Friday, 9 July 2021

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી

 

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,

બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

 

જનાબ સૈફ પાલનપુરીની આ પંક્તિઓ જીવનનું અણગમતું સત્ય છે. ગમે કે ન ગમે, સહન થાય કે ન થાય, પરંતુ દરેક વ્યક્તિનો અનુભવ હશે કે આપણને દુઃખ પહોંચાડનારા, નુક્સાનકરનારા લોકો મોટેભાગે અંગત હશે. કોઈ અજાણી વ્યક્તિએ કરેલા નુક્સાન કરતા અંગત વ્યક્તિએ કરેલું નુક્સાન વધારે મોટું હશે. 

        જો આપણે બાળપણથી અત્યાર સુધીના વર્ષોનું એક નાનકડું એનાલિસીસ કરીએ તો ખ્યાલ આવી જ જશે કે, જે વસ્તુ જે પરિસ્થિતિ તમને ખુશ કરી શકે છે.. એ તમને દુઃખી પણ કરી શકે છે..જે વ્યક્તિ તમને હસાવી શકે છે.. એ જ તમને રડાવી પણ શકે છે.. નાના હોઈએ ત્યારે કોઈ રમકડું ખૂબ જ ગમતું હોય... એ રમીએ ત્યારે મજા બહુ આવે.. પણ તૂટી જાય ત્યારે રડવું પણ એટલું જ આવે... મોટા થયા પછી આ રમકડાની જગ્યા વ્યક્તિઓ લઈ લે છે. કેટલીકવાર મિત્રો, કેટલીકવાર સ્વજનો... જેની સાથે આપણે આનંદથી જીવન પસાર કરતા હોઈએ એ જ આપણને કોઈ વાતે દુઃખી કરી જાય.

        સાવ એવું પણ નથી કે બધા જ અંગત લોકો આપણો ઉપયોગ કરી જાય છે, કે દુઃખી કરી જાય છે. આજના સમયમાં પણ તમારી સાથે ખરાબ સમયમાં ખભેખભો મિલાવીને ઉભા રહે એ જીગરજાન મિત્રો, એવા સગાસંબંધીઓ હશે જ. એનો પણ તમને અનુભવ હશે જ. જે કેટલીકવાર તમે ખોટા હોવા છતાંય તમને એક સવાલ પૂછ્યા વગર સાથ આપે.

        પણ આ સાથ કરતાંય વધારે દુઃખ પેલા એવા અંગત લોકો પહોંચાડી જાય છે, જેના પણ આપણે જાત કરતા વધારે વિશ્વાસ મૂક્યો હોય છે. ક્યારેક આપણે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મૂકી દઈએ છીએ. ક્યારેક એ વ્યક્તિ પોતાની મજબૂરીમાં કે પછી જાણી જોઈને એના સ્વભાવ મુજબ આપણી સાથે ખરાબ કરી જાય છે. એક હકીકત એ પણ છે કે કોઈ આપણું નુક્સાન કરી જાય, એટલી જગ્યા આપણે આપણી જિંદગીમાં જાતે જ આપીએ છીએ.           

        પણ આનો ઉપાય શું? આ પરિસ્થિતિનું મૂળ છે અપેક્ષા. બીજી રીતે કહીએ તો કોઈના પર મૂકેલો વિશ્વાસ. જ્યારે આપણે મુસીબતમાં હોઈએ, ખરાબ સ્થિતિમાં હોઈએ તો આપણને કોઈ અંગત મિત્ર, કે વ્યક્તિ પાસેથી મદદની અપેક્ષા હોય. પણ એ જ્યારે આપણને મદદ ન કરી શકે, આપણી અપેક્ષા પર ખરા ન ઉતરે, ત્યારે આપણને દુઃખ થાય છે. એટલે કેટલેક અંશે તો આપણી સ્થિતિના જવાબદાર આપણે જ છીએ.

        ધારો કે તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ તમને છોડીને જતા રહે છે, તો દિવસો સુધી આપણને કશું ગમતું નથી. કેમ? કારણ કે એ વ્યક્તિ પાસેથી આપણને અપેક્ષા હતી કે દુનિયા ઉંધી ચત્તી થશે, આ વ્યક્તિ આપણી સાથે રહેશે. આ વ્યક્તિ છે, જેની સાથે મારે સુખ દુખ ભોગવવા છે. એટલે મૂળ તો અપેક્ષા જ છે.

