ઉનાળો ફેલાતો
જાય...
માતેલો તાપ ઠેઠ
જીવ સુધી પહોંચ્યો તે દરિયા પણ સુક્કા દેખાઇ
દરેક ઉનાળે રમેશ
પારેખના આ શબ્દો ગાવાની મજા આવે છે... પણ આ ઉનાળાનો તાપ માતેલો તો હવે લાગે છે,
જ્યારે આપણને એસી ઓફિસમાં,
એસી કારમાં બેસવાની અને
ફ્રીજનું જ પાણી પીવાની આદત પડી છે. નહીં તો જરા યાદ કરો આપણું બાળપણ. આવા જો
ધોમધખતા તડકામાં ચડ્ડીઓ પહેરીને, સ્લીપર ચડાવીને
કેવા રમતા હતા?
એપ્રિલ મહિનો શરૂ થાય કે ઝાડ પર ગરમાળાના ઝુમખા
લટકતા હોય, અને એની સાથે જ
હવામાં વેકેશનના આગમનની મહેક પણ શરૂ થઈ જાય. સ્કૂલની વાર્ષિક પરીક્ષાઓની તૈયારીની
સાથે સાથે આપણા મનમાં વેકેશનમાં મામાના ઘરે જવાની, ફરવા જવાની, મિત્રો સાથે રમવાની તૈયારીઓ પણ ચાલતી જ હોય.
આપણામાંથી બધાને પોતાના વેકેશન એવા યાદ હશે, કે આંખ સામે આખું ફ્લેશબેક ફરી જાય.
છેલ્લી બે પરીક્ષાઓ જો સંસ્કૃત કે પીટી કે
કમ્યુટર જેવી સરળ હોય, તો આપણું વેકેશન
ત્યાંથી જ શરૂ થઈ જાય. અને જો ભૂલેચૂકે વિજ્ઞાન કે ગણિત છેલ્લી આવી... તો બીજા
મિત્રોથી જેલસ થવાનું. જો કે છેલ્લું પેપર પુરુ થાય, એટલે બળબળતા બપોરે જ ઘોડો છૂટ્ટો... એયને
ત્યારથી જ શર્ટને ઈનમાંથી કાઢીને જાણે આપણે વેકેશનનું એલાન કરી દેતા. છેલ્લો દિવસ
હોય એટલે રિક્ષાવાળા કાકા આઈસક્રીમ ખવડાવવા લઈ જાય. બસ શાળાના મિત્રો સાથે એ
છેલ્લી મુલાકાત હોય, પછી તો સીધા
ઉઘડતી નિશાળે મળવાના.
અને વેકેશનની આપણી દિનચર્યા પણ કેટલી વ્યસ્ત
રહેતી! એયને સવારે વહેલા ઉઠીને પાણીની બોટલને સાઈકલના કેરિયર પર લગાવીને બેટ બોલ
રમવા નીકળી જવાનું. તો બપોરે જમવાના સમયે મમ્મી શોધવા નીકળે ત્યાં સુધી ભર તડકો
રમ્યા જ કરવાનું. અને જો રવિવાર હોય તો મહાભારત કે શક્તિમાનનું મ્યુઝિક સંભળાય તો
ભલે ગમે તેની બેટિંગ બાકી હોય, બોલ બેટ લઈને
બેસી જવાનું સીધા ટીવીની સામે... અને ટીવી જોતા જોતા જમીને પાછા પત્તા રમવાના હોય.
આસપાસના મિત્રોમાંથી કોઈ એકના ઘરે ભેગા થવાનું અને રસના પીતા પીતા 2-3 કલાક એયને મજાથી પત્તા રમવાના. એમાંય જો કોઈ
મિત્રને ત્યાં વીડિયો ગેમ હોય, તો એનો તો વટ જ
અનોખો રહેતો. બે રિમોટ, એક ટીવી અને
રમવાવાળા 5 જણ. ત્યાં જ 4-5 વાગ્યો સમય થાય, એટલે ચા પીધા વિના પણ રોકાયા વગર સાતોલિયું,
દોડ પકડ, ભેગી સાંકળ, લખોટી, ગિલ્લા દંડા જેવી રમતો તો હાજર જ હોય.
અને આ રમતો રમાય ત્યાં સુધી જ્યાં સુધી
મંદિરમાં સાંજની આરતીનો ઘંટ ન સંભળાય. જેવો ઘંટ વાગે કે મંદિરમાં પહોંચી જવાનું.
અને નગારુ, શંખ, ઝાલર વગાડવા માટે એયને મજાની ખેંચમતાણી થાય.
અને હજીય દિવસ પૂરો ક્યાં થયો છે. અંધારું થાય એટલે અંધારાની રમતો તો રમવી પડે ને.
કોઈ એને સ્ટોપ એન્ડ પાર્ટી કહે, કોઈ ચોર પોલીસ
રમે તો કોઈ બીજું. પણ આપણો શોરબકોર સૂર્યોદય સાથે શરૂ થાય તો ચંદ્ર અધવચાળે આવે
તોય ચાલું હોય.
અને છેલ્લે એયને મસ્ત નહાઈને ધાબામાં ઠંડી
થયેલી પથારીમાં આકાશમાં ઝબકતા તારલાઓ નીચે સૂઈ જવાનું, અને સપ્તર્ષિ કે પછી ધ્રુવનો તારો શોધવાનો.
આમ કરતા કરતા વેકેશન ક્યાં પુરુ થઈ જાય ખબર જ
ના પડે. અને સ્કૂલ શરૂ થવાનો દિવસ નજીક આવે એટલે યુનિફોર્મ ખરીદવાનો, નવો કંપાસ, નવા પુસ્તકો, નવું દફ્તર ખરીદવાનો ઉત્સાહ તો કંઈક અલગ જ હોય.
જો કે સૌથી વધારે મજા રહેતી ધક્કા પેન્સિલ અને જુદા જુદા કાર્ટૂનવાળા સ્ટીકર
ખરીદવાની. પહેલા દિવસે સ્કૂલે પહોંચીને ભાઈબંધે વેકેશનમાં શું કર્યો એનો હિસાબ
લેવાનો અને આપવાનો. પછી સ્ટીકર સરખાવવાના. આ આયોજન દર વર્ષે ફિક્સ રહેતું..
કંઈક આવો રહેતો ને આપણો ઉનાળો.. કંઈક આવું
રહેતું આપણું વેકેશન.. હવે તો બસ આ યાદો બચી છે... એને મમળાવવાની અને જરાક મલકી
લેવાનું.
No comments:
Post a Comment