Saturday, 18 March 2023

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિકાને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં વાંદરા પાસે જઈને ફોન માગે છે. પણ, આ તો વાંદરો કહેવાય. પ્રેમથી ફોન પાછો માગતા અક્ષયકુમારને વાનરશ્રી ધડાધડ લાફા ચોડી દે છે. આપણને લાગે કે આ ઘટના ફિલ્મી છે, આવું ખરેખર શક્ય નથી. પણ તમને કહીં દું કે હું હમણાં જ વૃંદાવન, મથુરા, ગોકુળ ફરીને આવ્યો. ત્યાં ખરેખર વાનરરાજ માણસો પર હુમલા કરે છે, અને એ પણ સીધા ચહેરા પર. એટલે કે જો તમે ચશ્મા પહેરેલા છે, તો કાં તો ચશ્મા કાઢીને બ્લર વૃંદાવન જુઓ, અથવા તો હેલ્મેટ પહેરીને ફરો. જો, તમે ચશ્મા પહેરીને કોઈ પ્રોટેક્શન વગર ફરી રહ્યા છો, તો તમારા ચશ્મા ગયા સમજો. વાનરોની ટોળીમાંનો એક આવશે, સરસ રીતે તમારા ખભા પર બેસશે અને ચશ્મા લઈને જતો રહેશે! 


                હવે વાનરને લઈને આવી જ એક ફિલ્મી લાગતી ઘટના બોલીવુડની દેસી ગર્લ અને હવે હોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સાથે પણ બની છે. પ્રિયંકા ચોપરાને પણ વાંદરાએ હકીકતમાં લાફો મારી દીધો હતો. આ કિસ્સાનો ખુલાસો પ્રિયંકા ચોપરા The Kapil Sharma Show અને પોતાની આત્મકથા Unscriptedમાં પણ કરી ચૂકી છે. પ્રિયંકા ચોપરાના પિતા આર્મીમાં ડૉક્ટર હતા, એટલે એમની બદલી જુદા જુદા કેમ્પમાં થતી રહેતી. આ ઘટના બની તે સમયે પ્રિયંકા તેમના પરિવાર સાથે લખનૌમાં રહેતા હતા. 

                હવે આ સ્કૂલની નજીકમાં જ ખૂબ બધા ઝાડ હતા. અને વાંદરાઓનું ટોળું આ ઝાડ પર ફરતુ રહેતું. એક વાંદરો (વાનરરાજ હતા કે વાનરરાણી એ તો જાતે પ્રિયંકાજીને મળીને પૂછી લેવું પડશે!) પોતાની કોમના લક્ષણો મુજબ વારંવાર શરીર ખંજવાળી રહી હતી. આપણા પ્રિયંકાબેન રહ્યા એકદમ ભોળા, એમને આ જોઈને ખડખડાટ હસવું આવ્યું. પ્રિયંકા વાંદરાને ખંજવાળતુ જોઈને હસતી રહી, અને વાનરની નજર પડી પ્રિયંકા પર. વાનરને કદાચ લાગ્યું હશે કે, કે આ બે પગી છોકરી મારી મજાક ઉડાવી રહી છે. બસ પછી શું. વાંદરો ઝાડ પરથી નીચે આવ્યો, એક ક્ષણ પ્રિયંકાને જોઈ અને પછી અવાજ આવ્યો સટ્ટાક! 

    



                પ્રિયંકા કંઈ સમજે વિચારે એ પહેલા તો વાંદરો તેમને લાફો મારીને પાછો ઝાડ પર પોતાની જગ્યાએ પહોંચી ચૂક્યો હતો! જો કે આ વાત પ્રિયંકા ચોપરાના બાળપણની છે, સ્કૂલ સમયની છે. પછી આ ઈતિહાસનું પુનરાવર્તન થયું હોવાનું સાંભળ્યું નથી. 

                જો તમારા પણ આવા બાળપણના કોઈ કિસ્સા હોય તો કમેન્ટ કરો, અને આવી રસપ્રદ માહિતી જાણતા રહેવા, વાંચતા રહેવા માટે બ્લોગની મુલાકાત લેતા રહો. 