        સ્થિતપ્રજ્ઞતા કેળવવી અઘરી છે. આપણે સામાન્ય માણસો છીએ, લાગણીશીલ છીએ. લાગણી વગર આપણી દુનિયા ચાલતી નથી. પણ છતાંય જો કેટલાક સંબંધોમાં, કેટલીક મિત્રતામાં, બિઝનેસમાં લાગણીઓ વિસારે પાડવી જરૂરી છે, પ્રેક્ટિકલ બનવું જરૂરી છે. બધા પર આંખ મીંચીને ભરોસો કરવો એ આપણી જ લાગણીઓને તોડવા માટે આમંત્રણ આપવા જેવી વાત છે.

        ધોનીને ક્રિકેટ રમતા આપણે બધાએ જોયો છે ને... વિરોધીની વિકેટ પડે તો પણ ખાસ ઉજવણી નહીં... ગમે તેવી ટેન્સ્ડ સિચ્યુએશન હોય,.. વિરોધી ટીમ જીતતી હોય તો પણ એના ચહેરા પર રતિભારનો ફરક ન વર્તાય. આ સિચ્યુએશનમાં પહોંચવું સરળ નથી. પણ જો આ સ્થિતપ્રજ્ઞતા કેળવી શકીએ.. તો નિષ્ફળતા.. દગો... કોઈ આપણી અપેક્ષા પર ખરું ન ઉતરે એવી સ્થિતિમાં આપણે પોતાની જાતને દુઃખી થતાં બચાવી શકીએ છીએ. સીધીની સટ વાત એ છે કે કોઈ આપણને મદદ ન કરે, આપણું કામ ન કરે... તો એને ખૂંચવું જોઈએ.. આપણને શા માટે કંઈ થાય?

    એટલે જો શક્ય હોય.. તો સ્થિતપ્રજ્ઞ બનતા શીખવું જોઈએ... શક્ય હોય એટલો લાગણી પર કાબુ રાખતા શીખવુ જરૂરી છે...

 

 થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,

ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

 

 

Wednesday, 9 June 2021

તમે ક્યારેય કોઈ અજાણી વ્યક્તિને થેન્ક યુ કહ્યું છે?

 


તમે ક્યારેય કોઈ અજાણી વ્યક્તિને થેન્ક યુ કહ્યું છે?

લાઈફ ઈઝ અ સર્કલ, ધ વર્લ્ડ ઈઝ અ સર્કલ.. અને કર્મનો સિદ્ધાંત પણ માનીએ તો સારા કર્મનું ફળ સારું જ મળે છે, પણ ક્યાંથી મળે એ આપણા હાથમાં નથી.

જરૂરી નથી કે તમે કોઈને મદદ કરી હોય, તમારી જરૂરિયાતના સમયે એ જ વ્યક્તિ તમને હેલ્પ કરે!

ઘણીવાર એવું બન્યું હશે ને કે તમને સાવ ક્યાંક અજાણી જગ્યાએથી, અજાણ્યા વ્યક્તિએ મદદ કરી હોય.

વરસાદમાં વ્હિકલ બગડ્યું હોય અને કોઈ ધક્કો મારી આપે... એક્સિડન્ટ થયો હોય અને કોઈ તરત જ આવીને તમને હોસ્પિટલ પહોંચાડે. ઓફિસમાં ક્યાંય અટવાયા હોય અને ધાર્યું ન હોય એવા કલીગ તમને હેલ્પ કરી દે. ક્યારેક ભીડભાડવાળી બસ કે ટ્રેનમાં કોઈ તમને પોતાની સીટ આપી દે...

આવા ઘણા બનાવો છે, અનુભવો છે, જ્યાં આપણને આશા ન હોય એ દિશામાંથી અચાનક મદદ આવીને ઉભી રહે.. કહેવાય છે કે ઈશ્વરની લાકડીમાં અવાજ નથી હોતો. તો મિત્ર, ઈશ્વરની મદદમાં પણ અવાજ નથી હોતો.. એ બસ કોઈ સ્વરૂપે આવે અને મદદ કરે...

તો ચાલો આજે એ બધા જ અજાણ્યા લોકોને થેન્ક યુ કહીએ.. જેમણે જાણે અજાણે આપણી મદદ કરી છે.. આપણી લાઈફ સરળ બનાવી છે... Thank You દોસ્ત... મુશ્કેલીમાં મારો સહારો બનવા માટે મને Thank You… સાચવી લેવા માટે...

Wednesday, 5 May 2021

..... અને એક વેકેશન હતું!

 


ઉનાળો ફેલાતો જાય...

