Wednesday, 13 November 2019

ડૉ.હાથી ઉર્ફે નિર્મલ સોનીએ શૉ કરતા પહેલા ક્યારેય નહોતી વાંચી ‘દુનિયાને ઉંધા ચશ્મા’ કૉલમ!! વાંચો ખાસ વાતચીત


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા… સૌથી ફેમસ થયેલા આ શૉ વિશે આજકાલ એક જ ચર્ચા હોય છે દયાભાભી પાછા આવશે કે નહીં ? પરંતુ આજે આપણે વાત કરીએ શૉના એક એવા ગુજરાતી કલાકાર સાથે જેમના વિશે ખૂબ ઓછી ચર્ચા થઈ છે. મૂળ મહુવાની બાજુના ગામ દાઠાના…કેટલોક સમય તળાજામાં રહેલા અને હાલ મુંબઈ રહેતા નિર્મલ સોની એટલે કે તારક મહેતાના ડૉક્ટર હાથી વિશે. નિર્મલ સોની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ શરૂ થયો ત્યારે પણ ડૉ. હાથીના રોલમાં હતા. જો કે વચ્ચે તેઓ થોડા સમય માટે શૉથી છૂટા પડ્યા અને હવે ફરી દર્શકોને હસાવી રહ્યા છે.
નિર્મલ સોની બોલીવુડમાં પણ સારુ કામ કરી ચૂક્યા છે. તેમની કરિયર એડફિલ્મ્સ ખાસ તો શૂટઆઉટ એટ લોખંડવાલા જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. તો તારક મહેતા… પહેલા તેઓ ઝી ટીવી પર કબૂલ હૈ નામની સિરીયલમાં પણ કામ કરી ચૂક્યા છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શૉમાં તેઓ ફિમેલ રોલમાં હતા. જેના માટે તેમને ઝી એવોર્ડ્ઝમાં બેસ્ટ કોમેડિયનનું નોમિનેશન પણ મળ્યું હતું. આ ઉપરાંત નિર્મલ સોની 2001માં ઈટીવી પર આવતી ‘ટીનએજર’ નામની ગુજરાતી સિરીયલમાં પણ કામ કરી ચૂક્યા છે.  તો ચાલો વાંચી લો એમની સાથેની વાતચીત.
તમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે પહેલા પણ સંકળાયેલા હતા. પહેલી વખત આ શો કેવી રીતે મળ્યો હતો ?

જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે ઓડિશન્સ ચાલતા હતા ત્યારે નીલા ટેલિફિલ્મસના પ્રોડક્શન મેનેજરને ફોટોઝ મેઈલ કર્યા છે. પણ મને ખબર નહોતી કે ‘તારક મહેતા…’ શું છે, કે આ શૉ માટે ઓડિશન છે. બસ એટલું જ ખબર હતી કે એક કોમેડી શૉ બની રહ્યો છે. તો અરવિંદભાઈએ તરત કૉલ કર્યો કે આઈ હેવ અ વર્ક ફોર યુ. કાલે કોલ કરીશ. પણ બીજા દિવસે ફોન ન આવ્યો. એટલે બે ત્રણ દિવસ સુધી વેઈટ કર્યો પછી પૂછ્યું તો મને ખબર પડી કે કેરેક્ટર માટે હું સેકન્ડ ઓપ્શન હતો. અને જે ફર્સ્ટ ઓપ્શન હતા તે શૉ કરી રહ્યા હતા. પછી અચાનક 10 દિવસ ગયા અને રાત્રે અરવિંદભાઈએ ફરી ફોન કરી પૂછ્યું ક્યાં છો ? મેં કહ્યું ઘરે છું. એમણે પૂછ્યું હમણાં ઓડિશન માટે આવી શકો. એટલે મને એમ કે રોલ તો રહ્યો નથી તો શું ? પાછું બીજા જ દિવસે શૂટ હતું. મેં તાત્કાલિક ઓડિશન આપ્યું. આઈ સિલેક્ટેડ અને નેક્સ્ટ ડે શૂટ શરૂ કરી દીધું.

તમે ગુજરાતી છો. ગુજરાતીઓમાં તારક મહેતાની દુનિયાને ઉંધા ચશ્મા કૉલમ ખૂબ ફેમસ છે. તમે શૉમાં એક્ટ કરતા પહેલા ક્યારેય દુનિયાને ઉંધા ચશ્મા વાંચી હતી ?