Wednesday, 8 March 2023

Satish Kaushik: તો મસાબા ગુપ્તાના પિતા હોત આપણા ‘કેલેન્ડર’!

Satish Kaushik: તો મસાબા ગુપ્તાના પિતા હોત આપણા ‘કેલેન્ડર’!


केलेन्डर खाना दो.. केलेन्डर खाना दो... 




આજે પણ જ્યારે હું જમવા બેસું છું, ને થાળી પીરસાય એ પહેલા એકાદવાર તો લાઈન્સ બોલી જ નાખુ છું, પછી એ રેસ્ટોરન્ટમાં બેઠો હોઉં કે ઘરમાં. કેલેન્ડર.. કેટલું યુનિક નામ છે ને.. આમ તો આ પાત્રને તમે જુઓ તો લાગે એક નાનકડા નોકરનો રોલ પણ 90ઝમાં જન્મેલા બાળકો અને એમના મતા-પિતા પણ આ પાત્રને આજે યાદ કરે છે. મિ. ઈન્ડિયા શક્તિમાન પહેલાનો સુપર હીરો હતો અને એના ઘરનો નોકર કેલેન્ડર પણ અમર થઈ ગયો.

સતીષ કૌશિકના નિધનના સમાચાર સાંભળીને સૌથી પહેલા મનમાં કેલેન્ડર અને પપ્પુ પેજર નામ આવ્યા. કેલેન્ડરના પાત્રને અમર બનાવનાર સતીષ કૌશિક મિ. ઈન્ડિયા ફિલ્મના કેલેન્ડરના રોલ માટે પહેલી પસંદ નહોતા. પરંતુ સતીષ કૌશિક આ ફિલ્મના અસોસિયેટ ડિરેક્ટર હતા, અને ફિલ્મમાં તેમને કોઈ રોલ નહોતો મળી રહ્યો, એટલે કેલેન્ડર સલીમ-જાવેદમાંના જાવેદજીની પાછળ પડી ગયા, મિ. ઈન્ડિયામાં એક્ટિંગ કરવાની તેમની જીદ હતી. પણ એમના લાયક કોઈ રોલ નહોતો દેખાતો. ત્યારે જ સતીષ કૌશિકે નક્કી કર્યું કે આ ફિલ્મનો ભાગ બનવા માટે તેઓ નોકરનો રોલ પણ કરશે. અસોસિયેટ ડિરેક્ટર હોવાના નાતે, નોકરના રોલ માટે આવતા દરેક એક્ટરને સતીષજી ઓડિશનમાં જ રિજેક્ટ કરી દેતા. આખરે શેખર કપૂરે તેમને કેલેન્ડર તીરકે કાસ્ટ કરવાનું નક્કી કર્યું. પરંતુ ત્યારે હજી આ પાત્રનું નામ કેલેન્ડર નહોતું. પાત્રને યાદગાર બનાવવા માટે યુનિક નામ વિચારવામાં આવ્યું. તો સતીષ કૌશિકે તેમના પિતાના ઓળખીતા ડીલરને યાદ કર્યા, જેમનું તકિયાકલામ હતું કેલેન્ડર. આ ડીલર દરેક વાતમાં કેલેન્ડર શબ્દનો ઉપયોગ કરતા હતા. જાવેદજીને પણ આ નામ પસંદ આવ્યું અને કેલેન્ડર અમર થઈ ગયા.




જો કે હવે મુખ્ય વાત. બહુ ઓછા લોકોને એ ખ્યાલ છે કે સતીષજી જીવનમાં અઢળક મુસીબતો સામે ઝઝૂમ્યા હતા. સ્ક્રીન પર આવે ત્યારે દર્શકોને ખડખડાટ હસાવતા સતીષ કૌશિક ક્યારેક વધતા વજન, તો ક્યારેક કામ ન મળવાની સમસ્યા સામે ઝૂઝતા રહેતા હતા. સતીષ કૌશિક ત્યારે બિલકુલ તૂટી ચૂક્યા હતા, જ્યારે તેમના 2 વર્ષના પુત્રનું અવસાન થઈ ગયું. પરંતુ હારકર જીતનેવાલે બાજીગર કહેતે હૈની માફક સતીષ કૌશિક 56 વર્ષની વયે સરોગસીથી ફરી પિતા બન્યા. 