માતેલો તાપ ઠેઠ જીવ સુધી પહોંચ્યો તે દરિયા પણ સુક્કા દેખાઇ

દરેક ઉનાળે રમેશ પારેખના આ શબ્દો ગાવાની મજા આવે છે... પણ આ ઉનાળાનો તાપ માતેલો તો હવે લાગે છે, જ્યારે આપણને એસી ઓફિસમાં, એસી કારમાં બેસવાની અને ફ્રીજનું જ પાણી પીવાની આદત પડી છે. નહીં તો જરા યાદ કરો આપણું બાળપણ. આવા જો ધોમધખતા તડકામાં ચડ્ડીઓ પહેરીને, સ્લીપર ચડાવીને કેવા રમતા હતા?

              એપ્રિલ મહિનો શરૂ થાય કે ઝાડ પર ગરમાળાના ઝુમખા લટકતા હોય, અને એની સાથે જ હવામાં વેકેશનના આગમનની મહેક પણ શરૂ થઈ જાય. સ્કૂલની વાર્ષિક પરીક્ષાઓની તૈયારીની સાથે સાથે આપણા મનમાં વેકેશનમાં મામાના ઘરે જવાની, ફરવા જવાની, મિત્રો સાથે રમવાની તૈયારીઓ પણ ચાલતી જ હોય. આપણામાંથી બધાને પોતાના વેકેશન એવા યાદ હશે, કે આંખ સામે આખું ફ્લેશબેક ફરી જાય.

              છેલ્લી બે પરીક્ષાઓ જો સંસ્કૃત કે પીટી કે કમ્યુટર જેવી સરળ હોય, તો આપણું વેકેશન ત્યાંથી જ શરૂ થઈ જાય. અને જો ભૂલેચૂકે વિજ્ઞાન કે ગણિત છેલ્લી આવી... તો બીજા મિત્રોથી જેલસ થવાનું. જો કે છેલ્લું પેપર પુરુ થાય, એટલે બળબળતા બપોરે જ ઘોડો છૂટ્ટો... એયને ત્યારથી જ શર્ટને ઈનમાંથી કાઢીને જાણે આપણે વેકેશનનું એલાન કરી દેતા. છેલ્લો દિવસ હોય એટલે રિક્ષાવાળા કાકા આઈસક્રીમ ખવડાવવા લઈ જાય. બસ શાળાના મિત્રો સાથે એ છેલ્લી મુલાકાત હોય, પછી તો સીધા ઉઘડતી નિશાળે મળવાના.

              અને વેકેશનની આપણી દિનચર્યા પણ કેટલી વ્યસ્ત રહેતી! એયને સવારે વહેલા ઉઠીને પાણીની બોટલને સાઈકલના કેરિયર પર લગાવીને બેટ બોલ રમવા નીકળી જવાનું. તો બપોરે જમવાના સમયે મમ્મી શોધવા નીકળે ત્યાં સુધી ભર તડકો રમ્યા જ કરવાનું. અને જો રવિવાર હોય તો મહાભારત કે શક્તિમાનનું મ્યુઝિક સંભળાય તો ભલે ગમે તેની બેટિંગ બાકી હોય, બોલ બેટ લઈને બેસી જવાનું સીધા ટીવીની સામે... અને ટીવી જોતા જોતા જમીને પાછા પત્તા રમવાના હોય. આસપાસના મિત્રોમાંથી કોઈ એકના ઘરે ભેગા થવાનું અને રસના પીતા પીતા 2-3 કલાક એયને મજાથી પત્તા રમવાના. એમાંય જો કોઈ મિત્રને ત્યાં વીડિયો ગેમ હોય, તો એનો તો વટ જ અનોખો રહેતો. બે રિમોટ, એક ટીવી અને રમવાવાળા 5 જણ.  ત્યાં જ 4-5 વાગ્યો સમય થાય, એટલે ચા પીધા વિના પણ રોકાયા વગર સાતોલિયું, દોડ પકડ, ભેગી સાંકળ, લખોટી, ગિલ્લા દંડા જેવી રમતો તો હાજર જ હોય.

              અને આ રમતો રમાય ત્યાં સુધી જ્યાં સુધી મંદિરમાં સાંજની આરતીનો ઘંટ ન સંભળાય. જેવો ઘંટ વાગે કે મંદિરમાં પહોંચી જવાનું. અને નગારુ, શંખ, ઝાલર વગાડવા માટે એયને મજાની ખેંચમતાણી થાય. અને હજીય દિવસ પૂરો ક્યાં થયો છે. અંધારું થાય એટલે અંધારાની રમતો તો રમવી પડે ને. કોઈ એને સ્ટોપ એન્ડ પાર્ટી કહે, કોઈ ચોર પોલીસ રમે તો કોઈ બીજું. પણ આપણો શોરબકોર સૂર્યોદય સાથે શરૂ થાય તો ચંદ્ર અધવચાળે આવે તોય ચાલું હોય.