ઓનેસ્ટ્લી કહું તો જ્યારે શૉ સાઈન કર્યો ત્યારે આના વિશે આઈડિયા નહોતો. તારક મહેતાનું નામ સાંભળ્યું હતું. અમારા ઘરે ચિત્રલેખા રેગ્યુલર આવતું હતું. મમ્મી-પપ્પા વાંચતા હતા પણ મને કોઈ આઈડિયા નહોતો. શૉ સાઈન કર્યો ત્યારે 26 વર્ષનો હતો અને વાંચવું નહોતું ગમતું. પછી ખબર પડી કે શો જેના પરથી બન્યો છે તે કૉલમ મોટું નામ છે. અને શૉ સાઈન કર્યા પછી કૉલમ વાંચી.

બીજી વખત આ શૉનો ભાગ બનીને કેવું લાગે છે ?

પાછા આવવાનું ગમ્યું છે. મારા મમ્મી પપ્પાને શૉ ખૂબ ગમતો. તારક મહેતા છોડ્યું ત્યારે પણ પપ્પાએ પુછ્યુ હતું કે કેમ શૉ છોડ્યો. પછી પપ્પા એમ પણ કહેતા કે તક મળે તો આ શૉ કરજે. પણ પપ્પા તો દોઢ વર્ષ પહેલા એક્સપાયર થયા. એમના નિધનના 3-4 દિવસ પહેલા જ છેલ્લી એમની સાથે વાત થઈ હતી ત્યારે પણ એમણે કહ્યું હતું કે જો તારક મહેતામાંથી ફોન આવે તો કરી લેજે. મારા પપ્પાને કેન્સર હતું, એટલે અમને ખબર હતી કે વધારે દિવસો નથી. ત્યારે આઝાદભાઈ ઓલરેડી રોલ કરતા હતા. એટલે ત્યારે તો મેં હા હા કરી લીધી. અને ચાર દિવસ પછી પપ્પા એક્સપાયર થઈ ગયા. પછી તો અમે વાત ભૂલી ગયા. એક દિવસ અચાનક આઝાદભાઈના સમાચાર આવ્યા. એના 4-5 દિવસ પછી મમ્મીએ પપ્પાની વાત યાદ કરાવી. મમ્મીએ કહ્યું કે ફોન આવે તો ના નહીં પાડતો. અને મને ફરી એપ્રોચ થયો ને મેં રોલ સ્વીકાર્યો. છ મહિના પછી મધર પણ એક્સપાયર થઈ ગયા. પણ મને ખુશી એ વાતની છે કે પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી થઈ અને મારા મમ્મી એ જોઈને ગયા.

પહેલી વખત શૉ છોડવાનું કારણ શું રહ્યું ?

આમ તો ખાસ કોઈ કારણ નહોતા. પણ મારા અને પ્રોડ્યુસર વચ્ચે કેટલાક ક્રિએટિવ ડિફરન્સને કારણે શો છોડ્યો હતો. ફરી ફેમિલીમાં પાછા ફરીને ગમે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આટલા વર્ષોથી ચાલે છે. હવે તો ફેમિલી જેવું લાગતું હશે. તો સેટ પરનો એક્સિપિરિયન્સ કેવો હોય છે ?
હા, સેટ પર તો હવે ફેમિલિ જેવું થઈ ગયું છે. એટલે સુધી કે અમે બધા પોતાના ઘરેથી જમવાનું લઈ આવીએ. સાથે જમીએ. સિરીયલમાં જે મારા વાઈફ છે મિસિઝ હાથી એ અંબિકાજી મુંબઈમાં પણ મારા પાડોશી છે તો ક્યારેક સાથે શૂટ પર જઈએ. ક્યારેક રિડીંગ ચાલતું હોય તો ઈમ્પ્રોવાઈઝ થાય તો, એમાંય અમે મજાક મસ્તી કરીએ. કેટલાક કૉડવર્ડ પણ અમે વિક્સાવ્યા છે, સેટ પરના. એટલે ક્યારેક કોડવર્ડમાં વાત કરીએ. શૂટ કરતા કરતા જ ક્યારેક એટલું હસીએ કે શૂટ અટકાવી પણ દેવું પડે.

ગોકુલધામમાંથી તમારું ફેવરિટ કેરેક્ટર કયું છે ?

(તરત જ જવાબ આપતા કહે છે)જેઠાલાલ…

તો હવે એ પણ કહી દો કે સેટ પર દિલીપભાઈની ખાસ આદત શું છે ? કે સેટ પર એ શું કરતા હોય છે ?

દિલીપભાઈની સેન્સ ઓફ હ્યુમર તેમની શાનદાર છે. ઓનસ્ક્રીન તો એ બધાના ફેવરિટ છે જ પણ ઓફ સ્ક્રીન પણ એમની સેન્સ ઓફ હ્યુમર જોરદાર છે. મસ્તી કરતા કરતા રિયલમાં પણ વનલાઈનર મારે છે. હું તો એમને જ ઓબ્ઝર્વ કરતો હોઉં છે કે એ કયા વનલાઈનર્સ બોલ્યા !