જો કે એક રસપ્રદ કિસ્સો એ પણ છે કે સતીષ કૌશિક મસાબા ગુપ્તાના પિતા બનતા બના રહી ગયા. આ વાતનો ખુલાસો ખુદ મસાબાના મમ્મી અને એક્ટ્રેસ નીના ગુપ્તાએ કર્યો છે. નીના ગુપ્તાએ પોતાની આત્મકથા ‘सच कहूं तो’ના રિલીઝ સમયે કહ્યું હતું કે એકવાર સતીષ કૌશિકે તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યા હતા, ત્યારે નીના ગુપ્તા મસાબા સાથે પ્રેગ્નેન્ટ હતા. એ વાત જગજાહેર છે કે મસાબા ગુપ્તા નીના ગુપ્તા અને વિવિયન રિચાર્ડ્ઝના પુત્રી છે. પરંતુ વિવ રિચાર્ડ્ઝ અને નીના ગુપ્તાએ લગ્ન નથી કર્યા. જો કે જ્યારે નીના ગુપ્તા પ્રેગ્નેન્ટ હતા ત્યારે સતીષ કૌશિકે તેમને કહ્યું હતું કે,’ટેન્શન ના લઈશ. જો બાળક ડાર્ક સ્કીનનું જન્મે તો કહી દેજે કે મારું છે. આપણે લગ્ન કરી લઈશું. કોઈને કોઈ વાત પર શંકા નહીં જાય.’ સતીષ કૌશિકે આમ કહીને મિત્ર તરીકેને મોટી ફરજ અદા કરી હતી. સતીષજીનું માનવું હતું કે તેઓ આ મુશ્કેલ સમયમાં નીનાજીને એકલા નહોતા પડવા દેતા. નીના ગુપ્તા પણ આ પ્રપોઝલ બાદ ખૂબ ઈમોશનલ થઈ ગયા હતા. જો કે નીના ગુપ્તાએ અડીખમ રહીને એકલા જ મસાબાનો ઉછેર કર્યો, અને બાદમાં બિઝનેસમેન સાથે લગ્ન પણ કર્યા. 


જો કે, આજે જ્યારે સતીષજી અચાનક જ આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે, ત્યારે તેમની એક્ટિંગ કરિયર, રાઈટિંગ, ડાઈલોગ્સથી લઈને તેમની જિંદાદિલી અને દરિયાદિલીના અનેક કિસ્સા આંખો સામે તરવરી રહ્યા છે. 


Sunday, 13 March 2022

પેમેન્ટ માટે ખૂબ જ ચોક્સાઈ રાખતા કિશોરદા જ્યારે ભૂલ્યા પોતાની જ ફિલ્મના સિંગરનું મહેનતાણું! વાંચો 'કંજૂસ' કિશોરદાના કિસ્સા


            હા, કિશોરકુમારના ફેન્સને આ હેડલાઈનમાં લખેલું કંજૂસ નહીં જ ગમ્યું હોય એ જાણુ છું. કિશોરકુમાર કદાચ કંજૂસ હતા પણ નહીં. આપણી જ ભાષામાં કહેવત છે ને કે અનુભવ સૌથી મોટો શિક્ષક છે. આપણી સાથે, આપણી આસપાસ બનતી ઘટનાઓમાંથી બોધપાઠ લેવો જોઈએ. તો કિશોરકુમારે પણ તેમની સાથે થયેલા વર્તન પરથી કેટલાક બોધપાઠ લીધા હતા. એટલે જ તેઓ એક્ટર કે સિંગર તરીકે પોતાને મળતા પેમેન્ટ બાબતે સ્ટ્રીક્ટ હતા. કિશોરકુમારની કરિયરની શરૂઆતમાં તેમને કેટલાક એવા અનુભવ થયા, જ્યારે કામ કરી લીધા પછી પ્રોડ્યુસરે તેમને પુરુ પેમેન્ટ ન કર્યું હોય. એટલે કિશોરદાએ એડવાન્સમાં ફૂલ પેમેન્ટ લેવાની રીત અપનાવી હતી. જો પેમેન્ટ મળે તો કામ થાય, ન મળે તો ન થાય. કદાચ તેમની આ વર્તણૂંકે બોલીવુડમાં તેમને કંજૂસનો ટેગ અપાવ્યો હતો.