              અને છેલ્લે એયને મસ્ત નહાઈને ધાબામાં ઠંડી થયેલી પથારીમાં આકાશમાં ઝબકતા તારલાઓ નીચે સૂઈ જવાનું, અને સપ્તર્ષિ કે પછી ધ્રુવનો તારો શોધવાનો.

              આમ કરતા કરતા વેકેશન ક્યાં પુરુ થઈ જાય ખબર જ ના પડે. અને સ્કૂલ શરૂ થવાનો દિવસ નજીક આવે એટલે યુનિફોર્મ ખરીદવાનો, નવો કંપાસ, નવા પુસ્તકો, નવું દફ્તર ખરીદવાનો ઉત્સાહ તો કંઈક અલગ જ હોય. જો કે સૌથી વધારે મજા રહેતી ધક્કા પેન્સિલ અને જુદા જુદા કાર્ટૂનવાળા સ્ટીકર ખરીદવાની. પહેલા દિવસે સ્કૂલે પહોંચીને ભાઈબંધે વેકેશનમાં શું કર્યો એનો હિસાબ લેવાનો અને આપવાનો. પછી સ્ટીકર સરખાવવાના. આ આયોજન દર વર્ષે ફિક્સ રહેતું..

              કંઈક આવો રહેતો ને આપણો ઉનાળો.. કંઈક આવું રહેતું આપણું વેકેશન.. હવે તો બસ આ યાદો બચી છે... એને મમળાવવાની અને જરાક મલકી લેવાનું.

Thursday, 8 April 2021


 

        શું તમે તમારા લાઈફ પાર્ટનરના પછી એ પત્ની હોય પતિ હોય કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ... એમના બેસ્ટ ફ્રેન્ડ છો? ક્યારેય તમે તમારી જાતને આ સવાલ પૂછ્યો છે?

        જ્યાં લાગણી હોય ને, ત્યાં અપેક્ષાઓ હોય.. અને જ્યારે અપેક્ષા પૂરી ના થાય તો અણબનાવ થાય..પણ જરા વિચારો.. ક્યારેય તમને તમારા એકદમ અંગત મિત્ર સાથે આવા અણબનાવ થયા છે કે સંબંધ તૂટવા પર આવી જાય... નહીં ને.. તો પછી પ્રેમમાં કે લગ્નમાં આવું કેમ થાય છે?

        કારણ કે... આપણે સંબંધોને બોજ બનાવી લઈએ છીએ.. પાર્ટનર માટે કંઈક કરીએ.. તો એ જતાવીએ છીએ.. પછી એ મદદ હોય કે સેક્રિફાઈસ.. અને આ જ વસ્તુ આપણા પાર્ટનર માટે પણ ભાર બની જાય છે..

        આપણે આપણા બેસ્ટફ્રેન્ડ માટે કરેલા કામ, મદદ, નાની હોય કે મોટી.. ક્યારેય ગણાવતા નથી.. તો સતત સાથે રહેનાર પાર્ટનરને કેમ ગણાવીએ છીએ? બેસ્ટ ફ્રેન્ડ પણ આપણા માટે ક્યારેય કંઈ કામ ન કરી શકે.. તો એ સંબંધ તોડી નથી નાખતા.. ગુસ્સો કરીએ.. ઝઘડીએ પણ થોડીવાર માટે..

        પરંતુ જો પતિ કે પત્ની આપણા માટે કંઈ ન કરી શકે.. એમના થોટ્સ આપણા કરતા અલગ હોય... તો આપણે એ પચાવી નથી શક્તા... આવું કેમ?

        એટલે જ પાર્ટનરના બેસ્ટ ફ્રેન્ડ બનો... મોટા ભાગની મુશ્કેલી દૂર થઈ જશે... સંબંધોની ગરિમા જાળવો,, પણ માહોલ હંમેશા લાઈટ રાખો... કારણ કે આખરે તો એમની ખુશી, એમની સ્માઈલ જ તો તમાર ખુશી છે ને!

 

Wednesday, 7 April 2021

સાંજ

       


    મારા માટે સાંજ એટલે હજીય તું જ છે.. આપણે છેલ્લી વાર અહીં બેઠા ત્યારે સાંજ જ તો હતી.. એ દિવસ બાદ, મારા માટે તો નવી સવાર ક્યારેય થઈ જ નથી.

    આજેય દરરોજ સાંજે આ જ વડના ઝાડ નીચે 5 મિનિટ માટેય બેસીને હું તારી યાદો વાગોળું છું..