તમારું વજન આમ તો તમારી યુએસપી છે, પણ રિયલ લાઈફમાં પ્રોબ્લેમ્સ આવે છે ?
મને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે. મારા ફાધર મધર બધા જ હેવીવેઈટ હતા. તમને માનશો નહીં પણ અમારા ફેમિલીમાં 100 કિલોથી ઓછા વજનનું કોઈ નથી. જો કે હેલ્થ રિલેટેડ આ વજનની તકલીફ સિવાય કોઈ તકલીફ નથી. એટલે સુધી કે હું સારો ડાન્સર છું. હા ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા વજનને કારણે લોકો મને જાડિયો કહીને ચીડવતા તો મને ગુસ્સો આવતો. એક કિસ્સો તો એવો છે કે મામાને ત્યાં તળાજા રહેતો ત્યારે એક છોકરાએ મને જાડો કહ્યો, તો મેં એને માર્યો હતો. એને લોહી નીકળ્યું. પછી ઈન્ડસ્ટ્રીમાં આવ્યો તો રિયલાઈઝ થયું તો ઓવરવેઈટ યુએસપી છે. એટલે માઈનસ પોઈન્ટને પ્લસ પોઈન્ટ બનાવ્યો

તમે બોલીવુડમાં કામ કર્યું, સિરીયલ્સ કરી. ગુજરાતી ફિલ્મોમાં કામ કરશો ?

ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા મળે તો કરવું છે. અત્યારે જે ગુજરાતી ફિલ્મોબની છે એ મને ખૂબ ગમી છે. ખાસ તો ચાલ જીવી લઈએ, છેલ્લો દિવસ હતી, એમાં મજા પડી છે. ગુજરાતી કન્સેપ્ટમાં સારી ફિલ્મો બની રહી છે. ઈવન મચ્છુનો પ્રોમો પણ પ્રોમિસિંગ છે. મને ખુશી છે કે માતૃભાષામાં સારુ કામ થઈ રહ્યું છે. એટલે તક મળે તો ચોક્કસ ગુજરાતી ફિલ્મો કરીશ.

Saturday, 2 November 2019

મજા મંઝિલે નથી.... મંઝિલ સુધી પહોંચવાના માર્ગમાં છે !!!





મોબાઈલમાં ભલે 5જી નથી આવ્યું, પણ આપણા બધાને જિંદગી 5જી જેવી જીવવી છે. ફટાફટ બધુ પુરુ કરવું છે. ઈન્ટરનેટના જમાનામાં પેશન્સ લેવલ ઘટતા જાય છે, અને હવે આપણે આ વાત સ્વીકારી પણ લીધી છે. પહેલા કમ્યુનિકેશન માટે ટપાલ, દિવાળી કાર્ડની રાહ જોતા. એક ટપાલ લખીએ તો 10 દિવસે એનો જવાબ આવે, અને હવે તો વ્હોટ્સ એપમાં ડબલ ટિક કે બ્લ્યુ ટિક ન થાય તોય આપણા શ્વાસ વધી જાય છે. એમાંય જો મોબાઈલમાં ટાવર ન આવે તો તો આપણે સિમ કાર્ડવાળી કંપનીને મણ મણની જોખી દઈએ. સ્ટ્રેસ લેવલ વધતા જાય છે. ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે ? સ્કૂલમાં છે ને આપણને પ્રગતિ પત્રક આપતા. આપણા દર મહિનાનું પર્ફોમન્સ. કદાચ તમે જીમમાં જતા હશો તો પણ આવું કાર્ડ આપતા હશે. તમારા દર મહિનાનું ઈવોલ્યુશન. તો તમે ક્યારેય જાતનું પ્રગતિ પત્રક ચેક કર્યું છે ? છેલ્લા છ મહિનામાં તમે શું કર્યું ? કેટલો સ્ટ્રેસ લીધો ? શું અચીવ કર્યું ? ક્યારેક સાંજે એકલા બેસીને ઠંડા પવનની લહેરખી ખાતા ખાતા વિચારજો ?

આ બધું શું છે ? આ દોડ શેની છે ? આપણે કેમ ભાગીએ છીએ ? આપણને શું મેળવવાની ઉતાવળ છે ? ચલો જે મેળવવું છે એ મેળવી લીધું પછી શું ? ટી 20 મેચ ચાલતી હોય ને ત્યાં સુધી જોવાની મજા છે. રન ચેઝ થઈ જાય પછી 10 મિનિટની ઉજવણી પછી જોવાનું કશું હોતું નથી. તમે પણ છેલ્લે મેન ઓફ ધી મેચ જોઈને ટીવી બંધ જ કરી દેતા હશો ને ! મજા શેની છે ? મજા છે બે ટીમો જીતવા માટે રમે છે એ જોવાની. વિકેટ લેવા બોલર બોલ નાખે એની. રન ચેઝ કરવા માટે ફોર સિક્સ મારતા જોવાની મજા હોય છે.


