Tuesday 30 April 2019

વાત 13 ગુજરાતીઓની, જેમણે જીવ સટોસટનો ખેલ ખેલી સર કર્યો 'ચાદર' ટ્રેક


વાત 13 ગુજરાતીઓની, જેમણે જીવ સટોસટનો ખેલ ખેલી સર કર્યો ચાદર ટ્રેક
13 ગુજરાતીઓની હિંમતને સલામ
લદ્દાખ... અહીં રોડ ટ્રિપ કરવી કે પછી ટ્રેકિંગમાં જવું એ હવે બધાના વિશલિસ્ટમાં સામેલ હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો પોતાની આ વિશ પૂરી કરી શકે છે. જો કે લદ્દાખને વિશ લિસ્ટમાં મૂકવું જેટલું સહેલું છે, એટલું સહેલું ત્યાં જઈને ટ્રેકિંગ કરવું નથી. કારણ કે અત્યંત ઠંડીમાં સર્વાઈવ કરવું, ટ્રેકિંગ કરવું એ ખાવાના ખેલ નથી. લદ્દાખમાં ટ્રેકિંગ કરવા માટે સૌથી ફેમસ છે ચાદર ટ્રેક. લદ્દાખમાં આવેલો ચાદર ટ્રેક એ કોઈ પહાડો પર થતું ટ્રેકિંગ નથી, પરંતુ થીજી જતી નદીની સપાટી પર થતું ટ્રેકિંગ છે.

ક્યાં આવ્યો છે ચાદર ટ્રેક ?

લદ્દાખમાં આવેલી ઝેન્સકાર નદીનું પાણી જાન્યુઆરીથી ફેબ્રુઆરીની વચ્ચે થીજી જાય છે, એટલે તેના પર ટ્રેકિંગ કરાવવામાં આવે છે. વર્લ્ડટ્રેઝર - ટ્રેઝર ટ્રન્ક ઓફ નેચર કંપનીના પ્રણવ ગોધાવિયા કહે છે કે નીચે પાણી વહેતું હોય છે અને ઉપર બરફની ચાદર છવાઈ જાય છે, એટલે જ તેનું નામ ચાદર ટ્રેક પડ્યું છે. અને તેના પર જ થાય છે ટ્રેકિંગ. જરા વિચાર કરો માઈનસ 20થી 25 ડિગ્રી તાપમાન, ચારે બાજું બરફ જ બરફ અને બરફની ચાદર પર ટ્રેકિંગ. વિચારીને જ થડકી જવાય પરંતુ દર વર્ષે હજારો લોકો અહીં થ્રિલીંગ એક્સપિરીયન્સ લેવા પહોંચે છે.

chadar trek

વાત 13 ગુજરાતીઓની

2019ની શરૂઆતમાં 13 ગુજરાતીઓ પણ પહોંચ્યા. વર્લ્ડ ટ્રેઝરના પ્રણવ ગોધાવિયા પોતાની 12 ટ્રેકર્સની ટીમ સાથે પહોંચ્યા હતા, અને દરેક ટીમ મેમ્બર ઉત્સાહિત હતા આ નવા અનુભવ માટે. ટીમમાં સામેલ હતા તનિષ્ક શર્મા, રાજન લાડવા, જયકિશન વાંસદાવાલા, રાજેશ પટેલ, પ્રકાશ પટેલ, હિતેક્ષા પટેલ, દિપીકા ખુમાણ, હીરલ રાણા, સંજય બેન્કર, પ્રશાંત સિંહ, જિમી પટણી અને અમિત જોશી. જો કે કોઈને નહોતી ખબર એ ચાદર ટ્રેકનું ટ્રેકિંગ તેમના માટે જીવ સટોસટના ખેલ સમાન સાબિત થવાનું છે. પ્રણવ ગોધાવિયાએ 75 કિલોમીટરના ટ્રેક પર પોતાની ટીમ અને ગાઈડ સાથે ચાલવાનું શરૂ કર્યું. શરૂઆત હસી ખુશી સાથે થઈ. તમામ લોકો ઉત્સાહિત હતા, કારણ કે આ એક્સપિરિયન્સ તમામ માટે નવો હતો. પરંતુ આગળ અડચણો અને મુસીબતો તેમની રાહ જોઈ રહી હતી.

અચાનક બગડ્યું હવામાન

-20 ડિગ્રીમાં આખી ટીમનો પહેલો દિવસ તો શાંતિથી પૂર્ણ થઈ ગયો. બરફની ચાદર પણ બરાબર હતી અને સહેલાઈથી પહેલા દિવસનું અંતર આખી ટીમે કાપી લીધું. પરંતુ બીજા દિવસથી મુસીબતો જાણે લાઈન લગાવીને આવી. પ્રણવ ગોધાવિયા કહે છે કે આવી સ્થિતિમાં ઓક્સિજન અને ટેમ્પરેચર બે મુશ્કેલી મોટી હોય છે. સામાન્ય રીતે ચાદર ટ્રેક પર તાપમાન -20 ડિગ્રી હોય છે, ક્યારેક -30 પહોંચે. પરંતુ અમે પહોંચ્યા ત્યારે તાપમાન -40 ડિગ્રી હતું. આ જ મોટો પડકાર હતો. 11,500 ફૂટની ઉંચાઈ પર ઓક્સિજન પણ ઓછો. એટલે ચાલવામાં મુશ્કેલી પડે. એમાંય અમારી પર જાણે કુદરત કોપી હોય તેમ અચાનક હવામાન બગડ્યું અને તાપમાન ઉપરનીચે થવા લાગ્યું. જેને કારણે બરફ પીગળવાની શરૂઆત થઈ. જ્યારે આખી ટીમ બરફની ચાદર પર ચાલી રહી હતી ત્યારે જ બરફ પીગળ્યો. સ્થિતિ એવી થઈ કે આગળ વહેતી નદી હતી અને પાછળ બરફ. એટલે બરફની ચાદર પર રોકાઈ શકાય તેમ પણ નહોતું.

chadar trek

4 કિલોમીટર સુધી પાણીમાં ચાલવું પડ્યું

આ અનુભવ યાદ કરતા પ્રણવ ગોધાવિયા કહે છે કે અમારા માટે આ મુશ્કેલી મોટી હતી હજી ટ્રેકનો બીજો જ દિવસ હતો અને બરફ પીગળી રહ્યો હતો. અમે અધવચ્ચે હતા. ટીબકેવ નામની જગ્યાએ ફસાઈ ગયા હતા. આગળ વહેતું પાણી હતું. જો કે ગાઈડની મદદથી અમે સહીસલામત બહાર નીકળ્યા પરંતુ લગભગ 4 કિલોમીટર સુધી પાણીમાં ચાલીને બહાર નીકળવું પડ્યું. પરિણામે બધાના પગલ લાલ થઈ ગયા અને થીજી ગયા. જો કે મુશ્કેલીની આતો શરૂઆત હતી. આ રીતે ટ્રેકનો બીજો દિવસ પૂરો થયો. અને ત્રીજા દિવસે આગળ ચાલવાની શરૂઆત કરી. ટીબકેવથી આગળ ચાલવાની શરૂઆત કરી.

પ્રણવ ગોધાવિયાના જ શબ્દોમાં જાણીએ તો જો કે આગળ હવે મુશ્કેલી એ હતી કે બરફની ચાદર અત્યંત પાતળી હતી. એટલે તેના પર ચાલો અને જો ચાદર તૂટે તો સીધા જ પાણીમાં પડો. હવે જો ચાદર તૂટે અને પાણીમાં પડો તો -30થી -40 ડિગ્રી ઠંડા પાણીમાં પડો એટલે મૃત્યુ નક્કી થઈ જાય. અમારે પહોંચવાનું હતું વોટરફોલ સુધી જે એન્ડ પોઈન્ટ હતો અને ચોથા દિવસે ત્યાંથી પાછા આવવાનું હતું. પરંતુ અમારે જ્યાં નદી ક્રોસ કરવાની હતી ત્યાં બરફની ચાદર પાતળી હતી. ધીરે ધીરે અમે આગળ વધ્યા અને માંડ સામે પહોંચ્યાં ત્યાં તરત જ બરફનો આખ સ્લેબ તૂટી ગયો. જો અમે 2 મિનિટ પણ મોડા હોત તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હોત.

chadar trek

ટીબકેવ પર ફસાઈ આખી ટીમ

આખી ટ્રેકિંગ ટીમ માટે પાછા ફરવું પણ ચેલેન્જ હતું એટલે માત્ર ટીમના 4 જ લોકો વોટર ફોલના એન્ડ પોઈન્ટ સુધી જઈ શક્યા. અને પાછા ફરવાનો નિર્ણય લેવો પડ્યો. પણ પાછા આવવામાં ફરી એ જ મુશ્કેલી હતી કે બરફના સ્લેબ તૂટી રહ્યા હતા. ચાલવાની જગ્યા નહોતી. ચોથા દિવસે પાછા આવવાનું પ્લાનિંગ હતું એટલે ટીમે વધુ ખોરાક પણ કેરી નહોતો કર્યો. પરિસ્થિતિ એવી હતી કે ચારેય બાજુથી ફક્ત મુસીબત જ હતી. સર્વાઈવ કેવી રીતે કરવું એ એક સવાલ હતો. આખરે પાણીમાં ચાલવાનું નક્કી થયું.

ગાઈડ અને ગ્રુપ લીડર સહિત તમામ લોકોએ ચોથા દિવસે જ પાછા ફરવાનું શરૂ કર્યું. લગભગ 6થી 7 કિલોમીટર ફરી થીજી જવાય એવા પાણીમાં ચાલ્યા અને આગળ બરફની ચાદર મળી. બરફની ચાદર જોતા જ ટીમના તમામ સભ્યોએ રાહતનો શ્વાસ લીધો જો કે મુસીબત હજી સમાપ્ત નહોતી થઈ. આ ચાદર નવી જ બનેલી હતી. એટલે એવી લિસ્સી હતી કે ધ્યાન ન રાખો તો લપસી જવાય. અને થયું પણ એવું જ. ટીમના એક સભ્ય પ્રકાશ પટેલ લપસ્યા અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. નેટવર્ક પણ નહીં કે મદદ બોલાવી શકાય. એટલે એક તરફ હાડ થીજાવતી ઠંડી, બરફ પીગળવાનો ડર, રોકાવાની કોઈ સગવડ નહીં, જોડે ખોરાક પણ નહીં અને એક ઈન્જર્ડ ટીમ મેમ્બર સાથે તમામ લોકોએ સહીસલામત પાછા આવવાનું હતું. આખરે પ્રકાશ પટેલના ફ્રેક્ચરવાળા હાથ સાથે જ બધાની મદદથી આગળ ચાલવાનો નિર્ણય લેવાયો અને 7 કિલોમીટર ચાલીને સેફ સાઈટ સુધી પહોંચ્યા. પ્રકાશ પટેલે આ 7 કિલોમીટર દર્દ સહન કરતા કરતાં જ કાપ્યા.

chadar trek

જો કે આખરે સેફ સાઈટ પર પહોચ્યા ત્યારે આટ આટલી મુસીબતો છતાંય જીવ બચાવીને પાછા આવવાનો આનંદ હતો. અન તેનાય કરતાંય વધુ ખુશી હતી જિંદગીનો એક અદભૂત અનુભવ કરવાનો. જીવ સટોસટની બાજી ખેલવાનો.

દર વર્ષે મૃત્યુ પામે છે 5-6 ટ્રેકર્સ


આ ચાદર ટ્રેકનું ટ્રેકિંગ સહેલું નથી. કારણ કે દર વર્ષે આ ટ્રેક પર 5થી 6 લોકો મૃત્યુ પામે છે. એટલે હવે સરકાર પણ ટૂંક સમયમાં આ ટ્રેક બંધ કરી શકે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ ઝડપથી પીગળી રહ્યો છે. ત્યારે ચાદર ટ્રેક પર ટ્રેકિંગ ગમે ત્યારે બંધ થઈ શકે છે. પરંતુ સલામ આ 13 ગુજરાતીઓની હિંમતને જેમણે જાતને હોડમાં મૂકીને કુદરતના ખોળે આટલો સમય ગાળ્યો.

Sunday 28 April 2019

સચિન તેન્ડુલકરે આ અમદાવાદીને મળવા માટે અધિકારીઓને કર્યા હતા દોડતા

 સચિન તેન્ડુલકરે આ અમદાવાદીને મળવા માટે અધિકારીઓને કર્યા હતા દોડતા
રાજુભાઈ સાથે સચિન તેન્ડુલકર
ક્રિકેટના ભગવાન, લિટલ માસ્ટર, માસ્ટર બ્લાસ્ટર આવા કેટલાંય વિશેષણો જેને મળેલા છે તે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ છે. સચિન આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સચિનની ક્રિકેટિંગ સ્કીલ્સ, રેકોર્ડસ વિશે તમામ લોકો જાણતા હશે. જો કે સચિનના સ્વભાવ વિશે પણ ચર્ચા થતી રહે છે. સચિન ખૂબ જ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે અને તેમના આ સ્વભાવનો પરચો ઘણા લોકોને મળ્યો છે. કહેવાય છે કે સચિન ભાગ્યે જ ગુસ્સે થાય છે.

rajubhai vaghela

અમદાવાદમાં જ્યારે સચિન થયો હતો ગુસ્સે

અમદાવાદમાં એક ઘટના એવી બની હતી જ્યારે સચિન ગુસ્સે થઈ ગયા હતા. સચિને પોતાના સ્વભાવથી વિપરીત ગુસ્સો જરૂર કર્યો હતો. આ ઘટના 2011ની છે. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચ હતી. અમદાવાદમાં જ્યારે જ્યારે મેચ હોય છે ત્યારે ડ્રેસિંગ રૂમમાં દર વખતની જેમ સચિનની સાથે રાજુભાઇ વાઘેલા હોય છે. પરંતુ વર્લ્ડ કપની આ મેચમાં ભારતના ડ્રેસિંગ રૂમમાં રાજુભાઇ ન હતા. સચિને પ્રેક્ટિસ વખતે જ જોયું કે આ વખતે રાજુભાઈ નથી. લિટલ માસ્ટરે તાત્કાલિક સ્ટેડિયમના લાગતા વળગતા અધિકારીઓને બોલાવ્યા અને પૂછ્યું કે રાજુભાઈ ક્યાં છે. અધિકારીઓ પાસે પણ જવાબ ન હોતો. કારણ કે આ વખતે ગુજરાત ક્રિકેટ એસોશિએશન (GCA) દ્વારા રાજુભાઈને કામ માટે ન હતા બોલાવાયા. રાજુભાઈ વાઘેલાના બદલે ડ્રેસિંગ રૂમમાં અન્ય છોકરાને કામે રાખવામાં આવ્યો હતો.