            પરંતુ પોતાની મહેનતના પૈસા માગવામાં શેની શરમ? અને આ તો કિશોરદા હતા, ફક્કડ, બોલ્ડ, બિન્દાસ. કંઈ પણ કામ કરતી વખતે લોકો શું કહેશે, બીજાને શું લાગશે એ વિચાર એમના મગજમાં દૂર દૂર સુધી ક્યારેય નહોતો રહેતો. એટલે જ પેમેન્ટ બાબતે કિશોરદાએ પોતાના સેક્રેટરી સાથે એક મસલત કરી હતી. એ મુજબ જ્યારે પણ કિશોર દા રેકોર્ડિંગ માટે જાય, ત્યારે તેમના સેક્રેટરીએ રેકોર્ડિસ્ટની પાછળ જઈને ચોક્કસ જગ્યાએ ઉભી રહેવાનું. ગીત રેકોર્ડ કરતા પહેલા કિશોરદા સેક્રેટરી ક્યાં છે એ ચેક કરે. જો પેમેન્ટ આવી ગયું હોય તો સેક્રેટરી નિયત જગ્યાએ ઉભા રહે અને કિશોર દા શાંતિથી કોઈ ઝંઝટ વગર ગીત રેકોર્ડ કરી લે. પણ જો સેક્રેટરી તેની જગ્યાએ ન હોય, તો પછી પ્રોડ્યુસરને ગીત રેકોર્ડ કરાવતા નવ નેજા પાણી ઉતરે. જો પેમેન્ટ ન મળ્યું તો કિશોરદાને તાત્કાલિક તાવ આવી જાય, ગળું ખરાબ થઈ જાય, માથુ દુખવા લાગે. ક્યારેક તો કિશોર દા એવો બ્રેક લે કે પછી સીધા તેમના ઘરે જ મળે!

                                        તસવીર સૌજન્યઃ હમારા ફોટોઝ

            હવે પેમેન્ટ માટે આટલા સ્ટ્રીક્ટ અને ડિસિપ્લિન્ડ કિશોરદાએ એકવાર પોતાની જ ફિલ્મના સિંગરને પેમેન્ટ ન કર્યું. એક્ટિંગ, સિંગિગની સાથે કિશોર દા ગીતો કમ્પોઝ પણ કરતા, ગીતો લખતા પણ ખરા. કિશોરદા એક ગીતનું રેકોર્ડિંગ કરવા સ્ટુડિયો પર પહોંચ્યા, અને જ્યારે વોઈસબૂથમાં ગયા તો તેમણે સેક્રેટરીને શોધવા નજર ફેરવી. પણ સેક્રેટરી તો ગાયબ! એટલે કિશોરદાએ પણ ગાયબ થઈ જવાનું નક્કી કર્યું. તેમને લાગ્યું કે પેમેન્ટ નથી આવ્યું તો તેઓ બાથરૂમ જવાનું કહીને ગયા, અને પાછા જ ન આવ્યા. સ્ટુડિયોમાં 3-4 કલાક સુધી હાજર બધા જ લોકો હાંફળા ફાંફળા થઈ ગયા. આખા સ્ટુડિયોમાં શોધખોળ ચાલી. આખરે ખબર પડી કે બાથરૂમની બારી ખુલ્લી છે અને કિશોરદા ગાયબ છે. છેલ્લે તેમના સેક્રેટરી ઘેર પહોંચ્યા તો બોલીવુડના આ મસ્તાના સિંગર ડ્રોઈંગ રૂમમાં આરામ ફરમાવતા હતા. આખરે સેક્રેટરીએ તેમને કહ્યું સાહેબ... આ જે ફિલ્મના ગીતનું રેકોર્ડિંગ તમે છોડીને આવ્યા છો, એના ડિરેક્ટર, પ્રોડ્યુસર, ગીતકાર સર્વેસર્વા તમે જ છો. હવે તમે પોતાને જ પેમેન્ટ નથી આપ્યું તો શું કરીશું!!