ચલો બીજી રીતે જોઈએ. તહેવાર. તહેવાર દિવાળીનો હોય કે હોળીનો, કે ઉત્તરાયણનો એ આવવાનો હોયને ત્યારે આપણે જબરજસ્ત ઉત્સાહ હોય. દિવાળી આવતી હોય તો ઘર સાફ કરીએ, કલર કરાવીએ, સોફાના કવર બદલાવીએ, રંગોળી કરીએ, શોપિંગ કરીએ. અને આ બધું કરતા કરતા મજા પણ આવે. પણ દિવાળી જતી રહે પછી શું ? ક્યાંક ફરવા જઈએ તો જવા પહેલાનો ઉત્સાહ જોરદાર હોય. પેકિંગ કરીએ, પ્લાનિંગ કરીએ, આર્ટીનરી બનાવીએ, શું શું કરવાનું છે એ નક્કી કરીએ. પણ ફરીને આવ્યા પછી શું ?

આ પછી શું સવાલ છે ને એ જ મુખ્ય છે ? આપણે બધા જ રૂટિન લાઈફમાં ભાગીએ છીએ, ટાર્ગેટ અચીવ કરવા મચી પડીએ છીએ. પણ એ નથી વિચારતા કે આપણે જે મેળવવા ભાગીએ છીએ એ મળી ગયા પછી શું કરીશું ? ફરી નવા ટાર્ગેટ... ફરી નવી દોડધામ.. આ ચક્કર તો ચાલ્યા જ કરશે. તો શા માટે આપણે આ જર્ની એન્જોય ન કરીએ ? તમારી ઓફિસમાં કે તમારી આસપાસ ઘણા એવા લોકો હશે જેને કામ કરવામાં કંટાળો આવતો હશે, કે એ કહેશે કે યાર લાઈફથી કંટાળી ગયો છું. કંઈ નવું નથી. થાકી જવાય છે. પણ બંધુ તમે જરા એન્જોય કરવાનું તો શરૂ કરો.

      મજા મંઝિલે પહોંચવામાં નથી... મંઝિલ સુધી પહોંચવાના કાંટા ભરેલા, કીચડ ભરેલા,, કીચડ વચ્ચે ઉગેલા ફૂલોની સુગંધમાં... વરસાદ પછી ભરાયેલા ખાબોચિયાની બાજુમાં ઉગેલા બિલાડીના ટોપને જોવામાં છે. બાકી જીવનનું ચક્કર તો ચાલતા જ રહેવાનું છે. પહેલા ગર્લફ્રેન્ડ, પછી પત્ની, પછી બાળક, કાર, પોતાનું ઘર.. આ ટાર્ગેટ તો આવતા જ રહેશે અને પૂરા પણ થતા રહેશે. પણ એ પૂરા થાય ત્યાં સુધીનો આનંદ લેતા શીખવાનું છે.

તો બંધુ સરવાળે સાર એ છે કે બોલીવુડની ફિલ્મોની જેમ આપણા જીવનમાં પણ હેપ્પી એન્ડિંગ થવાનું જ છે. તમે કદાચ અસહમત થશો. તમારી વાત પણ સાચી છે, કલ કિસને દેખા. અને જો કલ કિસને દેખા તો પછી કાલનું વિચારીને દુઃખી કેમ થવાનું. આજમાં જીવી લો. આજને એન્જોય કરી લો. તો દિવાળી બાદ આ નવા વર્ષના રિઝોલ્યુશનમાં નક્કી કરો.. કે જે કરશો એ દિલથી કરશો... પોતાના 100 ટકા આપીને કરશો. કરવા ખાતર નહીં.

સો .... નવા વર્ષે... કામ કરો... કામને એન્જોય કરો...


Wednesday, 2 October 2019

બોલીવુડ અને બાપુ : બોલીવુડની શરૂઆતમાં ગાંધી(જી)નું યોગદાન!