rajubhai and sachin tendulkar

રાજુભાઇએ ગુજરાતી મિડડે.કોમ સાથે કરી ખાસ વાત

સચિને તાત્કાલિક રાજુભાઈને ડ્રેસિંગ રૂમમાં રાખવા માટે ડિમાન્ડ કરી. રાજુભાઈ આ કિસ્સો હજી યાદ કરે છે. રાજુ ભાઈ કહે છે કે સચિનને મારી સાથે એટલું ફાવતું હતું કે તેમણે આખું સ્ટેડિયમ ઉંચું નીચું કરી નાખ્યું. અધિકારીઓને દોડતા કરી દીધા. તાત્કાલિક ફોન નંબર શોધીને મને કરી ડ્રેસિંગ રૂમમાં ડ્યુટી પર ગોઠવી દેવાયો. આજે પણ આ ઘટના યાદ કરતા રાજુભાઈ ખુશ ખુશાલ થઈ જાય છે. મૂળે અમદાવાદના રાજુભાઈ વાઘેલા આકાશવાણીમાં કામ કરે છે. પરંતુ જ્યારે જ્યારે મોટેરામાં મેચ હોય ત્યારે ત્યારે તેઓ જીસીએ તરફથી ડ્રેસિંગ રૂમની ડ્યુટી પર જતા. લગભગ 22 વર્ષથી રાજુભાઈ મોટેરાનો ડ્રેસિંગ રૂમ સંભાળે છે.

rajubhai vaghela sachin tendulkar

પોતાની સાથે કામ કરવા ઓફર આપી ચૂક્યા છે સચિન

રાજુભાઈ કહે છે કે 1983થી હું સ્ટેડિયમમાં ડ્યુટી પર જતો. આટલા વર્ષોથી કામ કરતા હોવાને કારણે મને કપિલ દેવથી લઈને અત્યારના ખેલાડીઓ પણ ઓળખે છે. જો કે સચિન સાથે મારે ઘર જેવો સંબંધ છે. મારી પહેલી મુલાકાત પણ મોટેરાના ડ્રેસિંગ રૂમમાં જ થઈ હતી. ત્યારથી સચિનને મારું કામ એટલું ફાવી ગયું કે તેમને મારા વગર ચાલતું જ નહીં. સચિન તેંડુલકર સમયાંતરે રાજુભાઈ માટે ગિફ્ટ પણ લેતા આવતા હતા. એટલે સુધી કે સચિન તેંદુલકર રાજુભાઈને મુંબઈ પોતાની સાથે કામ કરવા પણ આમંત્રણ આપી ચૂક્યા છે. ફક્ત સચિન જ નહીં પૂર્વ ક્રિકેટર વિકેટકીપર કિરણ મોરે અને કપિલ દેવ પણ રાજુભાઈને પોતાની સાથે કામ કરવા ઓફર આપી ચૂક્યા છે.

સચિન સાથે આટલી ઓળખાણ હોવા પાછળ રાજુભાઈ સચિનના સ્વભાવને શ્રેય આપે છે. રાજુભાઈ કહે છે કે સચિનનો સ્વભાવ ખૂબ જ સારો છે. સેલિબ્રિટી હોવા છતાંય જરાય એટિટ્યુટ નથી. ક્યારેક ભૂલ થઈ જાય તો પણ ગુસ્સે નથી થતા. મને એમનો સ્વભાવ પહેલેથી જ ખૂબ ગમે છે. રાજુભાઈ આજે પણ આકાશવાણીમાં કામ કરે છે. 55 વર્ષની ઉંમરે તેમની પાસે મૂડીમાં સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરની યાદો છે, જેને તે યાદ કરીને ગર્વ લે છે.

Saturday 27 April 2019

રણજીત વાંકઃવ્યવસાયે ડૉક્ટર પણ કર્મે લોકસાહિત્યકાર છે આ કાઠિયાવાડી કલાકાર

લોકસાહિત્ય ભૂલાતું જતું હોવાની ચર્ચાઓ થાય છે, પરંતુ તેને બચાવવા પ્રયત્નો ઓછા થાય છે. સોરઠના કે કચ્છના વિસ્તારો સિવાય હવે ડાયરાની સંખ્યા ઘટી છે. ત્યારે વાંચો એક એવા ડોક્ટરની વાત તે વ્યવસાય મૂકીને લોકસાહિત્યની વાતો લોકો સુધી પહોંચાડે છે.
રણજીત વાંકઃવ્યવસાયે ડૉક્ટર પણ કર્મે લોકસાહિત્યકાર છે આ કાઠિયાવાડી કલાકાર
ડૉ. રણજીત વાંક (Image Courtesy: Facebook)
નામ છે એમનું ડૉક્ટર રણજીત વાંક. યુટ્યુબ પર સર્ચ કરશો તો હજારોની સંખ્યામાં તેમના વીડિયો મળશે. ડાયરાઓથી લઈ કથાઓમાં તેઓ પ્રોગ્રામ કરે છે. આમ તો રણજીતભાઈ આયુર્વેદિક ડોકટર છે. પણ છેલ્લા 10થી વધુ વર્ષથી ડોક્ટરની પ્રેક્ટિસ છોડીને તેઓ લોકસાહિત્યને ખૂણે ખૂણે સુધી પહોંચાડી રહ્યા છે. લોકસાહિત્ય પ્રત્યેની લગન કહો તો લગન અને પ્રોફેશન ગણો તો પ્રોફેશન પરંતુ ડોક્ટરની પ્રેક્ટિસ છોડી કલાકાર બનવાનો નિર્ણય આજે તેમને પ્રતિષ્ઠા જરૂર અપાવી રહ્યો છે.

બાળપણથી હતો વાંચનનો શોખ

રણજીત વાંકનું વતન એટલે ગરવા ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ. મૂળ કાઠિયાવાડી અને એમાંય ગિરનારની ગોદમાં વસેલા ગામના એટલે લોકસાહિત્ય, સંતોની કથાઓ તો તેમને લોહીમાં જ મળી છે. એમાંય પિતા શાળામાં આચાર્ય, એટલે વાંચનની આદત પણ બાળપણથી પડી. અને આદત પાછળથી શોખમાં બદલાઈ. આજે લોકસાહિત્યકાર તરીકેની સફળતામાં રણજીત વાંક પોતાના આ વાંચનનો ફાળો સૌથી વધુ ગણાવે છે.

 રણજીતભાઈ પોતાની આ સફરને યાદ કરીને કહે છે વાંચનનો શોખ બાળપણથી હતો. હું મારા પપ્પાની શાળામાં જ ભણતો. હું 12.20એ છૂટું અને પપ્પા 1.30 વાગે છૂટે. ઘરે સાથે જ જવાનું હોય એટલે આ એક કલાક હું લાયબ્રેરીમાં કાઢું. આ રીતે વાંચનયાત્રા શરૂ થઈ. સેકન્ડરી એજ્યુકેશન સુધી તો હું અનેક કવિતાઓ, દોલત ભટ્ટનું સાહિત્ય વાંચી ચૂક્યો હતો. પણ ભણવામાં તે સમયે વધુ ધ્યાન હતું. એટલે આયુર્વેદનો અભ્યાસ કર્યો પણ વાંચન સતત ચાલુ હતું. જો કે આ સમયે લોકસાહિત્યના કાર્યક્રમ કરવાનો કે એવો કોઈ ઈરાદો નહોતો, શોખથી હું બધુ વાંચતો હતો.

કરતા હતા ડૉક્ટરની પ્રેક્ટિસ

આયુર્વેદનો અભ્યાસ કર્યા બાદ રણજીતભાઈએ અમદાવાદમાં પોતાનું ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધેલી. તો પછી આ કાર્યક્રમો કેવી રીતે શરૂ થયા એના જવાબમાં મલકાતા મલકાતા રણજીતભાઈનું કહેવું છે કે મિત્રો સાથે બેસીએ, ચર્ચા થાય ત્યારે ઈતિહાસની વાતો આવે તો હું સૌથી વધુ બોલું. એટલે મિત્રો કહે કે આવું તો લોકસાહિત્યકારોને પણ નથી ખબર. એટલે મિત્રોએ પ્રોત્સાહન આપ્યું. મિત્રોના જ કાર્યક્રમમાં બોલવાની શરૂઆત કરી. દાદ મળતી ગઈ અને આત્મવિશ્વાસ કેળવાતો ગયો.

ranjit vank
પત્ની હેતલ વાંક સાતે ડૉક્ટર રણજીત વાંક

રણજીત વાંકે પહેલો કાર્યક્રમ 2004માં અમદાવાદમાં આપ્યો હતો. અને બસ તેમની સફર ત્યારની ચાલુ જ છે. જો કે 2004થી 2008 સુધી તેઓ ડોક્ટરની પ્રેક્ટિસ અને કાર્યક્રમો સાથે સાથે કરતા હતા. સવારે પ્રેક્ટિસ કરે અને રાતે કાર્યક્રમ આપે. ઘણીવાર એવું બને કે વહેલી પરોઢ સુધી કાર્યક્રમ ચાલ્યો હોય અને સવારે ક્લિનિક ખોલવાની હોય. જો કે 2008 બાદ તેમણે પ્રેક્ટિસ છોડી દીધી. હવે તેમની ક્લિનિક તેમના પત્ની હેતલ વાંક સંભાળે છે. હેતલ બેન પણ વ્યવસાયે હોમિયોપેથ છે. અને પતિને તેમણે સંપૂર્ણ પણે લોકસાહિત્યકાર બનાવી દીધા છે. રણજીતભાઈએ કાર્યક્રમની શરૂઆત જાણીતા ભજનિક હેમંત ચૌહાણ સાથે કરી હતી. પછી ઓસમાણ મીર સાથે, કિર્તીદાન ગઢવી સાથે અને ફાલ્ગુની પાઠક સાથે ભજનસંધ્યામાં કામ કર્યું.


અંબાણી પરિવારના ઘરે કરી ચૂક્યા છે કાર્યક્રમ

ધીમે ધીમે કાર્યક્રમો મળતા ગયા, પછી રણજીભાઈએ આકાશવાણીમાં લોકવાર્તા માટેની સ્વર પરીક્ષા પાસ કરી, પહેલા બી ગ્રેડ પછી બી હાઈગ્રેડની પરીક્ષા પાસ કરી અને ત્યાં પણ કાર્યક્રમો શરૂ થયા. બસ પછી તો એવી લોકપ્રિયતા મળી કે હવે તેઓ અમેરિકા, કેનેડા, દુબઈ, મસ્કત, આફ્રિકા, લંડન એમ સાત સમુંદર પાર પણ પ્રોગ્રામો કરે છે. મોરારિ બાપુની કથાથી લઈ રણજીત ભાઈ અંબાણી પરિવારના ઘરે પણ કાર્યક્રમ આપી ચૂક્યા છે. અંબાણી પરિવારના ઘરે શ્રીનાથજી બાવાના 16મા પાટોત્સવમાં રણજીત વાંક પ્રોગ્રામ કરી ચૂક્યા છે. હવે રણજીત ભાઈ વર્ષના 170થી વધુ પ્રોગ્રામો કરે છે.

લોકસાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ રણજીતભાઈને સોની સબ તરફતી ગુજરાતના નોંધપાત્ર કલાકારનુ સન્માન અને ડોક્ટર્સ એસોસિયેશન તરફથી ડોક્ટર હોવાની સાથે અન્ય ક્ષેત્રમા સિદ્ધિ મેળવવા બદલ સન્માન મળી ચૂક્યુ છે.

ranjit vank

જાતમહેનત કરીને મેળવ્યું જ્ઞાન

રણજીતભાઈની સફળતાની ખાસ વાત એ છે કે આ કામ તેમણે શોખથી અપનાવ્યું છે. શરૂઆતમાં પુરસ્કાર ઓછા મળતા એટલે થોડી ઘણી આર્થિક તકલીફ પડતી. પણ રણજીત ભાઈ કહે છે કે શરૂઆતમાં તો આવું જ હોય. એટલે તેમણે કામ ચાલુ રાખ્યું. અને હવે તો તેઓ ગુજરાતીઓમાં વર્લ્ડ ફેમસ થઈ ચૂક્યા છે. રણજીત ભાઈ ચારણી સાહિત્યના અઘરા ગણાતા ગ્રંથો અવતાર ચરિત્ર, પાંડવ યશેન્દુ ચંદ્રિકા, પ્રવીણસાગર, રામરસામૃત સહિત ચારણી સાહિત્યના ગીત કવિત કંઠસ્થ કરી ચૂક્યા છે. કેવી રીતેના જવાબમાં તેમનું કહેવું છે કે ખૂબ મહેનત લાગી છે. મારે જે કવિત કંઠસ્થ કરવું હોય એ કાગળમાં લખી લઉ અને વાંચ્યા કરું, પછી વાંચ્યા વગર બોલું, ભૂલ પડે ત્યાં જોઉં. આમ સતત મહેનત કરીને આ કવિત કંઠસ્થ કર્યા છે.

રણજીતભાઈ કહે છે કે આજે તો લોકસાહિત્ય ભણાવતી કોઈ શાળા નથી. આઝાદી આસપાસના સમયમાં કચ્છ-ભૂજમાં આવી શાળા હતી. એટલે મારે જાતે જ બધું શીખવું પડ્યું. રણજીતભાઈ લોકસાહિત્ય કહેવા માટે જાતે જ દુહાના બંધારણોનો અભ્યાસ કરી ચૂક્યા છે. છંદનો અભ્યાસ કરી ચૂક્યા છે. દેશભરના પુસ્તકો ઘરમાં ભેગા કરીને તેઓ છંદ-દુહાની માત્રાઓ શીખ્યા છે. રણજીતભાઈ કહે છે કે અમારા ક્ષેત્રમાં શિક્ષિત કલાકરાો ઓછા છે. મોટા ભાગના કલાકરો દિક્ષીત છે, એટલે જો લોકસાહિત્યની સ્કૂલ હોય તો વધુ સારા કલાકારો તૈયાર થઈ શકે.


