Saturday, 21 December 2019

નવલકથા લખવાનો સંઘર્ષ કેવો હોય ? નવલકથા લખતી વખતે લેખકના મગજમાં શું ચાલતુ હશે ?



 ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ શુક્રવારથી શરૂ થઈ ચૂક્યો છે. આજે તેનો અંતિમ દિવસ છે. ફેસબુક પર કેટલાક લોકો GLFને ટ્રોલ કરી રહ્યા છે, કેટલાક લોકો એન્જોય કરતી સેલ્ફી મૂકી રહ્યા છે. સિક્કાની બે બાજુ હોય જ છે, હંમેશા બધા જ લોકોને બધું જ ગમે એ જરૂરી નથી હોતું. શનિવારે હું પણ જઈ આવ્યો. ગમતા ત્રણ સેશન અટેન્ડ કર્યા. બ્રિન્દા ઠાકરના ફેસબુક પરના લખાણ વાંચ્યા છે, કાલે તેમને સાંભળ્યા. કાંતિ ભટ્ટને ક્યારે વાંચ્યા નથી પણ કાલે એમના વિશે ઘણું સાંભળ્યું. જો કે ખાસ મોમેન્ટ બની રહી ધૈવત ત્રિવેદી સાથે ચા પર 10 મિનિટની ચર્ચા. આ જ તો GLFની કમાલ છે ને, તમને ગમતા લેખકો સાથે તમે ચર્ચા કરી શકો.

        બ્લોગર્સ પાર્ક સેશનમાં બ્રિન્દા ઠક્કરે કહ્યું કે,સર્જકનું સર્જન વાંચવું, સર્જકને મળવું નહીં. અને તેઓ તો પોતાની કરિયરમાં ઘણા સર્જકોના ઈન્ટરવ્યુ કરી ચૂક્યા છે એટલે તેમને કદાચ અનુભવ પણ થયા હશે. જો કે મને તો ધૈવતભાઈ સાથે આવું કશું જ લાગ્યુ નહીં. કાંતિ ભટ્ટ અંગેના સેશનમાં શીલા ભટ્ટે ત્રણ અગત્યના મુદ્દા કહ્યા. જેમાં તેમણે કહ્યું કે કાંતિ ભટ્ટના જીવન પ્રમાણે તેઓ માનતા કે ત્રણ પ્રકારના લોકોએ પત્રકાર બનવું નહીં. એમાંની એક કન્ડીશન છે અંતર્મુખી લોકોએ પત્રકાર બનવું નહીં. પણ આ તો જો માસ્ટર્સ કરતા પહેલા ખબર પડી હોત તો આપણે ચેતી જાત. હવે તો પત્રકાર બની ચૂક્યો છું, અને બીજું કશું આવડતું નથી. એટલે બધાનો સરવાળો કરીને આવું કંઈક લખી લઈએ.
       
       આડવાતો બહુ થઈ, મારે તો આજે વાત કરવી છે નવલકથા લખવાના સંઘર્ષની. નવલકથાઓ આપણે વાંચીએ તો આપણને મજા આવે, થ્રીલ આવે. અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતા, કાજલબેન, કુંદનિકા કાપડિયા, પન્નાલાલ પટેલે આવા તમામ લેખકોની નવલકથાઓ પૂરી થાય તો આપણને એમ થાય કે યાર પુરી થઈ ગઈ ? ક્યારેક પત્રકાર તરીકે અને (અંદરથી લખવાનો એક કીડો છે એના કારણે) હું વિચારુ પણ ખરો કે યાર આ લોકો કેવી રીતે લખતા હશે ? આટલું બધું કેવી રીતે કરી શક્તા હશે. એમને પણ પોતાની રૂટિન લાઈફ છે, પરિવાર છે, સમય કેવી રીતે કાઢતા હશે. તો ધૈવતભાઈએ કાલે કહ્યું કે,મેક્લિન એસ્ટેટ લખતા લખતા મને ખરેખર હાર્ટ એટેક આવે એવી સ્થિતિ સર્જાઈ હતી.
        