    તને પણ યાદ હશે જ ને.. આ વડના ઝાડ નીચે ક્યારેક આપણે કલાકો બેસી રહેતા... ક્યારેક શૂન ચોકડીની રમત રમતા.. તો ક્યારેક સમાજની રૂઢિઓની ઉંડી ચર્ચાઓ કરતા... આ જ ચર્ચાઓ બાદ એક દિવસ તો તે મને કહેલું ને.. કે યુ આર ધ બેસ્ટ પર્સન ટુ ગેટ મેરિડ... મને આજેય તારા અવાજમાં એ વાક્ય સંભળાયા કરે છે...

    ખેર, ફરિયાદ નથી કરવી.. આજે ફરી આ હું એ જ ઝાડ નીચે બેસીને લખી રહ્યો છું... અહીંની વડવાઈ જાણે મને અડીને તારા સ્પર્શની યાદ આપી રહી છે..  મકોડાનો ચટકા.. મને તારી મસ્તીભરી ચૂંટલીઓ યાદ કરાવી રહ્યા છે... અને પાંદડાના ખખડવામાં તારું એ ખુલ્લુ હાસ્ય કાનમાં ગૂંજી રહ્યું છે..

    સાચું કહું?... ભલે તું નથી... પણ હજીય અહીંની હવામાં તારી સુગંધ છે... તારું નામ યાદ કરતા જ આવતી હવાની લહેરખી મારા ચહેરા પર એક શરમાળ સ્માઈલ લઈ આવે છે... જ્યારે જ્યારે અહીં બેસું છું, ત્યારે મને લાગતું જ નથી કે તું નથી.

    કાશ... જો એ દિવસે મેં તારુ કહેલું માનીને કાર ધીમે ચલાવી હોત... તો આજે પણ આ ઝાડ નીચે આપણે બંને સાથે બેઠા હોત....

 


Thursday, 3 September 2020

Rishi Kapoor: સુપર હિટ ‘મેરા નામ જોકર’ નહીં, પણ આ હતી પહેલી ફિલ્મ!



        રિશી કપૂરને મેરા નામ જોકર માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. નેશનલ એવોર્ડ મળવો કોઈ પણ એક્ટરનું સપનું હોય છે. અને રિશી કપૂરને આટલો મોટો એવોર્ડ પોતાની પહેલી ફિલ્મ મેરા નામ જોકરના કામ માટે મળ્યો, એ નાની સૂની વાત નથી. આ એવોર્ડ મળ્યો ત્યારે તેમની ઉંમર માત્ર 16 વર્ષ હતી. જો કે રસપ્રદ વાત એ છે કે પોતાના જ હોમ પ્રોડક્શન એટલે કે આર. કે બેનરની ફિલ્મ અને જેને ખુદ એમના પિતા રાજકપૂર ડિરેક્ટ કરી રહ્યા હતા, એ ફિલ્મમાં કામ કરવા માટે પણ શરત મૂકવામાં આવી હતી. સાથે જ એક બીજી ઈન્ટ્રેસ્ટિંગ વાત એ પણ છે કે મેરા નામ જોકર એ પહેલી ફિલ્મ નથી જ્યારે રિશી કપૂર સિલ્વર સ્ક્રીન પર દેખાયા હતા.

 

આજે તો ચિંટુજી આપણી વચ્ચે નથી. લૉકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે કેન્સર જેવી ભયાનક બીમારીએ રિશી કપૂરને આપણી પાસેથી છીનવી લીધા. રિશી કપૂરે કરિયરની બીજી ઈનિંગમાં જે પ્રકારની ફિલ્મો કરી, એ કદાચ એક એક્ટર તરીકે એમના માટે બેસ્ટ હતી. કરિયરના પહેલા તબક્કામાં રિશી કપૂર મોટા ભાગે રોમેન્ટિક હિરો તરીકે જ દેખાયા છે. જો કે બીજી ઈનિંગમાં દો દુની ચાર, ઔરંગઝેબ, ડી ડે’, અગ્નિપથ જેવી ફિલ્મોમાં એમણે સાવ જ જુદી ભૂમિકા ભજવી. કપૂર પરિવાર બોલીવુડમાં ત્રણ પેઢીથી છે. એટલે નેપોટિઝમની ચર્ચા થવી સ્વાભાવિક છે. કદાચ કપૂર પરિવારના હોવાને કારણે જ માત્ર 16 વર્ષની ઉંમરે તેમને પહેલી ફિલ્મ મળી ગઈ હતી. પણ આ પહેલી ફિલ્મ કરવા માટે ડિરેક્ટર રાજ કપૂર સામે શરત મૂકવામાં આવી હતી.