શોર્ય રસમાં છે માસ્ટરી


રણજીભાઈના કાર્યક્રમમાં આજે સૌથી વધુ માગ થતી હોય તો તેમના જ્ઞાતિના નામ બોલવાની સ્ટાઈલની. રણજીત વાંક એક જ શ્વાસે એક સાથે 142 જ્ઞાતિના નામ બોલી જાણે છે. તો શૌર્ય રસના તેઓ માસ્ટર છે અને મહાભારતનો કર્ણ તેમનું ગમતું પાત્ર છે. લોકસાહિત્ય પ્રત્યે યુવાનો નિરસ વલણ અંગે તેમનું કહેવું છે કે થોડા સમય પહેલા એવું હતું કે યુવાનોને રસ ઓછો પડતો પરંતુ હવે સોશિયલ મીડિયા, યુટ્યુબ અને ચેનલો પર કાર્યક્રમને કારણે પણ અમુક પ્રકારની વાતો યુવાનોને ગમે છે. છતાંય હજી વધુ યુવાનોએ આમાં રસ લેવો જોઈએ. તો જ આપણો વારસો, સંસ્કૃતિ સચવાશે. ઈતિહાસની વાતો નહીં વાગોળીએ તો ખતમ થઈ જતા વાર નહીં લાગે. એટલે જ રણજીતભાઈ કહે છે કે હું પોતે લોકવાર્તા કરું છું અને કોઈને શીખવામાં રસ હોય તો મને શીખવવામાં આનંદ થશે.

Thursday 25 April 2019

ભલાજી ડામોર:પહેલો વર્લ્ડ કપ રમનાર આ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર ચરાવે ગાય-ભેંસ

ભલાજી ડામોર:પહેલો વર્લ્ડ કપ રમનાર આ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર ચરાવે ગાય-ભેંસ
ભલાજી ડામોર (Image Courtesy: Times of India)
ભલાજી ડામોર, પહેલી વખત નામ સાંભળીને તમને યાદ નહીં જ આવે કે તમે આ વ્યક્તિને ટીમ ઈન્ડિયામાં રમતા જોયા હશે કે સાંભળ્યા હશે. જો કે વાંક તમારો નથી પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વિશે હજી એટલી જાગૃક્તા નથી આવી. જી હાં, ગુજરાતના મેઘરજના વતની ભલાજી ડામોર સંપૂર્ણ પણે અંધ છે. અને તેઓ પહેલા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છે. જો કે વિધિની વક્રતા એ છે કે ભારતને સેમી ફાઈનલ સુધી પહોંચાડનાર આ ક્રિકેટ આજે ગુમનામ જિંદગી જીવી રહ્યો છે. ભલાજી ડામોર આજે સાવ કાચા મકાનમાં રહીને ગાય ભેંસ ચરાવવાનું કામ કરે છે.

ભલાજી વતની છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા પિપરાના ગામના. આ ગામ આજે પણ એટલું પછાત છે કે ત્યાં ફોર વ્હીલર લઈને જવું શક્ય નથી. કદાચ એટલે જ ભલાજી ડામોર અહીં ગુમનામ જિંદગી જીવી રહ્યા છે. વાત કરીએ ભલાજીના ક્રિકેટ કરિયરની તો બાળપણથી જ અંધ હોવાને લીધે તેમનું જીવન મુશ્કેલી ભર્યું હતું. પરંતુ કહેવાય છે કે કુદરત એક દરવાજો બંધ કરે તો બીજા હજાર ખોલી નાખે છે. એમ ભલાજી ડામોરની સાંભળવાની અને સમજવાની શક્તિ શાનદાર હતી. એટલે જ કેટલાક લોકોએ તેમને ક્રિકેટ રમવા પ્રેરિત કર્યા. અને ક્રિકેટ રમવામાં તેઓ એટલા સારા હતા કે ગુજરાતની ટીમ સુધી તેમનું સિલેક્શન થયું.

bhalaji damor
તસવીર સૌજન્યઃ અંકિત ચૌહાણ

વાત 90ના દાયકાની છે જ્યારે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને ક્રિકેટ માત્ર કેટલીક NGO જ રમાડતી હતી. જો કે ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોની પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમ અસ્તિત્વમાં હતી. અને આખરે 1998માં પહેલો પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વર્લ્ડ કપ રમાયો. મેઘરજના સાવ નાનકડા ગામના ખેલાડી ભલાજીનું ઓલરાઉન્ડર તરીકે સિલેક્શન થયું. અને ભલાજીએ પોતાની ઉત્કૃષ્ટ રમતથી ટીમને સેમીફાઈનલ સુધી પહોંચાડી. પહેલા વર્લ્ડ કપમાં ભારતની ટીમ એટલી મજબૂત હતી કે લીગ રાઉન્ડમાં ટીમ એક પણ મેચ નહોતી હારી. પરંતુ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે 317 રન બનાવ્યા છતાંય ભારતની હાર થઈ.

પહેલો વર્લ્ડ કપ જીતવાનું સપનું તો ચકનાચૂર થયું પરંતુ ભલાજીએ પોતાની ક્ષમતા દર્શાવી દીધી હતી. ભલાજીના ક્રિકેટ કરિયરનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેઓ 125 મેચમાં 3125 રન બનાવી ચૂક્યા છે અને 150 વિકેટ ઝડપી ચૂક્યા છે. વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે તત્કાલીન રાષ્ટર્પતિ કે. આર. નારાયણે તેમની પ્રશંસા પણ કરી હતી. તો ગુજરાત સરકારે તેમને 5 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. એક સમયે સાવ ગરીબીમાં જીવનાર અને કુદરતે આપેલી ખોડ સાથે મુશ્કેલીથી જીવન પસાર કરનાર ભલાજીએ વિચાર્યું હતું કે હવે તેમની લાઈફનો સારો સમય શરૂ થયો છે. આટલા અચિવમેન્ટ બાદ તેમણે નોકરી માટે પ્રયત્નો કર્યા. પરંતુ રાષ્ટ્રપતિએ જેની નોંધ લીધી તેની નોંધ ગુજરાતમાં કોઈએ ન લીધી.

આખરે થાકી હારીને ભલાજીએ ફરીથી પોતાની એ જ જૂની જિંદગીમાં પાછા ફરવાનું નક્કી કર્યું. બસ ત્યારથી આજ સુધી ભલાજી પોતાના પરિવાર સાથે એક નાનકડા કાચા મકાનમાં રહે છે, જેના નળિયામાંથી વરસાદનું પાણી ટપકે છે. અને ભલાજીને પોતાની નિષ્ફળતા યાદ કરાવે છે. એક એકરના ખેતરમાં તેઓ ભાઈ સાથે ભાગમાં ખેતી કરે છે અને ગાય ભેંસ ચારીને ગુજરાન ચલાવે છે. ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવનાર આ ખેલાડી માસિક માત્ર 3 હજારનની આવક રળે છે, જેમાં પરિવારનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ છે. હવે ભલાજીને એ ખેદ છે કે પોતે જો આ જ જિંદગી જીવતા હોત તો અફસોસ ન હોત, પરંતુ સફળતા મેળવ્યા પછીનું આ દુઃખ કાળજું વીંધી રહ્યું છે. વિધિની વક્રતા કહો કે કાળનું ચક્ર કુદરતે પહેલા દુઃખ આપ્યુ, પછી સુખ અને ફરી ભલાજીને પોતાની એ જ જિંદગીમાં સબડવા માટે ધકેલી દીધા.

ભલાજી ડામોર ક્યારેક નજીકની બ્લાઈન્ડ સ્કૂલમાં ક્રિકેટની તાલીમ આપવા પણ જાય છે, પરંતુ તેની આવક પણ સાવ નજીવી જ છે. આજે દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટને પ્રોત્સાહન મળી રહ્યું છે, પરંતુ ભલાજી જેવા ક્રિકેટર્સ ભૂલાયા છે. આઈપીએલ જેવી ઝાકમઝોળ લીગમાં ખેલાડીઓ કરોડો કમાય છે, પરંતુ ટેલેન્ટ ધરાવતા જરૂરિયાતમંદ ખેલાડીઓ ગુમનામીમાં વિસરાઈ જાય છે.


ત્યારે આપણે જરૂર છે આવા ખેલાડીઓ તરફ ધ્યાન આપવાની, તેમને આર્થિક મદદ કરવાની. જેથી સરહદ પર તૈનાત સૈનિકોની જેમ જ આવા ખેલાડીઓ પણ પોતાના ભવિષ્ય કે પરિવારની ચિંતા છોડીને દેશ માટે રમી શકે. દેશને ગૌરવ અપાવી શકે. તિરંગાને શાનથી લહેરાવી શકે. જો તેમને આર્થિક મદદ મળતી રહેશે, તો તેઓ દેશ માટે રમવા પ્રોત્સાહિત થતા રહેશે. કારણ કે આખરે આ ખેલાડીઓ પણ મેદાનમાં ઉતરે છે ભારત માટે.

Wednesday 24 April 2019

મોન્ટુની બિટ્ટુઃ'પ્રેમજી'ની સ્ટારકાસ્ટને રિપીટ કરવાનો રાઝ ખોલે છે પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા


મોન્ટુની બિટ્ટુઃ'પ્રેમજી'ની સ્ટારકાસ્ટને રિપીટ કરવાનો રાઝ ખોલે છે પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા
(ડાબેથી) ટ્વિંકલ બાવા, રામ મોરી અને વિજયગિરી બાવા
મોન્ટુની બિટ્ટુ શેની સ્ટોરી છે ? કોની સ્ટોરી છે ?

આ એક ક્યુટ લવસ્ટોરી છે, અમદાવાદ શહેર હેરિટેજ બન્યું છે. શેના લીધે ? તો અમદાવાદની પોળ એક જીવંત વારસો છે. આ ફિલ્મ એ પોળમાં રહેતા એ ફેમિલીની વાત છે. પોળમાં જ પાંગરતી લવસ્ટોરી એટલે મોન્ટુની બિટ્ટુ.

પ્રોડ્યુસર તરીકે મોન્ટુની બિટ્ટુની સ્ટોરી કેમ તમને ગમી, કેમ એવું લાગ્યુ કે આના પર ફિલ્મ બની શકે ? સ્ટોરીનો સ્પાર્ક શું હતો જે તમને ટચ થઈ ગયો ?

મોન્ટુની બિટ્ટુની સ્ટોરી રામે કીધી ત્યારે મને ઈમોશનલ કનેક્ટ હતું, એક દિકરીના લગ્નની વાત હતી એટલે ગમી. રામે સિનોપ્સિસ લખ્યા ત્યારે ઘણી બધી વાતો આવરી લીધી. જેમાં ગુજરાતી કલ્ચર, તહેવારો, કેરેક્ટર હતા જેનાથી ઓડિયન્સને મજા આવે. સ્ટોરી વાંચતા વાંચતા જ અમે એને ખૂબ એન્જોય કરી. ત્યારે જ લાગ્યું કે સબ્જેક્ટ ઈમોશનલ પણ છે, અને હ્યુમરસ પણ છે. ખૂબ કલરફુલ સબ્જેક્ટ છે, એટલે આ સબ્જેક્ટ ફિલ્મ બનાવવા પસંદ કર્યો.

twinkle bava

ફિલ્મ બનાવવાના નિર્ણયથી લઈને આજ સુધીની જર્ની કેવી રહી છે ? આ જર્નીનો કોઈ એકાદ એવો અનુભવ જે યાદ રહી ગયો હોય

આવા તો ખૂબ અનુભવો હોય, એકાદ કહેવો મુશ્કેલ છે. પણ જૂન મહિનામાં વાર્તા સામે આવી. વિજયના મનમાં પણ કેટલીક વાર્તાઓ હતી. એ પહેલા પણ કેટલીક વાર્તા હતી. રામે પણ સજેસ્ટ કરી હતી. હજીય કેટલીક વાર્તા લ઼ૉક કરેલી છે. પણ બીજા એકેયમાં આગળ વધવા જેવો સ્પાર્ક નહોતો લાગતો. રામે જ્યારે આ વાર્તા શૅર કરી, ટીઝર નેરેટ કર્યું, તો સાંભળીને મજા આવી. રામને વધુ સ્ટોરી લખવાની કહી. રામને અને ટીમને ટાર્ગેટ આપ્યો કે ઓગસ્ટમાં સ્ટોરી લખીને આપો. રામ સ્ટ્રેસમાં આવી જાય. મુંઝાય તો વિજયને ફોન કરે. ફિલ્મ બનવાની આ આખી જે જર્ની હતી એ મજેદાર હતી.

કેટલાક ઈન્ટરેસ્ટિંગ અનુભવ પણ હતા. ફિલ્મનું ટાઈટલ પહેલા હતું વર પધરાવો સાવધાન, વર વધુ અને પંકજ, અને કરો કંકુના આ નામ ટેમ્પરરી વિચાર્યા હતા. અને દિવાળીમાં હું ને વિજય ઘરે જતા હતા ત્યારે ડિસ્કશન કરતા આર્ટિસ્ટ ફાઈનલ થયા ત્યારે જ નામ પણ ફાઈનલ કર્યું. ત્યારે બધા શૉકમાં હતા કે પંકજ અને ધરા મોન્ટુ-બિટ્ટુ કેમ બનશે. એ પછી શૂટિંગ શરૂ કરવાનું હતું. એટલે ડિરેક્ટર તરીકે વિજય ફોકસ કરી શકે તે માટે ફેબ્રુઆરીમાં ફ્લોર પર ગયું. પ્લાનિંગ ઓક્ટોબરમાં જ થઈ ગઈ હતી. શૂટિંગ ડેટ સિવાય બધું જ ક્લિયર હતું. એટલે શૂટિંગ ખૂબ સ્મૂધ ચાલ્યું. એ રીતે જર્ની સારી રહી.

twinkle bava

પ્રેમજીની સ્ટારકાસ્ટને રિપીટ કરવાનું કારણ, નવા કલાકારોને કેમ ન લીધા ?

ફક્ત હેપ્પી ભાવસાર જ 'મોહિની'ના પાત્રમાં લોક કરેલી હતી. મોન્ટુ, બિટ્ટુ અને અભિનવ માટે આરોહી, મૌલિક અને મેહુલ સોલંકી પહેલી પસંદગી નહોતા. દિવાળી પહેલા અમારે સ્ટારકાસ્ટ ફાઈનલ કરવી હતી. સબ્જેક્ટ સાંભળ્યો ત્યારથી ઘણા નામ મગજમાં હતા. પ્રેમજીની સ્ટારકાસ્ટને રિપીટ કરવા જ પિક્ચર બનાવ્યું એવું નહોતું. પ્રેમજીની કાસ્ટ છેલ્લી પ્રાયોરિટી હતી. પહેલા અમે અત્યારના જાણીતા કલાકારોને વિચાર્યા હતા. પણ જ્યારે આખી વાર્તા લખાઈ તો મોન્ટુ જ્યારે ડાયલોગ અને સ્ક્રીપ્ટ સાથે પાત્ર બન્યું ત્યારે વિજય કોન્ફિડન્ટ હતો કે મૌલિક જ કરી શક્શે. એવું જ અભિનવના પાત્ર માટે હતું. આરોહીની વાત કરીએ તો સ્ક્રીપ્ટ વાંચતી વખતે બધાને બિટ્ટુના પાત્રમાં આરોહી જ દેખાતી હતી. તો ય આરોહી સૌથી છેલ્લે સાઈન થઈ હતી. અને પ્રેમજીમાં બધાની જ એક્ટિંગ વખણાઈ હતી. એટલે અમે તેમને રિપીટ કર્યા છે.

