Wednesday, 15 May 2019

મળો અમદાવાદના 'મંકી મેન'ને, જે સેંકડો વાનરોને પહોંચાડે છે ભોજન


મળો અમદાવાદના 'મંકી મેન'ને, જે સેંકડો વાનરોને પહોંચાડે છે ભોજન
'મંકી મેન' સ્વપ્નિલ સોની
કેટલાક દિવસો પહેલા જ હિમાલયમાં યેતિ એટલે કે હિમમાનવ હોવાની ચર્ચાઓ થઈ. જો કે કશું સાબિત ન થયું. પરંતુ હિમ માનવ હોય કે ન હોય મંકી મેન જરૂર છે. અને એ પણ અમદાવાદમાં. જી હાં, તમે ભલે ન માનો પણ અમે તમને મંકી મેનના ફોટોઝ વીડિયોઝ બતાવીશું. આ મંકી મેન એક એવું કામ કરે છે, જે જાણીને તમને તેના પ્રત્યે માન થઈ જશે. મંકી મેનનું નામ છે સ્વપ્નિલ સોની. સ્વપ્નિલ સોનીએ પોતાનું જીવન વાનરોના નામે કરી દીધું છે. સ્વપ્નિલ સોની લગભગ 400 જેટલા વાનરોને ભોજન કરાવે છે, એ પણ પોતાના ખર્ચે.

અમદાવાદમાં રહેતા સ્વપ્નિલ સોની છેલ્લા 11 વર્ષથી વાનરોને ભોજન કરાવે છે. કેવી રીતે શરૂઆત થઈ એ યાદ કરતા મંકી મેન સ્વપ્નિલ સોની કહે છે,'વર્ષોથી હું મારા ફ્રેન્ડ સાતે ધોળકામાં આવેલા જૈન મંદિરમાં દર્શન કરવા જતો હતો. ત્યાં રસ્તામાં મિરોલી ગામ પાસે રતિભાઈ પટેલ નામના વ્યક્તિ રોજ વાનરોને બાજરીના રોટલા ખવડાવતા. રતિભાઈ મૂળ મિરોલી ગામના હતા, પણ અમદાવાદ રહેતા. વાનરોને પણ તેમની સાથે એટલો પ્રેમ હતો કે રતિભાઈની ગાડીનું હોર્ન વાગે ને 100-200 વાનરો ભેગા થઈ જાય. રતિભાઈનું તો 105 વર્ષની ઉંમરે નિધન થયું. પણ એમને જોઈને મને પણ આવું કરવાની પ્રેરણા મળી.'

swapnil soni

સ્વપ્નિલ સોની આમ તો બિસ્કિટના ટ્રેડિંગ વેપારી છે. પરંતુ હવે તેઓ મંકી મેન તરીકે જ ફેમસ થઈ ચૂક્યા છે. જોગાનુજોગ તેમણે વાનરોને ખવડાવવાની શરૂઆત પણ બિસ્કિટથી જ કરી હતી. સ્વપ્નિલ ભાઈ કહે છે કે શરૂઆતમાં એક બાંધો લઈ જતો, એ ફટાફટ પતી ગયો. પછી હું કાર્ટૂન લઈ જતો, તો એ પણ પુરુ થઈ જાય. પછી તો 5 -5 કાર્ટૂન પણ ઓછા પડવા લાગ્યા. એટલે સ્વપ્નિલભાઈએ બિસ્કટની સાથે રોટલીઓ અને કેળા આપવાના પણ શરૂ કર્યા. શરૂઆત સ્વપ્નિલ સોનીએ પણ મરોલી ગામથી જ કરી. મરોલીથી ઓડ ગામના પટ્ટામાં વાનરોની સાથે નીલ ગાયને પણ તેઓ જમાડતા.

આ કામમાં જો કે સ્વપ્નિલભાઈને મુશ્કેલીઓ નથી પડી એવું પણ નથી. સ્વપ્નિલભાઈની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે તેઓ બધો જ ખર્ચ ઉપાડી શકે, તેમ છતાંય સ્વપ્નિલ સોની પોતાના ધંધામાંથી સમય કાઢીને વાનરો પાસે પહોંચી જાય છે. સ્વપ્નિલ ભાઈએ છેલ્લા 11 વર્ષમાં કોઈની પાસેથી આર્થિક સહાય નથી લીધી. જો કે 10 દિવસ પહેલા જ મુંબઈના હિમાંશુ વોરા નામના વેપારીએ તેમને સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને સહાય કરી છે. અને સ્વપ્નિલભાઈને પણ હવે આર્થિક સહાયની જરૂરિયાત વર્તાય છે. મંકી મેન સ્વપ્નિલભાઈનો પરિવાર પણ તેમને આ કામમાં સાથ આપી રહ્યો છે. આર્થિક ભારણ ન પડે તેના માટે તેમની પત્ની પણ નોવેલ્ટીની દુકાન ચલાવે છે અને આ સેવાના કામમાં મદદ કરે છે. તો તેમના બાળકો પણ વાનરોને ભોજન કરાવવા સાથે પહોંચી જાય છે.

