Friday, 9 July 2021

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી

 

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,

બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

 

જનાબ સૈફ પાલનપુરીની આ પંક્તિઓ જીવનનું અણગમતું સત્ય છે. ગમે કે ન ગમે, સહન થાય કે ન થાય, પરંતુ દરેક વ્યક્તિનો અનુભવ હશે કે આપણને દુઃખ પહોંચાડનારા, નુક્સાનકરનારા લોકો મોટેભાગે અંગત હશે. કોઈ અજાણી વ્યક્તિએ કરેલા નુક્સાન કરતા અંગત વ્યક્તિએ કરેલું નુક્સાન વધારે મોટું હશે. 

        જો આપણે બાળપણથી અત્યાર સુધીના વર્ષોનું એક નાનકડું એનાલિસીસ કરીએ તો ખ્યાલ આવી જ જશે કે, જે વસ્તુ જે પરિસ્થિતિ તમને ખુશ કરી શકે છે.. એ તમને દુઃખી પણ કરી શકે છે..જે વ્યક્તિ તમને હસાવી શકે છે.. એ જ તમને રડાવી પણ શકે છે.. નાના હોઈએ ત્યારે કોઈ રમકડું ખૂબ જ ગમતું હોય... એ રમીએ ત્યારે મજા બહુ આવે.. પણ તૂટી જાય ત્યારે રડવું પણ એટલું જ આવે... મોટા થયા પછી આ રમકડાની જગ્યા વ્યક્તિઓ લઈ લે છે. કેટલીકવાર મિત્રો, કેટલીકવાર સ્વજનો... જેની સાથે આપણે આનંદથી જીવન પસાર કરતા હોઈએ એ જ આપણને કોઈ વાતે દુઃખી કરી જાય.

        સાવ એવું પણ નથી કે બધા જ અંગત લોકો આપણો ઉપયોગ કરી જાય છે, કે દુઃખી કરી જાય છે. આજના સમયમાં પણ તમારી સાથે ખરાબ સમયમાં ખભેખભો મિલાવીને ઉભા રહે એ જીગરજાન મિત્રો, એવા સગાસંબંધીઓ હશે જ. એનો પણ તમને અનુભવ હશે જ. જે કેટલીકવાર તમે ખોટા હોવા છતાંય તમને એક સવાલ પૂછ્યા વગર સાથ આપે.

        પણ આ સાથ કરતાંય વધારે દુઃખ પેલા એવા અંગત લોકો પહોંચાડી જાય છે, જેના પણ આપણે જાત કરતા વધારે વિશ્વાસ મૂક્યો હોય છે. ક્યારેક આપણે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મૂકી દઈએ છીએ. ક્યારેક એ વ્યક્તિ પોતાની મજબૂરીમાં કે પછી જાણી જોઈને એના સ્વભાવ મુજબ આપણી સાથે ખરાબ કરી જાય છે. એક હકીકત એ પણ છે કે કોઈ આપણું નુક્સાન કરી જાય, એટલી જગ્યા આપણે આપણી જિંદગીમાં જાતે જ આપીએ છીએ.           

        પણ આનો ઉપાય શું? આ પરિસ્થિતિનું મૂળ છે અપેક્ષા. બીજી રીતે કહીએ તો કોઈના પર મૂકેલો વિશ્વાસ. જ્યારે આપણે મુસીબતમાં હોઈએ, ખરાબ સ્થિતિમાં હોઈએ તો આપણને કોઈ અંગત મિત્ર, કે વ્યક્તિ પાસેથી મદદની અપેક્ષા હોય. પણ એ જ્યારે આપણને મદદ ન કરી શકે, આપણી અપેક્ષા પર ખરા ન ઉતરે, ત્યારે આપણને દુઃખ થાય છે. એટલે કેટલેક અંશે તો આપણી સ્થિતિના જવાબદાર આપણે જ છીએ.

        ધારો કે તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ તમને છોડીને જતા રહે છે, તો દિવસો સુધી આપણને કશું ગમતું નથી. કેમ? કારણ કે એ વ્યક્તિ પાસેથી આપણને અપેક્ષા હતી કે દુનિયા ઉંધી ચત્તી થશે, આ વ્યક્તિ આપણી સાથે રહેશે. આ વ્યક્તિ છે, જેની સાથે મારે સુખ દુખ ભોગવવા છે. એટલે મૂળ તો અપેક્ષા જ છે.

        સ્થિતપ્રજ્ઞતા કેળવવી અઘરી છે. આપણે સામાન્ય માણસો છીએ, લાગણીશીલ છીએ. લાગણી વગર આપણી દુનિયા ચાલતી નથી. પણ છતાંય જો કેટલાક સંબંધોમાં, કેટલીક મિત્રતામાં, બિઝનેસમાં લાગણીઓ વિસારે પાડવી જરૂરી છે, પ્રેક્ટિકલ બનવું જરૂરી છે. બધા પર આંખ મીંચીને ભરોસો કરવો એ આપણી જ લાગણીઓને તોડવા માટે આમંત્રણ આપવા જેવી વાત છે.

        ધોનીને ક્રિકેટ રમતા આપણે બધાએ જોયો છે ને... વિરોધીની વિકેટ પડે તો પણ ખાસ ઉજવણી નહીં... ગમે તેવી ટેન્સ્ડ સિચ્યુએશન હોય,.. વિરોધી ટીમ જીતતી હોય તો પણ એના ચહેરા પર રતિભારનો ફરક ન વર્તાય. આ સિચ્યુએશનમાં પહોંચવું સરળ નથી. પણ જો આ સ્થિતપ્રજ્ઞતા કેળવી શકીએ.. તો નિષ્ફળતા.. દગો... કોઈ આપણી અપેક્ષા પર ખરું ન ઉતરે એવી સ્થિતિમાં આપણે પોતાની જાતને દુઃખી થતાં બચાવી શકીએ છીએ. સીધીની સટ વાત એ છે કે કોઈ આપણને મદદ ન કરે, આપણું કામ ન કરે... તો એને ખૂંચવું જોઈએ.. આપણને શા માટે કંઈ થાય?

    એટલે જો શક્ય હોય.. તો સ્થિતપ્રજ્ઞ બનતા શીખવું જોઈએ... શક્ય હોય એટલો લાગણી પર કાબુ રાખતા શીખવુ જરૂરી છે...

 

 થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,

ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

 

 

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...