        આજે ગાંધીજીનો જન્મ દિવસ છે, 150મો જન્મદિવસ. ગાંધીજીને આપણે યાદ કરીએ છીએ દેશને આઝાદી અપાવવના લડવૈયા તરીકે, દેશના ઉચ્ચકોટિના નેતા તરીકે, એક અદના વ્યક્તિ તરીકે. પણ જો કોઈ તમને આ હેડલાઈનની માફક એમ કહે કે બોલીવુડ જી હાં આજની ચમકદમકની અઢળક રૂપિયો રળતી આ ગ્લેમરની દુનિયાના વિકાસમાં ગાંધીજીનું યોગદાન છે તો તમે માનશો ? ઈતિહાસ તો એમ પણ કહે છે કે ગાંધીએ પોતાના જીવનમાં કોઈ ફિલ્મ નથી જોઈ. ગાંધીજીએ કોઈ ફિલ્મ જોઈ હોવાનો તેમની આત્મકથા સત્યના પ્રયોગોમાં કોઈ ઉલ્લેખ નથી. જો કે જાણીતા પત્રકાર અને લેખક રાશિદ કિદવાઈના પુસ્તક નેતા અભિનેતા પ્રમાણે ગાંધીએ પોતાના જીવનમાં એકમાત્ર ફિલ્મ જોઈ છે. જેનું નામ હતું રામ રાજ્ય જો કે બાપુએ આ ફિલ્મ પણ આખી નહોતી જોઈ. એટલે કહી શકાય કે બોલીવુડ અને બાપુ કદાચ દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નહોતા. તો પછી આ હેડિંગ શા માટે ?

                                Image Courtesy: Cultural India


              વાત સાચી છે કે બાપુને અને બોલીવુડને કંઈ લાગતું નહોતું વળગતું. પરંતુ પરોક્ષ રીતે બંને સંકળાયેલા હતા. ગાંધીજીનું ભારત પાછા ફરવું અને ભારતમાં બોલીવુડનો પાયો નંખાવો આ બંને સમકાલીન ઘટના છે. 1913માં દાદા સાહેબ ફાળકેએ પહેલી ભારતીય ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર રિલીઝ કરી, ત્યારે બાપુ આફ્રિકાના ડર્બનમાં છેલ્લો સત્યાગ્રહ કરી રહ્યા હતા. 1915માં ગાંધીજી મહાત્મા બનીને ભારત આવ્યા. ભારતની પરિસ્થિતિને જોવાની શરૂઆત કરી. આ શરૂઆતના વર્ષો એટલે કે 1913-1922 સુધી દેશમાં 90 ફિલ્મો બની ચૂકી હતી. અને રસપ્રદ વાત એ હતી કે આમાંથી મોટા ભાગની ફિલ્મો માઈથોલોજી પર આધારિત હતી. ગાંધી અને બોલીવુડનો સંબંધ આડકતરી રીતે અહીંથી શરૂ થાય છે. બાપુ પણ પહેલેથી જ ધર્મ અને માઈથોલોજીમાં માનતા. આપણને ખ્યાલ જ છે કે બાપુ રામ નામ જપતા. તેમની સભાઓ કે મીટિંગોની શરૂઆત પણ પ્રાર્થનાથી થતી.


        રાશિદ કિદવાઈના પુસ્તક નેતા અભિનેતામાં ફિલ્મ ઈતિહાસકાર, ડિસ્ટ્રીબ્યુટર, પ્રોડ્યુસર અને લેખ જયપ્રકાશ ચોક્સીના મત મુજબ અંગ્રેજો સામેની લડતમાં ગાંધીજીના ધર્મ અને માઈથોલોજી પરના વિશ્વાસને કારણે જ લોકોને તે સમયની ફિલ્મોમાં રસ પડ્યો. લોકો ફિલ્મો જોતા થયા. કેવી રીતે ? એનો જવાબ પણ મળશે. આમ તો ગાંધીજીને ફિલ્મોમાં ખાસ રસ નહોતો, એટલે સુધી કે બાપુને તેની અસર વિશે પણ શંકા હતી. કારણ કે તે સમયે આજની જેમ થિયેટર્સ તો નહોતા, માત્ર રાત્રે મંડપ બાંધીને ફિલ્મો દર્શાવાતી, એટલે ફિલ્મો કેટલા લોકો સુધી પહોંચે તે અંગે કદાચ બાપુને શંકા હશે. જો કે બાપુને મનાવવા તે સમયના ખ્વાજા અહેમદ અબ્બાસ જેવા ફિલ્મ મેકરોએ કોશિશ કરી કે તમે ફિલ્મોથી વધુ લોકો સુધી પહોંચી શક્શો, પરંતુ ગાંધીએ ફિલ્મો કરતા અખબારો પર જ આધારિત રહેવાનું મુનાસિબ માન્યું.


