હા, કિશોરકુમારના ફેન્સને આ હેડલાઈનમાં લખેલું કંજૂસ નહીં જ ગમ્યું હોય એ જાણુ છું. કિશોરકુમાર કદાચ કંજૂસ હતા પણ નહીં. આપણી જ ભાષામાં કહેવત છે ને કે અનુભવ સૌથી મોટો શિક્ષક છે. આપણી સાથે, આપણી આસપાસ બનતી ઘટનાઓમાંથી બોધપાઠ લેવો જોઈએ. તો કિશોરકુમારે પણ તેમની સાથે થયેલા વર્તન પરથી કેટલાક બોધપાઠ લીધા હતા. એટલે જ તેઓ એક્ટર કે સિંગર તરીકે પોતાને મળતા પેમેન્ટ બાબતે સ્ટ્રીક્ટ હતા. કિશોરકુમારની કરિયરની શરૂઆતમાં તેમને કેટલાક એવા અનુભવ થયા, જ્યારે કામ કરી લીધા પછી પ્રોડ્યુસરે તેમને પુરુ પેમેન્ટ ન કર્યું હોય. એટલે કિશોરદાએ એડવાન્સમાં ફૂલ પેમેન્ટ લેવાની રીત અપનાવી હતી. જો પેમેન્ટ મળે તો કામ થાય, ન મળે તો ન થાય. કદાચ તેમની આ વર્તણૂંકે બોલીવુડમાં તેમને કંજૂસનો ટેગ અપાવ્યો હતો.
પરંતુ પોતાની મહેનતના પૈસા માગવામાં શેની શરમ? અને આ તો કિશોરદા હતા, ફક્કડ, બોલ્ડ, બિન્દાસ. કંઈ પણ કામ કરતી વખતે લોકો શું કહેશે, બીજાને શું લાગશે એ વિચાર એમના મગજમાં દૂર દૂર સુધી ક્યારેય નહોતો રહેતો. એટલે જ પેમેન્ટ બાબતે કિશોરદાએ પોતાના સેક્રેટરી સાથે એક મસલત કરી હતી. એ મુજબ જ્યારે પણ કિશોર દા રેકોર્ડિંગ માટે જાય, ત્યારે તેમના સેક્રેટરીએ રેકોર્ડિસ્ટની પાછળ જઈને ચોક્કસ જગ્યાએ ઉભી રહેવાનું. ગીત રેકોર્ડ કરતા પહેલા કિશોરદા સેક્રેટરી ક્યાં છે એ ચેક કરે. જો પેમેન્ટ આવી ગયું હોય તો સેક્રેટરી નિયત જગ્યાએ ઉભા રહે અને કિશોર દા શાંતિથી કોઈ ઝંઝટ વગર ગીત રેકોર્ડ કરી લે. પણ જો સેક્રેટરી તેની જગ્યાએ ન હોય, તો પછી પ્રોડ્યુસરને ગીત રેકોર્ડ કરાવતા નવ નેજા પાણી ઉતરે. જો પેમેન્ટ ન મળ્યું તો કિશોરદાને તાત્કાલિક તાવ આવી જાય, ગળું ખરાબ થઈ જાય, માથુ દુખવા લાગે. ક્યારેક તો કિશોર દા એવો બ્રેક લે કે પછી સીધા તેમના ઘરે જ મળે!
