Wednesday, 2 October 2019

બોલીવુડ અને બાપુ : બોલીવુડની શરૂઆતમાં ગાંધી(જી)નું યોગદાન!


        આજે ગાંધીજીનો જન્મ દિવસ છે, 150મો જન્મદિવસ. ગાંધીજીને આપણે યાદ કરીએ છીએ દેશને આઝાદી અપાવવના લડવૈયા તરીકે, દેશના ઉચ્ચકોટિના નેતા તરીકે, એક અદના વ્યક્તિ તરીકે. પણ જો કોઈ તમને આ હેડલાઈનની માફક એમ કહે કે બોલીવુડ જી હાં આજની ચમકદમકની અઢળક રૂપિયો રળતી આ ગ્લેમરની દુનિયાના વિકાસમાં ગાંધીજીનું યોગદાન છે તો તમે માનશો ? ઈતિહાસ તો એમ પણ કહે છે કે ગાંધીએ પોતાના જીવનમાં કોઈ ફિલ્મ નથી જોઈ. ગાંધીજીએ કોઈ ફિલ્મ જોઈ હોવાનો તેમની આત્મકથા સત્યના પ્રયોગોમાં કોઈ ઉલ્લેખ નથી. જો કે જાણીતા પત્રકાર અને લેખક રાશિદ કિદવાઈના પુસ્તક નેતા અભિનેતા પ્રમાણે ગાંધીએ પોતાના જીવનમાં એકમાત્ર ફિલ્મ જોઈ છે. જેનું નામ હતું રામ રાજ્ય જો કે બાપુએ આ ફિલ્મ પણ આખી નહોતી જોઈ. એટલે કહી શકાય કે બોલીવુડ અને બાપુ કદાચ દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નહોતા. તો પછી આ હેડિંગ શા માટે ?

                                Image Courtesy: Cultural India


              વાત સાચી છે કે બાપુને અને બોલીવુડને કંઈ લાગતું નહોતું વળગતું. પરંતુ પરોક્ષ રીતે બંને સંકળાયેલા હતા. ગાંધીજીનું ભારત પાછા ફરવું અને ભારતમાં બોલીવુડનો પાયો નંખાવો આ બંને સમકાલીન ઘટના છે. 1913માં દાદા સાહેબ ફાળકેએ પહેલી ભારતીય ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર રિલીઝ કરી, ત્યારે બાપુ આફ્રિકાના ડર્બનમાં છેલ્લો સત્યાગ્રહ કરી રહ્યા હતા. 1915માં ગાંધીજી મહાત્મા બનીને ભારત આવ્યા. ભારતની પરિસ્થિતિને જોવાની શરૂઆત કરી. આ શરૂઆતના વર્ષો એટલે કે 1913-1922 સુધી દેશમાં 90 ફિલ્મો બની ચૂકી હતી. અને રસપ્રદ વાત એ હતી કે આમાંથી મોટા ભાગની ફિલ્મો માઈથોલોજી પર આધારિત હતી. ગાંધી અને બોલીવુડનો સંબંધ આડકતરી રીતે અહીંથી શરૂ થાય છે. બાપુ પણ પહેલેથી જ ધર્મ અને માઈથોલોજીમાં માનતા. આપણને ખ્યાલ જ છે કે બાપુ રામ નામ જપતા. તેમની સભાઓ કે મીટિંગોની શરૂઆત પણ પ્રાર્થનાથી થતી.