એવોર્ડ વિનર પ્રોડ્યસુર છો, પ્રેમજીને 14 જેટલા એવોર્ડ મેળવ્યા છે. એઝ અ મહિલા પ્રોડ્યુસર ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો છે ?

મહિલા પ્રોડ્યુસર તરીકે કંઈ ખાસ ફરક હોતો નથી. મહિલા હોવાને કારણે કોઈ ખાસ અનુભવ થયો હોય એવું પણ નથી બન્યું. એ જ આ ફિલ્ડની સારી વાત છે. પ્રોડ્યુસરને પ્રોડ્યુસર જ રહેવા દે છે, મેલ ફિમેલના ભેદભાવ મને હજી સુધી નથી અનુભવાયા. કદાચ થોડી રિસ્પેક્ટ વધુ મળે છે.

twinkle bava

પ્રોડ્યુસર હોવાની સાથે સાથે તમે ફિલ્મમાં પાત્રોના લૂક ડિઝાઈન કર્યા છે, એક સાથે બધું મેનેજ કરવું કેટલું અઘરું થઈ પડે છે ?

કોસ્ચ્યુમની વાત આવી ત્યારે હું રિલેક્સ હતી. કારણ કે પ્રોડ્યુસર તરીકેનું કામ મેં પહેલા જ પતાવી દીધેલું. ફર્સ્ટ ડ્રાફ્ટથી જ કોસ્ચ્યુમ અંગે ચર્ચા થતી રહેલી હતી. ઘરમાં પ્રસંગ હોય તો 5 દિવસ માટે જ કપડા નક્કી કરવાના હોય. પણ આ 30 દિવસના લગ્ન હતા અને 30 લોકોના કપડા નક્કી કરવાના હતા. એટલે એક લૂક મગજમાં હતો કે કયો પાત્ર કયા કલર કેવા પ્રકારના કપડા પહેરશે. એ પ્રમાણે જ દરેક પાત્રના કોસ્ચ્યુમ સિલેક્ટ કર્યા. સૌથી વધુ મજા અને અભિનવના પાત્રના કોસ્ચ્યુમ કરવાની મજા આવી. થોડું અઘરું પડ્યું. દોડાદોડ થઈ જતી હતી. એક સાથે બધા જ લોકોના કોસ્ચ્યુમ મેનેજ કરવા અઘરા પડતા હતા. પણ હું પ્રોડ્યુસર તરીકે નહોતી જતી, પણ હું કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે જ ટાઈમસર પહોંચી જતી હતી.

શૂટિંગ દરમિયાન કોઈ એવી ક્ષણ જ્યારે લાગ્યું કે આ ફિલ્મ બરાબર નથી બની રહી ?

બિટ્ટુને મહેંદી મુકવાનો એક સીન છે, જેમાં મોન્ટુની સાથે બિટ્ટુનું એક કન્વર્ઝેશન છે. એ સીન હંમેશા મારા મગજમાં વિઝ્યુલાઈઝ થાય. અને જ્યારે એ સીન શૂટ થયો ત્યારે ખૂબ રાહત લાગી કે મેં જે ઈમેજીન કર્યું હતું એના કરતા વધુ સારી રીતે શૂટ થયો. ત્યારે ખૂબ જ મજા આવી. લાગ્યુ કે લાગતું હતું જે નક્કી કર્યું હતું એના કરતા સારું કામ થઈ રહ્યું છે. એટલે બરાબર નથી બની રહી એમ તો બિલકુલ નહીં પણ સારી બની રહી છે એવું જરૂર લાગ્યું

એક ડિરેક્ટર કે એક પતિ તરીકે તો તમે વિજયભાઈને ખૂબ સારી રીતે જાણતા હશો, તમને એમની કઈ ખાસિયત ગમે છે ?

પ્રોડ્યુસર ડિરેક્ટર જ્યારે જોડે રહેતા હોય ને તો પ્રોડક્ટને ખૂબ જ ફાયદો મળે. કારણ કે અમને બંનેને એકબીજાની વિચારવાની સ્ટાઈલ ખબર છે. એ કોઈને બ્રીફ આપતા હોય, એક્ટર્સ કે કમ્પોઝર સાથે વાત કરતા હોય, તો હું હાજર હોઉં મને ખબર જ હોય કે એને શું જોઈએ છે. એટલે એ કમ્યુનિકેટ ન કરે તો પણ મને ખબર હોય. વિજયને જ્યારે કંઈક કરવું હોય ત્યારે એ ખૂબ ક્લિયર હોય, એટલે એની સાથે કામ કરનારા લોકોને ખૂબ સહેલું પડે. મને એઝ અ ડિરેક્ટર એ વાત ખૂબ જ ગમે.

ક્યારેય એવું લાગ્યું કે ડિરેક્ટર અને પ્રોડ્યુસર એટલે કે વિજયભાઈના અને તમારા વિચારો મેચ ન થતા હોય, આવી સિચ્યુએશનમાં શું થાય છે ?

ક્યારેક અમારે માથાકૂટ પણ થાય. એવું નથી કે બધી જ વાતો સમજાય, આર્ગ્યુમેન્ટ પણ થાય છે. જ્યારે એણે કોઈ મુદ્દો કીધો હોય અને હું કન્વીન્સ ન થાઉં તો ના પાડું. પરંતુ પછી એ ડિટેઈલમાં સમજાવે ત્યારે ખ્યાલ આવે કે સાચુ કહેતો હતો. પણ મોટે ભાગે એની જ વાતો સાચી પડે છે. એટલે મોટે ભાગે એનો જ કક્કો સાચો પડે.

પ્રેમજી જ્યારે કમર્શિયલી હિટ નહોતી થઈ, ત્યારે તમને કેવું લાગ્યું ?

પ્રેમજીમાં અમે ફાઈનાન્સિયલી અમે લોસ કર્યો હતો. પણ એક સંતોષ હતો, સ્પિરિટ હતું કે સપનું જોયું અને તેને સાચુ કર્યું. ફિલ્મ બની, લોકોએ વખાણી. અમે બનાવતી વખતે ખબર હતી કે લાખો કરોડો નહીં કમાઈ આપે, પણ પ્રેમજી અમારી લાગણી હતી. રિલીઝ પછી જ્યારે ફાઈનાન્સિયલી લોડ આવ્યો ત્યારે લાગતુ કે કેવી રીતે બહાર નીકળીશું, પણ સાથે જોડાયેલા લોકો અને વિજયના સ્પિરીટ જ અહીં સુધી પહોંચાડ્યા. અને વધુ એક સારી વાર્તા પર ફિલ્મ બનાવી. એ પણ પ્રેમજીની જ દેન છે. પ્રેમજીએ વિજયગિરી ફિલ્મોઝને 5 વર્ષનો જંપ આપ્યો છે.

આગળ તમારે કેવા પ્રકારની ફિલ્મો પ્રોડ્યુસ કરવી છે.

એવું કંઈ વિચાર્યું નથી. કોઈ પ્રકાર નક્કી નથી કર્યો. જે ગમશે લાગશે કે આ કરવું છે એ બધું જ કરીશું.

ફક્ત વિજયભાઈની જ ફિલ્મો પ્રોડ્યુસ કરશો કે નવા ડિરેક્ટર અન્ય ડિરેક્ટર સાથે પણ કામ કરશો ?

હા, અન્ય ડિરેક્ટર્સ સાથે વાત કરવામા ંકોઈ વાંધો નથી. નવી ટેલેન્ટ માટે હંમેશા વિજયગિરી ફિલ્મોઝના દરવાજા ખુલ્લા જ છે. પોટેન્શિયલ હશે તે લોકો સાથે કામ કરીશ જ.

ટ્વિંકલ બાવા એઝ અ પ્રોડ્યુસર કે વિજયગિરી ફિ્લ્મોઝ એક્સપેરિમેન્ટમાં કેટલું માને છે.

ફિલ્મો છે ને એક આર્ટ છે, એટલે આર્ટમાં પ્રયોગો ન હોય. એટલે આર્ટને આર્ટ જ રહેવા દેવી જોઈએ. અને વિજયગિરી ફિલ્મોઝ પણ આર્ટને ડેડિકેટેડ છે. વિજયગિરી ફિલ્મોઝ જે મજા આવશે એ જ ફિલ્મો કરશે.

ગુજરાતી ફિલ્મોના કયા ડિરેક્ટર અને એક્ટર સાથે કામ કરવાની ઈચ્છા છે ?

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હજી કોઈ એવા સ્ટેજ પર નથી કે કોઈ એક્ટરને મહાન ગણી શકો. અત્યારના સ્ટેજમાં દરેકે કામ કરવું જોઈએ. દરેક જણ કામ કરશે તો કોઈક એવું બહાર આવશે કે આ જબરજસ્ત છે. ગુજરાતી ઈન્ડસ્ટ્રી નહીં બોલીવુડમાં પણ એવું નથી કે કોઈ એક પર જ આધારિત હોય. હવે ઓડિયન્સ મેચ્યોર થયું છે એટલે દરેકને કામ મળે છે.

અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાંથી તમને કઈ ફિલ્મ સૌથી વધુ ગમી, કેમ ?

મને એવી ફિ્લમો ગમે જેમા ઈમોશનલ કનેક્ટ થઈ જવાય. મને શુભ આરંભ ગમી હતી. ચાલ જીવી લઈએ, લવની ભવાઈ આ ફિલ્મો ગમી હતી. રોંગ સાઈડ રાજુ અને પાસપોર્ટ પણ ગમી હતી.

એઝ અ પ્રોડ્યુસર દર્શકો માટે કોઈ મેસેજ, કેમ મોન્ટુની બિટ્ટુ જોવી જોઈએ ?


મોન્ટુની બિટ્ટુ એટલા માટે જોવી જોઈએ કે તમે જે દુનિયામાં જીવો છો એ છોડીને તમે નવી જ દુનિયામાં એન્ટર થશો એટલે તમને મજા આવશે. ફૂલ ઓફ એન્ટરટેઈનમેન્ટ છે.

Monday 22 April 2019

માયાભાઈ આહીરઃવાંચો ડ્રાઈવરથી ડાયરાના 'સુપરસ્ટાર' સુધી કેવી રહી છે સફર

માયાભાઈ આહીરઃવાંચો ડ્રાઈવરથી ડાયરાના 'સુપરસ્ટાર' સુધી કેવી રહી છે સફર
માયાભાઈ આહીર (તસવીર સૌજન્યઃફેસબુક, mayabhaiahi.in)
સૌરાષ્ટ્ર હોય કે સાત સમુંદર પાર ભૂરિયાઓનો કોઈ દેશ. પણ કાઠિવાડી બોલીમાં બોલતા માયાભાઈ સ્ટેજ પર આવે કે તાળીઓનો ગડગડાટ થઈ જાય. માયાભાઈ બોલવાનું શરૂ કરે અને વાહની દાદ મળે. માયાભાઈના દરેક ટુચકા પર ઓડિયન્સમાંથી ખડખડાટ હાસ્ય સંભળાય. માયાભાઈના નામે ડાયરામાં હકડેઠઠ ભીડ જામે અને મોડા જાવ તો બેસવાની જગ્યા ના મળે. હા તમે પણ એમને સાંભળ્યા જ હશે. વાત છે ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર, હાસ્ય કલાકર માયાભાઈ આહીરની.

mayabhai ahir

આજે જે ડાયરામાં માયાભાઈ આહીરનું નામ હોય તે ડાયરામાં બેસવા માટે જગ્યા ખૂટી પડે છે. માયાભાઈને સાંભળવા લોકો આખી આખી રાત જાગે છે. પણ માયાભાઈની આ સફળતા સુધીની સફર ખરેખરી સફર છે. કારણ કે ડાયરાના સુપરસ્ટાર બની ચૂકેલા માયાભાઈ આહીર એક સમયે ડ્રાઈવિંગનું કામ કરતા હતા. બહુ ઓછા લોકોને ખબર છે આજે રામાયણથી મહાભારતના પ્રસંગો, દેશ દુનિયાના પ્રસંગો ટાંકીને સામાજિક સંદેશો શીરાની જેમ ગળે ઉતારી દેતા માયાભાઈ પોતે માત્ર 10 ધોરણ જ ભણેલા છે. અને માયાભાઈ આહિર પોતાના જુદા જુદા કાર્યક્રમોમાં આ વાત સ્વીકારી પણ ચૂક્યા છે.

mayabhai ahir

મૂળ તો માયાભાઈ આહીર કાઠિયાવાડી, એટલે ડાયરા અને લોકસાહિત્ય સાથે આમ તો બાળપણથી નાતો. પરંતુ મૂળ તો એવું કહેવાય કે લોકસાહિત્યમાં ચારણો અને ગઢવી કાઠું કાઢી શકે, જો કે આજના કલાકારોએ એ માન્યતા તોડી છે. જેમાં એક નામ આપણા માયાભાઈનું પણ છે. 16 મે, 1972ના રોજ જન્મેલા માયાભાઈ ભલે વધુ ભણ્યા નથી પરંતુ લોકસાહિત્ય તેમને વારસામાં મળ્યું છે. માયાભાઈના માતા ધાર્મિકવૃત્તિના અને પિતા પણ સાધુ-સંતોનો સંગ કરતા. એટલે ધીરે ધીરે માયાભાઈનામાં પણ આ સંસ્કાર બાળપણથી જ ઉતર્યા છે. માયભાઈનો જન્મ થયો, ભાવનગરના તળાજાના કુંડલી ગામમાં. કુંડલી એટલે નાનકડું ગામ, જ્યાં ગાયો ભેંસો વચ્ચે એકદમ ગામડાના છોકરાઓ જે રીતે મોટા થાય તેવા જ તોફાનો કરતા કરતા માયાભાઈ મોટા થયા. ભણવાનું ઓછું અને મસ્તી વધારે.




