Wednesday 24 July 2019

હાર્દિક ચૌહાણે માત્ર 45 મિનિટમાં જર્મનોને તૈયાર કરાવ્યું ‘મોર બની થનગાટ કરે’

હાર્દિક ચૌહાણે માત્ર 45 મિનિટમાં જર્મનોને તૈયાર કરાવ્યું ‘મોર બની થનગાટ કરે’
કોન્સર્ટ દરમિયાન જર્મન સિંગર્સને ગાઈડ કરી રહેલા હાર્દિક Image Courtesy: Jonathan Schoeps
ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અને આ કહેવત સાચી પડે તેવા હજારો દાખલા આપણે સાંભળ્યા છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે. જેનાથી પણ આ કહેવત શતપ્રતિશત સાચી પડી રહી છે. આ વીડિયો કદાચ તમે પણ જોયો હશે. જેમાં સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો એક યુવાન વિદેશી લોકોની વચ્ચે ગુજરાતી ગીતો ગાય છે. ઝવેરચંદ મેઘાણીની રચના મન મોર બની થનગાટ કરે અને ગુજરાતી ફિલ્મનું ગીત ગોરી રાધાને કાળો કાન ગાય છે. એટલું જ નહીં પાછળ ઉભેલા અન્ય વિદેશી ગાયકોને ગવડાવે પણ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો છે. વિશ્વ ભરના ગુજરાતીઓ આ યુવાન પર ઓવારી ગયા છે. શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે, સાથે જ ગોરાઓને ગુજરાતી ગાતા કરનાર આ યુવાન કોણ છે તે સવાલ પણ થઈ રહ્યો છે. ત્યારે gujaratimidday.com ના પ્રતિનિધિ ભાવિન રાવલે જર્મનીમાં રહેતા હાર્દિક ચૌહાણ સાથે ખાસ વાતચીત કરી.

જર્મનીમાં મેડિકલ એન્જિનિયરિંગ ભણે છે હાર્દિક

ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલા હાર્દિક ચૌહાણ મૂળ ઈડરનો છે, જો કે વર્ષોથી તેમનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો છે. હાર્દિક છેલ્લા ત્રણ વર્ષથી જર્મનીમાં છે, જ્યાં તે મેડિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. તો પછી મ્યુઝિક કેવી રીતે ? આ સવાલનો જવાબ હાર્દિકના પરિવારમાં છુપાયેલો છે. હાર્દિકનું કહેવું છે કે ગાવું એ મારો શોખ છે. ટેલેન્ટ છે અને હું ગાયા વિના નથી રહી શક્તો, એટલે જર્મનીમાં અહીં વિદ્યાર્થીઓનું ગ્રુપ છે, તેમની સાથે ગાઉં છું.
hardik chauhan

ગળથૂથીમાં જ મળ્યું છે સંગીત

તમને જાણીને આશ્ચર્ય થશે કે હાર્દિક માટે ગાયન અને સંગીત એ લોહીમાં જ છે. હાર્દિકના પરિવારમાં માત્ર તે પોતે જ એવા વ્યક્તિ છે, જે હાલ સિંગિંગથી દૂર છે. હાર્દિકના પિતા કમલેશ ચૌહાણ મ્યુઝિક ટીચર છે, કાકા મ્યુઝિક ટચર છે. તો હાર્દિક કહે છે કે મારા દાદીના પપ્પા પણ સંગીત શીખવતા. હાર્દિકના ભાઈ પણ મ્યુઝિક કંપોઝ કરે છે અને ગાય છે. એટલે સુધી કે અમદાવાદમાં હતા ત્યાં સુધી હાર્દિક પોતે પણ ગુજરાતી નાટકોમાં એક્ટિંગની સાથે સાથે સંગીત આપી ચૂક્યા છે. જો કે હાર્દિકે ગાયકીની કોઈ પ્રોફેશનલ તાલીમ નથી લીધી. આ અમદાવાદી યુવાન કહે છે કે 10મા ધોરણ સુધી હું ગમે તે રીતે ગાતો હતો. પણ પછી પપ્પાએ બેઝિક ગાવાનું શીખવ્યું, એ રીતે હું ગાતા શીખ્યો. હાર્દિકના પપ્પા કમલેશ ચૌહાણ જાણીતા મ્યુઝિશિયન છે, તેઓ ગુજરાતી નાટકોમાં પણ સંગીત આપે છે. આ ઉપરાંત હાર્દિક પોતે જાણીતા ગ્રુપ દર્પણામાં મ્યુઝિક પ્રોડક્શન કરી ચૂક્યા છે.
45 મિનિટમાં જ હાર્દિકે જર્મનીઓને ગુજરાતી ગીત શીખવ્યું
જો કે જર્મનીમાં જર્મન લોકોને ગીત ગુજરાતી ગીત ગવડાવવું એ ચેલેન્જ તો છે જ. જો કે હાર્દિકના કહેવા પ્રમાણે તેમણે આ તૈયારી માત્ર 45 મિનિટમાં જ કરી હતી. જી હાં, હાર્દિકે માત્ર 45 મિનિટમાં આ ગીત કમ્પોઝ કર્યા અને જર્મન સિંગર્સને ગુજરાતી ગાતા શીખવ્યું. હાર્દિક હે છે કે આ જે ગ્રુપનો વીડિયો વાઈરલ થયો છે, તેમની સાથે હું છેલ્લા દોઢ વર્ષથી ગાઉં છું અને આ ગ્રુપ 70 વર્ષ જુનું છે. આ ગ્રુપ ફ્રીડરિશ શીલર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું છે જેમની સાથે મેં છ મહિના પહેલા 31 ડિસેમ્બરે ગાયું હતું. તે સમયે ઉજવણી માટે બધા અંગ્રેજી અને કેરલ સોંગ્સ ગાત હતા. તો ફ્રેન્ડ્ઝે કહ્યું કે હાર્દિક તુ સારુ ગાય છે તો તુ પણ ગાને. જો કે મને અંગ્રેજી ગીતો નહોતા ગાવા. એટલે મં ગ્રુપના લીડર ફાબિયાનને કહ્યું હું ગુજરાતી ગાઈશ. અને પહેલીવખત મેં મન મોર બની થનગાટ ગાયું. એ બધાને એટલું ગમ્યું કે ફાબિયાને મને આ ગ્રુપની 70મી એનિવર્સિરી નિમિત્તે થનારા કોન્સર્ટમાં ગાવા માટે આમંત્રણ આપી દીધું. અને બીજા દિવસે થનારા શોમાં ગાવા પણ કહી દીધું.

