘર જોવાની શરૂઆત કરી. પણ પાણી ઉતર્યા બાદની સ્થિતિ ભયાનક હતી. ચારે તરફ લાશ જ દેખાતી હતી. વીજળીના તાર પર લાશો લટકતી હતી. મારા મોટા બાપાના પરિવારના 8 જણા આ પાણીમાં તણાઈ ગયા. તેમના 3 ભાણેજ સાતમ આઠમ કરવા આવ્યા હતા એ પણ તણાઈ ગયા. પાણી ઉતર્યા બાદના દ્રશ્યો જોઈને બધાના મગજ બહેર મારી ગયા હતા. સરકારે રાહત કામગીરી શરૂ કરી. ફૂડ પેકેટ આવતા. પણ મોરબીને સરખું થતાં 3 મહિના લાગ્યા. સાફસફાઈ કરીને, રહેવા લાયક થતા 3 મહિનાનો સમય વીત્યો. એ 7થી 8 કલાકનો સમય જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકાય.'

morbi dam disaster
વલ્લભભાઈ પ્રજાપતિ અને મયુરદાન ગોવાભાઈ મારુતિ

'અમે લગભગ 72 લોકોને બચાવ્યા'

એક તરફ મોત હતું તો બીજી તરફ માનવતા પણ હતી. એક તરફ કાળ હતો, તો બીજી તરફ કાળથી બચાવનાર લોકો પણ હતા. એક તરફ મૃત્યુ પ્રચંડ વેગે ધસમસતું આવી રહ્યું હતું, તો બીજી તરફ લોકો દેવદૂત બની રહ્યા હતા. gujaratimidday.comએ મયુરદાન ગોવાભાઈ મારુતિ સાથે વાત કરી. જેઓ તે સમયે NCCના કમાન્ડર હતા, અને તેમણે 72થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. આ માટે તેમને NCCના ડાયરેક્ટર જનરલનો મેડલ મળી ચૂક્યો છે. તો પુરાણીજી પારિતોષિક પણ મળ્યું છે.


મયુરદાન ગોવાભાઈ મારુતિ એ સમયને યાદ કરતા કહે છે કે,'10 તારીખને શુક્રવાર હતો, ખૂબ વરસાદ પડ્યો હતો. આખી રાત પણ વરસાદ પડ્યો હતો, એટલે પાણી ભરાયા હતા. એટલે અમે લોકોને સલામત સ્થળે ખસેડતા હતા. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે લઈ જતા હતા. મોરબીની નહેરુ વ્યાયામ શાળાના યુવાનો પણ મદદ કરી રહ્યા. ડેમ તૂટ્યો એ પહેલા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી હતા. એટલે મુશ્કેલી તો પહેલેથી જ હતી. પણ મોરબી 1 ડેમ ઓવરફ્લો થતા 2 નંબરના ડેમમાં પાણી આવ્યું. ગેટ ખોલવાના પ્રયત્ન કર્યા, પરંતુ ગેટ ન ખૂલ્યો. જો એ ગેટ ખૂલ્યો હોત તો કદાચ નુક્સાન ન થાત. ડેમ તૂટ્યો એટલે પાણી ભરાવા લાગ્યા. એટલે બધાએ કહ્યું કે હવે નીકળી જવું જોઈએ. પણ મારી સાઈકલ ગામમાં હતી. હું લેવા ગયો, તો પાણી સાઈકલની ઉપરથી વહેતું હતું. જોતજોતામાં પાણી બચવા લાગ્યું. લગભગ દોઢ કિલોમીટર ચાલીને હું એક મકાનની છત પર પહોંચ્યો. ત્યાં અમે ઉપર ચડીને બેઠા તો એક ટ્રક, જે બચાવ કાર્યમાં વપરાતી હતી, તે પાણીમાં ફસાઈ હતી અને જળસ્તર વધતું હતું. ત્યારે છત પરથી ટ્રક સુધી દોરડું નાખીને ટ્રકમાં બેઠેલા લોકોને અમે સલામત રીતે છત પર લીધા. આ લોકો તો બચી ગયા, પણ મેં જે જોયું તે દર્દનાક હતું.

