ભલાજી ડામોર, પહેલી વખત નામ સાંભળીને તમને યાદ નહીં જ આવે કે તમે આ વ્યક્તિને ટીમ ઈન્ડિયામાં રમતા જોયા હશે કે સાંભળ્યા હશે. જો કે વાંક તમારો નથી પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વિશે હજી એટલી જાગૃક્તા નથી આવી. જી હાં, ગુજરાતના મેઘરજના વતની ભલાજી ડામોર સંપૂર્ણ પણે અંધ છે. અને તેઓ પહેલા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છે. જો કે વિધિની વક્રતા એ છે કે ભારતને સેમી ફાઈનલ સુધી પહોંચાડનાર આ ક્રિકેટ આજે ગુમનામ જિંદગી જીવી રહ્યો છે. ભલાજી ડામોર આજે સાવ કાચા મકાનમાં રહીને ગાય ભેંસ ચરાવવાનું કામ કરે છે.
ભલાજી વતની છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા પિપરાના ગામના. આ ગામ આજે પણ એટલું પછાત છે કે ત્યાં ફોર વ્હીલર લઈને જવું શક્ય નથી. કદાચ એટલે જ ભલાજી ડામોર અહીં ગુમનામ જિંદગી જીવી રહ્યા છે. વાત કરીએ ભલાજીના ક્રિકેટ કરિયરની તો બાળપણથી જ અંધ હોવાને લીધે તેમનું જીવન મુશ્કેલી ભર્યું હતું. પરંતુ કહેવાય છે કે કુદરત એક દરવાજો બંધ કરે તો બીજા હજાર ખોલી નાખે છે. એમ ભલાજી ડામોરની સાંભળવાની અને સમજવાની શક્તિ શાનદાર હતી. એટલે જ કેટલાક લોકોએ તેમને ક્રિકેટ રમવા પ્રેરિત કર્યા. અને ક્રિકેટ રમવામાં તેઓ એટલા સારા હતા કે ગુજરાતની ટીમ સુધી તેમનું સિલેક્શન થયું.
તસવીર સૌજન્યઃ અંકિત ચૌહાણ
વાત 90ના દાયકાની છે જ્યારે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને ક્રિકેટ માત્ર કેટલીક NGO જ રમાડતી હતી. જો કે ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોની પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમ અસ્તિત્વમાં હતી. અને આખરે 1998માં પહેલો પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વર્લ્ડ કપ રમાયો. મેઘરજના સાવ નાનકડા ગામના ખેલાડી ભલાજીનું ઓલરાઉન્ડર તરીકે સિલેક્શન થયું. અને ભલાજીએ પોતાની ઉત્કૃષ્ટ રમતથી ટીમને સેમીફાઈનલ સુધી પહોંચાડી. પહેલા વર્લ્ડ કપમાં ભારતની ટીમ એટલી મજબૂત હતી કે લીગ રાઉન્ડમાં ટીમ એક પણ મેચ નહોતી હારી. પરંતુ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે 317 રન બનાવ્યા છતાંય ભારતની હાર થઈ.
પહેલો વર્લ્ડ કપ જીતવાનું સપનું તો ચકનાચૂર થયું પરંતુ ભલાજીએ પોતાની ક્ષમતા દર્શાવી દીધી હતી. ભલાજીના ક્રિકેટ કરિયરનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેઓ 125 મેચમાં 3125 રન બનાવી ચૂક્યા છે અને 150 વિકેટ ઝડપી ચૂક્યા છે. વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે તત્કાલીન રાષ્ટર્પતિ કે. આર. નારાયણે તેમની પ્રશંસા પણ કરી હતી. તો ગુજરાત સરકારે તેમને 5 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. એક સમયે સાવ ગરીબીમાં જીવનાર અને કુદરતે આપેલી ખોડ સાથે મુશ્કેલીથી જીવન પસાર કરનાર ભલાજીએ વિચાર્યું હતું કે હવે તેમની લાઈફનો સારો સમય શરૂ થયો છે. આટલા અચિવમેન્ટ બાદ તેમણે નોકરી માટે પ્રયત્નો કર્યા. પરંતુ રાષ્ટ્રપતિએ જેની નોંધ લીધી તેની નોંધ ગુજરાતમાં કોઈએ ન લીધી.
આખરે થાકી હારીને ભલાજીએ ફરીથી પોતાની એ જ જૂની જિંદગીમાં પાછા ફરવાનું નક્કી કર્યું. બસ ત્યારથી આજ સુધી ભલાજી પોતાના પરિવાર સાથે એક નાનકડા કાચા મકાનમાં રહે છે, જેના નળિયામાંથી વરસાદનું પાણી ટપકે છે. અને ભલાજીને પોતાની નિષ્ફળતા યાદ કરાવે છે. એક એકરના ખેતરમાં તેઓ ભાઈ સાથે ભાગમાં ખેતી કરે છે અને ગાય ભેંસ ચારીને ગુજરાન ચલાવે છે. ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવનાર આ ખેલાડી માસિક માત્ર 3 હજારનની આવક રળે છે, જેમાં પરિવારનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ છે. હવે ભલાજીને એ ખેદ છે કે પોતે જો આ જ જિંદગી જીવતા હોત તો અફસોસ ન હોત, પરંતુ સફળતા મેળવ્યા પછીનું આ દુઃખ કાળજું વીંધી રહ્યું છે. વિધિની વક્રતા કહો કે કાળનું ચક્ર કુદરતે પહેલા દુઃખ આપ્યુ, પછી સુખ અને ફરી ભલાજીને પોતાની એ જ જિંદગીમાં સબડવા માટે ધકેલી દીધા.
ભલાજી ડામોર ક્યારેક નજીકની બ્લાઈન્ડ સ્કૂલમાં ક્રિકેટની તાલીમ આપવા પણ જાય છે, પરંતુ તેની આવક પણ સાવ નજીવી જ છે. આજે દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટને પ્રોત્સાહન મળી રહ્યું છે, પરંતુ ભલાજી જેવા ક્રિકેટર્સ ભૂલાયા છે. આઈપીએલ જેવી ઝાકમઝોળ લીગમાં ખેલાડીઓ કરોડો કમાય છે, પરંતુ ટેલેન્ટ ધરાવતા જરૂરિયાતમંદ ખેલાડીઓ ગુમનામીમાં વિસરાઈ જાય છે.
ત્યારે આપણે જરૂર છે આવા ખેલાડીઓ તરફ ધ્યાન આપવાની, તેમને આર્થિક મદદ કરવાની. જેથી સરહદ પર તૈનાત સૈનિકોની જેમ જ આવા ખેલાડીઓ પણ પોતાના ભવિષ્ય કે પરિવારની ચિંતા છોડીને દેશ માટે રમી શકે. દેશને ગૌરવ અપાવી શકે. તિરંગાને શાનથી લહેરાવી શકે. જો તેમને આર્થિક મદદ મળતી રહેશે, તો તેઓ દેશ માટે રમવા પ્રોત્સાહિત થતા રહેશે. કારણ કે આખરે આ ખેલાડીઓ પણ મેદાનમાં ઉતરે છે ભારત માટે.
No comments:
Post a Comment