રિશી કપૂરને ‘મેરા નામ જોકર’ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. નેશનલ એવોર્ડ મળવો કોઈ પણ એક્ટરનું સપનું હોય છે. અને રિશી કપૂરને આટલો મોટો એવોર્ડ પોતાની પહેલી ફિલ્મ ‘મેરા નામ જોકર’ના કામ માટે મળ્યો, એ નાની સૂની વાત નથી. આ એવોર્ડ મળ્યો ત્યારે તેમની ઉંમર માત્ર 16 વર્ષ હતી. જો કે રસપ્રદ વાત એ છે કે પોતાના જ હોમ પ્રોડક્શન એટલે કે આર. કે બેનરની ફિલ્મ અને જેને ખુદ એમના પિતા રાજકપૂર ડિરેક્ટ કરી રહ્યા હતા, એ ફિલ્મમાં કામ કરવા માટે પણ શરત મૂકવામાં આવી હતી. સાથે જ એક બીજી ઈન્ટ્રેસ્ટિંગ વાત એ પણ છે કે ‘મેરા નામ જોકર’ એ પહેલી ફિલ્મ નથી જ્યારે રિશી કપૂર સિલ્વર સ્ક્રીન પર દેખાયા હતા.
આજે તો ચિંટુજી આપણી વચ્ચે નથી. લૉકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે કેન્સર જેવી ભયાનક બીમારીએ રિશી કપૂરને આપણી પાસેથી છીનવી લીધા. રિશી કપૂરે કરિયરની બીજી ઈનિંગમાં જે પ્રકારની ફિલ્મો કરી, એ કદાચ એક એક્ટર તરીકે એમના માટે બેસ્ટ હતી. કરિયરના પહેલા તબક્કામાં રિશી કપૂર મોટા ભાગે રોમેન્ટિક હિરો તરીકે જ દેખાયા છે. જો કે બીજી ઈનિંગમાં ‘દો દુની ચાર’, ‘ઔરંગઝેબ’, ‘ડી ડે’, ‘અગ્નિપથ’ જેવી ફિલ્મોમાં એમણે સાવ જ જુદી ભૂમિકા ભજવી. કપૂર પરિવાર બોલીવુડમાં ત્રણ પેઢીથી છે. એટલે નેપોટિઝમની ચર્ચા થવી સ્વાભાવિક છે. કદાચ કપૂર પરિવારના હોવાને કારણે જ માત્ર 16 વર્ષની ઉંમરે તેમને પહેલી ફિલ્મ મળી ગઈ હતી. પણ આ પહેલી ફિલ્મ કરવા માટે ડિરેક્ટર રાજ કપૂર સામે શરત મૂકવામાં આવી હતી.
બોલીવુડમાં એક્ટર્સ જાતભાતની શરતો પર કામ કરતા હોય છે, એ નવાઈની વાત નથી. પણ અચરજ એ વાતનું જરૂર હોય કે રિશી કપૂરની પહેલી ફિલ્મ પિતા રાજ કપૂર ડિરેક્ટ કરી રહ્યા હતા, છતાંય એમની સામે શરત શું મૂકવી પડી. હકીકતમાં આ શરત રિશી કપૂરના માતા ક્રિષ્ના રાજ કપૂરે મૂકી હતી. શરત હતી કે રિશી કપૂરનો અભ્યાસ ન બગડવો જોઈએ. કપૂર પરિવાર ત્યારે ચેમ્બુરમાં રહેતો હતો. એક દિવસ ડિનર દરમિયાન રાજ કપૂરે પત્ની કૃષ્ણા પાસે રિશી કપૂરને કાસ્ટ કરવાની મંજૂરી માગી. આ સમયે રિશી કપૂર માત્ર 16 વર્ષના હતા. અને ડિનર ટેબલ પર માતા-પિતાની વાત સાંભળીને મનોમન મલકાઈ રહ્યા હતા. રાજ કપૂર તે સમયે ‘મેરા નામ જોકર’ની તૈયારી કરી રહ્યા હતા, અને એમાં એમને રિશી કપૂરને કાસ્ટ કરવા હતા. ક્રિષ્ના રાજ કપૂરે શરત મૂકી કે શૂટિંગ માત્ર વીકએન્ડમાં જ થશે અને રિશી કપૂરની સ્કૂલ નહીં બગડે, તો જ એ ફિલ્મમાં કામ કરી શક્શે. પછી જો કે આ શરત જાળવી ન શકાઈ, જુદી જુદી જગ્યાએ શૂટિંગ થયું અને ભણવાનું પણ બગડ્યું પણ આ ફિલ્મે રિશી કપૂરને પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ અપાવ્યો.