        રાશિદ કિદવાઈના પુસ્તક નેતા અભિનેતામાં ફિલ્મ ઈતિહાસકાર, ડિસ્ટ્રીબ્યુટર, પ્રોડ્યુસર અને લેખ જયપ્રકાશ ચોક્સીના મત મુજબ અંગ્રેજો સામેની લડતમાં ગાંધીજીના ધર્મ અને માઈથોલોજી પરના વિશ્વાસને કારણે જ લોકોને તે સમયની ફિલ્મોમાં રસ પડ્યો. લોકો ફિલ્મો જોતા થયા. કેવી રીતે ? એનો જવાબ પણ મળશે. આમ તો ગાંધીજીને ફિલ્મોમાં ખાસ રસ નહોતો, એટલે સુધી કે બાપુને તેની અસર વિશે પણ શંકા હતી. કારણ કે તે સમયે આજની જેમ થિયેટર્સ તો નહોતા, માત્ર રાત્રે મંડપ બાંધીને ફિલ્મો દર્શાવાતી, એટલે ફિલ્મો કેટલા લોકો સુધી પહોંચે તે અંગે કદાચ બાપુને શંકા હશે. જો કે બાપુને મનાવવા તે સમયના ખ્વાજા અહેમદ અબ્બાસ જેવા ફિલ્મ મેકરોએ કોશિશ કરી કે તમે ફિલ્મોથી વધુ લોકો સુધી પહોંચી શક્શો, પરંતુ ગાંધીએ ફિલ્મો કરતા અખબારો પર જ આધારિત રહેવાનું મુનાસિબ માન્યું.


        બાપુને બોલીવુડ પ્રત્યે કેટલો અણગમો હતો તે આ કિસ્સા પરથી સમજી શકાશે. ભારતીય સિનેમાને 25 વર્ષ થવા પર ઈન્ડિયન સિનેમેટોગ્રાફ કમિટીએ તે સમયે ગાંધીજીનો સંદેશ મગાવ્યો. આ માટે તેમણે ગાંધીજીને પ્રશ્નોત્તરી મોકલી આપી. આજની ભાષામાં કહીએ તો ત્યારે ગાંધી સેલિબ્રિટી હતા, તેમના એક અવાજે લાખો લોકો તૈયાર થતા હતા, એટલે કમિટીએ પણ તેમના શબ્દો છાપવામાં ગૌરવ અનુભવ્યુ હશે. પરંતુ કમિટીને રોકડો જવાબ મળ્યો ના. ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઈએ કહી દીધું કે, બાપુને ફિલ્મોમાં રસ નથી એટલે તેઓ સંદેશ નહીં આપે.હવે સમજો આવો હતો બાપુ અને બોલીવુડનો સંબંધ.  


ચાર્લી ચેપ્લિનની લોકપ્રિયતા આજે પણ બરકરાર છે. પરંતુ ગાંધી અને ફિલ્મોના સંબંધને જાણવો હોય તો બંનેની મુલાકાત પહેલાની આ ઘટના જાણવા જેવી છે. ગાંધી જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન પહોંચ્યા તો તેમને ચાર્લીને મળવામાં રસ નહોતો. તેમના મતે ચેપ્લિન એક જોકરથી વિશેષ કંઈ નહોતો. લંડનમાં ગાંધી મ્યુરિલ લેસ્ટરના ત્યાં રોકાયા હતા જે 1925માં ગાંધી આશ્રમમાં રોકાઈ ચૂકી હતી. 1932માં તેની પ્રકાશિત થયેલી બુક એન્ટરટેઈનિંગ ગાંધીમાં એણે લખ્યું છે કે ગાંધીને ચેપ્લિનને મળવામાં કોઈ રસ નહોતો, તેમના મતે ચેપ્લિન જોકરથી વિશેષ નહોતા. જો કે બાદમાં અમારી વચ્ચે ચર્ચા થઈ. તેમને ચેપ્લિનની ગરીબો વિશેની લાગણી વિશે જાણ થઈ અને બંને મળ્યા. મેં એમને ચેપ્લિનની ફિલ્મોના સબ્જેક્ટ વિશે વાત કરી બાદમાં તેઓ મળવા તૈયાર થયા. આ કિસ્સો પણ એ સમજવા માટે કે ગાંધીને ફિલ્મોમાં બસ આટલો જ રસ હતો.


