પાટણ એટલે ગુજરાતની એક સમયની રાજધાની,
પાટણ એટલે ઘીમાં બનેલા ગળ્યા ગળ્યા દાબડા,
પાટણ એટલે ઐતિહાસિક રાણકી વાવ,
પાટણ એટલે સહસ્ત્રલિંગ તળાવ,
પણ.. પાટણ અધુરું છે એક ઉલ્લેખ વિના. પાટણ ત્યારે જ પુરુ થાય જ્યારે તેની ઓળખ સાથે જોડાયા પટોળા. જી હાં, પાટણના પટોળા વિશે ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. લાખોની કિંમતના પટોળા આજે તો દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી ચૂક્યા છે. પણ, ખૂબ ઓછા લોકો જાણે છે કે પટોળા એ પાટણના નથી. પાટણના પટોળા (Patan's patola) નો ઈતિહાસ રસપ્રદ છે. પટોળાની પરંપરા આશરે 800થી 900 વર્ષ જૂની છે.
ગુજરાતે દત્તક લીધેલી છે આ કળા !
પટોળાના ખૂબ જ જાણીતા કલાકાર વિજયભાઈ સાલ્વીનું કહેવું છે કે પટોળા મૂળ દક્ષિણ ભારતમાંથી પાટણ આવ્યા છે. સાલ લગભગ 1175ની હતી, જ્યારે કુમારપાળના હાથમાં પાટણનું શાસન હતું. જૈન રાજા કુમારપાળને પૂજા કરવા માટે રોજ રેશમી કપડાની જરૂર પડતી. પરંતુ કુમારપાળ જે કપડું વાપરતા તે પવિત્ર ન હતું. સમયાંતરે કુમારપાળના કાને મહારાષ્ટ્રમાં બનતા પટોળાના વખાણ પહોંચ્યા. કુમારપાળે ત્યાંથી પટોળા મંગાવવા તજવીજ કરી પરંતુ જાલનાના રાજા પટોળાનો એકવાર ઉપયોગ કર્યા પછી જ બહાર મોકલતા. એક વખત વપરાયેલું પટોળું પવિત્ર ન ગણાય એટલે તેને પૂજામાં ન વાપરી ન શકાય. એટલે કુમારપાળે મુંગી પટ્ટમ ગામના 700 જેટલા સાલ્વી કુટુંબોને જ પાટણમાં વસાવી દીધા. બસ ત્યારથી પટોળા ગુજરાતની ઓળખ બની ગયા.
પટોળાની આ વાત જાણો છો ?
જો કે તે સમયે ભલે 700 પરિવારોએ પાટણમાં આવ્યા હોય, પણ હાલ ત્રણ જ સાલ્વી પરિવારો પટોળા બનાવવાનો કસબ જાણે છે. અને પટોળાની રસપ્રદ વાત એ છે કે પટોળા ક્યારેય પહેલાથી તૈયાર કરાતા નથી. ઓર્ડર મુજબ જ પટોળા બનાવીને વેચવામાં આવે છે. એક પટોળું બનાવતા લગભગ ત્રણથી ચાર મહિનાનો સમય જાય છે. તો પટોળાની ડિઝાઈન પ્રમાણે તેની કિંમત લાખો રૂપિયામાં પણ હોય છે. પાટણના પટોળા ખાસ કરીને ડબલ ઈક્તમાં બનાવવામાં આવે છે. ડબલ ઈક્ત એટલે એવી વણાટ પ્રક્રિયા જેમાં પ્રિન્ટિંગ કાપડની બંને બાજુ હોય છે, અને બંને તરફથી તેને પહેરી શકાય છે. આજે ટેક્નોલોજીના યુગમાં પણ પટોળા હાથથી વણીને જ બનાવવામાં આવે છે.
કેવી રીતે બને છે પટોળા ?