            છે ને મજેદાર વ્યક્તિત્વની મજેદાર વાત. મહેનતના પૈસા વિશે કિશોરદાના આવા અનેક કિસ્સા છે. એક વાર એક પ્રોડ્યુસરે તેમને અડધું જ પેમેન્ટ કર્યું, તો કિશોરદા શૂટિંગ પર અડધો મેકઅપ કરાવીને પહોંચ્યા. પ્રોડ્યુસરે પુછ્યું કે આમ કેમ તો જવાબ હતો,'આધા પૈસા, આધા કામ'. આટલે થી અટકે તો કિશોરદા શાના? કિશોરદાએ એમના સમયના એક જાણીતા પ્રોડ્યુસર આરસી તલવારના ઘરે જઈને પેમેન્ટ માટે રીતસર બૂમો પાડી હતી. હકીકતમાં એક ફિલ્મમાં કામ કરવા બદલ પ્રોડ્યુસર તલવારે કિશોરકુમારને 8000 ચૂકવવાના બાકી હતા. આ પેમેન્ટ નહોતું થઈ રહ્યું તો કિશોરદા ખરેખર આરસી તલવારના ઘરે પહોંચ્યા અને નીચેથી બૂમો પાડી,'ઓ તલવાર દે દે મેરે 8000'

                                        તસવીર સૌજન્યઃ એનડીટીવી.કોમ

             ફક્કડ અંદાજના કિશોરદા પોતાના પૈસા અંગે જેટલી ચોક્સાઈ રાખતા, લોકોને મદદ પણ એટલા જ છૂટા હાથે કરતા. એક ફિલ્મ 'દાલ મેં કાલા' ફાઈનાન્સ ઓછું પડવાને કારણે બંધ થઈ ગઈ. કિશોરકુમારને જાણ થઈ તો તેઓ બ્રિફકેસમાં પૈસા ભરીને પ્રોડ્યુસરના ઘરે પહોંચી ગયા. એટલું જ નહીં ઓસ્કર એવોર્ડ વિનર ડિરેક્ટર સત્યજીત રેની ખૂબ જ વખણાયેલી ફિલ્મ 'પાથેર પાંચાલી' સાથે પણ આવો જ કિસ્સો જોડાયેલો છે. સત્યજીત રે પાસે ફિલ્મ બનાવવા પૈસા ખૂટી ગયા હતા, ત્યારે કિશોરકુમારે તેમને 5000ની સહાય કરી હતી. બાદમાં આ જ પાથેર પાંચાલી સત્યજીત રેના જીવનની માઈલસ્ટોન ફિલ્મ સાબિત થઈ. 

            કિશોરકુમાર બિંદાસ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના જીવનના અનેક કિસ્સાઓ રસપ્રદ છે. એક ફિલ્મની પટકથા લખાઈ શકાય તેટલી ઘટનાઓ કિશોરકુમારના જીવનમાં બની છે. તેમના ફેન તરીકે આશા રાખીએ કે એક દિવસ આ દિગ્ગજ અભિનતેા, સિંગરની બાયોપિક સિલ્વર સ્ક્રીન પર જોવા મળે.

 

Thursday, 16 December 2021

માસૂમ મોહબ્બત

 


        મોહબ્બત.. પ્યાર.. ઈશ્ક.. પ્રેમ... આ બધા શબ્દો સાંભળતા જ દરેકની આંખો સામે એક ચહેરો તો આવી જતો હશે ને.. એક માસૂમ ચહેરો.. જેના માટે પહેલીવાર પ્રેમ કે પ્રેમ જેવી જ એક લાગણી થઈ હશે... દરેક વ્યક્તિની એક માસૂમ મોહબ્બત હોય છે.. કદાચ પહેલો પ્રેમ...