        બાપુને બોલીવુડ પ્રત્યે કેટલો અણગમો હતો તે આ કિસ્સા પરથી સમજી શકાશે. ભારતીય સિનેમાને 25 વર્ષ થવા પર ઈન્ડિયન સિનેમેટોગ્રાફ કમિટીએ તે સમયે ગાંધીજીનો સંદેશ મગાવ્યો. આ માટે તેમણે ગાંધીજીને પ્રશ્નોત્તરી મોકલી આપી. આજની ભાષામાં કહીએ તો ત્યારે ગાંધી સેલિબ્રિટી હતા, તેમના એક અવાજે લાખો લોકો તૈયાર થતા હતા, એટલે કમિટીએ પણ તેમના શબ્દો છાપવામાં ગૌરવ અનુભવ્યુ હશે. પરંતુ કમિટીને રોકડો જવાબ મળ્યો ના. ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઈએ કહી દીધું કે, બાપુને ફિલ્મોમાં રસ નથી એટલે તેઓ સંદેશ નહીં આપે.હવે સમજો આવો હતો બાપુ અને બોલીવુડનો સંબંધ.  


ચાર્લી ચેપ્લિનની લોકપ્રિયતા આજે પણ બરકરાર છે. પરંતુ ગાંધી અને ફિલ્મોના સંબંધને જાણવો હોય તો બંનેની મુલાકાત પહેલાની આ ઘટના જાણવા જેવી છે. ગાંધી જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન પહોંચ્યા તો તેમને ચાર્લીને મળવામાં રસ નહોતો. તેમના મતે ચેપ્લિન એક જોકરથી વિશેષ કંઈ નહોતો. લંડનમાં ગાંધી મ્યુરિલ લેસ્ટરના ત્યાં રોકાયા હતા જે 1925માં ગાંધી આશ્રમમાં રોકાઈ ચૂકી હતી. 1932માં તેની પ્રકાશિત થયેલી બુક એન્ટરટેઈનિંગ ગાંધીમાં એણે લખ્યું છે કે ગાંધીને ચેપ્લિનને મળવામાં કોઈ રસ નહોતો, તેમના મતે ચેપ્લિન જોકરથી વિશેષ નહોતા. જો કે બાદમાં અમારી વચ્ચે ચર્ચા થઈ. તેમને ચેપ્લિનની ગરીબો વિશેની લાગણી વિશે જાણ થઈ અને બંને મળ્યા. મેં એમને ચેપ્લિનની ફિલ્મોના સબ્જેક્ટ વિશે વાત કરી બાદમાં તેઓ મળવા તૈયાર થયા. આ કિસ્સો પણ એ સમજવા માટે કે ગાંધીને ફિલ્મોમાં બસ આટલો જ રસ હતો.


        તેમ છતાંય બોલીવુડ પર ગાંધીજીનો જબરજસ્ત પ્રભાવ રહ્યો છે. બાપુ ભલે ફિલ્મો નહોતા જોતા, પરંતુ વી. શાંતારામથી રાજકુમાર હિરાની જેવા સંખ્યાબંધ ફિલ્મ મેકર્સ પર તેમનો પ્રભાવ હજીય છે. એટલે જ ગાંધી વિચારો પર આધારિત ફિલ્મો બોલીવુડમાં હજી પણ બની રહી છે. વી. શાંતારામ, મહેબૂબ ખાન, રાજકપૂર, વિધુ વિનોદ ચોપરા જેવા ફિલ્મ મેકર્સ પર પણ ગાંધીનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. અહિંસા, પ્રેમ, કરુણા, ત્યાગ, એક્તા, અસહકાર, મહિલાઓને સમાનતા જેવા ગાંધી વિચારો પર આજે પણ ફિલ્મો બને છે. અને આની શરૂઆત પણ ગાંધીના સમયથી જ થઈ છે. ગાંધીજીના આ વિચારો પર બનેલી ફિલ્મો સફળ પણ થઈ છે. એવું કહી શકાય કે ફિલ્મ મેકર્સ માટે ગાંધીવિચારો હંમેશા સફળતાની ચાવી રહ્યા છે.

                     Image Courtesy: motivatevalmorgan.com

          
      1930થી 1945ના ગાળામાં છૂતઅછૂત, કોમી એક્તા, મહિલા સમાનતા જેવા વિચારો પર બનેલી ફિલ્મો તે સમયે અકલ્પનીય સફળ રહી હતી. રાશિદ કિદવાઈના પુસ્તક નેતા અભિનેતામાં તેમણે એક કિસ્સો વર્ણવ્યો છે. જે મુજબ ગાંધીના પ્રભાવથી દેબાકી બોઝ નામના યુવાને કોલેજ છોડીને 1932માં ચંડીદાસ નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મની વાર્તા એક એવા બ્રાહ્મણ યુવાનની હતી, જેને લોઅર કાસ્ટની મહિલા સાથે પ્રેમ થઈ જાય છે. 1932માં દેબાકી બોઝે આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મથી હરિજન અને છૂતઅછૂત દૂર કરવાના ગાંધીના વિચારને વાચા અપાઈ હતી.  તો આ જ વિચાર પર અશોક કુમારની ફિલ્મ અછૂત કન્યા 1936માં આવી હતી. એટલે કે ફિલ્મોના વિષય ગાંધી વિચારની આસપાસ જ રહેતા.