મારુતજીનું કહેવું છે કે છત પર બેઠા બેઠા 4 કલાકમાં મેં અનેક લોકોને તણાતા જોયા. એક વ્યક્તિ જીવ બચાવવા ટેલિફોનના થાંભલે ચડ્યો હતો. પણ થોડા સમયમાં તે થાક્યો અને પકડ છૂટી ગઈ, પાણીમાં તણાઈ ગયો. આ જોવા છતાંય બચાવવાની કોઈ તક નહોતી. પાણીનો પ્રવાહ એટલો હતો કે તણાતા લોકોને બચાવવા શક્ય નહોતા. મોડી સાંજે કે રાતે પાણી તો ઉતરી ગયા, પણ પાછળ નુક્સાન ઘણું મોટું હતું. એ દ્રશ્યો જોઈને જાતને સંભાળવી અઘરી હતી. કારણ બધે જ લાશો પડી હતી.



આ ભયાનક દુર્ઘટનામાં હજારો લોકો મૃત્યુ પામ્યા. મોતના જુદા જુદા આંકડા ચર્ચાય છે, પરંતુ ચોક્કસ કેટલા લોકો મર્યા હતા, તે આજેય કોઈ જાણતું નથી. જો કે આજે 40 વર્ષે મોરબી આ હોનારતને પાછળ મુકી બેઠું થઈ ચુક્યુ છે. ટાઈલ્સ ક્ષેત્રે અને ઘડિયાળ ક્ષેત્રે મોરબીનો જોટો જડે એમ નથી. તેમ છતાંય 11 ઓગસ્ટે આખા મોરબીમાં શોકનો ભાર હજીય વર્તાય છે.

Tuesday, 6 August 2019

Friend Zone Review:એક એવી વેબસિરીઝ જે નહીં જુઓ તો પણ ચાલશે

સ્ટાર કાસ્ટઃ મયુર ચૌહાણ, યશ સોની, સંજય ગલસર, રાહુલ રાવલ

ડિરેક્ટરઃ અર્ચના દેસાઈ 

વેબસિરીઝનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ગુજરાતી વેબસિરીઝ પણ બની રહી છે. નાના મોટા પાયે વેબસિરીઝ બની રહી છે. સંદીપ પટેલે ડિરેક્ટ કરેલી મલ્હાર ઠાકર અને માનસી પારેખ સ્ટારર ડુ નોટ ડિસ્ટર્બને સારો પ્રતિસાદ મળ્યો છે. એના બાદ હવે આવી છે 'ફ્રેન્ડ ઝોન'. આ વેબ સિરીઝનું શૂટિંગ તો લાંબા સમય પહેલા પુરુ થઈ ગયું હતું. આખરે આ વેબસિરીઝ શેમારુની એપ પર રિલીઝ થઈ છે. આ વેબસિરીઝમાં યશ સોની, મયુર ચૌહાણ, સંજય ગલસર અને રાહુલ રાવલ છે. સાથે જ શ્રદ્ધા ડાંગર પણ છે. આ વેબસિરીઝમાં શાનદાર એક્ટર્સ મયુર ચૌહાણ, યશ સોની અને સંજય ગલસર હોવાને કારણે દર્શકોને ખૂબ આશા હતી. પણ અફસોસ કે વેબસિરીઝ જોવા પાછળ ટાઈમ ન બગાડો તો જ સારું. અને જો તમે ત્રણ એક્ટર્સમાંથી કોઈના ફેન હો તો તો ના જ જોતા.


વાર્તા રે વાર્તા 

વેબસિરીઝ પાંચ એપિસોડની છે. દરેક એપિસોડ આશરે 15 મિનિટની આસપાસનો છે. આ સ્ટોરી ત્રણ એવા યંગસ્ટરની છે, જેમને ગમતી છોકરી હા નથી પાડી રહી. તેઓ પોતાની ગમતી છોકરીને મેળવવા તેની પાસેથી આઈ લવ યુ સાંભળવા બધી જ મહેનત કરે છે. પણ છોકરી હા નથી પાડતી. આખરે ત્રણેય મળે છે મયુર ચૌહાણ ઉર્ફે ડૉ.પ્રેમાનંદને. જે ફ્રેન્ડ ઝોન નામની બીમારીના સ્પેશિયાલિસ્ટ છે. મયુર ઉર્ફે ડૉ.પ્રેમાનંદ ત્રણેયનો ઈલાજ કરે છે. આ દરમિયાન ત્રણેયને ખબર પડે છે કે ત્રણેયને જે છોકરી ગમે છે એ તો એક જ છે. આખરે ડૉ. પ્રેમાનંદ પણ એ છોકરીને મળવા બોલાવે છે. અને બાકીની સ્ટોરી પ્રિડક્ટેબલ છે. બસ આ ચાર લાઈનના પાંચ એપિસોડ તમારે સહન કરવાના છે. સરવાળે સ્ટોરી નબળી છે. ફ્રેન્ડ ઝોનના મુદ્દાને હજી વધુ સારી રીતે મેચ્યોરિટીથી કોમેડી સાથે રજૂ કરાઈ શક્યો હોત.

