Thursday 16 December 2021

માસૂમ મોહબ્બત

 


        મોહબ્બત.. પ્યાર.. ઈશ્ક.. પ્રેમ... આ બધા શબ્દો સાંભળતા જ દરેકની આંખો સામે એક ચહેરો તો આવી જતો હશે ને.. એક માસૂમ ચહેરો.. જેના માટે પહેલીવાર પ્રેમ કે પ્રેમ જેવી જ એક લાગણી થઈ હશે... દરેક વ્યક્તિની એક માસૂમ મોહબ્બત હોય છે.. કદાચ પહેલો પ્રેમ...

        જરાક જરાક સમજણ આવતી હોય.. હોર્મોન્સ ચેન્જ થઈ રહ્યા હોય.. મોટા થઈ રહ્યા હોવાનો અહેસાસ થતો હોય.. ત્યારની માસૂમ મોહબ્બત બધાએ એકવાર તો કરી જ હશે ને....

        જેમાં આપણા ગમતા વ્યક્તિને જોતા રહેવાની પણ મજા હોય છે..... એ ઘરની બહાર નીકળે.. કે સ્કૂલેથી પાછી આવે.. ત્યારે બસ એને જોવા માટે તડકામાં રાહ જોવાની.. અને એની એક ઝલક મેળવવાથી મન તરબતર થઈ જાય...

         હાથમાં એના નામનો પહેલો અક્ષર ઘૂંટી ઘૂંટીને આપણે જાણે જીવનભરનો એનો સાથે નક્કી કરતા ને... તમારા નામના પહેલા અક્ષર સાથે.. એના નામનો પહેલો અક્ષર જોડીને ફ્રેન્ડ્ઝ જ્યારે ચીડવે... ત્યારે બહારથી ભલે ગુસ્સો કરીએ.. પણ મનોમન તો બ્લશિંગ જ થતું.... અને નોટબુકના છેલ્લા પાને... એનું નામ ઘૂંટતા.. એના નામના અક્ષરો અને આપણા નામના અક્ષરોનો સરવાળો કરીને... એ માસૂમ લવ લાઈફનું ભવિષ્ય ચેક કરતા.. સ્કૂલેથી છૂટીને એની પાછળ પાછળ.. એના ઘર સુધી જતા.. જો એ સામે જુએ ને... તો આપણી નજર ફરી જાય... પણ એની એ અમી નજર માટે તો પાછા આપણે તરસતા જ રહીએ... એની સાથે જો એકવાર વાત થઈ જાય... તો ફ્રેન્ડ્ઝ સામે કોલર ઉંચો કરીને ફરવાનું... અને દિવસો સુધી એ શબ્દો મમળવાતા રહેવાની પણ મજા હતી..

        અને ખાસ તો.. તહેવારો તો એની સાથે જ મનાવવાના.. એ જો ફિરકી પકડે ને તો જ પેચ કપાય.. એ જો સામે ઉભી હોય.. તો બોમ્બ હાથેથી સળગાવીને ફેંકાય... અને બેસતા વર્ષે પહેલું સાલમુબાકર પણ એને જ કહેવાય... ગરબામાં જ્યારે રાસ આવે.. ત્યારે જો કોઈક બીજું એની સાથે ડાંડિયા રમે ને.. આપણો ચહેરો લાલચોળ થઈ જાય..

        ગલીમાં ક્રિકેટ રમતા સમયે,, એ જો બાલ્કનીમાં હોય.. તો શોટ તો ફટકારવો જ પડે... પત્તા રમતી વખતે જો સામે બેઠી હોય.. તો એની સાથે આંખોથી ઈશારા કરીને ચીટિંગ થઈ જાય... અને સ્ટોપ એન્ડ પાર્ટી રમતા સમયે.. એ જો પહેલી દેખાઈ જાય ને.. તોય એને આઉટ નહીં કરવાની.. કદાચ આ જ હતી માસૂમ મોહબ્બત...

       પણ પછી જેમ જેમ મોટા થઈએ ને.. એમ એમ આ મોહબ્બત.. કરિયરની ભાગદોડમાં... પરિવારના ડરમાં ખોવાતી જાય.. નસીબદાર હોય છે.. એ લોકો.. જે બાળપણની આ માસૂમ મોહબ્બતને જિંદગીભરના સાથમાં કન્વર્ટ કરી શકે છે..

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...