પાટણના પટોળા આ બે શબ્દો એટલી હદે જાણીતા થઈ ચૂક્યા છે કે પટોળા સાડીનો જ એક પ્રકાર છે એ વાત ભૂલાઈ ચૂકી છે. સાલ્વી કલાકારો દ્વારા ગુજરાતમાં મુખ્યત્વે ચાર શૈલીઓમાં પટોળા વણવામાં આવે છે. જૈન અને હિંદુઓમાં બેવડી ઇક્ત સાડીઓ જેમાં પોપટ (પક્ષીઓ), ફૂલો, હાથીઓ અને નૃત્ય કરતી શૈલીઓ વપરાય છે. પટોળા સાડી બનાવવા માટેની પદ્ધતિ વિશિષ્ટ છે. પાટણના પટોળા તેના રંગોની વિવિધતા અને ભૌમિતિક શૈલી માટે જાણીતા છે. એક પટોળું બનવા પાછળ ત્રણથી ચાર કારીગરોની મહિનાઓની મહેનત હોય છે. પટોળું બનાવવા માટે નાની મોટી 20 જેટલી પ્રોસેસ કરવી પડે છે. પહેલાના સમયમાં પટોળામાં ડિઝાઈન પણ હાથેથી તૈયાર કરાતી હતી. હવે આંશિક રીતે કોમ્પ્યુટરની મદદ લેવાય છે. પટોળા હાઉસના મેનેજર મેહુલભાઈ કહે છે કે જે ડિઝાઈન પટોળામાં જોઈતી હોય પહેલા તેને ગ્રાફ પેપર પર તૈયાર કરવામાં આવે છે. બાદમાં પટોળા બનાવવા ટાય એન્ડ ડાય મેથડનો ઉપયોગ થાય છે. એટલે કે પટોળામાં જ્યાં જ્યાં કલર કરવાનો હોય તે સિવાયની જગ્યાને દોરી વડે બાંધી (ટાય) દેવાય અને બાદમાં તેને કલરમાં બોળવામાં (ડાય) આવે. પટોળામાં જેટલા રંગનો ઉપયોગ થાય તેટલી વખત આ પ્રોસેસ કરવી પડે. આશ્ચર્યજનક વાત એ છે કે પટોળાને એવી રીતે બાંધવામાં આવે છે કે એક કલર બીજામાં મિક્સ નથી થતો.
ખાસ વાત એ છે કે પટોળા બનાવવા માટે જે કલર વપરાય છે, તે પણ કુદરતી હોય છે. એટલે અકીક, ગુલાલ અને ફળ, ફૂલની છાલમાંથી જ આ કલર બનાવવામાં આવે છે. કુદરતી કલર બનાવવાની પ્રક્રિયા પણ માત્ર પાટણના સાલ્વી પરિવારો જ જાણે છે. આટલી મહેનત કર્યા બાદ બનતા પટોળાની કિંમત 1 લાખથી 2 અઢી લાખ સુધી પહોંચે છે. જો કે પટોળાની કિંમતનો આધાર તેની ડિઝાઈન પર હોય છે.
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં
પટોળા વિશેની આ કહેવત પણ તમે સાંભળી જ હશે. આ કહેવત પ્રમાણે પટોળા પર બનેલી ડિઝાઈન વર્ષો સુધી ટકી શકે છે. કહેવાય છે કે પટોળા સાડી એ 70-80 વર્ષ સુધી ફાટતી નથી. અને જો પટોળું ફાટી પણ જાય તો તેની ડિઝાઈન તો ભૂંસાતી જ નથી. એટલે જ કહેવતમાં કહેવાયું છે ફાટે પણ ફીટે નહીં.
કોણ બનાવે છે પટોળા ?