 


બોલીવુડમાં એક્ટર્સ જાતભાતની શરતો પર કામ કરતા હોય છે, એ નવાઈની વાત નથી. પણ અચરજ એ વાતનું જરૂર હોય કે રિશી કપૂરની પહેલી ફિલ્મ પિતા રાજ કપૂર ડિરેક્ટ કરી રહ્યા હતા, છતાંય એમની સામે શરત શું મૂકવી પડી. હકીકતમાં આ શરત રિશી કપૂરના માતા ક્રિષ્ના રાજ કપૂરે મૂકી હતી. શરત હતી કે રિશી કપૂરનો અભ્યાસ ન બગડવો જોઈએ. કપૂર પરિવાર ત્યારે ચેમ્બુરમાં રહેતો હતો. એક દિવસ ડિનર દરમિયાન રાજ કપૂરે પત્ની કૃષ્ણા પાસે રિશી કપૂરને કાસ્ટ કરવાની મંજૂરી માગી. આ સમયે રિશી કપૂર માત્ર 16 વર્ષના હતા. અને ડિનર ટેબલ પર માતા-પિતાની વાત સાંભળીને મનોમન મલકાઈ રહ્યા હતા. રાજ કપૂર તે સમયે મેરા નામ જોકરની તૈયારી કરી રહ્યા હતા, અને એમાં એમને રિશી કપૂરને કાસ્ટ કરવા હતા. ક્રિષ્ના રાજ કપૂરે શરત મૂકી કે શૂટિંગ માત્ર વીકએન્ડમાં જ થશે અને રિશી કપૂરની સ્કૂલ નહીં બગડે, તો જ એ ફિલ્મમાં કામ કરી શક્શે. પછી જો કે આ શરત જાળવી ન શકાઈ, જુદી જુદી જગ્યાએ શૂટિંગ થયું અને ભણવાનું પણ બગડ્યું પણ આ ફિલ્મે રિશી કપૂરને પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ અપાવ્યો.

 

રિશી કપૂરની એક્ટિંગની શરૂઆત આમ તો મેરા નામ જોકરથી થઈ. જો કે આ ફિલ્મ પહેલાય તેઓ સિલ્વર સ્ક્રીન પર દેખા દઈ ચૂક્યા હતા. અને ત્યારે એમની ઉંમર હતી માત્ર બે વર્ષ.  જી હાં, ફિલ્મ હતી રાજકપૂરની વધુ એક હિટ શ્રી420, જેમાં તેઓ નરગીસ સાથે કામ કરી રહ્યા હતા. શ્રી420નું એવરગ્રીન હિટ સોંગ પ્યાર હુઆ ઈકરાર હુઆ તો તમને યાદ હશે જ. જો ગીત યાદ ન હોય તો એકવાર યુટ્યુબ પર જોઈ લેજો, જી હાં જોઈ લેજો. ગીતમાં તમને ત્રણ બાળકો ધોધમાર વરસાદમાં એકબીજાનો હાથ પકડીને ચાલતા જતા દેખાશે. આ ત્રણ બાળકો કોઈ બાળકલાકાર નહીં પણ રિશી કપૂર, રણધીર કપૂર અને તેમની બહેન ઋતુ કપૂર છે.

 

                                     અહીં ક્લિક કરીને જુઓ ગીત

 

આ ગીતના શૂટિંગ વખતે રિશી કપૂર બે વર્ષના હતા, અને તેઓ શૂટિંગ કરવા તૈયાર જ નહોતા. કારણ કે ગીતમાં વરસાદની સિચ્યુએશન હતી, અને આંખમાં પાણી જતા રિશી કપૂરને નહોતું ગમતું. જો કે આખરે આ સિચ્યુએશનમાં નરગીસ તારણહાર સાબિત થયા. નરગીસે નાનકડા રિશી કપૂરને દરેક રિટેક પર કેડબરીની લાલચ આપી, અને આખરે ચિંટુજી શૂટિંગ કરવા તૈયાર થયા.

 

રિશી કપૂરની એક્ટિંગ કરિયર શાનદાર રહી છે. આમ તો કપૂર હોવાને કારણે એમને સતત કામ મળતું રહ્યું, પરંતુ કેટલાક તબક્કે એમને પણ મુશ્કેલી આવી છે. જેમાંથી એક મુશ્કેલી એ હતી કે રિશી કપૂરે જે સમયે ડેબ્યૂ કર્યો, ત્યારે ડિરેક્ટર્સને તેમના લાયક હિરોઈન્સ મળતી જ નહોતી. બોબીની હિરોઈન ડિમ્પલ કપાડિયા લગ્ન કરીને કરિયર છોડી ચૂક્યા હતા, તો શર્મિલા ટાગોર અને મુમતાઝ એ સમયે ટોચ પર હતા, એટલે એમને કાસ્ટ નહોતા કરી શકાતા. એટલે ડિરેક્ટર્સ જો રિશી કપૂરને કાસ્ટ કરે તો હિરોઈન કોને બનાવવી એ યક્ષ પ્રશ્ન હતો.. જો કે એની વાત કરીશું ફરી  કોઈવાર... અહીં જ!!