તો વી. શાંતારામ જે આ સમયે સ્ટાર ફિલ્મ મેકર ગણાતા હતા.એમણે પણ ગાંધી વિચારો પર ફિલ્મો બનાવી. તેમની ફિલ્મ દુનિયા ના માને જે મૂળ મરાઠી ફિલ્મ પરથી બની હતી, તેમાં એક વિધુર પુરુષ અને સગીર યુવતીના લગ્નની વાત હતી. 1937માં આવી ઘટનાઓ સામાન્ય હતી. જેની સામે ગાંધી અવાજ ઉઠાવતા હતા. ગાંધીના મત પ્રમાણે સગીર યુવતીઓનું શરીર માતા બનવાનો ભાર સહન કરી શકે તેવું નથી હોતુ. તેમણે પોતાની આત્મકથામાં પણ ઉલ્લેખ કર્ય છે. ત્યારે વી. શાંતારામની આ ફિલ્મ પણ આ જ વિષય પર હતી. ફિલ્મના સમીક્ષકોએ ખૂબ વખાણ કર્યા, કમર્શિયલી પણ સક્સેસ રહી. પછી તો સ્ત્રીઓના સમાન હકો અને તેમના જીવન પર પ્રકાશ પાડતી બાલ યોગિની (1937), સુમનગલી (1940), ઈન્દિરા એમ.એ. (1934), અપના ઘર (1942) જેવી ઘણી ફિલ્મો આવી. જેમાં સ્ત્રીઓનું જીવન મૂળ વિચારમાં હતું. સ્ત્રી પુરુષ સમાનતાના ગાંધીવિચારની વાત હતી. આ રીતે ગાંધી અને ફિલ્મો એકબીજા સાથે સંકળાતા રહ્યા.

        હવે જ્યારે 1931ના રોજ પહેલી બોલતી ફિલ્મ અરદેશર ઈરાનીની આલમઆરા રિલીઝ થઈ. અને ગાંધીનો મેસેજ વધુ મજબૂત બન્યો. કારણ કે ફિલ્મો વધુ અસરકારક બનવા લાગી હતી. તે સમયે ભારતમાં પિતૃપ્રભાવ સમાજ હતો, મહિલાઓ આઝાદીની લડાઈમાં ભાગ નહોતી લેતી, ત્યારે 1936માં વી.શાતંરામે અમર જ્યોતિ નામની ફિલ્મ બનાવી જેમાં એક મહિલા પોતાના દારૂડિયા પતિ સામે અવાજ ઉઠાવે છે. આ ફિલ્મનો મુખ્ય પ્લોટ હતો પિતૃપ્રધાન સમાજ સામે બળવો. જે વિશે પણ ગાંધીજી વાત કરતા રહેતા હતા. 

પણ કહેવાય છે ને કે બધાનો દાયકો હોય છે. આવું જ કંઈક બોલીવુડમાં ગાંધી વિચાર પર બનતી ફિલ્મો સાથે પણ થયું. 1940માં તે સમયના શેર માર્કેટ કિંગ ચંદુલાલ શાહનું બોલીવુડમાં આગમન થયું અને પરિવર્તન શરૂ થયું. બોલીવુડનું કમર્શિયલાઈઝેશન શરૂ થયું. ચંદુલાલ શાહની ફિલ્મોએ માઈથોલોજી ફિલ્મોનો યુગ મૃત્યુઘંટ વગાડી દીધો. જો કે વી.શાંતારામ તો મીનિંગફૂલ સિનેમાને જ વળગી રહ્યા હતા. ચંદુલાલ શાહની હાજરીથી એમને કોઈ ફરક નહોતો પડ્યો. 1941માં તેમની ફિલ્મ પડોશી રિલીઝ થઈ. જેમાં હિન્દુ મુસ્લિમ એક્તાની વાત હતી. તો 1957માં તેમણે દો આંખે બારાહ હાથ બનાવી જેમાં જેલનો વોર્ડન 600 કેદીઓને સુધારતા સુધારતા પોતાનો જીવ કુરબાન કરી દે છે. આ ફિલ્મો પણ ગાંધીજીના કોમી એક્તા અને ત્યાગ પર આધારિત હતી. ફક્ત શાંતારામ જ નહીં પરંતુ તેમના સમકાલી સોહરાબ મોદી અને મહેબૂબ ખાન પણ આવી જ ફિલ્મો બનાવતા. ખાસ તો 1942માં આવેલી મહેબૂબ ખાનની રોટી નામની ફિલ્મે ગાંધીજીની ચળવળને મજબૂત કરી. આ ફિલ્મમાં બ્રિટિશર્સની ડિવાઈડ એન્ડ રુલ પોલિસીની વાત હતી.