જો કે માયાભાઈ સમજણાં થયા ત્યારથી જ તેમને લોકસાહિત્યમાં રસ પડ્યો. માયાભાઈના પિતા પોતાના મિત્રો સાથે ગામમાં ભજનસંધ્યા, ભાગવત સપ્તાહ જેવું ગોઠવતા અને માયાભાઈ આ ભજનોમાં મંજીરા વગાડતા. સાથે જ માયાભાઈને વાર્તાઓ વાંચવાનો પણ ખૂબ શોખ. આમ કરતા કરતા સાહિત્ય માયાભાઈને ગમવા લાગ્યું. ધીરે ધીરે ગામના પ્રોગ્રામમાં માયાભાઈ બોલતા થયા. સાથે સાથે જ ગામના ચોકમાં ભજનો પણ ગાતા. અને નાના નાના ટુચકા પણ લોકોને સ્ટેજ પરથી કહી દેતા. તે સમયે પણ લોકો માયાભાઈના જોક્સ પર ખૂબ હસતા, પરંતુ તે સમયે માયાભાઈ માત્ર નાના પાયે આ કામ કરતા હતા. અને મોડી મોડી રાત સુધી તે જુદા જુદા કલાકારોને સાંભળવા બેસી જતા. પૈસા માટે માયાભાઈએ ડ્રાઈવર તરીકે કામ શરૂ કર્યું પરંતુ શોખ ન છૂટ્યો. અને સ્થિતિ એવી સર્જાઈ કે ડ્રાઈવિંગ કરીને પાછા આવતા જો રસ્તામાં ડાયરો ચાલતો હોય તો ઘરે જવામાં ભલે મોડું થાય પણ માયાભાઈ ડાયરો સાંભળવા રોકાઈ જતા.જો કે ડાયરામાં રેગ્યુલર હાજરીને કારણે લગભગ મોટા ભાગના કલાકારો ઓળખતા. માયાભાઈએ પહેલો કાર્યક્રમ મહુવાના કુંભારવાડામાં હનુમાનજી દેરીના લાભાર્થે કર્યો. ઓળખીતા થયેલા મિત્રોનો સાથ લીધો. અને રોડ પરની સફર પહોંચ સ્ટેજની સફર સુધી. ધીરે ધીરે માયાભાઈ આહીરના પ્રોગ્રામ વધતા ગયા, અને લોકપ્રિયતા દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધતી ગઈ. એટલે સુધી કે દરિયાપારથી પણ જુદા જુદા કાર્યક્રમમાં માયાભાઈ આહીરને આમંત્રણ મળવા લાગ્યા.

માયાભાઈની લોકપ્રિયતાનો કિસ્સો એવો છે કે તેમને છેક ઈન્ડોનેશિયાથી સન્માન કરવા માટે આમંત્રણ મળ્યું હતું. જો કે અંગ્રેજી ન આવડતું હોવાને કારણે માયાભાઈએ ધ્યાન ન આપ્યું. આખરે જિલ્લાના કલેક્ટરને આ માહિતી મળી અને જિલ્લા લેવલની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે માયાભાઈ આહીરનું ઈન્ડોનેશિયામાં સન્માન થયું. હવે તો માયાભાઈ આહીર દુબઈ, આફ્રિકા, ઈંગ્લેન્ડ, અમેરિકા જેવા સંખ્યાબંધ દેશોમાં જઈને ગુજરાતીઓને હસાવે છે, અને સાથે સાથે વાતવાતમાં કડવી દવા જેમ બાળકને ગળાવે તેમ સામાજિક સંદેશ પણ આપી દે છે.

માયભાઈ આહિરની પીએમ મોદીની મિમિક્રી, લગ્નગીતોમાં મહિલાઓની પેરોડી અને ભૂરાનું પાત્ર લોકપ્રિય છે. માયાભાઈને આ સફળતા માટે મોરારિબાપુના હસ્તે કાગ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અને આજે તેમના લાખો ફેન્સ પણ છે. યુટ્યુબ પર માયભાઈના વીડિયો જોતજોતામાં હજારો વ્યૂઝ મેળવી જાય છે, તો સીડી પણ ચપોચપ વેચાઈ જાય છે. માયાભાઈ પોતે ભલે ભણેલા નથી, પરંતુ જરૂરિયાતમંદ બાળકો ભણી શકે એટલા માટે તેઓ મહુવામાં સ્કૂલ પણ ચલાવે છે. રામકૃષ્ણ સ્કૂલમાં જરૂરિયાતમંદ બાળકોને પહેલા એડમિશન આપવામાં આવે છે.


માયાભાઈ સમાજ પાસેથી જે શીખ્યા છે, જે મેળવ્યું છે તે પાછા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે ડ્રાઈવિંગથી ડાયરાના સુપરસ્ટાર બનેલા માયાભાઈ આહીર યુવાનો માટે ઉદાહરણરૂપ છે. માયાભાઈ સાબિતી છે કે જો તમે ઈચ્છો, તમારામાં કંઈ પણ ટેલેન્ટ હોય તો સફળતા તમારા કદમ ચૂમી શકે છે.

Thursday 18 April 2019

રોગન આર્ટઃએક કલા જેણે ગજવ્યું ગામ !


રોગન આર્ટઃએક કલા જેણે ગજવ્યું ગામ !
તૈયાર થયા પછી આવો દેખાય છે આર્ટિકલ (તસવીર સૌજન્યઃ સુમર ખત્રી)
ઘરના ઓટલા પર એક વ્યક્તિ બેઠેલા છે. કોરું પણ રંગીન કપડું પાથરેલું છે. તેમની બાજુમાં મસાલિયા જેવો જુદા જુદા રંગોની ડબ્બી ભરેલો એક ડબ્બો પડ્યો છે. થોડીક થોડીક વારે આ ભાઈ એ ડબ્બામાંથી એક સળી લે છે, જેના પર જુદા જુદા રંગ રબ્બર જેવા પદાર્થમાં હોય છે. આ ભાઈ રંગ લે છે અને સાવ જ કોરા કપડા પર સડસડાટ ડિઝાઈન પાડવા લાગે છે. અને આ ડિઝાઈન એટલી સુંદર કે તમે આંખનો પલકારો ન મારી શકો. ન તો તેમને કપડા પર અગાઉથી ડિઝાઈન ચિતરવાની જરૂર પડે છે. ન તો તેમનો હાથ અટકે છે. ન તો કપડું બગડે છે, કે ન તો ભૂંસવું પડે છે. બસ એકવાર હાથ ફરવાનો શરૂ થાય તો રંગ ખૂટે ત્યારે અથવા તો ડિઝાઈન પૂરી થાય ત્યારે અટકે. આ અદભૂત કલા અટલે કચ્છની રોગન આર્ટ.

આ ઘટના છે કચ્છના નિરોણા ગામની. ભૂજથી  લગભગ 40 કિલોમીટર દૂર આવેલું નિરોણા ગામ કેટલાક વર્ષો પહેલા ખાસ જાણીતું નહોતું. આજે તો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની આ ગામને દત્તક લઈ ચૂક્યા છે. આ ગામને વિશ્વ સ્તરે ઓળખ અપાવી રોગન આર્ટે. એટલે સુધી કે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભેટ આપવા માટે પણ વડાપ્રધાન મોદીએ તેના પર પસંદગી ઉતારી હતી.
rogan article
રોગન આર્ટિકલ

કેવી રીતે બને છે આર્ટિકલ ?

જે કપડા પર રોગન આર્ટ બનાવવામાં આવે તેને આર્ટિકલ કહેવામાં આવે છે. ખત્રી પરિવાર રોગન પેઈન્ટિંગ બનાવવા માટે એરંડિયાના તેલનો ઉપયોગ કરે છે. એરંડિયા તેલને બે દિવસ સુધી પકવવામાં આવે છે. ત્રીજા દિવસે તે ગુંદર જેવી જાડ્ડી જેલી બની જાય છે. બાદમાં તેમાં મિનરલ કલર મિક્સ કરવામાં આવે છે. મિનરલ કલર ફક્ત પાંચ જ બને છે. એટલે રોગન પેઈન્ટિંગમાં તમને કલર રિપીટ થતા જોવા મળશે. ખત્રી પરિવાર આ મિનરલ કલર અમદાવાદથી ખરીદે છે. જો કે આ આખીય પ્રક્રિયામાં ખાસ વાત છે કે મિનરલ કલરને એરંડિયા તેલની જેલીમાં મિક્સ કેવી રીતે કરવી. આમ કરવામાં ખત્રી પરિવારની માસ્ટરી છે.

આ તો માત્ર તૈયારી છે. ખરો ખેલ તો હવે શરૂ થાય છે. કલર તૈયાર થઈ ગયા પછી આવે છે ચિત્ર દોરવાની વાત. જેમાં કલાકાર એક કોરું કપડું લઈને, સળી પર કલર લગાવી તેનાથી ચિત્ર તૈયાર કરે છે. આખા રોગન આર્ટની સૌથી વધુ ખાસ વાત અહીં જ છે કે વગર કોઈ ડિઝાઈને કપડાં પર ચિત્ર તૈયાર થાય છે. અને ન તો તેમાં ક્યાંય ભૂલ હોય છે, ન તો તે બગડે છે.
narendra modi and gafurbhai
નરેન્દ્ર મોદી અને ગફુરભાઈ

કેટલા ટાઈમમાં તૈયાર થાય આર્ટિકલ ?

રોગન આર્ટનો એક આર્ટિકલ બનાવતા ઓછામાં ઓછા 8થી 9 દિવસનો સમય જાય છે. પહેલા તો પેઈન્ટિંગ બનાવવા માટેનો કલર તૈયાર થતાં જ ચાર દિવસ થાય પછી નાનામાં નાનો વૉલપીસ ડ્રો કરી, તેને સૂકવીને કલર પૂરતા બીજા ચાર દિવસ થાય. જો થોડું ઝીણું કામ હોય એટલે કે ડિટેઈલમાં ડિઝાઈન તૈયાર કરવાની હોય તો એક આર્ટિકલ કે વૉલપીસ પાછળ સ્હેજેય 12-13 દિવસ જતા રહે છે. રોગન પેઈન્ટિંગ બનાવતા સુમરભાઈનું કહેવું છે કે અમે એક વૉલપીસ કે એક આર્ટિકલ એકાદ વર્ષનો સમય આપીને પણ બનાવેલો છે, જો મ્યુઝિયમ પીસ હોય જેમાં ખાસ એફર્ટ આપવાના હોય તો એકાદ વર્ષનો સમય પણ જતો રહે. એટલે કે જેટલું સુંદર અને ડિટેઈલ કામ એટલો સમય વધારે.

khatri family
ખત્રી પરિવાર જ જાણે છે રોગન આર્ટ બનાવવાની કલા

માત્ર એક જ પરિવાર બનાવે છે આર્ટિકલ

રોગન આર્ટની બીજી ખાસિયત એ છે કે આ આર્ટિકલ બનાવવાની કલા માત્ર એક જ પરિવારને આવડે છે. નિરોણામાં વસતા ખત્રી પરિવાર પાસે જ માત્ર આ ટેલેન્ટ છે. આ જ પરિવારના સુમરભાઈના કહેવા પ્રમાણે આ કલા લગભગ 300 વર્ષ કરતાય જૂની છે. જેને ખત્રી પરિવારે સાચવી રાખી છે. ખૂબ જ સંઘર્ષ પછી ખત્રી પરિવારની મહેનત રંગ લાવી છે. આજે તો રોગન આર્ટની માગ વિશ્વ સ્તરે છે. ખત્રી પરિવાર 2010થી રોગન આર્ટની ટ્રેનિંગ સ્કૂલ પણ ચલાવે છે, જેમાં 300થી વધુ યુવતીઓને આ પેઈન્ટિંગ બનાવવાની તાલીમ આપી ચૂકી છે. અત્યાર સુધી માત્ર પુરુષો જ રોગન આર્ટ બનાવતા હતા, પરંતુ ખત્રી પરિવારે યુવતીઓને પણ આ કલા શીખવી છે.

શું શું બને છે ?

રોગન આર્ટના આર્ટિકલ મુખ્યત્વે કપડા પર જ બને છે. મોટા ભાગે આમ તો તેના વૉલપીસ તૈયાર થાય છે. તો હાથ વણાટની સાડી બને છે. તો યુવતીઓ માટેના પંજાબી, કલકત્તી જેવા ડ્રેસ પણ બને છે. હવે તો ખત્રી પરિવારે રોગન આર્ટને મોબાઈલ કવરમાં પણ સમાવી લીધી છે. સામાન્ય વૉલપીસની કિંમત 8 હજારથી શરૂ થાય છે. પછી જેવો આર્ટિકલ તેટલી કિંમત વધું. સુમર ભાઈનું કહેવું છે કે તેમનો પરિવાર 3 લાખની કિંમત સુધીનો વૉલપીસ પણ બનાવી ચૂક્યો છે.

કેવી રીતે સચવાઈ કલા ?