હેનિલ ગાંધી આ પહેલા ટિનિયાગિરી લખી ચૂક્યા છે. જે યુટ્યુબ પર આવી હતી. આ સ્ટોરી પણ યુટ્યુબની કોઈ નાનકડી ચેનલ માટે જ ચાલે એવી છે. જ્યારે ત્રણ પ્રોમિનન્ટ એક્ટર્સ હોય ત્યારે ઘણી સારી આશા હોય છે, જો કે બધી જ આશા નિરાશા બની જાય છે.

હા સંજય ગલસરનો ટિપિકલ અમદાવાદી ટોન એકાદ વાર ગમશે. છેલ્લા એપિસોડમાં મયુરની નાનકડી ઈમોશનલ સ્પીચ એકાદ મિનિટ માટે જોવી ગમશે. પણ એટલા માટે પાંચ એપિસોડ સહન કરવા કોણ તૈયાર થાય.

એક્ટિંગ

સૌથી પહેલો સવાલ એ છે કે યશ સોની, મયુર ચૌહાણ અને સંજય ગલસર આ ત્રણેય પોતાની એક્ટિંગના કારણે જ વખણાય છે. ત્યારે આ વેબસિરીઝ કરી શું કામ હશે ? આમ તો પાંચેય એક્ટરની ઓવરએક્ટિંગ છે. જે દરેક સીનમાં દેખાય છે. યશ, મયુર અને સંજય પાસેથી આવી એક્ટિંગની કદાચ કોઈએ પણ આશા રાખી નહીં હોય. રાહુલ રાવલ વાંઢા વિલાસમાં દેખાઈ ચૂક્યા છે. પણ અહીં એક પણ સીનમાં તેમની પાસે ખાસ કંઈ કરવાનો સ્કોપ જ નથી. શ્રદ્ધા ડાંગર પણ બ્યુટી સિવાય ધ્યાન ખેંચતી નથી.

ડિરેક્શન પણ નબળું છે. જો તમે આ વેબસિરીઝ જોવાના હોય તો લોજિક વિશે તો વિચારતા જ નહીં. લોજિકને તો કંઈક લાગતું વળગતું છે જ નહીં. દરેક એપિસોડ ટુકડા છે, એટલે એક એપિસોડ જોઈને બીજો જોવાનું મન થાય એવું પણ નથી. મુદ્દો સારો પસંદ કરાયો છે, પરંતુ તેનો સ્ક્રીપ્ટ અને ડિરેક્શનમાં દાટ વાળ્યો છે.

મિડ ડે મીટરઃ 5માંથી 1 સ્ટાર. 

તા.ક. મયુર ચૌહાણ, યશ સોની, સંજય ગલસરને એક જ સવાલ. શા માટે ?

Sunday, 4 August 2019

એક ફેસબુક પેજ પરથી લોકોને ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે ધારા પટેલ