હાલ ગુજરાતમાં ભરતભાઈ સાલ્વી, અશોકભાઈ સાલ્વી અને વિજયભાઈ સાલ્વીના ત્રણ જપરિવારો પટોળા બનાવે છે. આ ત્રણેય પરિવારના મૂળ તો એક જ છે. હાલ પાટણમાં લગભગ 200થી વધુ સાલ્વી પરિવારો વસે છે પરંતુ પટોળાનો કસબ માત્ર આ ત્રણ પરિવારના લોકો જ જાણે છે. ખાસ કરીને કુદરતી કલર બનાવવામાં આ ત્રણેય પરિવારની હથોટી છે.
લુપ્ત થઈ રહી છે કળા
આજકાલ ટેક્નોલોજીની સમયમાં ડિઝાઈન્સ વધી રહી છે, ત્યારે પાટણના પટોળાની કળા પર પણ જોખમ છે. તેમાંય પટોળાની કિંમત ખૂબ જ વધુ હોવાથી પટોળા ઝડપથી વેચાતા નથી. હાલ ત્રણ જ સાલ્વી પરિવારો પટોળા બનાવે છે. જો કે પોતાની વારસાગત કળાને જાળવી રાખવા આ સાલ્વી પરિવારો દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યા છે. અત્યાર સુધી પટોળા સાડી સુધી જ સીમીત રહેલી ડિઝાઈન્સને હવે તેઓ પર્સ, કવર, રૂમાલ, દુપટ્ટા, ટેબલક્લોથ, શાલ, લેસ જેવી નાની નાની ચીજવસ્તુઓમાં પણ લાવી રહ્યા છે. જેથી પટોળાની માંગ વધે. સાથે જ પોતાના પરિવારની આગામી પેઢીઓને પણ આ કળા શીખવી રહ્યા છે. એટલે ત્રણેય સાલ્વી પરિવાર પરિવાર પોતાની આગામી પેઢીને આ કળા શીખવી રહ્યા છે. તો લગભગ 150 જેટલા સ્થાનિક કારીગરોને પણ તેઓ પોતાનો કસબ શીખવી રહ્યા છે. જેથી ગુજરાતના ગૌરવ સમાન આ કળા જળવાઈ રહે.
સેલિબ્રિટીઝને પણ પસંદ છે પટોળા
સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધી, અભિનેત્રી નરગીસ દત્ત, રાજીવ ગાંધી, અમિતાભ બચ્ચન અને સોનિયા ગાંધી ખાસ પાટણથી જ પટોળા મંગાવતા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે જુદા જુદા સમયે પટોળાની પાઘડી પહેરી ચૂક્યા છે. આ પટોળા ફેશન ઈન્ડસ્ટ્રીમાં રેમ્પ વૉક પર પણ પોતાનો કમાલ દર્શાવી ચૂક્યા છે.
નકલી પટોળા ન પધરાવે રાખજો ધ્યાન
જો પટોળાની આ ખાસિયતો વાંચીને તમને પણ પટોળા પહેરવાની ઈચ્છા થઈ હોય તો ફટાફટ પાટણ પહોંચી જાવ અને સાલ્વી પરિવારને ઓર્ડર આપી દો. જો કે પટોળા ખરીદતા પહેલા ખાસ ધ્યાન રાખજો. પટોળા ઓર્ડર સિવાય બનતા નથી. પાટણના પટોળામાં આડો અને ઉભો તાર એટલે ડબલ કટી હોય છે, તેમાં બે તારમાં પણ કામ થાય છે. નકલી પટોળામાં કાચા કલર વપરાય છે, જે સમય જતા ઝાંખા પડી જાય છે. તો કાપડની તેમજ ડિઝાઈનની પણ ચોક્સાઈ રખાતી નથી.
તો આ છે પાટણના પટોળાની ખાસિયતો. આ બાબતો છે જે પટોળાને ગુજરાતનું ગૌરવ
બનાવે છે. જો તમને પણ આટલું વાંચીને પટોળું પહેરવાની ઈચ્છા થઈ છે, તો તમારા
છેલાજીને કહી દો કે પાટણથી પટોળા મોંઘા લાવજો.
No comments:
Post a Comment