Friday 31 August 2018

સંઘર્ષ વચ્ચે તપીને સરિતાએ મેળવી 'સુવર્ણ' સિદ્ધિ

એક પછાત જિલ્લાના અત્યંત પછાત ગામની યુવતીએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

ડાંગ, આ જિલ્લાની ઓળખ તેના કુદરતી સૌંદર્યને લીધે છે. ડાંગને ગુજરાતનું સ્વીટ્ઝર્લેન્ડ પણ કહેવાય છે. એમાંય હાલ જો ચોમાસા દરમિયાન તમે ડાંગનો કુદરતી નજારો માણો તો આંખો ક્યારેય ન થાકે. પરંતુ ઠેર ઠેર પથરાયેલા કુદરતી સોંદર્ય વચ્ચે ડાંગમાં એવા અનેક ગામડા છે, જ્યાં પ્રાથમિક સુવિધા નથી. તમે કદાચ માની નહીં શકો કે આજના જમાનામાં જ્યાં ઈન્ટરનેટ હાથવગું છે, ત્યારે અહીંના કેટલાક ગામમાં હજી છાપું પણ નથી પહોંચતું. અને આવા જ એક ગામની છોકરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરીને ગોલ્ડ મેડલ અપાવે તે વાત કદાચ માની ન શકાય. પણ, ડાંગની દોડવીરે આ વાત સાચી કરી બતાવી છે.

વાત છે સરિતા ગાયકવાડની. છેલ્લા 24 કલાકમાં કદાચ તમે આ નામ તમારી ટીવી સ્ક્રીન પર કે સોશિયલ મીડિયા પર વાંચી ચૂક્યા હશો, અને ફોટા પણ જોઈ ચૂક્યા હશો. તમારા હાથવગા ઈન્ટરનેટથી સરિતા પર તમે શુભકામનાઓનો વરસાદ પણ વરસાવ્યો હશે. પરંતુ જે દેખાઈ રહી છે તે સરિતાની સુવર્ણ સફળતા છે. તેની પાછળ સરિતા અને તેના પરિવારનો જબરજસ્ત સંઘર્ષ રહેલો છે.  ભારતને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતાડનાર સરિતાએ આ સફળતા માટે આકરો સંઘર્ષ કર્યો છે. કહેવાય છે કે શુદ્ધ સોનું પકવવા માટે આકરી આગમાં તેને તપવવું પડે. સરિતાની આ સુવર્ણ સફળતા પણ સંઘર્ષની આગમાંથી તપીને નીકળી છે.

સરિતા ગાયકવાડ વતની છે, પછાત ગણાતા ડાંગ જિલ્લાની. એમાં પણ આહવા તાલુકામાં આવેલા અંતરિયાળ ગામ કરાડી આંબા એ સરિતાનું ગામ. જ્યાં પ્રાથમિક સુવિધાઓ માત્ર નામ પૂરતી છે. વાહનવ્યવહારની સગવડ નથી, બસ પકડવા માટે પણ ચાર કિલોમીટર ચાલીને ચીખલી સુધી જવું પડે ત્યારે ક્યાંક જઈ શકાય. મોબાઈલ નેટવર્ક પકડવા માટે ઉંચી ટેકરી પર જવું પડે છે, ત્યારે ઈન્ટરનેટની તો વાત જ શું કરવી. પાણીની સુવિધા પણ હજી કેટલાક મહિનાઓ પહેલા આવી છે. વીજળી છે પણ નામની. મૂડ આવે ત્યારે લાઈટ આવે ને ઈચ્છા હોય ત્યારે જતી રહે. એટલે કે ગામમાં કમ્યુનિકેશનના નામે મીંડુ છે. વળી આ ગામમાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે. ગામની આવી સ્થિતિ જોઈને કદાચ પહેલીવાર માની ન શકાય કે કરાડી આંબામાંથી કોઈ વ્યક્તિ એમાંય યુવતી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નેતૃત્વ કરે અને ગોલ્ડ મેડલ પણ અપાવે. પરંતુ એશિયન ગેમ્સમાં સરિતાએ સિદ્ધિ મેળવીને સાબિત કર્યું છે સફળતા કોઈ સુવિધાઓની મોહતાજ નથી હોતી.