એક ફેસબુક પેજ પરથી લોકોને ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે ધારા પટેલ
ધારા પટેલ અને શિવમ પટેલ
ડિપ્રેશન અને સ્ટ્રેસ આ એવી બીમારી છે, જે આજકાલ મોટા ભાગના લોકોને હોય છે. ફરક એટલો પડે કે સ્ટ્રેસને લોકો સ્વીકારી લે છે અને ડિપ્રેશનને સ્વીકારતા નથી. કારણ કે ડિપ્રેશનને માનસિક બીમારી ગણવામાં આવે છે. વર્ચ્યુઅલ વર્લ્ડ જેટલું વિશાળ થયું છે, એટલું જ રિયલ વર્લ્ડ સંકોચાઈ રહ્યું છે. પરિણામે લોકોના સંપર્ક છૂટી રહ્યા છે. કેટલીકવાર એવું પણ બને છે કે સોશિયલ મીડિયા પર લોકોને સંખ્યાબંધ લાઈક્સ મળતી હોય, કમેન્ટસ મળતી હોય પરંતુ તે જ વ્યક્તિ રિયલમાં એકલું ફીલ કરતો હોય, પોતાની વાત લોકોને કહી ન શક્તો હોય. આજકાલના હેક્ટિક શેડ્યુલને કારણે પણ આવી ઘટનાઓ બને છે. પરિણામે લોકો ડિપ્રેશનનો ભોગ બનતા જાય છે.

ત્યારે આવા ડિપ્રેશન સામે લડવા, લોકોને ડિપ્રેશનમાંથી બહાર કાઢવાનું ઈનિશિયેટિવ લીધું છે અમદાવાદના ધારા પટેલે. ધારા પટેલે એક ફેસબુક પેજ પરથી પોતાના ઈનિશેટિવની શરૂઆત કરી હતી. ધારાએ ફેસબુક પર Human is near you, you are not alone નામનું પેજ શરૂ કર્યું છે. જેનાથી તે ડિપ્રેસ લોકોને પોતાની વાત કહેવાનું, શૅર કરવાનું પ્લેટફોર્મ આપે છે. આ વિશે વાત કરતા ધારાનું કહેવું છે કે,'આજકાલ આપણી લાઈફમાં કમ્યુનિકેશન ખૂટે છે. કોઈની સાથે આપણે વાત શૅર કરતા નથી. ત્યારે આ પ્લેટફોર્મ તમને પોતાની વાત કહેવાની તક આપે છે.'

depression
આ છે ધારા પટેલે બનાવેલું પેજ

ધારા પોતે જર્નલિસ્ટ છે, અને હાલ પીઆર તરીકે એક ફર્મમાં કામ કરે છે. અને પોતાના આ બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને તે આ ઈનિશિયેટીવ ચલાવે છે. આ પેજ શરૂ કરવાનો વિચાર કેમ આવ્યો એ સવાલના જવાબમાં ધારાનું કહેવું છે કે,'હું પત્રકાર છું, એટલે ઘણા લોકોને મારે નોકરી દરમિયાન મળવાનું થતું. હાઈપ્રોફાઈલ લોકોને મળતી. સામાન્ય લોકોને મળતી ત્યારે જ લાગતું કે લોકો ડાઉન ફીલ કરે છે. એટલે મને લાગ્યું કે કંઈક કરવું જોઈએ. વધુ તો કંઈ વિચાર્યું નહીં, પણ ફેસબુકનો ઉપયોગ કરીને આ પેજ બનાવ્યું. અને તમે માનશો નહીં પેજ શરૂ થયાના એક જ કલાકમાં મને 200 લોકોના મેસેજ આવ્યા કે આવું પ્લેટફોર્મ જરૂરી છે.'

આજે તો ધારાના આ પેજને 1 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. અને તેમની ટીમમાં બીજા 5 લોકો જોડાઈ ચૂક્યા છે. ધારાની સાથે હવે શિવમ પટેલ પણ આ પેજ હેન્ડલ કરે છે. શિવમ પટેલ આ પેજનું કન્ટેન્ટ અને કમ્યુનિકેશન હેન્ડલ કરે છે. તો તમે ડિપ્રેસ્ડ લોકોને મળો કેવી રીતે અને તેમનું કાઉન્સેલિંગ કેવી રીતે કરો ? આ સવાલના જવાબમાં ધારા કહે છે,'એવા કોઈ ખાસ કાઉન્સેલિંગની જરૂર નથી હોતી. અમે બસ મળવાનું ગોઠવીએ. કોઈ જાહેર જગ્યાએ મળીએ. જેટલા લોકોને રસ હોય એ આવે. ગેમ રમીએ. બધા મળે એકબીજાને વાતો કરે. ફ્રેન્ડશિપ થાય. પોતાના પ્રોબ્લેમ શૅર કરે અને બસ કમ્યુનિકેશન થાય એનાથી જ કામ થઈ જાય છે.'
અત્યાર સુધીમાં આ પેજ થકી ધારા કુલ આઠ મીટ અપ કરી ચૂક્યા છે. જેમાં દર વખતે 30થી 35 લોકો આવે છે. ધારાનું કહેવું છે કે એવા ઘણા લોકો છે જે આ મીટ અપ પછી સારું ફીલ કરે છે. અને હવે અમારી સાથે કામ કરે છે. એક ડિપ્રેસ્ડ લેડી હતા, જેણે ત્રણ મીટ અપ પછી ડિપ્રેશનની દવાઓ લેવાની ઓછી કરી નાખી હતી. તેમને આ મીટ અપથી ફ્રેન્ડ્ઝ મળ્યા, જેમની સાથે તેમણે પ્રોબ્લેમ શૅર કર્યો અને હવે એ લોકો સાથે શોપિંગ કરવા જાય છે, મૂવી જોવા જાય છે. હવે એ ખુશ છે. બસ એક મીટ અપથી જ આટલું કામ થઈ જાય છે.