swapnil soni monkey man

મુશ્કેલી અંગે વાત કરતા સ્વપ્નિલ સોની કહે છે કે મુશ્કેલી તો એવી છે કે મરોલીમાં હું વાનરોને જમાડતો, એટલે ત્યાંના લોકો ખીજાતા. કારણ કે હું ના જઉં ત્યારે વાનરો ભેગા થઈને ત્યાંના લોકોના ખેતરોમાં ધમાલ કરે, ફળો તોડી લે. એટલે સ્થાનિકોએ મારો ખૂબ વિરોધ કર્યો. પછી મને કોઈએ કહ્યું કે આ જ પટ્ટામાં ઓડ ગામ પાસે ગોચરની જમીન છે, ત્યાં વાનરો હોય છે. એટલે હવે હું ત્યાં જઈને વાનરોને જમાડું છું.

swapnil soni monkey man

એવું નથી કે સ્વપ્નિલભાઈ ખાલી વાનરોને કેળા જ ખવડાવે છે. સિઝન પ્રમાણે તેઓ મેનુ બદલે છે. શિયાળામાં રોટલી ખવડાવે છે. તો રિંગણ અને બટાકા પણ જમાડે છે. ઉનાળામાં કેળાની સાથે પાણી પણ લઈ જાય છે. અને આ જ ઋતુ પ્રમાણે તેઓ રૂટિન પણ ચેન્જ કરે છે. સ્વપ્નિલભાઈ અઠવાડિયામાં 2 વાર 400થી 500 વાનરોને જમાડે છે. સ્વપ્નિલભાઈની આ મહેનતને કારણે હવે લોકો પણ વાનરોને ખવડાવતા થયા છે. કેટલાક વર્ષો પહેલા તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો ત્યારથી લોકો પણ આ જગ્યા શોધીને અહીં વાનરોને ખવડાવવા આવે છે.

હવે તો વાનરો પણ સ્વપ્નિલભાઈને ઓળખી ગયા છે. તેઓ જ્યારે પોતાની કાર લઈને પહોંચે તો કારને જોઈને જ વાનરો ભેગા થવા લાગે છે. સ્વપ્નિલભાઈ કહે છે કે મને શરૂઆતથી ક્યારેય વાનરોથી ડર નથી લાગ્યો. ન તો આ જ સુધી વાનરોએ મારી પાસેથી કશું ઝૂંટવવાની કોશિશ કરી. મિત્રતા બેય પક્ષે યથાવત્ ચાલી રહી છે. એવું પણ નથી કે મંકી મેન ફક્ત વાનરો માટે કામ કરે છે. તેઓ શ્રીઠાકોરજી સેવા પરિવાર નામની NGO પણ ચલાવે છે. જે પક્ષીઓ માટે કામ કરે છે. અમદાવાદના મણિનગર, ખાડિયા, ધોડાસર વટવા નારોલ વિસ્તારમાં કબૂતરોને ઈજા થાય તો તો લોકો તેમની એનડીઓને સંપર્ક કરે છે અને સ્વપ્નિલભાઈ કે તેમના મિત્રો પક્ષીઓને જીવદયા પાંજરાપોળમાં મોકલાવી દે.


સરવાળે કહીએ તો આ સેવાના કામમાં સ્વપ્નિલભાઈ ખુશ છે. બસ તેઓ એક જ અરજી કરે છે કે હાલ ઓડ ગામના પટ્ટામાં જે વિસ્તાર છે ત્યાં ખૂબ જ વાનરો અને નીલગાય છે. પરંતુ આ પટ્ટાનું કમર્શિયલાઈઝેશન થઈ રહ્યું છે. ત્યાં મકાનો બંધાઈ રહ્યા છે. પરિણામે વાનરો અને નીલગાયનું રહેઠાણ છીનવાઈ રહ્યું છે. શક્ય હોય તો આપણે બધાએ ભેગા થઈને આ જગ્યાનું રક્ષણ કરવું જોઈએ, જેથી આ હજારો અબોલ પશુઓ પોતાની જગ્યામાં રહી શકે. સચવાઈ શકે. સાથે જ સ્વપ્નિલભાઈને તેમના જેવા જ સેવાભાવી લોકો અથવા તો આર્થિક સહાય કરી શકે તેવા લોકોની પણ જરૂર છે.

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...