        તેમ છતાંય બોલીવુડ પર ગાંધીજીનો જબરજસ્ત પ્રભાવ રહ્યો છે. બાપુ ભલે ફિલ્મો નહોતા જોતા, પરંતુ વી. શાંતારામથી રાજકુમાર હિરાની જેવા સંખ્યાબંધ ફિલ્મ મેકર્સ પર તેમનો પ્રભાવ હજીય છે. એટલે જ ગાંધી વિચારો પર આધારિત ફિલ્મો બોલીવુડમાં હજી પણ બની રહી છે. વી. શાંતારામ, મહેબૂબ ખાન, રાજકપૂર, વિધુ વિનોદ ચોપરા જેવા ફિલ્મ મેકર્સ પર પણ ગાંધીનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. અહિંસા, પ્રેમ, કરુણા, ત્યાગ, એક્તા, અસહકાર, મહિલાઓને સમાનતા જેવા ગાંધી વિચારો પર આજે પણ ફિલ્મો બને છે. અને આની શરૂઆત પણ ગાંધીના સમયથી જ થઈ છે. ગાંધીજીના આ વિચારો પર બનેલી ફિલ્મો સફળ પણ થઈ છે. એવું કહી શકાય કે ફિલ્મ મેકર્સ માટે ગાંધીવિચારો હંમેશા સફળતાની ચાવી રહ્યા છે.

                     Image Courtesy: motivatevalmorgan.com

          
      1930થી 1945ના ગાળામાં છૂતઅછૂત, કોમી એક્તા, મહિલા સમાનતા જેવા વિચારો પર બનેલી ફિલ્મો તે સમયે અકલ્પનીય સફળ રહી હતી. રાશિદ કિદવાઈના પુસ્તક નેતા અભિનેતામાં તેમણે એક કિસ્સો વર્ણવ્યો છે. જે મુજબ ગાંધીના પ્રભાવથી દેબાકી બોઝ નામના યુવાને કોલેજ છોડીને 1932માં ચંડીદાસ નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મની વાર્તા એક એવા બ્રાહ્મણ યુવાનની હતી, જેને લોઅર કાસ્ટની મહિલા સાથે પ્રેમ થઈ જાય છે. 1932માં દેબાકી બોઝે આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મથી હરિજન અને છૂતઅછૂત દૂર કરવાના ગાંધીના વિચારને વાચા અપાઈ હતી.  તો આ જ વિચાર પર અશોક કુમારની ફિલ્મ અછૂત કન્યા 1936માં આવી હતી. એટલે કે ફિલ્મોના વિષય ગાંધી વિચારની આસપાસ જ રહેતા.


તો વી. શાંતારામ જે આ સમયે સ્ટાર ફિલ્મ મેકર ગણાતા હતા.એમણે પણ ગાંધી વિચારો પર ફિલ્મો બનાવી. તેમની ફિલ્મ દુનિયા ના માને જે મૂળ મરાઠી ફિલ્મ પરથી બની હતી, તેમાં એક વિધુર પુરુષ અને સગીર યુવતીના લગ્નની વાત હતી. 1937માં આવી ઘટનાઓ સામાન્ય હતી. જેની સામે ગાંધી અવાજ ઉઠાવતા હતા. ગાંધીના મત પ્રમાણે સગીર યુવતીઓનું શરીર માતા બનવાનો ભાર સહન કરી શકે તેવું નથી હોતુ. તેમણે પોતાની આત્મકથામાં પણ ઉલ્લેખ કર્ય છે. ત્યારે વી. શાંતારામની આ ફિલ્મ પણ આ જ વિષય પર હતી. ફિલ્મના સમીક્ષકોએ ખૂબ વખાણ કર્યા, કમર્શિયલી પણ સક્સેસ રહી. પછી તો સ્ત્રીઓના સમાન હકો અને તેમના જીવન પર પ્રકાશ પાડતી બાલ યોગિની (1937), સુમનગલી (1940), ઈન્દિરા એમ.એ. (1934), અપના ઘર (1942) જેવી ઘણી ફિલ્મો આવી. જેમાં સ્ત્રીઓનું જીવન મૂળ વિચારમાં હતું. સ્ત્રી પુરુષ સમાનતાના ગાંધીવિચારની વાત હતી. આ રીતે ગાંધી અને ફિલ્મો એકબીજા સાથે સંકળાતા રહ્યા.