ધારાના આ પેજની ખ્યાતિ દેશ વિદેશ સુધી પહોંચી છે. ધારા કહે છે કે એક વખત એક છોકરાએ કેનેડાથી અમને ફોન કરીને વાત કરી હતી. તેનું બ્રેક અપ થયું હતું, અને તેને વાત શૅર કરવી હતી. અમે તેને સાંભળ્યો. બસ આજે એ છોકરો પોતે એક સારી પોઝિશન પર છે. તો દુબઈ ગુજરાતી સમાજ પણ આ ઈનિશિયેટિવ વિશે ઈન્કવાયરી કરી ચૂક્યુ છે. ગુજરાતી મિડ ડે ડોટકોમે આ જ મીટ અપથી જેને ફાયદો થયો એવા વ્યક્તિઓ સાથે પણ વાત કરી, જો કે તેઓ પોતાનું નામ જાહેર કરવા નથી ઈચ્છતા, એટલે અમે તેમના મીટ અપનો ફોટો પણ પબ્લિશ નથી કરી રહ્યા (કદાચ આ જ કારણ છે કે લોકો ડિપ્રેશનને જાહેરમાં નથી સ્વીકારી રહ્યા અને વધુને વધુ ભોગ બની રહ્યા છે.) આવા જ એક વ્યક્તિનું કહેવું છે,'આ પ્લેટફોર્મ પર હું એવા વ્યક્તિઓને મળી, જેમના જીવનમાં મારા કરતા વધુ મુશ્કેલી હતી, એમને જોઈને મને પ્રેરણા મળી. મને મિત્રો મળ્યા, મને લાગ્યુ કે હું જે ભોગવું છું એ તો ઓછું છે. હાલ હું એક સફળ આંત્રપ્રેન્યોર છું, પણ જો સાચા સમયે આ પ્લેટફોર્મ મને ન મળ્યું હોત તો કદાચ હું આજે એક દુખી સ્ત્રી તરીકે જીવતી હોત.'

ધારા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે આ પેજ અને એની એક્ટિવિટી મેનેજ કરે છે. ધારા કહે છે કે મોટા ભાગે અમે રવિવારે જ મળવાનું ગોઠવીએ, એટલે બધા લોકો આવી શકે. રવિવારે અમે બધા મળીએ ને વાતો કરીએ, એકબીજાની વાતો સાંભળીએ. અને આ રીતે આગળ ચાલે રાખે છે.

ઉલ્લેખનીય છે કે ઘણા લોકો ડિપ્રેશનથી પીડાતા હોય છે, ત્યારે આવા પ્લેટફોર્મની સમાજને જરૂર છે. એટલું જ નહીં લોકોએ પણ ખુલીને આ વિશે વાત કરવાની જરૂર છે. ધારા પટેલના આ ઈનિશિયેટિવને કારણે આજે કદાચ સેંકડો લોકો નોર્મલ જીંદગી જીવી રહ્યા છે.