 

Thursday, 9 July 2020

શું તમને ખબર છે સુનીલ દત્ત અને નરગીસની લવસ્ટોરી ગુજરાતથી શરૂ થઈ હતી?


તસવીર સૌજન્યઃ ક્વીન્ટ.કોમ


નરગીસ બોલીવુડના ગ્રેટ એક્ટ્રેસ અને સુનીલ દત્તની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ એ કિસ્સો જગજાણીતો છે. હવે તો સંજુ જોયા પછી આપણને કદાચ દત્ત ફેમિલીની બીજી બાબતો પણ ખબર પડી છે. નરગીસજી પોતાના ત્રણે સંતાનો સંજુ, અંજુ (નમ્રતા) અને પ્રિયા દત્તને ખૂબ જ પ્રેમ કરતા હતા. અને બાળકો માટે તેમણે પોતાની ધોમધખતી ફિલ્મી કરિયર પણ છોડી દીધી. જો કે નરગીસજી અને સુનિલ દત્તની લવસ્ટોરીનો રંગ પણ કંઈક આવો જ છે. જેટલો પ્રેમ બાળકો માટે હતો એટલો જ નરગીસજીને સુનિલ દત્ત માટે હતો.

કેમ સુનિલ દત્તને ડુંગળી-લસણ ખવડાવતા હતા નરગીસ?
       
        એટલે સુધી કે જ્યારે સુનિલ દત્તને ફિલ્મમાં ઈન્ટિમેટ સીન શૂટ કરવાના હોય તો નરગીસજીને ઈનસિક્યોરીટી રહેતી. આમ તો નરગીસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુનિલ દત્ત કરતા સિનીયર હતા. બંને પહેલીવાર મળ્યા ત્યારે નરગીસ જી 46 ફિલ્માં કામ કરી ચૂક્યા હતા. એટલે સ્વાભાવિક છે કે સેટ પર કેવો માહોલ હોય એ તેમને ખ્યાલ જ હોય. સુનિલ દત્તના મિત્ર રાજ ગ્રોવરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું જ્યારે ઈન્ટિમેટ સીન શૂટ થવાનો હોય ત્યારે નરગીસ જી સુનિલ દત્તને કાંદા અને લસણવાળુ ભોજન આપતા, જેથી હિરોઈન્સ એમનાથી દૂર રહે.

ગુજરાતની ધરતી પર થઈ શરૂઆત

        આવી મસ્ત મસ્ત લવસ્ટોરીની શરૂઆતમાં ગુજરાતની ધરતી કારણરૂપ હતી. જી હાં, ફિલ્મ મધર ઈન્ડિયાના શૂટિંગમાં આગ લાગી અને સુનિલ દત્તે નરગીસને બચાવ્યા, બાદમાં બંનેએ લગ્ન કર્યા આ વાત બધ્ધે જ ચર્ચાયેલી છે. રસપ્રદ વાત એ છે કે આ ઘટના બની ત્યારે મહેબૂબ ખાનની આઈકોનિક ફિલ્મ મધર ઈન્ડિયાનું શૂટિંગ ગુજરાતના બિલીમોરામાં ચાલતુ હતું. ફિલ્મમાં આગ લાગવાનો સીન શૂટ કરવાનો હતો, અન ડિરેક્ટર મહેબૂબ ખાનના સમજાવવા છતાંય નરગીસજીએ બોડી ડબલ યુઝ કરવાની ના પાડી દીધી. પરંતુ શૂટિંગ સમયે પવનની દિશા બદલાઈ અને નરગીસજી આગમાં ફસાઈ ગયા. સુનિલ દત્તે પોતાના જીવની પરવા કર્યા વગર નરગીસને બચાવ્યા. જો કે આમાં સુનિલ દત્તે થોડી ઈજા થઈ. પોતાને બચાવનાર સુનિલ દત્તની નરગીસજીએ જાત્તે સેવા કરી. અને આ દરમિયાન બંને મિત્રો બન્યા. સાથી કલાકારો કરતા સવાઈ ઓળખાણ થઈ. 



