Saturday, 20 July 2019

Andy Kadiwar:મળો એવા ગુજરાતીને જેમણે દિવ્યાંગો માટે રાખી છે 10 % અનામત

Andy Kadiwar:મળો એવા ગુજરાતીને જેમણે દિવ્યાંગો માટે રાખી છે 10 % અનામત
એન. ડી. કડીવાર
શિક્ષણ અને નોકરીમાં અનામતને લઈ ચર્ચાઓ ખૂબ થઈ છે. એમાંય ગુજરાતમાં તો આ મુદ્દે જબરજસ્ત આંદોલન પણ થયું. જો કે આપણે આજે જ્ઞાતિ આધારિત અનામતમાં નથી જવાનું. આજે વાત એક એવી અનામતની કરવી છે, જેમને કદાચ ખરેખર અનામતની જરૂર છે. એને અનામત કરતાંય પ્રોત્સાહન કહીએ તો વધું યોગ્ય રહેશે.

એન્ડી કડીવાર. મૂળ અમદાવાદના આ બિઝનેસ મેન 1996માં યુએસ ગયા. અને આજે તો અમેરિકાના ફ્લોરિડામાં સ્થાયી થઈ ચૂક્યા છે. અને અમેરિકામાં જ Intigrated resources pvt ltd નામની કંપની ચલાવે છે. એન્ડી કડીવારની કંપનીની અમેરિકામાં ત્રણ ઓફિસ છે, અને ભારતમાં 4 ઓફિસ છે. આ યુએસ બેઝ્ડ કંપની અમેરિકન કંપનીઓના જુદા જુદા પ્રોજેક્ટ્સ સંભાળે છે. કંપનીના પીઆર ધરા પટેલ કંપની વિશે માહિતી આપતા કહે છે કે,'અમેરિકાની જુદી જુદી કંપનીઓ માટે અમારી કંપની રિક્રુટિંગનું કામ કરે છે.' જો કે આ એન્ડી કડીવારની આ કંપની એટલા માટે ખાસ છે કે આ કંપનીમાં દિવ્યાંગ લોકો માટે 10 ટકા અનામત રાખવામાં આવી છે. એટલે કે કંપની મૂકબધિર, શારીરિક કે માનસિક રીતે દિવ્યાંગ લોકોને નોકરી માટે ભરતી કરે છે. કંપનીના પીઆર ધરા પટેલનું કહેવું છે કે,'દિવ્યાંગ લોકોને ભરતી કરી તેમને પગાર સામાન્ય વ્યક્તિઓ જેટલો જ આપવામાં આવે છે.'

ઈન્ટિગ્રેડેટ રિસોર્સિસ કંપનીના માલિક એન્ડી કડીવારે આ શરૂઆત કરાવી છે. દિવ્યાંગોને નોકરી આપવાનો વિચાર કેવી રીતે આવ્યો તેના જવાબમાં કડીવારનું કહેવું છે,'હું NRI છું, ઘણી NGOs અમારી પાસે ફંડ માગતી હોય છે. વિદેશમાં ફંડ માગવા આવતા હોય છે. ફંડ આપવામાં મને વાંધો નથી, પણ મને એ જાણવામાં રસ હતો કે તે યુઝ ક્યાં થાય છે. એટલે એ જફામાં પડવા કરતા મેં જરૂરિયાત મંદ લોકોને સીધા જ મદદ કરવાનું વિચાર્યું. એવું ઈનિશિયેટિવ લેવું હતું કે જેને ખરેખર જરૂર છે, તેને મદદ થાય. તરછોડાયેલા લોકોને મદદ થાય. એમાં વિચાર કરતા કરતા દિવ્યાંગ લોકોને પ્રોત્સાહન આપવાનો વિચાર આવ્યો અને તેના પર અમલ મારી જ કંપનીથી કરવાની શરૂઆત કરી.'


RAJAVI
સેરેબ્રલ પાલ્સી છતાંય કામ કરે છે રાજવી

જો કે કંપનીમાં દિવ્યાંગ લોકોને કામ આપવું એ બોલવા જેટલું સહેલું નહોતું. કારણ કે એક તો કામની સ્પીડ ઘટી જાય, વળી કમ્યુનિકેશનની પણ મુશ્કેલી ઉભી થાય. સાથે જ કંપનીના અન્ય કર્મચારીઓ દિવ્યાંગ લોકો સાથે કેવી રીતે કામ કરશે એ પણ પ્રશ્ન હતો. એટલા માટે આ નિર્ણય લેતા પહેલા એન્ડી કડીવારે પોતાના કર્મચારીઓ સાથે વાત કરી. કંપનીઆ પ્રોજેક્ટની જવાબદારી ધરા પટેલને સોંપી છે. ધરા પટેલનું કહેવું છે કે આ પ્રોજેક્ટનો અમલ કરતા પહેલા મેં અમદાવાદની જુદી જુદી એનજીઓ સાથે મુલાકાત કરી. દિવ્યાંગ લોકોની સ્કીલ જાણી, એમના વિશે રિસર્ચ કર્યું. તેમની પાસેથી કામ કેવી રીતે લઈ શકાય તેનું રિસર્ચ કર્યું. દિવ્યાંગ લોકો સાથે અન્ય સ્ટાફ સારી રીતે કામ કરી શકે એટલા માટે કંપનીએ પોતાના એમ્લોયીઝને પણ તાલીમ આપી છે. ખાસ તેની પ્રોસેસ નક્કી કરવામાં આવી છે.

બાદમાં કંપનીએ જુદા જુદા પ્લેસમેન્ટમાં જઈ દિવ્યાંગ લોકો સાથે વાતચીત કરી તેમને હાયર કરવાની પ્રોસેસ શરૂ કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એન. ડી કડીવારની કંપની ઈન્ટિગ્રેટેડ રિસોર્સિસમાં હાલ સેરેબ્રલ પાલ્સીથી પીડિત યુવતી કામ કરી રહી છે. તેને એક હેલ્પર પણ આપવામાં આવ્યો છે. જેથી કામમાં મદદ થઈ શકે. સાથે જ કંપનીના તમામ કર્મચારીઓ પણ તેને મદદ કરવા તત્પર રહેતા હોય છે. સરવાળે કંપનીમાં ટીમ બિલ્ડિંગનું વાતાવરણ વધુ મજબૂત થયું છે. હજી તો કંપનીએ એક જ દિવ્યાંગને નોકરી આપી છે, પરંતુ હાલ કંપની વધુ લોકો સાથે વાતચીત કરીને તેમની સ્કીલ જાણી રહી છે. સાથે જ તેમને ઉપયોગમાં લઈ પ્રોત્સાહન આપી શકાય તે માટે તાલીમ પણ આપી રહી છે.


એન્ડી કડીવારનું કહેવું છે કે,'અમને ખબર છે કે તેમનાથી બીજા જેટલું કામ નથી જવાનું, અને તેમની સેલરી કદાચ કંપની માટે લોસ થઈ શકે. પરંતુ આ રીતે અમે તેમને કંઈક કરવાનું પ્રોત્સાહન આપી રહ્યા છીએ. તેમને સ્વીકારી રહ્યા છીએ. અને બસ મારે આવું જ કંઈક કરવું હતું.' ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ લોકો માટે જીંદગી ગુજરાવી દોજખ થઈ જતી હોય છે. ત્યારે આ પ્રકારના ઈનિશિયેટિવ તેમને મદદરૂપ થઈ શકે છે.

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...