Saturday, 3 August 2019

Dhunki Movie Review:એક સપનું પુરુ કરવાની સ્ટ્રગલ એટલે 'ધૂનકી'

Dhunki Movie Review:એક સપનું પુરુ કરવાની સ્ટ્રગલ એટલે 'ધૂનકી'
ધુનકી
કાસ્ટઃ પ્રતીક ગાંધી, દીક્ષા જોશી, વિશાલ શાહ, કૌશાંબી ભટ્ટ
ડિરેક્ટરઃ અનિશ શાહ

સ્ટોરી કહેતી હૈ.....

જરા વિચારો કે જો સવારે તમારા વાઈફ ઓફિસ જાય છે, અને ટિફિન તમે તૈયાર કરીને આપો !! ઉંધું છે ને, મેલ ઈગોને ન ગમે ને ! પણ છે નોર્મલ, બસ આપણે કરતા નથી. તો જે નથી કરતા એ કરવાની વાત અને એમાં આવતી મુશ્કેલીઓની વાર્તા એટલે અનીશ શાહની ધૂનકી. ફિલ્મની વાર્તા તમને કહી દઈશ તો તમને જોવાની મજા નહીં આવે. પણ ઈશારા ઈશારામાં વાત કરીએ તો આ બે કપલની નહીં પણ ચાર લોકોની વાત છે, ચાર જુદા જુદા વ્યક્તિઓની જર્ની છે. નિકુંજ (પ્રતીક ગાંધી)ને રસોઈ બનાવવી ગમે છે, અને 9 ટુ 5ની જોબથી કંટાળીને એ પેશનને ફોલો કરે છે. તેની ખાસ મિત્ર શ્રેયા (દીક્ષા જોશી)ને પણ રૂટિનથી હટીને કંઈક કરવું છે. એટલે બંને એક સ્ટાર્ટ અપમાં જોડાય છે. જો કે ફિલ્મ સ્ટાર્ટઅપની જર્ની નથી. એક ગમતું કામ કરવામાં આવતી અડચણો, બિઝનેસની મુશ્કેલીઓ અને પર્સનલ લાઈફના ક્લેશની વાર્તા છે. જેને દરેક વ્યક્તિ પોતાની સાથે કનેક્ટ કરી શકે છે. એટલે ફિલ્મનો પ્લસ પોઈન્ટ તેની સ્ટોરી તો છે જ.

એક્ટિંગમાં અવ્વલ

સાથે જ પ્રતીક ગાંધી એઝ ઓલવેઝ એક્સપ્રેશનના બાદશાહ છે. કોમિક સીન હોય કે ઈમોશનલ, પ્રતીકનો ફેસ જોઈને જ દર્શકો કનેક્ટ કરી લે. એમાંય સેલફીશ વાળો સીન તો ગજ્જબ (ના, ના હવે સ્પોઈલર નથી !) તો દીક્ષા જોશીને ફિલ્મની શરૂઆતથી જોવાની મજા આવશે. વિશાલ શાહે પોતાનું પાત્ર એવું પકડ્યું છે કે જો કદાચ તમે તેમને રિયલમાં મળો તો તમે તેમની સ્ક્રીન ઈમ્પેક્ટ લઈને જ મળશો. અને કૌશામ્બી ભટ્ટ બ્યુટીની સાથે બ્રિલિયન્ટ એક્ટિંગ.

આ તો જોવું જ પડે

સાથે એક વાત ખાસ જે ગમી એ છે ફિલ્મનું ડિટેઈલિંગ. તમે ધ્યાન આપશો તો AP નંબરની કાર જોઈને સવાલ થશે ! જવાબ તમને ફિલ્મમાં જ મળશે. આ ઉપરાંત કેટલીક મોમેન્ટ્સ પર આવતી ધૂનકીની બેકગ્રાઉન્ડ ધૂન પણ અમેઝિંગ છે. તો પછી ખરાબ શું છે ?



લાગે છે અહીં ચૂકી ગયા

ફિલ્મમાં ચોટદાર વન લાઈનર્સની કમી વર્તાય. જેમ કે દાળમાંથી મીઠુ કેમ કાઢવું, એવા 4-5 કોમિક સીન વધારે હોત તો હજી મજા આવત. વળી, ફર્સ્ટ હાફ સ્લો છે. તમારે વેઈટ કરવી પડે એક કલાક સુધી કે આગળ ફિલ્મ કેમ જોવી ? કારણ કે જર્નીના ટર્ન આવતા જ સુધીની સ્ક્રીપ્ટ ખેંચાઈ છે. અને ઈન્ટરવલ પણ કોઈ ટ્વિસ્ટ વગર આવી જાય છે. માંડ ફિલ્મ શરૂ થાય, ત્યાં જ ઈન્ટરવલ આવે.

