ક્રિકેટના ભગવાન, લિટલ માસ્ટર, માસ્ટર બ્લાસ્ટર આવા કેટલાંય
વિશેષણો જેને મળેલા છે તે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ
છે. સચિન આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સચિનની ક્રિકેટિંગ
સ્કીલ્સ, રેકોર્ડસ વિશે તમામ લોકો જાણતા હશે. જો કે સચિનના સ્વભાવ વિશે પણ
ચર્ચા થતી રહે છે. સચિન ખૂબ જ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે અને તેમના આ
સ્વભાવનો પરચો ઘણા લોકોને મળ્યો છે. કહેવાય છે કે સચિન ભાગ્યે જ ગુસ્સે થાય
છે.
અમદાવાદમાં જ્યારે સચિન થયો હતો ગુસ્સે
અમદાવાદમાં એક ઘટના એવી બની હતી જ્યારે સચિન ગુસ્સે થઈ ગયા હતા. સચિને
પોતાના સ્વભાવથી વિપરીત ગુસ્સો જરૂર કર્યો હતો. આ ઘટના 2011ની છે.
અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચ હતી.
અમદાવાદમાં જ્યારે જ્યારે મેચ હોય છે ત્યારે ડ્રેસિંગ રૂમમાં દર વખતની જેમ
સચિનની સાથે રાજુભાઇ વાઘેલા હોય છે. પરંતુ વર્લ્ડ કપની આ મેચમાં ભારતના
ડ્રેસિંગ રૂમમાં રાજુભાઇ ન હતા. સચિને પ્રેક્ટિસ વખતે જ જોયું કે આ વખતે
રાજુભાઈ નથી. લિટલ માસ્ટરે તાત્કાલિક સ્ટેડિયમના લાગતા વળગતા અધિકારીઓને
બોલાવ્યા અને પૂછ્યું કે રાજુભાઈ ક્યાં છે. અધિકારીઓ પાસે પણ જવાબ ન હોતો.
કારણ કે આ વખતે ગુજરાત ક્રિકેટ એસોશિએશન (GCA) દ્વારા રાજુભાઈને કામ માટે ન
હતા બોલાવાયા. રાજુભાઈ વાઘેલાના બદલે ડ્રેસિંગ રૂમમાં અન્ય છોકરાને કામે
રાખવામાં આવ્યો હતો.
રાજુભાઇએ ગુજરાતી મિડડે.કોમ સાથે કરી ખાસ વાત
સચિને તાત્કાલિક રાજુભાઈને ડ્રેસિંગ રૂમમાં રાખવા માટે ડિમાન્ડ કરી.
રાજુભાઈ આ કિસ્સો હજી યાદ કરે છે. રાજુ ભાઈ કહે છે કે સચિનને મારી સાથે
એટલું ફાવતું હતું કે તેમણે આખું સ્ટેડિયમ ઉંચું નીચું કરી નાખ્યું.
અધિકારીઓને દોડતા કરી દીધા. તાત્કાલિક ફોન નંબર શોધીને મને કરી ડ્રેસિંગ
રૂમમાં ડ્યુટી પર ગોઠવી દેવાયો. આજે પણ આ ઘટના યાદ કરતા રાજુભાઈ ખુશ ખુશાલ
થઈ જાય છે. મૂળે અમદાવાદના રાજુભાઈ વાઘેલા આકાશવાણીમાં કામ કરે છે. પરંતુ
જ્યારે જ્યારે મોટેરામાં મેચ હોય ત્યારે ત્યારે તેઓ જીસીએ તરફથી ડ્રેસિંગ
રૂમની ડ્યુટી પર જતા. લગભગ 22 વર્ષથી રાજુભાઈ મોટેરાનો ડ્રેસિંગ રૂમ સંભાળે
છે.
પોતાની સાથે કામ કરવા ઓફર આપી ચૂક્યા છે સચિન
રાજુભાઈ કહે છે કે 1983થી હું સ્ટેડિયમમાં ડ્યુટી પર જતો. આટલા વર્ષોથી
કામ કરતા હોવાને કારણે મને કપિલ દેવથી લઈને અત્યારના ખેલાડીઓ પણ ઓળખે છે.
જો કે સચિન સાથે મારે ઘર જેવો સંબંધ છે. મારી પહેલી મુલાકાત પણ મોટેરાના
ડ્રેસિંગ રૂમમાં જ થઈ હતી. ત્યારથી સચિનને મારું કામ એટલું ફાવી ગયું કે
તેમને મારા વગર ચાલતું જ નહીં. સચિન તેંડુલકર સમયાંતરે રાજુભાઈ માટે ગિફ્ટ
પણ લેતા આવતા હતા. એટલે સુધી કે સચિન તેંદુલકર રાજુભાઈને મુંબઈ પોતાની સાથે
કામ કરવા પણ આમંત્રણ આપી ચૂક્યા છે. ફક્ત સચિન જ નહીં પૂર્વ ક્રિકેટર
વિકેટકીપર કિરણ મોરે અને કપિલ દેવ પણ રાજુભાઈને પોતાની સાથે કામ કરવા ઓફર
આપી ચૂક્યા છે.
સચિન સાથે આટલી ઓળખાણ હોવા પાછળ રાજુભાઈ સચિનના સ્વભાવને શ્રેય આપે છે.
રાજુભાઈ કહે છે કે સચિનનો સ્વભાવ ખૂબ જ સારો છે. સેલિબ્રિટી હોવા છતાંય
જરાય એટિટ્યુટ નથી. ક્યારેક ભૂલ થઈ જાય તો પણ ગુસ્સે નથી થતા. મને એમનો
સ્વભાવ પહેલેથી જ ખૂબ ગમે છે. રાજુભાઈ આજે પણ આકાશવાણીમાં કામ કરે છે. 55
વર્ષની ઉંમરે તેમની પાસે મૂડીમાં સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરની
યાદો છે, જેને તે યાદ કરીને ગર્વ લે છે.
No comments:
Post a Comment