આજે ખત્રી પરિવારની આઠમી પેઢીએ આ કલા પહોંચી છે. આજથી લગભગ 30 વર્ષ પહેલા રોગન પેઈન્ટિંગ એક આર્ટ નહોતું, તેમનો પરિવાર ઘરગથ્થું કામ કરતો હતો. રફ કામ થતું હતું. પરંતુ ખત્રી પરિવારના અબ્દુલ ગફૂરભાઈનો આ રોગનને આર્ટ સુધી પહોંચાડવામાં મોટો ફાળો છે. પોતાની કલાનું મહત્વ સમજતા અબ્દુલ ગફૂરે તેને આર્ટ ફોર્મ આપ્યું છે. 1985થી આ કલા આર્ટ ફોર્મમાં ડેવલપ થઈ. અબ્દુલ ગફૂરભાઈ પાસે તેને પ્રમોટ કરવા પૈસા નહોતા. અરે આર્થિક સ્થિતિ એટલી નબળી કે રહેવા માટે મકાન નહોતું. આવી સ્થિતિમાં હિંમત હાર્યા વગર મજૂરી કરીને તેમણે પૈસા ભેગા કર્યા અને કલાને જીવાડી. આજે આઠમી પેઢીએ આ કલા તેમના પરિવારને આર્થિક રીતે સદ્ધર બનાવી રહી છે. સાથે જ દેશ દુનિયમાં કચ્છ અને ગુજરાતને ગૌરવ અપાવી રહી છે.

awards
ખત્રી પરિવારની દિવાલ પર ઝળકે છે ગૌરવ

મળી ચૂક્યા છે સંખ્યાબંધ એવોર્ડ

અબ્દુલ ગફૂર ભાઈની આ જ મહેનતને કેન્દ્ર સરકારે પણ સરાહનીય ગણાવી છે. 1997માં તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના હસ્તે તેમને નેશનલ એવોર્ડથી સન્માનવામાં આવ્યો હતો. તો 2003માં આ જ પરિવારના સુમર ખત્રીને તત્કાલીન રાષ્ટ્રપતિ કલામસાહેબના હસ્તે નેશનલ એવોર્ડ મળ્યો. 2012માં જુમ્મા દાઉદ ખત્રી પ્રણવ મુખર્જીના હસ્તે નેશનલ એવોર્ડ મળ્યો તો 2016માં આ જ પરિવારના ખત્રી આરબ હાસમને પણ ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. એટલે કે આ અદભૂત કલા, આ પરિવારની મહેનતને ચાર ચાર વખત રાષ્ટ્રીય સ્તરે સન્માનવામાં આવી છે.

aasha parekh vahida raheman
વહીદા રહેમાન અને આશા પારેખ પણ લઈ ચૂક્યા છે નિરોણા ગામની મુલાકાત


સેલિબ્રિટીઝને પણ ગમે છે રોગન આર્ટ


પાટણના પટોળાની જેમ જ રોગન આર્ટ સેલિબ્રિટીઝને પણ પ્રિય છે. વડાપ્રધાન મોદીએ ઓબામાને જે આર્ટિકલ ભેટમાં આપ્યો હતો તેમાં કલ્પવૃક્ષની અંદર રાષ્ટ્રીય પક્ષી મોરની ડિઝાઈન બનાવાયેલી હતી. તો શેખર કપૂર, આશા પારેખ, વહિદા રહેમાન, હામીદ અન્સારી, સ્મૃતિ ઈરાની, શબાના આઝમી જેવા ખ્યાતનામ લોકો પણ જ્યારે કચ્છ આવ્યા છે, ત્યારે નિરોણાની ખાસ મુલાકાત રોગન આર્ટને જોવા માટે લઈ ચૂક્યા છે.

Monday 15 April 2019

પાટણના પટોળાઃગુજરાતે દત્તક લીધેલી કળા બની ગુજરાતની ઓળખ




પાટણ એટલે ગુજરાતની એક સમયની રાજધાની,
પાટણ એટલે ઘીમાં બનેલા ગળ્યા ગળ્યા દાબડા,
પાટણ એટલે ઐતિહાસિક રાણકી વાવ,
પાટણ એટલે સહસ્ત્રલિંગ તળાવ,

પણ.. પાટણ અધુરું છે એક ઉલ્લેખ વિના. પાટણ ત્યારે જ પુરુ થાય જ્યારે તેની ઓળખ સાથે જોડાયા પટોળા. જી હાં, પાટણના પટોળા વિશે ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. લાખોની કિંમતના પટોળા આજે તો દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી ચૂક્યા છે. પણ, ખૂબ ઓછા લોકો જાણે છે કે પટોળા એ પાટણના નથી. પાટણના પટોળા (Patan's patola) નો ઈતિહાસ રસપ્રદ છે. પટોળાની પરંપરા આશરે 800થી 900 વર્ષ જૂની છે.

patan patola
પટોળાની ડિઝાઈન છે તેની ખાસિયત

ગુજરાતે દત્તક લીધેલી છે આ કળા !

પટોળાના ખૂબ જ જાણીતા કલાકાર વિજયભાઈ સાલ્વીનું કહેવું છે કે પટોળા મૂળ દક્ષિણ ભારતમાંથી પાટણ આવ્યા છે. સાલ લગભગ 1175ની હતી, જ્યારે કુમારપાળના હાથમાં પાટણનું શાસન હતું. જૈન રાજા કુમારપાળને પૂજા કરવા માટે રોજ રેશમી કપડાની જરૂર પડતી. પરંતુ કુમારપાળ જે કપડું વાપરતા તે પવિત્ર ન હતું. સમયાંતરે કુમારપાળના કાને મહારાષ્ટ્રમાં બનતા પટોળાના વખાણ પહોંચ્યા. કુમારપાળે ત્યાંથી પટોળા મંગાવવા તજવીજ કરી પરંતુ જાલનાના રાજા પટોળાનો એકવાર ઉપયોગ કર્યા પછી જ બહાર મોકલતા. એક વખત વપરાયેલું પટોળું પવિત્ર ન ગણાય એટલે તેને પૂજામાં ન વાપરી ન શકાય. એટલે કુમારપાળે મુંગી પટ્ટમ ગામના 700 જેટલા સાલ્વી કુટુંબોને જ પાટણમાં વસાવી દીધા. બસ ત્યારથી પટોળા ગુજરાતની ઓળખ બની ગયા.

પટોળાની આ વાત જાણો છો ?

જો કે તે સમયે ભલે 700 પરિવારોએ પાટણમાં આવ્યા હોય, પણ હાલ ત્રણ જ સાલ્વી પરિવારો પટોળા બનાવવાનો કસબ જાણે છે. અને પટોળાની રસપ્રદ વાત એ છે કે પટોળા ક્યારેય પહેલાથી તૈયાર કરાતા નથી. ઓર્ડર મુજબ જ પટોળા બનાવીને વેચવામાં આવે છે. એક પટોળું બનાવતા લગભગ ત્રણથી ચાર મહિનાનો સમય જાય છે. તો પટોળાની ડિઝાઈન પ્રમાણે તેની કિંમત લાખો રૂપિયામાં પણ હોય છે. પાટણના પટોળા ખાસ કરીને ડબલ ઈક્તમાં બનાવવામાં આવે છે. ડબલ ઈક્ત એટલે એવી વણાટ પ્રક્રિયા જેમાં પ્રિન્ટિંગ કાપડની બંને બાજુ હોય છે, અને બંને તરફથી તેને પહેરી શકાય છે. આજે ટેક્નોલોજીના યુગમાં પણ પટોળા હાથથી વણીને જ બનાવવામાં આવે છે.

patan patola
ટાય એન્ડ ડાય પ્રોસેસથી બને છે ડિઝાઈન

કેવી રીતે બને છે પટોળા ?

પાટણના પટોળા આ બે શબ્દો એટલી હદે જાણીતા થઈ ચૂક્યા છે કે પટોળા સાડીનો જ એક પ્રકાર છે એ વાત ભૂલાઈ ચૂકી છે. સાલ્વી કલાકારો દ્વારા ગુજરાતમાં મુખ્યત્વે ચાર શૈલીઓમાં પટોળા વણવામાં આવે છે. જૈન અને હિંદુઓમાં બેવડી ઇક્ત સાડીઓ જેમાં પોપટ (પક્ષીઓ), ફૂલો, હાથીઓ અને નૃત્ય કરતી શૈલીઓ વપરાય છે. પટોળા સાડી બનાવવા માટેની પદ્ધતિ વિશિષ્ટ છે. પાટણના પટોળા તેના રંગોની વિવિધતા અને ભૌમિતિક શૈલી માટે જાણીતા છે. એક પટોળું બનવા પાછળ ત્રણથી ચાર કારીગરોની મહિનાઓની મહેનત હોય છે. પટોળું બનાવવા માટે નાની મોટી 20 જેટલી પ્રોસેસ કરવી પડે છે. પહેલાના સમયમાં પટોળામાં ડિઝાઈન પણ હાથેથી તૈયાર કરાતી હતી. હવે આંશિક રીતે કોમ્પ્યુટરની મદદ લેવાય છે. પટોળા હાઉસના મેનેજર મેહુલભાઈ કહે છે કે જે ડિઝાઈન પટોળામાં જોઈતી હોય પહેલા તેને ગ્રાફ પેપર પર તૈયાર કરવામાં આવે છે. બાદમાં પટોળા બનાવવા ટાય એન્ડ ડાય મેથડનો ઉપયોગ થાય છે. એટલે કે પટોળામાં જ્યાં જ્યાં કલર કરવાનો હોય તે સિવાયની જગ્યાને દોરી વડે બાંધી (ટાય) દેવાય અને બાદમાં તેને કલરમાં બોળવામાં (ડાય) આવે. પટોળામાં જેટલા રંગનો ઉપયોગ થાય તેટલી વખત આ પ્રોસેસ કરવી પડે. આશ્ચર્યજનક વાત એ છે કે પટોળાને એવી રીતે બાંધવામાં આવે છે કે એક કલર બીજામાં મિક્સ નથી થતો.

patan patola
પટોળાના વણાટ કામમાં લાગે સમય 

ખાસ વાત એ છે કે પટોળા બનાવવા માટે જે કલર વપરાય છે, તે પણ કુદરતી હોય છે. એટલે અકીક, ગુલાલ અને ફળ, ફૂલની છાલમાંથી જ આ કલર બનાવવામાં આવે છે. કુદરતી કલર બનાવવાની પ્રક્રિયા પણ માત્ર પાટણના સાલ્વી પરિવારો જ જાણે છે. આટલી મહેનત કર્યા બાદ બનતા પટોળાની કિંમત 1 લાખથી 2 અઢી લાખ સુધી પહોંચે છે. જો કે પટોળાની કિંમતનો આધાર તેની ડિઝાઈન પર હોય છે.

પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં

પટોળા વિશેની આ કહેવત પણ તમે સાંભળી જ હશે. આ કહેવત પ્રમાણે પટોળા પર બનેલી ડિઝાઈન વર્ષો સુધી ટકી શકે છે. કહેવાય છે કે પટોળા સાડી એ 70-80 વર્ષ સુધી ફાટતી નથી. અને જો પટોળું ફાટી પણ જાય તો તેની ડિઝાઈન તો ભૂંસાતી જ નથી. એટલે જ કહેવતમાં કહેવાયું છે ફાટે પણ ફીટે નહીં.

narendra modi sonia gandhi
નેતાઓને પણ ગમે છે પાટણના પટોળા

કોણ બનાવે છે પટોળા ?

હાલ ગુજરાતમાં ભરતભાઈ સાલ્વી, અશોકભાઈ સાલ્વી અને વિજયભાઈ સાલ્વીના ત્રણ જપરિવારો પટોળા બનાવે છે. આ ત્રણેય પરિવારના મૂળ તો એક જ છે. હાલ પાટણમાં લગભગ 200થી વધુ સાલ્વી પરિવારો વસે છે પરંતુ પટોળાનો કસબ માત્ર આ ત્રણ પરિવારના લોકો જ જાણે છે. ખાસ કરીને કુદરતી કલર બનાવવામાં આ ત્રણેય પરિવારની હથોટી છે.

લુપ્ત થઈ રહી છે કળા

આજકાલ ટેક્નોલોજીની સમયમાં ડિઝાઈન્સ વધી રહી છે, ત્યારે પાટણના પટોળાની કળા પર પણ જોખમ છે. તેમાંય પટોળાની કિંમત ખૂબ જ વધુ હોવાથી પટોળા ઝડપથી વેચાતા નથી. હાલ ત્રણ જ સાલ્વી પરિવારો પટોળા બનાવે છે. જો કે પોતાની વારસાગત કળાને જાળવી રાખવા આ સાલ્વી પરિવારો દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યા છે. અત્યાર સુધી પટોળા સાડી સુધી જ સીમીત રહેલી ડિઝાઈન્સને હવે તેઓ પર્સ, કવર, રૂમાલ, દુપટ્ટા, ટેબલક્લોથ, શાલ, લેસ જેવી નાની નાની ચીજવસ્તુઓમાં પણ લાવી રહ્યા છે. જેથી પટોળાની માંગ વધે. સાથે જ પોતાના પરિવારની આગામી પેઢીઓને પણ આ કળા શીખવી રહ્યા છે. એટલે ત્રણેય સાલ્વી પરિવાર પરિવાર પોતાની આગામી પેઢીને આ કળા શીખવી રહ્યા છે. તો લગભગ 150 જેટલા સ્થાનિક કારીગરોને પણ તેઓ પોતાનો કસબ શીખવી રહ્યા છે. જેથી ગુજરાતના ગૌરવ સમાન આ કળા જળવાઈ રહે.

om puri dipti naval patan patola
ઓમપુરી અને દિપ્તી નવલે પણ પટોળા વિશે મેળવી હતી માહિતી

સેલિબ્રિટીઝને પણ પસંદ છે પટોળા

સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધી, અભિનેત્રી નરગીસ દત્ત, રાજીવ ગાંધી, અમિતાભ બચ્ચન અને સોનિયા ગાંધી ખાસ પાટણથી જ પટોળા મંગાવતા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે જુદા જુદા સમયે પટોળાની પાઘડી પહેરી ચૂક્યા છે. આ પટોળા ફેશન ઈન્ડસ્ટ્રીમાં રેમ્પ વૉક પર પણ પોતાનો કમાલ દર્શાવી ચૂક્યા છે.

નકલી પટોળા ન પધરાવે રાખજો ધ્યાન

જો પટોળાની આ ખાસિયતો વાંચીને તમને પણ પટોળા પહેરવાની ઈચ્છા થઈ હોય તો ફટાફટ પાટણ પહોંચી જાવ અને સાલ્વી પરિવારને ઓર્ડર આપી દો. જો કે પટોળા ખરીદતા પહેલા ખાસ ધ્યાન રાખજો. પટોળા ઓર્ડર સિવાય બનતા નથી. પાટણના પટોળામાં આડો અને ઉભો તાર એટલે ડબલ કટી હોય છે, તેમાં બે તારમાં પણ કામ થાય છે. નકલી પટોળામાં કાચા કલર વપરાય છે, જે સમય જતા ઝાંખા પડી જાય છે. તો કાપડની તેમજ ડિઝાઈનની પણ ચોક્સાઈ રખાતી નથી.

તો આ છે પાટણના પટોળાની ખાસિયતો. આ બાબતો છે જે પટોળાને ગુજરાતનું ગૌરવ બનાવે છે. જો તમને પણ આટલું વાંચીને પટોળું પહેરવાની ઈચ્છા થઈ છે, તો તમારા છેલાજીને કહી દો કે પાટણથી પટોળા મોંઘા લાવજો.