        જરાક જરાક સમજણ આવતી હોય.. હોર્મોન્સ ચેન્જ થઈ રહ્યા હોય.. મોટા થઈ રહ્યા હોવાનો અહેસાસ થતો હોય.. ત્યારની માસૂમ મોહબ્બત બધાએ એકવાર તો કરી જ હશે ને....

        જેમાં આપણા ગમતા વ્યક્તિને જોતા રહેવાની પણ મજા હોય છે..... એ ઘરની બહાર નીકળે.. કે સ્કૂલેથી પાછી આવે.. ત્યારે બસ એને જોવા માટે તડકામાં રાહ જોવાની.. અને એની એક ઝલક મેળવવાથી મન તરબતર થઈ જાય...

         હાથમાં એના નામનો પહેલો અક્ષર ઘૂંટી ઘૂંટીને આપણે જાણે જીવનભરનો એનો સાથે નક્કી કરતા ને... તમારા નામના પહેલા અક્ષર સાથે.. એના નામનો પહેલો અક્ષર જોડીને ફ્રેન્ડ્ઝ જ્યારે ચીડવે... ત્યારે બહારથી ભલે ગુસ્સો કરીએ.. પણ મનોમન તો બ્લશિંગ જ થતું.... અને નોટબુકના છેલ્લા પાને... એનું નામ ઘૂંટતા.. એના નામના અક્ષરો અને આપણા નામના અક્ષરોનો સરવાળો કરીને... એ માસૂમ લવ લાઈફનું ભવિષ્ય ચેક કરતા.. સ્કૂલેથી છૂટીને એની પાછળ પાછળ.. એના ઘર સુધી જતા.. જો એ સામે જુએ ને... તો આપણી નજર ફરી જાય... પણ એની એ અમી નજર માટે તો પાછા આપણે તરસતા જ રહીએ... એની સાથે જો એકવાર વાત થઈ જાય... તો ફ્રેન્ડ્ઝ સામે કોલર ઉંચો કરીને ફરવાનું... અને દિવસો સુધી એ શબ્દો મમળવાતા રહેવાની પણ મજા હતી..

        અને ખાસ તો.. તહેવારો તો એની સાથે જ મનાવવાના.. એ જો ફિરકી પકડે ને તો જ પેચ કપાય.. એ જો સામે ઉભી હોય.. તો બોમ્બ હાથેથી સળગાવીને ફેંકાય... અને બેસતા વર્ષે પહેલું સાલમુબાકર પણ એને જ કહેવાય... ગરબામાં જ્યારે રાસ આવે.. ત્યારે જો કોઈક બીજું એની સાથે ડાંડિયા રમે ને.. આપણો ચહેરો લાલચોળ થઈ જાય..

        ગલીમાં ક્રિકેટ રમતા સમયે,, એ જો બાલ્કનીમાં હોય.. તો શોટ તો ફટકારવો જ પડે... પત્તા રમતી વખતે જો સામે બેઠી હોય.. તો એની સાથે આંખોથી ઈશારા કરીને ચીટિંગ થઈ જાય... અને સ્ટોપ એન્ડ પાર્ટી રમતા સમયે.. એ જો પહેલી દેખાઈ જાય ને.. તોય એને આઉટ નહીં કરવાની.. કદાચ આ જ હતી માસૂમ મોહબ્બત...

       પણ પછી જેમ જેમ મોટા થઈએ ને.. એમ એમ આ મોહબ્બત.. કરિયરની ભાગદોડમાં... પરિવારના ડરમાં ખોવાતી જાય.. નસીબદાર હોય છે.. એ લોકો.. જે બાળપણની આ માસૂમ મોહબ્બતને જિંદગીભરના સાથમાં કન્વર્ટ કરી શકે છે..

Friday, 12 November 2021

પપ્પા

 

       


         તમે ક્યારેય પપ્પાને ટાઈટ હગ આપ્યું છે? છોકરીઓ માટે કદાચ આ સહેલું છે, પણ છોકરાઓ માટે એટલું જ અઘરું.