તસવીર સૌજન્યઃ હમારા ફોટોઝ
હવે પેમેન્ટ માટે આટલા સ્ટ્રીક્ટ અને ડિસિપ્લિન્ડ કિશોરદાએ એકવાર પોતાની જ ફિલ્મના સિંગરને પેમેન્ટ ન કર્યું. એક્ટિંગ, સિંગિગની સાથે કિશોર દા ગીતો કમ્પોઝ પણ કરતા, ગીતો લખતા પણ ખરા. કિશોરદા એક ગીતનું રેકોર્ડિંગ કરવા સ્ટુડિયો પર પહોંચ્યા, અને જ્યારે વોઈસબૂથમાં ગયા તો તેમણે સેક્રેટરીને શોધવા નજર ફેરવી. પણ સેક્રેટરી તો ગાયબ! એટલે કિશોરદાએ પણ ગાયબ થઈ જવાનું નક્કી કર્યું. તેમને લાગ્યું કે પેમેન્ટ નથી આવ્યું તો તેઓ બાથરૂમ જવાનું કહીને ગયા, અને પાછા જ ન આવ્યા. સ્ટુડિયોમાં 3-4 કલાક સુધી હાજર બધા જ લોકો હાંફળા ફાંફળા થઈ ગયા. આખા સ્ટુડિયોમાં શોધખોળ ચાલી. આખરે ખબર પડી કે બાથરૂમની બારી ખુલ્લી છે અને કિશોરદા ગાયબ છે. છેલ્લે તેમના સેક્રેટરી ઘેર પહોંચ્યા તો બોલીવુડના આ મસ્તાના સિંગર ડ્રોઈંગ રૂમમાં આરામ ફરમાવતા હતા. આખરે સેક્રેટરીએ તેમને કહ્યું સાહેબ... આ જે ફિલ્મના ગીતનું રેકોર્ડિંગ તમે છોડીને આવ્યા છો, એના ડિરેક્ટર, પ્રોડ્યુસર, ગીતકાર સર્વેસર્વા તમે જ છો. હવે તમે પોતાને જ પેમેન્ટ નથી આપ્યું તો શું કરીશું!!
છે ને મજેદાર વ્યક્તિત્વની મજેદાર વાત. મહેનતના પૈસા વિશે કિશોરદાના આવા અનેક કિસ્સા છે. એક વાર એક પ્રોડ્યુસરે તેમને અડધું જ પેમેન્ટ કર્યું, તો કિશોરદા શૂટિંગ પર અડધો મેકઅપ કરાવીને પહોંચ્યા. પ્રોડ્યુસરે પુછ્યું કે આમ કેમ તો જવાબ હતો,'આધા પૈસા, આધા કામ'. આટલે થી અટકે તો કિશોરદા શાના? કિશોરદાએ એમના સમયના એક જાણીતા પ્રોડ્યુસર આરસી તલવારના ઘરે જઈને પેમેન્ટ માટે રીતસર બૂમો પાડી હતી. હકીકતમાં એક ફિલ્મમાં કામ કરવા બદલ પ્રોડ્યુસર તલવારે કિશોરકુમારને 8000 ચૂકવવાના બાકી હતા. આ પેમેન્ટ નહોતું થઈ રહ્યું તો કિશોરદા ખરેખર આરસી તલવારના ઘરે પહોંચ્યા અને નીચેથી બૂમો પાડી,'ઓ તલવાર દે દે મેરે 8000'
તસવીર સૌજન્યઃ એનડીટીવી.કોમ
ફક્કડ અંદાજના કિશોરદા પોતાના પૈસા અંગે જેટલી ચોક્સાઈ રાખતા, લોકોને મદદ પણ એટલા જ છૂટા હાથે કરતા. એક ફિલ્મ 'દાલ મેં કાલા' ફાઈનાન્સ ઓછું પડવાને કારણે બંધ થઈ ગઈ. કિશોરકુમારને જાણ થઈ તો તેઓ બ્રિફકેસમાં પૈસા ભરીને પ્રોડ્યુસરના ઘરે પહોંચી ગયા. એટલું જ નહીં ઓસ્કર એવોર્ડ વિનર ડિરેક્ટર સત્યજીત રેની ખૂબ જ વખણાયેલી ફિલ્મ 'પાથેર પાંચાલી' સાથે પણ આવો જ કિસ્સો જોડાયેલો છે. સત્યજીત રે પાસે ફિલ્મ બનાવવા પૈસા ખૂટી ગયા હતા, ત્યારે કિશોરકુમારે તેમને 5000ની સહાય કરી હતી. બાદમાં આ જ પાથેર પાંચાલી સત્યજીત રેના જીવનની માઈલસ્ટોન ફિલ્મ સાબિત થઈ.
કિશોરકુમાર બિંદાસ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના જીવનના અનેક કિસ્સાઓ
રસપ્રદ છે. એક ફિલ્મની પટકથા લખાઈ શકાય તેટલી ઘટનાઓ કિશોરકુમારના જીવનમાં બની છે.
તેમના ફેન તરીકે આશા રાખીએ કે એક દિવસ આ દિગ્ગજ અભિનતેા, સિંગરની બાયોપિક સિલ્વર સ્ક્રીન પર જોવા મળે.