        હવે જ્યારે 1931ના રોજ પહેલી બોલતી ફિલ્મ અરદેશર ઈરાનીની આલમઆરા રિલીઝ થઈ. અને ગાંધીનો મેસેજ વધુ મજબૂત બન્યો. કારણ કે ફિલ્મો વધુ અસરકારક બનવા લાગી હતી. તે સમયે ભારતમાં પિતૃપ્રભાવ સમાજ હતો, મહિલાઓ આઝાદીની લડાઈમાં ભાગ નહોતી લેતી, ત્યારે 1936માં વી.શાતંરામે અમર જ્યોતિ નામની ફિલ્મ બનાવી જેમાં એક મહિલા પોતાના દારૂડિયા પતિ સામે અવાજ ઉઠાવે છે. આ ફિલ્મનો મુખ્ય પ્લોટ હતો પિતૃપ્રધાન સમાજ સામે બળવો. જે વિશે પણ ગાંધીજી વાત કરતા રહેતા હતા. 

પણ કહેવાય છે ને કે બધાનો દાયકો હોય છે. આવું જ કંઈક બોલીવુડમાં ગાંધી વિચાર પર બનતી ફિલ્મો સાથે પણ થયું. 1940માં તે સમયના શેર માર્કેટ કિંગ ચંદુલાલ શાહનું બોલીવુડમાં આગમન થયું અને પરિવર્તન શરૂ થયું. બોલીવુડનું કમર્શિયલાઈઝેશન શરૂ થયું. ચંદુલાલ શાહની ફિલ્મોએ માઈથોલોજી ફિલ્મોનો યુગ મૃત્યુઘંટ વગાડી દીધો. જો કે વી.શાંતારામ તો મીનિંગફૂલ સિનેમાને જ વળગી રહ્યા હતા. ચંદુલાલ શાહની હાજરીથી એમને કોઈ ફરક નહોતો પડ્યો. 1941માં તેમની ફિલ્મ પડોશી રિલીઝ થઈ. જેમાં હિન્દુ મુસ્લિમ એક્તાની વાત હતી. તો 1957માં તેમણે દો આંખે બારાહ હાથ બનાવી જેમાં જેલનો વોર્ડન 600 કેદીઓને સુધારતા સુધારતા પોતાનો જીવ કુરબાન કરી દે છે. આ ફિલ્મો પણ ગાંધીજીના કોમી એક્તા અને ત્યાગ પર આધારિત હતી. ફક્ત શાંતારામ જ નહીં પરંતુ તેમના સમકાલી સોહરાબ મોદી અને મહેબૂબ ખાન પણ આવી જ ફિલ્મો બનાવતા. ખાસ તો 1942માં આવેલી મહેબૂબ ખાનની રોટી નામની ફિલ્મે ગાંધીજીની ચળવળને મજબૂત કરી. આ ફિલ્મમાં બ્રિટિશર્સની ડિવાઈડ એન્ડ રુલ પોલિસીની વાત હતી.

