તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિકાને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં વાંદરા પાસે જઈને ફોન માગે છે. પણ, આ તો વાંદરો કહેવાય. પ્રેમથી ફોન પાછો માગતા અક્ષયકુમારને વાનરશ્રી ધડાધડ લાફા ચોડી દે છે. આપણને લાગે કે આ ઘટના ફિલ્મી છે, આવું ખરેખર શક્ય નથી. પણ તમને કહીં દું કે હું હમણાં જ વૃંદાવન, મથુરા, ગોકુળ ફરીને આવ્યો. ત્યાં ખરેખર વાનરરાજ માણસો પર હુમલા કરે છે, અને એ પણ સીધા ચહેરા પર. એટલે કે જો તમે ચશ્મા પહેરેલા છે, તો કાં તો ચશ્મા કાઢીને બ્લર વૃંદાવન જુઓ, અથવા તો હેલ્મેટ પહેરીને ફરો. જો, તમે ચશ્મા પહેરીને કોઈ પ્રોટેક્શન વગર ફરી રહ્યા છો, તો તમારા ચશ્મા ગયા સમજો. વાનરોની ટોળીમાંનો એક આવશે, સરસ રીતે તમારા ખભા પર બેસશે અને ચશ્મા લઈને જતો રહેશે!
હવે વાનરને લઈને આવી જ એક ફિલ્મી લાગતી ઘટના બોલીવુડની દેસી ગર્લ અને હવે હોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સાથે પણ બની છે. પ્રિયંકા ચોપરાને પણ વાંદરાએ હકીકતમાં લાફો મારી દીધો હતો. આ કિસ્સાનો ખુલાસો પ્રિયંકા ચોપરા The Kapil Sharma Show અને પોતાની આત્મકથા Unscriptedમાં પણ કરી ચૂકી છે. પ્રિયંકા ચોપરાના પિતા આર્મીમાં ડૉક્ટર હતા, એટલે એમની બદલી જુદા જુદા કેમ્પમાં થતી રહેતી. આ ઘટના બની તે સમયે પ્રિયંકા તેમના પરિવાર સાથે લખનૌમાં રહેતા હતા.
હવે આ સ્કૂલની નજીકમાં જ ખૂબ બધા ઝાડ હતા. અને વાંદરાઓનું ટોળું આ ઝાડ પર ફરતુ રહેતું. એક વાંદરો (વાનરરાજ હતા કે વાનરરાણી એ તો જાતે પ્રિયંકાજીને મળીને પૂછી લેવું પડશે!) પોતાની કોમના લક્ષણો મુજબ વારંવાર શરીર ખંજવાળી રહી હતી. આપણા પ્રિયંકાબેન રહ્યા એકદમ ભોળા, એમને આ જોઈને ખડખડાટ હસવું આવ્યું. પ્રિયંકા વાંદરાને ખંજવાળતુ જોઈને હસતી રહી, અને વાનરની નજર પડી પ્રિયંકા પર. વાનરને કદાચ લાગ્યું હશે કે, કે આ બે પગી છોકરી મારી મજાક ઉડાવી રહી છે. બસ પછી શું. વાંદરો ઝાડ પરથી નીચે આવ્યો, એક ક્ષણ પ્રિયંકાને જોઈ અને પછી અવાજ આવ્યો સટ્ટાક!
પ્રિયંકા કંઈ સમજે વિચારે એ પહેલા તો વાંદરો તેમને લાફો મારીને પાછો ઝાડ પર પોતાની જગ્યાએ પહોંચી ચૂક્યો હતો! જો કે આ વાત પ્રિયંકા ચોપરાના બાળપણની છે, સ્કૂલ સમયની છે. પછી આ ઈતિહાસનું પુનરાવર્તન થયું હોવાનું સાંભળ્યું નથી.
જો તમારા પણ આવા બાળપણના કોઈ કિસ્સા હોય તો કમેન્ટ કરો, અને આવી રસપ્રદ માહિતી જાણતા રહેવા, વાંચતા રહેવા માટે બ્લોગની મુલાકાત લેતા રહો.