રિશી કપૂરની એક્ટિંગની શરૂઆત આમ તો ‘મેરા નામ જોકર’થી થઈ. જો કે આ ફિલ્મ પહેલાય તેઓ સિલ્વર સ્ક્રીન પર દેખા દઈ ચૂક્યા હતા. અને ત્યારે એમની ઉંમર હતી માત્ર બે વર્ષ. જી હાં, ફિલ્મ હતી રાજકપૂરની વધુ એક હિટ ‘શ્રી420’, જેમાં તેઓ નરગીસ સાથે કામ કરી રહ્યા હતા. ‘શ્રી420’નું એવરગ્રીન હિટ સોંગ ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’ તો તમને યાદ હશે જ. જો ગીત યાદ ન હોય તો એકવાર યુટ્યુબ પર જોઈ લેજો, જી હાં જોઈ લેજો. ગીતમાં તમને ત્રણ બાળકો ધોધમાર વરસાદમાં એકબીજાનો હાથ પકડીને ચાલતા જતા દેખાશે. આ ત્રણ બાળકો કોઈ બાળકલાકાર નહીં પણ રિશી કપૂર, રણધીર કપૂર અને તેમની બહેન ઋતુ કપૂર છે.
આ ગીતના શૂટિંગ વખતે રિશી કપૂર બે વર્ષના હતા, અને તેઓ શૂટિંગ કરવા તૈયાર જ નહોતા. કારણ કે ગીતમાં વરસાદની સિચ્યુએશન હતી, અને આંખમાં પાણી જતા રિશી કપૂરને નહોતું ગમતું. જો કે આખરે આ સિચ્યુએશનમાં નરગીસ તારણહાર સાબિત થયા. નરગીસે નાનકડા રિશી કપૂરને દરેક રિટેક પર કેડબરીની લાલચ આપી, અને આખરે ચિંટુજી શૂટિંગ કરવા તૈયાર થયા.
રિશી કપૂરની એક્ટિંગ કરિયર શાનદાર રહી છે. આમ તો કપૂર હોવાને કારણે એમને સતત કામ મળતું રહ્યું, પરંતુ કેટલાક તબક્કે એમને પણ મુશ્કેલી આવી છે. જેમાંથી એક મુશ્કેલી એ હતી કે રિશી કપૂરે જે સમયે ડેબ્યૂ કર્યો, ત્યારે ડિરેક્ટર્સને તેમના લાયક હિરોઈન્સ મળતી જ નહોતી. ‘બોબી’ની હિરોઈન ડિમ્પલ કપાડિયા લગ્ન કરીને કરિયર છોડી ચૂક્યા હતા, તો શર્મિલા ટાગોર અને મુમતાઝ એ સમયે ટોચ પર હતા, એટલે એમને કાસ્ટ નહોતા કરી શકાતા. એટલે ડિરેક્ટર્સ જો રિશી કપૂરને કાસ્ટ કરે તો હિરોઈન કોને બનાવવી એ યક્ષ પ્રશ્ન હતો.. જો કે એની વાત કરીશું ફરી કોઈવાર... અહીં જ!!