Thursday 11 April 2019

ભર્ગસેતુ શર્માઃ જાણો Roadies સુધી પહોંચનારી રિયલ હીરોની કહાની


1) સ્કૂલમાં NCC A સર્ટિફિકેટ હોલ્ડર
2)NCC B, C સર્ટિફિકેટ ગ્રેજ્યુએશનમાં મેળવ્યા
3) ખેલમહાકુંભમાં ફ્રીસ્ટાઈલ સ્વિમિંગમાં સિલ્વર મેડલ
4) C સર્ટિફિકેટની એક્ઝામમાં બેસ્ટ કેડેટ ઓફ ગુજરાત
5) નેવીના ઓલ ઈન્ડિયા નૌ સૈનિક કેમ્પમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ
6) બેસ્ટ ફાયરર, બેસ્ટ કેડેટ, પરેડ કમાન્ડર તરીકે રિપ્રેઝન્ટ કર્યું
7) સ્ટેટ લેવલનો બ્રેવરી એવોર્ડ
8) 2019 રક્ષામંત્રી પદક હોલ્ડર
9) ગુજરાત ગવર્નર મેડલ
10) આર્મી એરિયાના હૉલ ઓફ ફૅમમાં સ્થાન

માત્ર 21 વર્ષની ઉંમરે આ છે ગુજરાતી યુવતી ભર્ગસેતુ શર્માની સિદ્ધિઓ. જી હાં, પહેલીવાર કદાચ માનવું જ મુશ્કેલ બને પરંતુ 21 વર્ષની ઉંમરે ભર્ગસેતુ આ સફળતા મેળવી ચૂકી છે. ભર્ગસેતુ શર્મા વડોદરાની છે. જે હાલ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીઝમાં ઝૂઓલોજીનો અભ્યાસ કરે છે. પણ તેના અભ્યાસ કરતા તેની ઈતરપ્રવૃત્તિઓ જાણવા જેવી છે. ભર્ગસેતુની દરેક સિદ્ધિ પાછળ તેની મહેનતની સાથે સાથે તેનો સ્વભાવ કારણભૂત રહ્યો છે.

આ રીતે બન્યું humans with humanity

જાણીતા રિયાલિટી શૉ રોડીઝમાં ભાગ લઈ ચૂકેલી ભર્ગસેતુ શર્મા રિયલ હીરો છે. ભર્ગસેતુની રિયલ હીરોની સફર સુધી શરૂ થઈ તેના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમથી. ભર્ગસેતુના જ શબ્દોમાં જાણીએ તો,'ઘટના 2012ની છે, અમારી સોસાયટીના કૂતરાના બચ્ચાઓને પાડોશીઓ ફેંકી આવ્યા હતા. અને મને આ ન ગમ્યું. અમે NGOને વાત કરી, પોલીસ કમ્પલેન કરી. આખરે કૂતરાના બચ્ચાઓને પાછા લાવ્યા. ત્યારે હું 14 વર્ષની હતી. બસ ત્યારે એવું લાગ્યુ કે અમે કરી શકીએ છીએ.' બસ પછી તો ભર્ગસેતુએ નક્કી કર્યું કે પ્રાણીઓ માટે કંઈક કરવું જોઈએ. નાની ઉંમરે ભર્ગસેતુએ લીધેલા આ નિર્ણયને તેના પરિવારે પણ ટેકો આપ્યો. એટલે સુધી કે રેસ્ક્યુ કરવા જવાનું થાય તો ભર્ગસેતુના પપ્પા પણ તેની સાથે જતા. ભર્ગસેતુ કહે છે કે ધીરે ધીરે બધાને મારા કામ વિશે ખબર પડી, તો રેસ્કયુ કૉલ વધવા લાગ્યા. પહોંચી નહોતું વળાતું. એટલે સોશિયલ મીડિયાનો સહારો લેવાનું નક્કી કર્યું. અને આ રીતે હ્યુમન્સ વીથ હ્યુમેનિટી પેજની શરૂઆત થઈ.

bhargsetu


ભર્ગસેતુને ગમે છે પ્રાણીઓ

ધીરે ધીરે કરતા ભર્ગસેતુના આ પ્રયાસમાં 80 લોકો જોડાયા. અને ભર્ગસેતુ એનિમલ લવર તરીકે આખા વડોદરામાં પ્રખ્યાત થઈ ગઈ. આજે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક પર આ પેજના સંખ્યાબંધ ફોલોઅર્સ છે. માત્ર 14 વર્ષની ઉંમરે ભર્ગસેતુએ લીધેલા એક નિર્ણયે તેની જીંદગીને નવો જ વળાંક આપી દીધો. પ્રાણીઓ પ્રત્યેના પ્રેમે તેને કંઈક અલગ કરવા પ્રેરી દીધી. પરંતુ ભર્ગસેતુ આટલાથી અટકે એમ નહોતી. મદદ અને હિંમત તેના લોહીમાં છે. અને એક ઘટનાએ આ વાત સાબિત કરી આપી. જેના માટે ભર્ગસેતુને બ્રેવરી એવોર્ડ પણ મળ્યા છે.

મોતના મુખમાંથી યુવાનને બચાવ્યો

ભર્ગસેતુ એ દિવસને યાદ કરતા કહે છે કે,'દરેક ઉનાળામાં હુમન્સ વીથ હ્યમાનિટીની મીટિંગ કરીએ. 13 મે, 2018ના રોજ પણ આવી જ એક મીટિંગ થઈ. રવિવારનો દિવસ હતો. અમારી આખી ટીમે શેરીના કૂતરાઓને નવડાવ્યા. પછી ફરવા જવાનું નક્કી કર્યું. અને રસલપુર, સાવલી પાસેથી પસારથી મહી રિવરમાં બધા નહાવા પડ્યા. હું નદીનું ઉંડાણ વધુ હતું ત્યાં નહાતી હતી. બીજા 15-16 છોકરાઓ પણ નહાતા હતા. ખૂબ ભીડ હતી. ત્યારે જ અચાનક બચાવો બચાવોની બૂમો પડી. થોડીવારમાં ખબર પડી કે બે છોકરાઓ ડૂબે છે. એટલે હું પણ એક ઉંચી જગ્યાએ ચડીને જોવા લાગી કે ક્યાં ડૂબે છે.

                               Bhargsetu-nitin-patel
                                      નીતિન પટેલે પણ કર્યું સન્માન

એટલીવારમાં એક સ્થાનિક તરવૈયાએ એક યુવકને બચાવી લીધો, પરંતુ બીજા છોકરાની ભાળ નહોતી મળતી. મેં હિંમત કરીને ડીપ ડાઈવ કરી. 10 મિનિટ સુધી શોધખોળ કરી, પણ એ છોકરો ન મળ્યો આખરે 11મી મિનિટે નદીના તળિયે 25 ફૂટ નીચેથી તેનું બોડી મળી આવ્યું. અહીં ભર્ગસેતુ સ્પષ્ટતા કરીને કહે છે. બોડી એટલા માટે કે તેની પલ્સ નહોતી મળતી, કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિ હતી. આ છોકરાના શરીરમાં એટલું પાણી જતું રહ્યું હતું કે શ્વાસ જ નહોતો લઈ શક્તો. ભર્ગસેતુએ તેને CPR આપ્યા. અને લાફા મારી મારીને છોકરાને શ્વાસ લેતો કર્યો. ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સ આવી. અને પ્રાથમિક તપાસમાં ખબર પડી કે 10 મિનિટ પહેલા છોકરાનું હ્રદય બંધ હતું. એટલે કે છોકરો મોતને અડીને પાછો આવ્યો હતો. માત્ર ભર્ગસેતુની હિંમત અને પ્રયાસને કારણે.

સરકાર કરી ચૂકી છે સન્માન

આ જ હિંમત માટે ભર્ગસેતુને ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે સ્ટેટ લેવલનું બ્રેવરી સર્ટિફિકેટ મળી ચૂક્યુ છે. તો નેશનલ લેવલ પર માત્ર એક જ વ્યક્તિને મળતું રક્ષામંત્રી પદક સન્માન પણ 2019માં મળ્યું છે. આ ઉપરાંત દિલ્હીના આર્મી એરિયાના હોલ ઓફ ફેમમાં ભર્ગસેતુનું નામ સામેલ થઈ ચુક્યુ છે. અને ગવર્નર ઓ. પી. કોહલીના હસ્તે ગુજરાત ગવર્નર મેડલથી પણ ભર્ગસેતનું સન્માન થઈ ચૂક્યુ છે. '

                              bhargsetu raksha padak
                                    નિર્મલા સીતારમન પાસેથી પદક સ્વીકારી રહેલી ભર્ગસેતુ

ભર્ગસેતુ NCCમાં એ, બી, સી એ ત્રણેય સર્ટિફિકેટ મેળવી ચૂકી છે. એમાંય સી સર્ટિફિકેટ માટેની પ્રેક્ટિકલ અને થિયરી બંને એક્ઝામમાં તો તે બેસ્ટ કેડેટ ઓફ ગુજરાત બની હતી. તો 2016માં NCCના INS કદમ્બ નેવીના ઓલ ઈન્ડિયા નૌ સૈનિક કેમ્પમાં બેસ્ટ ફાયરર, બેસ્ટ કેડટ અને પરેડ કમાન્ડર તરીકે ભર્ગસેતુ ગુજરાતને રિપ્રેઝન્ટ કરી ચૂકી છે.

                                Bhargsetu_roadies
                                        Roadiesના શૂટ દરમિયાન ભર્ગસેતુ

આટલું વાંચીને જ તમને ભર્ગસેતુ શર્મા વિશે માન થઈ જાય. અને ભર્ગસેતુની આ જ સિદ્ધિઓના લીધે તેને રિયાલિટી શૉ રોડીઝ - રિયલ હિરોઝમાં એન્ટ્રી મળી હતી. જો કે ભર્ગસેતુ માટે કદાય સ્કાય ઈઝ ધ લિમિટ એ વાત પર્ફેક્ટ છે.

                                 Bhargsetu_sharma
                                         એનસીસીમાં પણ કરી છે કમાલ

સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ

હાલ રોડીઝમાં ભાગ લીધા બાદ લાઈફ કેટલી બદલાઈ એ સવાલના જવાબમાં ભર્ગસેતુ કહે છે રિયાલિટી શૉ છતાંય મારી લાઈફ બદલાઈ નથી, પણ જવાબદારી જરૂર વધી છે. આશ્ચર્યજનક વાત એ પણ છે કે ભર્ગસેતુએ હજી સુધી કોઈની પાસેથી ફાઈનાન્સિયલ હેલ્પ લીધી નથી. અને પ્રાણીઓને સાચવી શકાય એ માટે તે દાદા-દાદી સાથે રહે છે. ભવિષ્યમાં ભર્ગસેતુ હુમન્સ વીથ હ્યુમાનિટીને કાયદેસર રીતે ઓર્ગેનાઈઝેશન બનાવવા ઈચ્છે છે. અત્યાર સુધી પ્રાણીઓને રેસ્ક્યુ કરતા હતા હવે તે સારી સ્થિતિમાં રહી શકે તે પ્રકારનું કામ કરવું છે. ભર્ગસેતુ વડોદરામાં એનિમલ હોસ્ટેલ પણ ખોલવા ઈચ્છે છે.


માત્ર 21 વર્ષની ઉંમરમાં ભર્ગસેતુએ એટલું કામ કર્યું છે જે કદાચ સામાન્ય વ્યક્તિને આખા જીવનમાં કરવા ન મળે. ત્યારે ભર્ગસેતુને આપણે એટલું જ કહીએ Keep it up અને Best Of Luck.

Sunday 7 April 2019

વાંચો, પપ્પાની 3 લાઈને કેવી રીતે પ્રશાંતને બનાવી દીધો સાંઈરામ દવે ?

ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે સાંઈરામને ઓળખતો ન હોય, ભાગ્યે જ એવો કોઈ ડાયરો થતો હશે જ્યાં સ્ટેજ પર સાંઈરામ દવે ન હોય. આજે સાંઈરામના સ્ટેજ પર આવવા માત્રથી જ તાળીઓનો ગડગડાટ થાય છે. સાંઈરામે સાંભળવા માટે હકડેઠઠ મેદની ઉભરાય છે. પણ જો હાસ્ય કલાકાર સાંઈરામ દવેના પપ્પાએ તેમને ત્રણ લાઈનો ન કહી હોત તો કદાચ ગુજરાતી ભાષાને અને ગુજરાતીઓને એક પ્રતિભાવંત ગુજરાતી કલાકાર મળ્યો જ ન હોત. ખુદ સાંઈરામ પણ પોતાની આ સફળતા પાછળ પોતાના પપ્પાની મહેનત અને પ્રેરણાને જ કારણભૂત ગણાવે છે.
મૂળ તો સાંઈરામ દવે પણ બાળપણમાં મોટા ભાગના બાળકોની જેમ ક્રિકેટર બનવા ઈચ્છતા હતા. મૂળ તો સાંઈરામના પપ્પા અને મમ્મી બંને શિક્ષક હતા. એટલે ઘરની આર્થિક સ્થિતિ સારી કહી શકાય એવી હતી. અને એ જમાનામાં બોલ-બેટ સાંઈરામ પાસે જ હતા. સાંઈરામ કહે છે કે,'ક્રિકેટનો મને ગાંડો શોખ હતો. એટલો શોખ કે ક્રિકેટ રમવા જઉં તો ખાવા પીવાનું પણ ભાન ન રહે. પણ પપ્પાને મારો ક્રિકેટનો શોખ ખાસ ગમતો ન હતો.'
મૂળ તો વિષ્ણુપ્રસાદ દવે એટલે કે સાંઈરામના પિતાજીની ઈચ્છા તેમને ભજનિક બનાવવાની હતી અને સાંઈરામના કહેવા પ્રમાણે તેમના પપ્પાએ તેની પૂરી તૈયારી પણ કરી હતી. 1983માં સાંઈરામ જ્યારે માત્ર સાત વર્ષના હતા ત્યારે તેમને સંગીત શીખવવા દુર્લભભાઈ નામના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક આવતા. સાંઈરામને તે સમયે તો ખાસ સંગીતનો શોખ નહોતો પણ શીખવું ફરજિયાત હતું. સાંઈરામ કહે છે કે આમ કરતા કરતા હું રાગમાં ઘડિયા પાકા કરતો થઈ ગયો. માલકૌંસ, ભૂપાલી સારંગ સહિતના 12 રાગ મેં ઘડિયા ગાતા ગાતા જ શીખ્યા.