45 મિનિટમાં જ જર્મનોને ગુજરાતી ઉચ્ચાર શીખવવા એક ચેલેન્જ હતી

હાર્દિક કહે છે કે પહેલા દિવસે તો મેં એકલાએ ગીત ગાયું હતું, અને બાકીના સિંગર્સે હમિંગ કર્યું. પણ આટલા સારા ટેલેન્ટેડ સિંગર્સ હતા, તો મારે બધાને ગવડાવવું હતું. પણ કોન્સર્ટ માટે સમય ખૂબ ઓછો હતો, ઉપરથી કુલ 20 જેટલા સોંગ હતા. એટલે મારી પાસે તૈયારી માટે માત્ર 45 મિનિટ જ હતી, એમાં મારે તેમને ગુજરાતી ઉચ્ચારો શીખવવાના હતા, ગીત સમજાવવાનું હતું. અઘરું હતું, પણ બોલી બોલીને મેં તેમને શીખવ્યું અને બધાએ ઝડપથી કેચઅપ પણ કરી લીધું. જો કે વચ્ચે વચ્ચે મારે ક્યૂ આપવી પડી, પણ જે તૈયાર થયું એ તો હવે દુનિયા આખી જોઈ ચૂકી છે. હાર્દિકે જ્યારે પહેલીવાર કોન્સર્ટમાં આ કમ્પોઝિશન રજૂ કર્યું ત્યારથી જ લોકોને ખૂબ ગમ્યું. હાર્દિક કહે છે કે જર્મન લોકોને ન હોતું સમજાયું તેમ છતાંય તેઓને ગીત ખૂબ ગમ્યું હતું. એક કિસ્સો યાદ કરતા હાર્દિક કહે છે કે એક વખત એક કાર્યક્રમમાં મેં વૈષ્ણવ જન ગીત ગાયું હતું. ત્યારે ભારતીય મૂળના એક જર્મન વ્યક્તિને એટલું ગમી ગયું તે ભાવુક થઈ ગયો અને મને મળવા આવ્યો. એટલે સંગીતને સરહદ નથી નડતી.


સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે હાર્દિકનો વીડિયો

હાર્દિકનો આ વીડિયો હાલ તો વિશ્વભરમાં પહોંચી ચૂક્યો છે, હાર્દિક લિટરલી એક ઈન્ટરનેટ સેલેબ બની ચૂક્યા છે. જો કે હાર્દિક કહે છે કે,'મેં કંઈ ખાસ નથી કર્યું. મેં બસ ગાયુ છે અને લોકોને ગમ્યું છે.' તો હવે આગળ શું ? હાર્દિક કહે છે કે હાલ તો મારે માસ્ટર્સ પુરુ કરવું છે, કારણ કે મારું ભણવાનું જર્મન લેંગ્વેજમાં છે, એના માટે મેં આ ભાષા શીખી છે. એટલે પ્રાયોરિટી તો માસ્ટર્સની છે, પણ સંગીત ક્યારેય છૂટશે નહીં. હાર્દિક જર્મન ભાષામાં પણ ગીતો ગાય છે. જર્મનીમાં પણ હાર્દિક ગુજરાતી ગીતો ગાઈ લોકપ્રિય થઈ ચૂક્યા છે, લોકો તેમને કોન્સર્ટ માટે આમંત્રણ આપે છે. હાર્દિક બોલીવુડ સોંગ્સની સાથે સાથે પોતે કમ્પોઝ કરેલા ગીતો પણ ગાય છે.


'જ્યાં પણ રહીશ, જે પણ કરીશ, મ્યુઝિક ક્યારેય નહીં છોડું'


હાર્દિકનું કહેવું છે કે સંગીત સાથે તેને ખૂબ લગાવ છે, એટલે તે ભારતમાં રહે કે જર્મનીમાં સંગીત ક્યારેય નહીં છૂટે. સાથે જ હાર્દિક ગુજરાતી ફિલ્મમાં ટ્રાય કરવાની શક્યતા પણ વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક ચૌહાણનું કહેવું છે,'હા, હું ગુજરાતી ફિલ્મોમાં ટ્રાય કરી શકું છું.' મહત્વનું છે કે તેનો આ વીડિયો વાઈરલ થયા બાદ હાર્દિકની લાઈફમાં કોઇ ફેર નથી પડ્યો અને તેની લાઇફ રૂટિન ચાલી રહી છે. હાર્દિક કહે છે કે સંખ્યાબંધ લોકો મને કોંગ્રેચ્યુલેશન આપી રહ્યા છે. પણ બધાને જવાબ આપવો શક્ય નથી. એટલે gujaratimidday.comના માધ્યમથી હું બધાનો આભાર માનું છું. આ વીડિયોને પસંદ કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...