          જી હાં, આપણે જે નવલકથા વાંચીને મજા પડી એ લખતા લખતા એના લેખત સતત અન્ડર પ્રેશર હોય, એ વાત આપણે કદાચ સ્વીકારી ન શકીએ. પણ GLFમાં ધૈવત ભાઈએ સ્ટેજ પરથી આ વાત સ્વીકારી, અને પછી ચા પર ચર્ચા દરમિયાન પણ તેમની સાથે નવલકથા લખવાના સંઘર્ષ વિશે વાત થઈ. મેક્લિન એસ્ટેટ વિશે જાણવા જેવી બાબત એ છે કે દિવ્યભાસ્કરના ડિજિટલ પ્લેટફોર્મ પર આ નવલકથા દૈનિક પ્રકાશિત થતી, પણ જ્યારે પહેલો હપતો પ્રકાશિત થયો તો લેખક પાસે બીજો હપતો રેડી નહોતો. ધૈવતભાઈ રોજ રાત્રે 8 વાગે પોતાનું રૂટિન કામ પુરુ કરે અને 12 વાગે તો બીજા હપતાની ડેડલાઈન હોય. એટલે ચાર કલાકમાં એ પણ વિચારવાનું કે આગળના હપતામાં શું હશે, એમાં કયું પાત્ર શું કરશે, સાથે જ ઈન્ટ્રેસ્ટિંગ એન્ડ પણ આપવાનો. માત્ર ચાર કલાકમાં ફાઈનલ ડ્રાફ્ટ લખવાનો એ એવરેસ્ટ સર કરવાથી કમ નથી જ. આપણે તો એક નિબંધ લખતાય સ્કૂલમાં પરસેવા છૂટી જતા હતા.
         
        આટલું સાંભળ્યા પછી મને બીજા અનેક સવાલ થયા. કારણ કે બે વર્ષ પહેલા અશ્વિની ભટ્ટ વિશેના સેશનમાં ધૈવતભાઈને જ અને ઉર્વીશ કોઠારીને સાંભળ્યા હતા. એ વખતે વાત થઈ હતી અશ્વિની ભટ્ટની લખવાની શૈલી વિશે. ત્યારે આ બંને લેખકોએ કહેલું કે અશ્વિની ભટ્ટ ઓબ્ઝર્વ કરતા. કોઈ વિષય પર લખવાનું હોય તો એના વિશે બધી જ તપાસ કરતા અને જાણી લેતા. મને યાદ છે કે ઉર્વીશ કોઠારીએ કહેલું કે તેમણે મેચ ફિક્સિંગ વિશેના છાપાના તમામ આર્ટિકલ્સ અશ્વિની ભટ્ટને મોકલી આપેલા કારણ કે અશ્વિનીદાદા એવા વિષય પર નોવેલ લખવાના હતા. તો મારા મનમાં પ્રશ્ન એ હતો કે 8થી 12નો સમય એમાં તમારે સ્કોટલેન્ડનું વર્ણન કરવાનું, મહાબળેશ્વરનું વર્ણન કરવાનું એ પણ ડીટેઈલમાં તો ધૈવતભાઈ આ બધું કેવી રીતે કરી લેતા હશે ? ચાય પે ચર્ચા દરમિયાન આનો જવાબ મળ્યો.
         
        મેનેજ કરવાનું. લેખકને પણ પરિવાર હોય, આપણે હોય તેવા જ પરિવારના કામ પણ હોય છતાંય રોજ લખવું એ એમનું ડેડિકેશન છે. ધૈવત ભાઈએ કહ્યું કે,હું ફેમિલી સાથે મહાબળેશ્વર ગયો હતો, ત્યારે આર્થર પોઈન્ટ વિશે ખૂબ માહિતી મેળવી હતી, એ નવલકથા લખતી વખતે કામ લાગી. ક્યારેક કોઈ સ્થળ વિશે લખવાનું હોય તો એના ફોટોગ્રાફ્સ જોઈ લઉ. એના વીડિયોઝ જોઉં. એના વિશે વાંચું. બધા જ સ્થળની મુલાકાત લીધી હોય એ જરૂરી નથી. જેમ કે સમરહિલ લખતા પહેલા ધૈવતભાઈએ તિબેટ જવાનું નક્કી કર્યુ હતું, પણ વિઝા ન મળ્યા. આખરે રિસર્ચ કામ આવ્યું.
               
         એટલે કે નવલકથાના જે વિશ્વમાં આપણે ખોવાઈ જઈએ છીએ, તેને આપણા સુધી પહોંચાડવું લેખકો માટે પણ ખૂબ કપરં હોય છે. ખાસ તો થ્રિલર નવલકથાઓ, જેમાં ખાસ કોઈ પદ્ધતિઓનો ઉલ્લેખ હોય, કોઈ સ્પેસિફિક સ્થળોનું વર્ણન હોય એ આબેહૂબ પહોંચાડવું એક પડકાર છે. ક્યાંક સાંભળ્યુ હતું કે દીવ અથવા દમણાં એક પથ્થર છે, જેનું વર્ણન અશ્વિનીદાદાએ પોતાની નવલકથામાં કરેલું છે, એ પથ્થર જ અશ્વિની ભટ્ટના નામથી ફેમસ છે. આ વાત કેટલી સાચી કે ખોટી એ તો ખબર નથી. પણ આવું બને તો ગુજરાતી લેખકો અને વાચકો માટે અહોભાગ્યથી ઓછું નથી.

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...