ફિરોઝ ઈરાની, આ નામ પડે એટલે ગુજરાતી ફિલ્મોના એવા અને પાત્રો આંખ સામે આવી જાય, જે એક સમયે ગુજરાતી ફિલ્મોમાં હીરોને પજવતા હતા. ફિરોઝ ઈરાની એટલે એક એવા એક્ટર જેમણે લાંબા અરસા સુધી ગુજરાતી ફિલ્મોમાં વિલન તરીકે જબરજસ્ત ઓળખ બનાવી. નરેશ કનોડિયા હોય કે ઉપેન્દ્ર ત્રિવેદી, એક સમય એવો હતો કે લીડ એક્ટર, હીરો બદલાય પરંતુ વિલન તરીકે તો ફિલ્મમં ફિરોઝ ઈરાની જ હોય. અને ફિરોઝ ઈરાનીને સ્ક્રીન પર જોઈને ડર પણ લાગે. જો કે રિયલ લાઈફમાં ફિરોઝ ઈરાની ખૂબ જ અલગ છે. રિયલ લાઈફમાં આપણા આ પારસી અદાકાર સિમ્પલ છે, જોલી છે. આજે 70 વર્ષની વયે પણ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.
કેવું જીવન વીતાવે છે ફિરોઝ ઈરાની ?
જી હાં, માત્ર અમિતાભ બચ્ચન જ એવા નથી જે આ ઉંમરે ફિટ રહીને એક્ટિંગ કરે છે. આપણી ગુજરાતી ફિલ્મોના આ જાણીતા કલાકાર પણ 70નો આંક વટાવ્યા બાદ પણ એક્ટિંગ કરે છે, અને ફિટ પણ રહે છે. તમને સવાલ થશે કે જેણે દાયકાઓ સુધી ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરી એ ફિરોઝ ઈરાની આજકાલ શું કરી રહ્યા છે. અન્ય ગુજરાતી કલાકારોની જેમ તેમની લાઈફ કેવી છે. આ સવાલોના જવાબ તમારા માટે gujaratimidday.com લઈને આવ્યું છે. અમે ફિરોઝ ઈરાની સાથે વાત કરીને તેમની લાઈફ વિશે કેટલીક રસપ્રદ માહિતી મેળવી છે.
ટૂંક સમયમાં દેખાશે ગુજરાતી ફિલ્મમાં
ફેન્સ માટે સારીવાત એ છે કે ટૂંક સમયમાં જ ફિરોઝ ઈરાની સિલ્વર સ્ક્રીન પર ફરી એકવાર ગુજરાતી ફિલ્મમાં નજરે પડશે. જી હાં, ફિરોઝ ઈરાની આજકાલ પણ ગુજરાતી ફિલ્મોમાં એક્ટિવ છે. તાજેતરમાં જ તેઓ યુએસમાં 'ગુજરાતનું ગૌરવ' નામની ફિલ્મનું શૂટિંગ પુરુ કરી ચૂક્યા છે. તો આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં તેમની ફિલ્મ 'મિ. કલાકાર' રિલીઝ થવાની છે. આ ફિલ્મથી તેઓ પોતાના પુત્ર અક્ષત ઈરાનીને લોન્ચ કરી રહ્યા છે. અન ફિલ્મ મિ. કલાકરને તેમણે ડિરેક્ટ પણ કરી છે. આ સહિત વધુ એક ગુજરાતી ફિલ્મનો તેઓ ભાગ બની રહ્યા છે, જેનું શૂટિંગ પણ યુએસમાં થવાનું છે, પરંતુ હજી સુધી તેનું નામ નક્કી નથી થયું. આ ઉપરાંત ફિરોઝ ઈરાની બોલીવુડમાં પણ સક્રિય છે. તાજેતરમાં જ તેમણે બોલીવુડ મૂવી 'ઉલ્ટે'નું શૂટિંગ પુરુ કર્યુ છે.
70 વર્ષે પણ 2 કલાક સુધી કરે છે એક્સરસાઈઝ
ફિરોઝ ઈરાની હાલ મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં રહે છે. તેઓ મુંબઈમાં જ જન્મ્યા અને મોટા થયા છે. જો કે gujaratimidday.com સાથે વાત કરતા તેઓ કહે છે કે,'મારી 75 ટકા જિંદગી ગુજરાતમાં જ ગઈ છે. ગુજરાતની જનતાએ મને અદભૂત પ્રેમ આપ્યો છે.' તમને જાણીને આશ્ચર્ય થશે કે ફિરોઝ ઈરાની આજે 70 વર્ષની ઉંમરે પણ રોજ દોઢથી બે કલાક જિમમાં કસરત કરે છે. પોતાના જિમ રૂટિન વિશે વાત કરતા ફિરોઝભાઈ કહે છે કે,'હું ઉઠીને જિમમાં જાઉં, ત્યાં કસરત કરું અને પછી સ્વિમિંગ કરવા જાઉં. આમ રોજ દોઢથી 2 કલાક સુધી મારું એક્સરસાઈઝનું શેડ્યુલ હોય છે.' 70 વર્ષે તેમની ફિટનેસનો આ જ તો રાઝ છે.
પર્સનલ લાઈફની વાત કરીએ તો ફિરોઝ ઈરાની દાદા બની ચૂક્યા છે. તેમને બે પુત્રો છે. જેમાંથી એક પુત્ર અભિષેક ઈરાની હાલ સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થાયી થઈ ચૂક્યો છે, અને તેને બે બાળકો પણ છે. તો બીજા પુત્ર અક્ષત ઈરાની મુંબઈમાં જ છે. અને અક્ષતને ફિરોઝ ઈરાની ગુજરાતી ફિલ્મથી લોન્ચ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફિરોઝ ઈરાનીના પિતા ફરેદુન ઈરાની નાટક કંપની ચલાવતા હતા. એફ આર ઈરાની તરીકે જાણીતા ફરેદુન ઈરાનીની લક્ષ્મી કલાકેન્દ્ર નામે ડ્રામા કંપની હતી. જેનાથી જ ફિરોઝ ઈરાનીએ એક્ટિંગની શરૂઆત કરી હતી. 8 વર્ષની ઉંમરે તેમણે છોરુ કછોરું નામના નાટકમાં કામ કર્યું હતું. અને 1967માં 17 વર્ષની ઉંમરે 'ગુજરાતણ' નામની ફિલ્મથી વિલન તરીકે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. જેમાં વિજય દત્ત હીરો હતા અને અરૂણા ઈરાની હિરોઈન હતા. બસ પછી તો ફિરોઝભાઈ પોતાની કરિયરમાં સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી ચૂક્યા છે.
No comments:
Post a Comment