કરાડી આંબા ગામ વિશે સાંભળીને જ સરિતાએ આ લેવલ પર પહોંચવા માટે કેટલી મહેનત કરવી પડી હશે, તેનો આછો અંદાજ આવી જાય. પરંતુ આ તો સંઘર્ષની શરૂઆત હતી. એક તો પછાત ગામ અને અપાર આર્થિક મુશ્કેલીઓ. નળિયાવાળું નાનકડું ઘર. ઘરની દીવાલો પર કાચી માટીનું લીંપણ. બહારથી ઘરની દીવાલોની ઈંટો દેખાય, અને અંદર લટકે છે સરિતાની સફળતાના પ્રતીક મેડલ્સ.


આવું છે ગોલ્ડ મેડલ જીતનાર સરિતાનું ઘર. પાયાની સુવિધાઓ વગર સપના પૂરા કરવા એ સરિતાની પહેલી પરીક્ષા હતી. પરંતુ સૌથી મોટી મુશ્કેલી હતી પૈસાની. અંતરિયાળ ગામ હોવાને કારણે અહીં કોઈ ધંધા ઉદ્યોગ તો છે નહીં. ગામના મોટા ભાગના લોકો ખેતમજૂરી કરે છે. તે પણ ત્યારે જ મળે જ્યારે પાકની સિઝન હોય. બાકીના સમયે તો ઘરમાં ખાલી હાંડા જ કુસ્તી કરે. 


સરિતાના માતા રમુબહેન અને પિતા લક્ષ્મણભાઈ પણ ખેતમજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે. એક તો ખેત મજૂરીની ટૂંકી આવક તેમાં સરિતા સહિત ચાર સંતાનને ભણાવીને મોટા કરવાના. જો કે જે રીતે સરિતાએ સંઘર્ષ કર્યો છે, પરિસ્થિતિનો પડકાર ઝીલ્યો છે, તેટલી જ મહેનત તેના માતાપિતાની પણ છે.

ડાંગના અંતરિયાળ ગામમાં જન્મેલી સરિતા ગાયકવાડ ખડતલ તો હતી જ. પરિસ્થિતિ સાથેના સંઘર્ષે જ તેને શારીરીકની સાથે સાથે માનસિક બળ આપ્યું. ગામમાં કોઈ સુવિધા ન હોવાને કારણે ક્યારેક પાણી લેવા ટેકરીઓ ચડવી ઉતરવી પડે, તો કિલોમીટરોના કિલોમીટર સુધી ચાલવું પડે. બાળપણથી આ રીતે મોટી થયેલી સરિતાની શારિરીક તાકાત વિક્સી હતી. પણ ગામમાં ન તો સ્પોર્ટ્સ માટે કોઈ સુવિધા હતી, ન તો કોઈ પ્રોત્સાહન મળી શકે તેવી સ્થિતિ. હાલ ભલે સરિતાએ 4*400 મીટર રિલેમાં ગોલ્ડ અપાવ્યો હોય, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે સરિતા મૂળ ખેલાડી હતી ખો ખોની. એટલે સુધી કે સરિતા 17-17 વખત રાષ્ટ્રીય સ્તરે ખો ખોની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે.


વાંસદાની સ્કૂલમાં અભ્યાસ કરતી સરિતા ખો ખોમાં ભલભલા ખેલાડીઓને પાછળ પાડી દેતી. સ્કૂલનું શિક્ષણ પુરુ થયા પછી સરિતાને ગ્રેજ્યુએશન કરવું હતું. અને અહીં સુધી તો સરિતાએ ક્યારેય એથ્લેટિક્સમાં ભાગ લેવાનું વિચાર્યું નહોતું. પણ ચીખલીની એમ.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સરિતાને પ્રવેશ મળ્યો. અને અહીંના કોચે તેને ખો ખોની સાથે સાથે લાંબી દોડમાં ભાગ લેવાની સલાહ આપી. સરિતાએ દોડવાની શરૂઆત કરીને ટ્રેક પર આ ડાંગ એક્સપ્રેસની સ્પીડ જોઈને તમામ લોકોની આંખો પહોળી થઈ જતી.

આજે સરિતાની સફળતાથી ખુશ તેના પિતા લક્ષ્મણભાઈ ભીની આંખે કહે છે કે,'પરિવારમાં આવક ઉભી કરવી પ્રાથમિક્તા હતી. અને એમાંય ચાર ચાર સંતાનોને ભણાવીને મોટા કરવાના. પણ ટૂંકી આવકમાંય જેમ તેમ કરીને અમે બાળકોને ભણાવ્યા. અને બાળકોએ પણ આજે અમારી મહેનતને સાર્થક કરી બતાવી છે.' હાલ તો સરિતાનો પરિવાર ખુશખુશાલ છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે સરિતા માટે મેદાન સુધી પહોંચવાના પૈસા ન હતા.