તેમના પપ્પા ખુદ આકાશવાણી રેડિયોના ભજનિક એટલે પુત્ર પ્રશાંતને પણ ભજનિક બનાવવાની પ્રબળ ઈચ્છા હતી. પરંતુ માતા સરોજને મનમાં હતું કે પ્રશાંત સારું એવું ભણીને નોકરી કરે. માતા-પિતાના સપના વચ્ચે પ્રશાંતને તો પાછું ક્રિકેટર બનવું હતું. આખરે પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન નાનકડા પ્રશાંતે દૂરદર્શન માટે સાત ભજન ગાયા અને તેમના પપ્પાએ દ્રઢ નિશ્ચય તેમનો આ પુત્ર તો ભજનિક જ બનશે.
જો કે ગુરુકુળના અભ્યાસ બાદ દસમું ધોરણ પાસ કરીને સાંઈરામ રાજકોટની સરકારી પોલિટેક્નિક કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. સાંઈરામ કોલેજના દિવસોને યાદ કરતા કહે છે કે એ દિવસોમાં હું પૂરા બાવીસ અલગ-અલગ અવાજ કાઢીને મિમિક્રી કરતો હતો, તો ક્રિએટિવિટી પણ લાજવાબ હતી. કોલેજના દિવસોમાં સાંઈરામ જુદા જુદા એક્ટર્સની મિમિક્રી કરતા, અને મિત્રો વખાણતા પણ ખરા. ત્યારથી સાંઈરામને લાગ્યું કે આપણામાં કુદરતી બક્ષિસ છે. અને સાંઈરામે જાતને મઠારવાની શરૂ કરી.
જો કે એક દિવસ સાંઈરામના પિતાની વાપી ટ્રાન્સફર થઈ. અને નોકરી પર હાજર થતા પહેલા તેમણે ત્રણેય દીકરા અને પત્નીને કહ્યું કે,'મારી ગેરહાજરીમાં મારા તબલાં-પેટીને બાળી મૂક્જો. મારો વારસો જાળવવાવાળું કોઈ નથી. પ્રશાંત, તારા પર મને આશા હતી, પણ તું તો તારી મમ્મીનું સપનું જીવવાનો છે એટલે હવે કોઈ મારું સપનું પૂરું નથી કરવાનું.મને તારા પર આશા હતી કે તું એક દિવસ ભજનિક બનીશ પણ…' બસ આ શબ્દોએ પ્રશાંતની સાંઈરામ સુધીની સફર શરૂ કરી.
નવાસવા એન્જિનિયર બનેલા પ્રશાંતે પપ્પાની ઈચ્છાથી પીટીસી કર્યું અને ભજનો ગાવાના શરૂ કર્યા. શરૂઆત થઈ શોકસભાથી. જો કે તે સમયે તો માંડ ગાંઠાયિનો ખર્ચો નીકળતો. ધીરે ધીરે સાંઈરામને લોકસાહિત્યમાં રસ પડ્યો. પરંતુ પપ્પાએ કહ્યું કે ત્યાં પહોંચવું અઘરું છે. પણ સાંઈરામે નક્કી કર્યું તો કર્યું. તેમણે લોકસાહિત્યના દુહા, છંદ, ગીતો કથાઓ યાદ કરવા રીતસરના અનુષ્ઠાન આદર્યા. સાંઈરામ કહે છે કે ક્યારેક એવું પણ થતું કે હું ખોટું બોલતો અને ઓડિયન્સ ભૂલ સુધારતું.
જો કો આ સ્ટ્રગલ દરમિયાન સાંઈરામ માટે કપરો સમય પણ આવ્યો ક્યારેક ક્યારે તેમને ડાયરામાં આખી રાત બેસવું પડતું પણ બોલવાની તક ન મળતી. તો ક્યારેક ખુદ તેમના પિતા જ તેમની પરીક્ષા કરતા. સાંઈરામના પિતા તેમના જ બધા જોક્સ બોલી દેતા અને સાંઈરામ સામે કંઈક નવું આપવાનો પડકાર આવી જતો. જો કે અહીં પણ પપ્પા જ તેમના ગાઈડ બન્યા અને કહ્યું કે તુ વધુ વાંચ અને તારું કંઈક બનાવ. સાંઈરામ કહે છે કે મારા પપ્પા જ મારા માટે રોલ મોડેલ છે. મારી કરિયર બને તે માટે તેમણે પણ પગના તળિયા ઘસી નાખ્યા છે.
પ્રશાંતમાંથી સાંઈરામ બનવા પાછળ પણ તેમના પપ્પા વિષ્ણુપ્રસાદનો જ હાથ છે. એક કાર્યક્રમમાં તેમના પિતા મુંબઈ ગયેલા. ત્યાં સાંઈરામ ઐયર નામના ગાયકનું પર્ફોર્મન્સ તેમને બહુ ગમી ગયું. એટલે પ્રશાંતને પિતાએ સ્ટેજનું નામ સાંઈરામ આપ્યું.. આજે સ્થિતિ એવી છે કે પત્ની દીપાલી એક જ મને પ્રશાંત કહીને સંબોધે છે, બાકી બધાની જીભે સાંઈરામ નામ ચડી ગયું છે.
હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર તરીકે સફળ સાંઈરામ દવે રાજકોટમાં નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ નામની સ્કૂલ પણ ચલાવે છે. નચિકેતા સ્કૂલ શરૂ કરવાનો આઈડિયા તો સાંઈરામ પાસે હતો પરંતુ ફંડની તકલીફ હતી. પણ નૈરોબી સ્થિત મિત્રે તેમનો આ વિચાર જાણ્યો અને કહ્યું કે આગળ વધો, બધું થઈ જશે. નીતિન માલદેના સાથથી 2015માં નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ શરૂ થઈ. સાંઈરામની આ સ્કૂલની ખાસિયત એ છે કે અહીં અહીંની અંગ્રેજી માધ્યમની સ્કૂલનો વિદ્યાર્થીઓ વેદની ઋચાઓ અને શ્લોક બોલી જાણે છે અને દેશ-વિદેશની વાતો પર પણ ચર્ચા કરી શકે છે.
તો એક ફાસ્ટ બોલર બનવાના સપનાથી એન્જિનિયરિંગના અભ્યાસ અને છેલ્લે સફળ શિક્ષક, લોકસાહિત્યકાર બનવા સુધી પ્રશાંત ઉર્ફે સાંઈરામ દવેએ ઘણા ચડાવ ઉતાર જોયા છે. સાંઈરામની જીવન સફર કોઈ પણ સપના જોતા યુવાન માટે પ્રેરણા સમાન છે.

Wednesday 3 April 2019

સેરેબ્રલ પાલ્સીને હરાવી આ ગુજરાતી યુવાને જીત્યો ઓલોમ્પિકમાં મેડલ


મક્કમ મનોબળ એટલે શું. તમે Google કે Youtube કરશો તો તમે અસંખ્ય આર્ટિકલ્સ કે મોટીવેશનલ વીડિયોઝ મળી રહેશે. પરંતુ જો મક્કમ મનોબળ કે પરિસ્થિતિ સામે કેવી રીતે ઝઝુમવું તે તમારે પ્રેક્ટિલમાં જોવું હોય તો અમદાવાદના યુવાન રાજ બંધારાને મળો. રાજને સેરેબ્રલ પાલ્સી નામની રૅર બીમારી છે. જેને કારણે રાજ પોતાના પગ પર ઉભો પણ નહોતો રહી શક્તો. પરંતુ આજે રાજે ઈન્ટરનેશનલ લેવલે દેશ માટે એક નહીં પણ બબ્બે મેડલ જીત્યા છે. જેની પાછળ કારણભૂત છે રાજનું મનોબળ, રાજની મમ્મીનો ત્યાગ અને રાજના કોચની મહેનત.



વાત આજથી લગભગ 15 વર્ષ પહેલાની...

અમદાવાદના પ્રીતમનગર અખાડાના સ્કેટિંગ રીંગમાં એક બહેન પોતાના બાળકને લઈ પહોંચ્યા. સ્કેટિંગ રીંગમાં બાળકો પ્રેક્ટિસ કરતા હતા, પરંતુ આ બહેન પાસે જે બાળક હતો તે શારીરિક રીતે સશક્ત ન હતો. સેરેબ્રલ પાલ્સીને કારણે આ બાળકને ઉભા રહેવા માટે સહારો જોઈતો હતો. આ બહેને સ્કેટિંગ કોચને વાત કરી કે મારા બાળકને પણ શીખવો. પહેલીવારે કોચ માટે પણ એક સવાલ હતો કે જે બાળક ઉભો ન રહી શક્તો હોય તેને સ્કેટિંગ કેમનું શીખવવું. પણ આખરે તે સ્પોર્ટ્સ પર્સન હતા. પડકાર લીધો અને આ બાળકને શીખવવાનું શરૂ કર્યુ. આ જ બાળક આજે ઓલિમ્પિકમાં રોલર સ્કેટિંગમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે.

વાત રાજ બંધારાની

રાજ બંધારાને ખૂબ જ રૅર ગણાતી સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે. સેરેબ્રલ પાલ્સીમાં મેન્ટલી મુશ્કેલી રહે, નાનું મગજ કમાન્ડ ન આપે, સમજણશક્તિ ઓછી હોય અને બોડીમાં તાકાત પણ ઓછી હોય. રાજના મમ્મી ભાવના બંધારા કહે છે કે, 'રાજ માત્ર છ મહિનાનો હતો, ત્યારે તેને ખેંચ આવી અને તેની શ્વાસનળી-અન્નનળી ડેમેજ થઈ ગઈ. એના નાના મગજને પણ અસર પહોંચી. ડોક્ટરોએ કીધું એને સેરેબ્રલ પાલ્સી છે. હવે એ ક્યારેય ચાલી નહીં શકે, બેસી નહીં શકે, કશું જ કામ જાતે નહીં કરી શકે.' આ સાંભળીને રાજના માતા-પિતા બંનેને ઝટકો લાગ્યો, દુઃખ થયું. પરંતુ તેમણે નસીબ સામે લડવાનો નિર્ણય કર્યો. રાજને ફિઝિયોથેરાપી, એક્યુપંચર થેરાપી કારવી, ન્યૂરોલોજી ડોક્ટર્સને બતાવ્યું. વર્ષો સુધીની આ મહેનત રંગ લાવી. માતા પિતાની લાગણી અને મહેનતના સરવાળે રાજનું બોડી થોડું થોડું કામ કરતું થયું. પણ છતાંય તે નોર્મલ લોકો કરતા ક્યાંય દૂર હતો.


નોર્મલ સ્ટુડન્ટ્સ વચ્ચે ભણ્યો રાજ

જો કે રાજના મમ્મીને તો પોતાના બાળકને નોર્મલ જ બનાવવો હતો. પણ હવે પડકાર હતો ભણતરનો. રાજના મમ્મીએ તેને નોર્મલ સ્કૂલમાં દાખલ કરાવવા પ્રયત્ન શરૂ કર્યા. પરંતુ સ્કૂલે ના પાડી દીધી. જો કે આખરે વિનંતીઓનો દોર ચાલ્યો અને અમદાવાદની અંકુર શાળામાં રાજને એડમિશન મળ્યું. પોતાની બીમારીને ટક્કર આપીને રાજ પણ જાણે માતાની લાગણીઓ કે મહેનતને યથાર્થ કરવા ઈચ્છતો હોય તેમ નોર્મલ સ્કૂલમાં નોર્મલ લોકોની વચ્ચે રહીને 10 ધોરણ ભણ્યો અને ડિપ્લોમા એન્જિનિરિંગ પણ કર્યું.

અચાનક ગુમાવી પિતાની છત્રછાયા

પણ નસીબ જાણે હજીય તેની પરીક્ષા લેવા ઈચ્છતું હતું. રાજ જ્યાં માંડ પરિસ્થિતિ સામે લડતા શીખ્યો હતો, ત્યાં જ આઘાત લાગ્યો પપ્પાને ગુમાવવાનો. 10મા ધોરણમાં જ રાજના પપ્પા એક્સપાયર થઈ ગયા. હવે મુસીબત બમણી હતી. આર્થિક છત્ર છીનવાયું હતું, એક બાજું રાજની સારવારનો ખર્ચ હતો, બીજી બાજુ ઘર ચલાવવાનો પડકાર. પણ ડગે એ બીજા. રાજની સાથે સાથે ભાવનાબહેને આ પડકાર ઝીલી લીધો. તેમણે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં જોબ શરૂ કરી. તેની પાછળ પણ કારણ હતો રાજ. રાજની સ્થિતિ જોઈને તેમને પણ આવા બીજા બાળકો પાછળ મહેનત કરવાની ઈચ્છા થઈ અને આર્થિક આધાર માટે તેમણે આ નોકરી સ્વીકારી. જવાબદારી બેવડી હતી પણ મનોબળ મક્કમ હતું.



રાજના કોચે પણ કરી મહેનત 

એક તરફ પિતા ગુમાવવાનું દુઃખ બીજી તરફ બીમારી આ બંને વચ્ચે રાજ સ્કેટિંગ શીખતો રહ્યો. રાજના સ્કેટિંગ કોચ વૈભવ બ્રહ્મભટ્ટની પણ મહત્વની ભૂમિકા રહી છે. વૈભવ બ્રહ્મભટ્ કહે છે કે,'રાજને કેવી રીતે શીખવવું એ સમસ્યા મારા માટે પણ હતી. પણ એની ઈચ્છા જોયા પછી મને પણ મહેનત કરવાની ઈચ્છા થઈ. ' રાજ 8 વર્ષનો હતો ત્યારથી વૈભવે તેને સ્કેટિંગ શીખવવાનું શરૂ કર્યું છે. વૈભવ કહે છે કે,'શરૂઆતમાં રાજને શીખતા લાંબો સમય લાગતો હતો. પણ એ શીખ્યો. અને આજે તો રાજ મારા કોચિંગ સેન્ટરમાં નોર્મલ બાળકોને સ્કેટિંગ શીખવે છે.' રાજને સ્કેટિંગ શીખવવા દરમિયાન તેમના કોચે ક્યારેય રાજ પાસેથી સ્કેટના પૈસા નથી લીધા.

સ્પેશિયલ ઓલિમ્પિકમાં જીત્યા મેડલ 

રાજના મમ્મી ભાવનાબેન સ્પેશિયલ એજ્યુકેશનમાં કામ કરે એટલે તેમને આવા બાળકો માટેની સ્પર્ધાઓની ખબર પડી. રાજને તેમણે ખેલ મહાકુંભમાં ભાગ લેવા મોકલ્યો અને સ્પેશિયલ કેટેગરીમાં રાજે ગોલ્ડ મેડલ જીત્યો. બસ પછી તો રાજ આગળ સ્પર્ધાઓમાં ભાગ લેતો જ ગયો. નેશનલ લેવલે પણ રમ્યો. અને છેલ્લે તેણે દુબઈ ખાતે યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં 2-2 મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. રાજે રોલર સ્કેટિંગમાં 100 મીટરમાં સિલ્વર મેડલ અને 300 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.  જો કે રાજ બંધારાની અહીં સુધીની સફર સહેલી નથી રહી. રાજ જીવતું જાગતું ઉદાહરણ છે કે પરિસ્થિતિ સામે લડીને, પડકારોને કેવી રીતે પહોંચી વળાય. 

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...