નરગીસના ઘરની સામે બેસી રહેતા સુનિલ દત્ત  

સુનિલ દત્ત પોતાના કોલેજકાળમાં નરગીસના ઘરની સામે મરીન ડ્રાઈવની પાળી પર બેસી રહેતા. એક ઈન્ટરવ્યુમાં સુનિલ દત્તે સ્વીકાર્યુ હતુ કે નરગીસની બ્રિટિશ સ્પોર્ટ્સ કાર બિલ્ડીંગની બહાર નીકળે એ જોવા તે મિત્રો સાથે ખાસ બેસી રહેતા. અને વિધિના વિધાન તો જુઓ સુનિલ દત્તે નરગીસને પ્રપોઝ પણ કારમાં જ કર્યા હતા.  એક દિવસ સુનિલ દત્ત નરગીસને ઘરે મૂકવા ગયા, અને કહ્યું કે મને તું ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે. નરગીસ કંઈ કહ્યા વગર ઘરમાં જતા રહ્યા. સુનિલ દત્ત વિચારી રહ્યા કે આ શું કર્યું ? બીજા દિવસે શૂટિંગથી ઘરે આવ્યા તો એમની બહેન રાનીએ મુબારક બાદ આપી.. સુનિલ દત્ત ક્લૂ લેસ હતા. બહેન રાનીએ કહ્યું,ઉન્હોને હાં કર દી હૈ. નરગીસજી આઈથી એન્ડ સી એગ્રીડ. જો કે મધર ઈન્ડિયા રિલીઝ થઈ ત્યાં સુધી બંને પોતાના સંબંધો જાહેર નહોતા કરી શખ્યા. કારણ કે ફિલ્મમાં સુનીલ દત્ત નરગીસના પુત્રના રોલમાં હતા. મહેબૂબ ખાનને બીક હતી કે આ વાત જાહેર થશે તો ફિલ્મ પિટાઈ જશે. આખરે 11 માર્ચ 1958ના રોજ બંનેએ આર્યસમાજમાં લગ્ન કરી લીધા.
       
તસવીર સૌજન્યઃ કોઈમોઈ.કોમ

ટિફિન પણ બનાવતા નરગીસ  

ફાતીમા અબ્દુલ રશીદ તરીકે જન્મેલા નરગીસ બાળપણથી જ ખાધે પીધે સુખી ઘરમાં ઉછર્યા હતા. તેમના માતા જદનબાઈ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકાળાયેલા હતા. જો કે, સુનિલ દત્તનું ઘ નાનુ હતું. લાઈફસ્ટાઈલ જુદી હતી. પણ નરગીસ એડજસ્ટ થયા. નરગીસ માટે સુનિલ દત્ત એમની બહેન સાથે કૂકિંગ કોમ્પિટિશન કરાવતા હતા. કોઈ પણ સામાન્ય ગૃહિણીની જેમ નરગીસ સુનિલ દત્ત માટે ટિફિન બનાવતા. કદાચ રાજ કપૂર સાથેના સંબંધોમાં જે ન મળ્યુ એ બધું જ મેળવી લેવાની, અને આ સંબંધો સદા જાળવી રાખવાની મહેનત હતી. નરગીસ અને રાજ કપૂરના સંબંધોની ચર્ચા ખૂબ હતી. પણ રાજ કપૂર ક્યારેય નરગીસને અપનાવી ન શક્યા. આ સંબંધોમાં કદાચ નરગીસને એકલાપણું ખૂબ લાગ્યુ હતુ. એટલે જ સુનીલ દત્ત સાથેના સંબંધોમાં એમણે ખૂબ જ ધ્યાન રાખ્યુ. લગ્ન બાદ પણ સંબંધોને રીતસર ઉછેર્યા.      

અને નરગીસ-સુનિલ દત્તની ફિલ્મી સ્ટાઈલથી શરૂ થયેલી લવ સ્ટોરી આખી જિંદગી ફિલ્મી સ્ટાઈલની જ રહી. નરગીસને પેન્ક્રિયાકટીક કેન્સરનું નિદાન થયું. એ સમયે સંજય દત્તની જિંદગી પણ ડામાડોળ હતી. ફિલ્મ સ્ટાર હોવા છતાંય સુનિલ દત્ત પાસે પૈસાની તંગી થઈ હતી. નમ્રતા દત્તે એક વાતચીતમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે સુનિલ દત્ત નરગીસજીને ખવડાવતા, બ્રશ કરાવતા.. શક્ય એવી નાની મોટી બધી જ સેવા કરતા. અને નરગીસ પથારીવશ થવાથી એમના જીવનમાં પડેલી ખોટ મોટી હતી. કેટલીકવાર તેઓ એકલા ખૂણામાં રડી પણ રહેતા. જો કે કેન્સરને કારણે સુનિલ દત્તે 3 મે 1981ના રોજ નરગીસને ગુમાવી દીધા.

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...