જો કે ફિલ્મની આ 3-4 નેગેટિવ બાબતો સારી સ્ક્રીપ્ટ અને મસ્ત એક્ટિંગ સામે માફ કરી શકાય. પણ એઝ અ વ્યુઅર બધાને પસંદ આવે એવી શક્યતા ઓછી છે. કારણ કે ટિપિકલ કોમેડી સ્ટાઈલ ગુજરાતી ફિલ્મ નથી. વીક એન્ડમાં ફેમિલી સાથે જોશો તો મજા આવશે. કદાચ તમારા પોતાના સપના માટે પ્રેરણા પણ મળી જાય.


એટલે તમામ સારા અને ખરાબ પાસાને ધ્યાનમાં રાખતા મિડ ડે મીટર પર 'ધૂનકી'ને મળે છે 5માંથી 3 સ્ટાર

મિડ ડે મીટર: 5માંથી 3 સ્ટાર

તા.ક. યાર, તમે ક્યારેય ઈંટવાળી દાળ ખાધી છે !!!!

47 ધનસુખ ભવન: ટિપિકલ કોમેડીથી હટીને કંઈક રસપ્રદ આપવાનો પ્રયાસ

47 ધનસુખ ભવન: ટિપિકલ કોમેડીથી હટીને કંઈક રસપ્રદ આપવાનો પ્રયાસ
47 ધનસુખ ભવન
સ્ટારકાસ્ટઃ ગૌરવ પાસવાલા, ઋષિ વ્યાસ, શ્યામ નાયર
ડિરેક્ટરઃ નૈતિક રાવલ
અર્બન ગુજરાતી ફિલ્મોનો દોર શરૂ થયો ત્યારથી તેમાં બે વાતો કોમન રહી છે. મોટા ભાગે કાં તો તેમાં મિત્રોનું ગ્રૂપ હોય, જેમની વચ્ચે થતી મસ્તીથી ક્યારેક પરાણે હસાવતી કોમેડી અને બીજો દારૂ પીવાનો સીન. મોટા ભાગની અર્બન ગુજરાતી ફિલ્મો આની આસપાસ આવી. જો કે રોંગ સાઈડ રાજુ, કેરી ઓન કેસર, નટસમ્રાટ જેવી અલગ સ્ટોરી લાઈન ધરાવતી ફિલ્મો પણ બની. જો કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા પ્રયાસો ખૂબ ઓછા થઈ રહ્યા છે. એના કારણોની ચર્ચામાં નથી પડવું. પણ વાત કરીએ પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ 47 ધનસુખ ભવનની.

ટીમે ઝીલ્યો છે પડકાર

સૌથી પહેલા તો આ ફિલ્મની સમીક્ષા કરવાને બદલે ડિરેક્ટર નૈતિક રાવલ, ગેલોપ્સ ટોકીઝ અને ફિલ્મના ત્રણેય લીડ એક્ટરને એટલા માટે બિરદાવવા જોઈએ કારણ કે ગુજરાતી ફિલ્મોને પૂરતા દર્શકો ન મળતા હોવાની જાણ છતાંય તેમણે કંઈક અલગ કરવાનું જોખમ લીધું. દર્શકોને કંઈક નવું આપવાની ચેલેન્જ ઉઠાવી. મોટા ભાગે તેઓ સફળ પણ થયા છે.

કુછ ખટ્ટા, કુછ મીઠા !

આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો 47 ધનસુખ ભવન નામ પ્રમાણે જ એક બિલ્ડિંગની આસપાસ રચાતી વાર્તા છે. ત્રણ ભાઈઓ પોતાના વારસાગત મકાનમાં જાય છે. મકાન ખાલી થઈ રહ્યું છે. જ્યાં તેમને તેનું બાળપણ યાદ આવે છે. જો કે સ્ટોરી આ ત્રણ ભાઈઓની નથી, સ્ટોરી એક એવા પાત્રની છે ... (હવે આ કહી દઈશ તો ફિલ્મની મજા મરી જશે. બેટર છે કે કદાચ તમે જ એક વાર જોઈ લો.) આ ફિલ્મની ખાસિયત બે છે એક ફિલ્મ પહેલી ગુજરાતી વન શોટ મૂવી છે. એટલે કે ફિલ્મ આખી એક જ વારમાં શૂટ થઈ છે. અને બીજું ફિલ્મની લંબાઈ માત્ર 107 મિનિટ છે. જો કે ભારતમાં 100 મિનિટની ફિલ્મ બનાવવી જરૂરી છે, એટલે મર્યાદા સમજી શકાય એમ છે, કદાચ એના કારણે જ સીન ખેંચાય છે. પરંતુ એક જુદા જ પ્રયત્ન સામે એને સાંખી શકાય. અને હા એક મજાની વાત એ છે કે તમે ફિલ્મના જોનર માં કન્ફ્યુઝ થઈ જશો કે આ હૉરર છે કે થ્રિલર. અને એઝ અ ડિરેક્ટર નૈતિક રાવલ અહીં જ સફળ થાય છે.

એક્ટિંગમાં અવ્વલ

એક્ટિંગની વાત કરીએ તો ગૌરવ પાસવાલા ઈમ્પ્રેસિવ છે. ખાસ કરીને ક્લાઈમેક્સમાં તમને ગૌરવને જોવાની મજા આવશે. ઋષિ વ્યાસ પણ મોટા ભાઈ તરીકે જામે છે. શ્યામ નાયરે પાત્રને આત્મસાત કર્યું છે. જો કે સ્ટોરી ક્યાંક ક્યાંક ખેંચાય છે. કેટલીવાક તો એવું થાય કે આ હવે બીજો ડાઈલોગ બોલશે કે નહીં. પણ પોઝિટિવ બાબત છે ફિલ્મનો એન્ડ. ફિલ્મનો એક જુદા જ પ્રકારનો એન્ડ તમને ચોંકાવી શકે છે. છેલ્લે આવતું ટ્વિસ્ટ ઝાટકો આપવા પૂરતુ છે. અને કહેવાય છે કે જે તમે ધાર્યું છે એના કરતા કંઈક અલગ આવેને એ જ ડિરેક્ટરની સફળતા.

અહીં ખૂંચે છે

ફિલ્મમાં ખામીઓ ઘણી છે. સ્ટોરી ખેંચાયા કરે છે. લાંબા સમય સુધી કંઈ નવું બનતું નથી. જો કે સાઉન્ડ ઈફેક્ટ કેટલાક સીનને રસપ્રદ બનાવે છે. કદાચ જોવામાં અને સમજવામાં થોડી અઘરી લાગી શકે છે. એકના એક ડાઈલોગથી કંટાળી જવાય. અને હા કેટલાક સવાલોના જવાબ ફિલ્મમાં જ મળી જવા જોઈતા હતા. જે નથી મળતા.

આ છે ફિલ્મની વિશેષતા

જો કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દર્શકો તરીકે ગૌરવ લેવા જેવી વાત એ કે આ પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ છે, એટલે કે એવી ફિલ્મ જેમાં ક્યાંય કોઈ જ કટ નથી. ફિલ્મનો પહેલો સીન તમે જુઓ ત્યાંથી એન્ડ આવે ત્યાં સુધી એક જ વખત કેમેરો શરૂ કર્યા પછી ફિલ્મ શૂટ થઈ છે. સમજી શકાય એવી વાત છે કે અહીં રિટેકને જગ્યા નથી. એટલે એક્ટર્સે જે રીતે સ્ક્રીપ્ટને ગ્રાસ્પ કરી છે. તે દાદ આપવા લાયક છે. વળી જે સીન લાંબા લાગે એ પણ આ જ કારણે કે ફિલ્મમાં એડિટ કરવાનો ઓપ્શન નથી. એટલે પણ ફિલ્મ લાંબી લાગી શકે છે.
સરવાળે વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક નવતર પ્રયોગ છે. આવું રિસ્ક લેવા બદલ આખી ટીમને વખાણવી જ રહી.


તા. ક.: ફિલ્મોના શોખીનોએ અને ફિલ્મ બનાવવતા ઈચ્છતા લોકોએ તો જોવી જ જોઈએ.

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...