        
બીજી તરફ સોહરાબ મોદીએ મિનરવા બેનર હેઠળ તત્કાલીન સામાજિક બદીઓ વિશે પણ ફિલ્મ બનાવી જેમ કે મીઠા ઝહર (1938), મહિલાઓના હક પર તલાક (1938) ભરોસા (1940) જેવા નામ સામેલ છે. 1941માં આવેલી સોહરાબ મોદીની ફિલ્મ સિકંદરમાં પુરુ રાજાની હિંમતની વાર્તા પર આધારિત હતી. જેમાં સોહરાબ મોદી અને પૃથ્વીરાજ કપૂર લીડ રોલમાં હતા. આ ફિલ્મ વર્લ્ડ વોર 2 સમયે રિલીઝ થઈ હતી. તે સમયે ભારતમાં પણ આઝાદીની ચળવળ પૂરજોશમાં હતી. ફિલ્મમાં પુરુની હિંમતે હજારો સ્વાંતંત્રય સૈનિકોના મનોબળને જગાવ્યું, દેશભક્તિનો જુસ્સો પ્રગ્ટાવ્યો. બ્રિટિશ ઓથોરિટીએ આ ફિલ્મને કેટલાક વિસ્તારોમાં બેન કરી હતી. તેમ છતાંય બોક્સ ઓફિસ પર ફિલ્મ શાનદાર સફળ રહી હતી. તે સમયે અમેરિકન મોશન પિક્ચર મેગેઝિને ફિલ્મને મિલિયન રુપી મૂવી માર્વેલ ગણાવી હતી. આ ફિલ્મ પણ ગાંધીજીની લડતમાં મહત્વની રહી.

                            ફિલ્મ લગે રહો મુન્નાભાઈનું દ્રશ્ય


પછી તો ઘણી ફિલ્મો બની. જો કે આઝાદી બાદ 1960ની આસપાસ ગાંધી વિચારો પર આધારિત ફિલ્મો બોલીવુડમાં ફ્લોપ થવા લાગી. લોકોને આ વિષય નહોતો ગમતો, આઝાદી બાદ ભારત-પાકિસ્તાન અને ભારત-ચીનના યુદ્ધ થયા એટલે આ વિષયની ફિલ્મો બની અને હિટ થઈ અને ગાંધી વિચાર પડદા પાછળ ધકેલાતા ગયા. પણ અચાનક આ દરમિયાન ફરી ગાંધી અને બોલીવુડ એક સાથે ચમક્યા. 1982માં સર રિચાર્ડ એટનબરોએ બાપુની જીવન પર ગાંધી ફિલ્મ બનાવી, જેણે કોસ્ચુયમમાં ઓસ્કાર પણ જીત્યો. આ ફિલ્મ તે સમયની સૌથી સફળ આંતરરાષ્ટ્રીય ફિલ્મ રહી. ફરી એકવાર બોલીવુડમાં ગાંધી ચર્ચાયા. પણ  1996માં શ્યામ બેનેગલે મેકિંગ ઓફ મહાત્મા બનાવી જે ઉઁધે કાંધ પછડાઈ. તો 2000માં કમલ હસનની હે રામ જેમાં નસીરુદ્દીન શાહ લીડ રોલમાં હતા એ પણ ફ્લોપ થઈ. એટલે બોલીવુડે ગાંધીથી મોઢું ફેરવી લીધું. જો કે 2006માં રાજકુમાર હિરાનીએ લગે રહો મુન્નાભાઈથી ગાંધી વિચારોને નવી રીતે જીવંત કર્યા. 


        ગાંધીજી અને ફિલ્મો આ બંનેનો સંબંધ ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવો હતો, તેમ છતાંય બંને એકબીજાની સમાંતર રહ્યા છે. અને એકબીજાને મદદરૂપ રહ્યા છે. ગાંધીવિચારો પર બનેલી ફિલ્મોથી ગાંધીજીનો સંદેશ લાખો લોકો સુધી પહોંચ્યો. જેને કારણે લોકો જાગૃત થતા રહ્યા. તો ફિલ્મોને પણ ગાંધી વિચારના કારણે ઓડિયન્સ અને વિષય બંને મળતા રહ્યા.  એટલે જ પરોક્ષ રીતે બાપુ બોલીવુડના અને બોલીવુડ બાપુનું આભારી રહ્યું છે.

-      નેતા અભિનેતા – રાશિદ કિદવાઈના પુસ્તક પરથી

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...