        
બીજી તરફ સોહરાબ મોદીએ મિનરવા બેનર હેઠળ તત્કાલીન સામાજિક બદીઓ વિશે પણ ફિલ્મ બનાવી જેમ કે મીઠા ઝહર (1938), મહિલાઓના હક પર તલાક (1938) ભરોસા (1940) જેવા નામ સામેલ છે. 1941માં આવેલી સોહરાબ મોદીની ફિલ્મ સિકંદરમાં પુરુ રાજાની હિંમતની વાર્તા પર આધારિત હતી. જેમાં સોહરાબ મોદી અને પૃથ્વીરાજ કપૂર લીડ રોલમાં હતા. આ ફિલ્મ વર્લ્ડ વોર 2 સમયે રિલીઝ થઈ હતી. તે સમયે ભારતમાં પણ આઝાદીની ચળવળ પૂરજોશમાં હતી. ફિલ્મમાં પુરુની હિંમતે હજારો સ્વાંતંત્રય સૈનિકોના મનોબળને જગાવ્યું, દેશભક્તિનો જુસ્સો પ્રગ્ટાવ્યો. બ્રિટિશ ઓથોરિટીએ આ ફિલ્મને કેટલાક વિસ્તારોમાં બેન કરી હતી. તેમ છતાંય બોક્સ ઓફિસ પર ફિલ્મ શાનદાર સફળ રહી હતી. તે સમયે અમેરિકન મોશન પિક્ચર મેગેઝિને ફિલ્મને મિલિયન રુપી મૂવી માર્વેલ ગણાવી હતી. આ ફિલ્મ પણ ગાંધીજીની લડતમાં મહત્વની રહી.

                            ફિલ્મ લગે રહો મુન્નાભાઈનું દ્રશ્ય


પછી તો ઘણી ફિલ્મો બની. જો કે આઝાદી બાદ 1960ની આસપાસ ગાંધી વિચારો પર આધારિત ફિલ્મો બોલીવુડમાં ફ્લોપ થવા લાગી. લોકોને આ વિષય નહોતો ગમતો, આઝાદી બાદ ભારત-પાકિસ્તાન અને ભારત-ચીનના યુદ્ધ થયા એટલે આ વિષયની ફિલ્મો બની અને હિટ થઈ અને ગાંધી વિચાર પડદા પાછળ ધકેલાતા ગયા. પણ અચાનક આ દરમિયાન ફરી ગાંધી અને બોલીવુડ એક સાથે ચમક્યા. 1982માં સર રિચાર્ડ એટનબરોએ બાપુની જીવન પર ગાંધી ફિલ્મ બનાવી, જેણે કોસ્ચુયમમાં ઓસ્કાર પણ જીત્યો. આ ફિલ્મ તે સમયની સૌથી સફળ આંતરરાષ્ટ્રીય ફિલ્મ રહી. ફરી એકવાર બોલીવુડમાં ગાંધી ચર્ચાયા. પણ  1996માં શ્યામ બેનેગલે મેકિંગ ઓફ મહાત્મા બનાવી જે ઉઁધે કાંધ પછડાઈ. તો 2000માં કમલ હસનની હે રામ જેમાં નસીરુદ્દીન શાહ લીડ રોલમાં હતા એ પણ ફ્લોપ થઈ. એટલે બોલીવુડે ગાંધીથી મોઢું ફેરવી લીધું. જો કે 2006માં રાજકુમાર હિરાનીએ લગે રહો મુન્નાભાઈથી ગાંધી વિચારોને નવી રીતે જીવંત કર્યા. 


        ગાંધીજી અને ફિલ્મો આ બંનેનો સંબંધ ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવો હતો, તેમ છતાંય બંને એકબીજાની સમાંતર રહ્યા છે. અને એકબીજાને મદદરૂપ રહ્યા છે. ગાંધીવિચારો પર બનેલી ફિલ્મોથી ગાંધીજીનો સંદેશ લાખો લોકો સુધી પહોંચ્યો. જેને કારણે લોકો જાગૃત થતા રહ્યા. તો ફિલ્મોને પણ ગાંધી વિચારના કારણે ઓડિયન્સ અને વિષય બંને મળતા રહ્યા.  એટલે જ પરોક્ષ રીતે બાપુ બોલીવુડના અને બોલીવુડ બાપુનું આભારી રહ્યું છે.

-      નેતા અભિનેતા – રાશિદ કિદવાઈના પુસ્તક પરથી

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...