        આપણી ફરિયાદ હોય છે કે પપ્પા આપણને સમજતા નથી. બૌદ્ધિકો કહેશે કે પપ્પાએ છોકરાઓના ફ્રેન્ડ બનવું જોઈએ, પણ જરા જાતને પૂછો, તમે ક્યારેય પપ્પાના ફ્રેન્ડ બનવાની કોશિશ કરી છે?

        પપ્પા બિઝનેસમેન હોય કે નોકરિયાત, બધા જ ટેન્શન વચ્ચે એમણે આપણને રમકડાં અપાવ્યા છે, ભણવાની ફીઝ ભરી છે. એમના ખિસ્સામાં પૈસા હોય કે ન હોય, સ્કૂલમાંથી પિકનિક જવાના પૈસા કે કેન્ટીનમાં નાસ્તો કરવાની પોકેટમની એમણે જ આપી છે. પહેલું બાઈક પણ પપ્પાએ જ લઈ આપ્યું હશે.

        પણ.... ક્યારેય તમે પપ્પાને દુઃખ વ્યક્ત કરતા જોયા છે? ક્યારેય તમારી સામે પપ્પાએ ટેન્શન કહ્યું છે? મારી તો ના છે. તમે પણ તમારી જાતને આ સવાલ પૂછજો .. પૂછજો કે તમે ક્યારેય પપ્પાને એ સ્પેસ આપી છે કે એ તમારી સાથે બેસીને એમની લાગણી, સંઘર્ષ, તમારું ગમતું ન કરી શકવાથી થતી લાગણી ખુલીને કહી શકે? જો હા, તો મારા માટે તો તમે બેસ્ટ પુત્ર કે પુત્રી છો.. પણ જો ના, તો જરા અટકીને વિચારજો.

        બની શકે તો અત્યારે જ પપ્પા ને એક મસ્ત મજાનું ટાઈટ હગ આપો અને કહો પપ્પા, આપણે તો દોસ્ત બની ગયા.

Friday, 9 July 2021

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી

 

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,

બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

 

જનાબ સૈફ પાલનપુરીની આ પંક્તિઓ જીવનનું અણગમતું સત્ય છે. ગમે કે ન ગમે, સહન થાય કે ન થાય, પરંતુ દરેક વ્યક્તિનો અનુભવ હશે કે આપણને દુઃખ પહોંચાડનારા, નુક્સાનકરનારા લોકો મોટેભાગે અંગત હશે. કોઈ અજાણી વ્યક્તિએ કરેલા નુક્સાન કરતા અંગત વ્યક્તિએ કરેલું નુક્સાન વધારે મોટું હશે. 

        જો આપણે બાળપણથી અત્યાર સુધીના વર્ષોનું એક નાનકડું એનાલિસીસ કરીએ તો ખ્યાલ આવી જ જશે કે, જે વસ્તુ જે પરિસ્થિતિ તમને ખુશ કરી શકે છે.. એ તમને દુઃખી પણ કરી શકે છે..જે વ્યક્તિ તમને હસાવી શકે છે.. એ જ તમને રડાવી પણ શકે છે.. નાના હોઈએ ત્યારે કોઈ રમકડું ખૂબ જ ગમતું હોય... એ રમીએ ત્યારે મજા બહુ આવે.. પણ તૂટી જાય ત્યારે રડવું પણ એટલું જ આવે... મોટા થયા પછી આ રમકડાની જગ્યા વ્યક્તિઓ લઈ લે છે. કેટલીકવાર મિત્રો, કેટલીકવાર સ્વજનો... જેની સાથે આપણે આનંદથી જીવન પસાર કરતા હોઈએ એ જ આપણને કોઈ વાતે દુઃખી કરી જાય.

        સાવ એવું પણ નથી કે બધા જ અંગત લોકો આપણો ઉપયોગ કરી જાય છે, કે દુઃખી કરી જાય છે. આજના સમયમાં પણ તમારી સાથે ખરાબ સમયમાં ખભેખભો મિલાવીને ઉભા રહે એ જીગરજાન મિત્રો, એવા સગાસંબંધીઓ હશે જ. એનો પણ તમને અનુભવ હશે જ. જે કેટલીકવાર તમે ખોટા હોવા છતાંય તમને એક સવાલ પૂછ્યા વગર સાથ આપે.