આર્થિક સ્થિતિ એવી કે સરિતા જોડે દોડવા માટે ન તો શૂઝ હતા. ન તો પૂરતા ખોરાકની સગવડ. જો કે અહીં સરિતાને સહાય મળી એમ.આર.દેસાઈ કોલેજ તરફથી. કોલેજે સરિતાને શૂઝ આપ્યા સાથે જ સરિતાને જરૂરી આર્થિક સહાય પણ મળી.સરિતાના હેડ કોચ જયમલ નાઈક કહે છે કે, 'શરૂઆતમાં સરિતા શૂઝ વગર દોડતી હતી. તેને શૂઝ પહેરીને દોડવાનું કહેવાયું. પરંતુ બાળપણથી શૂઝ વગર દોડી હોવાને કારણે તેને શૂઝ ન ફાવ્યા. તેમ છતાંય તેણે ટ્રેક પર બાકીની તમામ હરીફોને ધૂળ ચાટતી કરી દીધી. જો કે બાદમાં અમે તેને શૂઝ પહેરીને દોડવાની તાલીમ આપવાની શરૂ કરી.' એક તરફ સરિતાની મહેનત હતી અને આર્થિક સહાય કોલેજ તરફથી મળવાની શરૂ થઈ, બસ અહીંથી સરિતાએ ટ્રેક પર એવી સ્પીડ પકડી કે પાછું વાળીને જોયું નથી. સરિતાની સ્પીડ જોઈને નડિયાદ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા તાલીમ માટે તેની પસંદગી થઈ. અહીં 2 વર્ષની તાલીમ બાદ સરિતાની મહેનત રંગ લાવી. અને નેશનલ કેમ્પ પટિયાલામાં ટ્રેનિંગ માટે સરિતાને તેડું આવ્યું. આકરા સંઘર્ષની આગમાંથી પસાર થયા બાદ સરિતાની કિસ્મતની ચાવી ખુલી હતી.


નેશનલ કેમ્પમાં જબરજસ્ત મહેનત અને આકરી તાલીમ બાદ નેશનલ લેવલ પર તો સરિતા સારું પ્રદર્શન કરી જ રહી હતી, મેડલ્સ પણ જીતી રહી હતી. પરંતુ દરેક ખેલાડીનું જે સપનું હોય છે, તેવું જ ઈન્ડિયાની ટી-શર્ટ પહેરી દેશને ગૌરવ અપાવવાનું સરિતાનું સપનું પણ હજી રાહ જોવડાવતું હતું. આખરે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ માટે સરિતાની પસંદગી થઈ. જો કે આ ગેમ્સમાં ભારતને રિપ્રેઝન્ટ કરવાનું તેનું સપનું જરૂર પુરુ થયું, પણ સરિતાને મેડલ ન જીતી શકવાનો અફસોસ હતો.. કોમનવેલ્થ ગેમ્સ બાદ જકાર્તામાં જ ગયા વર્ષે યોજાયેલી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સરિતા ટ્રેક પર ઉતરી અને આ વખતે મેડલ પણ જીતી લાવી. જે બાદ અમેરિકાના બહામાસમાં યોજાયેલી રિલે ચેમ્પિયનશિપમાં પણ સરિતા ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. સરિતાના સતત જબરજસ્ત પર્ફોમન્સે જ તેને એશિયન ગેમ્સમાં તક અપાવી. બસ તક સરિતાએ ઝડપી લીધી અને 4*400 મીટર રિલેની ટીમ ઈવેન્ટમાં સરિતા પોતાની ટીમમેટ્સ હીમા દાસ, પૂવમ્મા રાજુ મછેત્તીરા અને વેલ્લુવા કોરોથ વિસ્મયા સાથે એવું દોડી કે ગોલ્ડ મેડલ જીતી લાવી.


સંઘર્ષની આગમાં તપીને નીકળેલી સરિતાની સિદ્ધિને સો સો સલામ. એશિયન ગેમ્સમાં સફળતા મેળવી ચૂકેલી આ ડાંગી દોડવીરની નજર હવે 2020માં યોજનારા ટોકિયો ઓલિમ્પિક્સ પર છે. સરિતા હવે ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીતવા ઈચ્છે છે. ત

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...