        પણ આ સાથ કરતાંય વધારે દુઃખ પેલા એવા અંગત લોકો પહોંચાડી જાય છે, જેના પણ આપણે જાત કરતા વધારે વિશ્વાસ મૂક્યો હોય છે. ક્યારેક આપણે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મૂકી દઈએ છીએ. ક્યારેક એ વ્યક્તિ પોતાની મજબૂરીમાં કે પછી જાણી જોઈને એના સ્વભાવ મુજબ આપણી સાથે ખરાબ કરી જાય છે. એક હકીકત એ પણ છે કે કોઈ આપણું નુક્સાન કરી જાય, એટલી જગ્યા આપણે આપણી જિંદગીમાં જાતે જ આપીએ છીએ.           

        પણ આનો ઉપાય શું? આ પરિસ્થિતિનું મૂળ છે અપેક્ષા. બીજી રીતે કહીએ તો કોઈના પર મૂકેલો વિશ્વાસ. જ્યારે આપણે મુસીબતમાં હોઈએ, ખરાબ સ્થિતિમાં હોઈએ તો આપણને કોઈ અંગત મિત્ર, કે વ્યક્તિ પાસેથી મદદની અપેક્ષા હોય. પણ એ જ્યારે આપણને મદદ ન કરી શકે, આપણી અપેક્ષા પર ખરા ન ઉતરે, ત્યારે આપણને દુઃખ થાય છે. એટલે કેટલેક અંશે તો આપણી સ્થિતિના જવાબદાર આપણે જ છીએ.

        ધારો કે તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ તમને છોડીને જતા રહે છે, તો દિવસો સુધી આપણને કશું ગમતું નથી. કેમ? કારણ કે એ વ્યક્તિ પાસેથી આપણને અપેક્ષા હતી કે દુનિયા ઉંધી ચત્તી થશે, આ વ્યક્તિ આપણી સાથે રહેશે. આ વ્યક્તિ છે, જેની સાથે મારે સુખ દુખ ભોગવવા છે. એટલે મૂળ તો અપેક્ષા જ છે.

        સ્થિતપ્રજ્ઞતા કેળવવી અઘરી છે. આપણે સામાન્ય માણસો છીએ, લાગણીશીલ છીએ. લાગણી વગર આપણી દુનિયા ચાલતી નથી. પણ છતાંય જો કેટલાક સંબંધોમાં, કેટલીક મિત્રતામાં, બિઝનેસમાં લાગણીઓ વિસારે પાડવી જરૂરી છે, પ્રેક્ટિકલ બનવું જરૂરી છે. બધા પર આંખ મીંચીને ભરોસો કરવો એ આપણી જ લાગણીઓને તોડવા માટે આમંત્રણ આપવા જેવી વાત છે.

        ધોનીને ક્રિકેટ રમતા આપણે બધાએ જોયો છે ને... વિરોધીની વિકેટ પડે તો પણ ખાસ ઉજવણી નહીં... ગમે તેવી ટેન્સ્ડ સિચ્યુએશન હોય,.. વિરોધી ટીમ જીતતી હોય તો પણ એના ચહેરા પર રતિભારનો ફરક ન વર્તાય. આ સિચ્યુએશનમાં પહોંચવું સરળ નથી. પણ જો આ સ્થિતપ્રજ્ઞતા કેળવી શકીએ.. તો નિષ્ફળતા.. દગો... કોઈ આપણી અપેક્ષા પર ખરું ન ઉતરે એવી સ્થિતિમાં આપણે પોતાની જાતને દુઃખી થતાં બચાવી શકીએ છીએ. સીધીની સટ વાત એ છે કે કોઈ આપણને મદદ ન કરે, આપણું કામ ન કરે... તો એને ખૂંચવું જોઈએ.. આપણને શા માટે કંઈ થાય?

    એટલે જો શક્ય હોય.. તો સ્થિતપ્રજ્ઞ બનતા શીખવું જોઈએ... શક્ય હોય એટલો લાગણી પર કાબુ રાખતા શીખવુ જરૂરી છે...

 

 થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,

ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

 

 

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...