Thursday, 16 December 2021

માસૂમ મોહબ્બત

 


        મોહબ્બત.. પ્યાર.. ઈશ્ક.. પ્રેમ... આ બધા શબ્દો સાંભળતા જ દરેકની આંખો સામે એક ચહેરો તો આવી જતો હશે ને.. એક માસૂમ ચહેરો.. જેના માટે પહેલીવાર પ્રેમ કે પ્રેમ જેવી જ એક લાગણી થઈ હશે... દરેક વ્યક્તિની એક માસૂમ મોહબ્બત હોય છે.. કદાચ પહેલો પ્રેમ...

        જરાક જરાક સમજણ આવતી હોય.. હોર્મોન્સ ચેન્જ થઈ રહ્યા હોય.. મોટા થઈ રહ્યા હોવાનો અહેસાસ થતો હોય.. ત્યારની માસૂમ મોહબ્બત બધાએ એકવાર તો કરી જ હશે ને....

        જેમાં આપણા ગમતા વ્યક્તિને જોતા રહેવાની પણ મજા હોય છે..... એ ઘરની બહાર નીકળે.. કે સ્કૂલેથી પાછી આવે.. ત્યારે બસ એને જોવા માટે તડકામાં રાહ જોવાની.. અને એની એક ઝલક મેળવવાથી મન તરબતર થઈ જાય...

         હાથમાં એના નામનો પહેલો અક્ષર ઘૂંટી ઘૂંટીને આપણે જાણે જીવનભરનો એનો સાથે નક્કી કરતા ને... તમારા નામના પહેલા અક્ષર સાથે.. એના નામનો પહેલો અક્ષર જોડીને ફ્રેન્ડ્ઝ જ્યારે ચીડવે... ત્યારે બહારથી ભલે ગુસ્સો કરીએ.. પણ મનોમન તો બ્લશિંગ જ થતું.... અને નોટબુકના છેલ્લા પાને... એનું નામ ઘૂંટતા.. એના નામના અક્ષરો અને આપણા નામના અક્ષરોનો સરવાળો કરીને... એ માસૂમ લવ લાઈફનું ભવિષ્ય ચેક કરતા.. સ્કૂલેથી છૂટીને એની પાછળ પાછળ.. એના ઘર સુધી જતા.. જો એ સામે જુએ ને... તો આપણી નજર ફરી જાય... પણ એની એ અમી નજર માટે તો પાછા આપણે તરસતા જ રહીએ... એની સાથે જો એકવાર વાત થઈ જાય... તો ફ્રેન્ડ્ઝ સામે કોલર ઉંચો કરીને ફરવાનું... અને દિવસો સુધી એ શબ્દો મમળવાતા રહેવાની પણ મજા હતી..

        અને ખાસ તો.. તહેવારો તો એની સાથે જ મનાવવાના.. એ જો ફિરકી પકડે ને તો જ પેચ કપાય.. એ જો સામે ઉભી હોય.. તો બોમ્બ હાથેથી સળગાવીને ફેંકાય... અને બેસતા વર્ષે પહેલું સાલમુબાકર પણ એને જ કહેવાય... ગરબામાં જ્યારે રાસ આવે.. ત્યારે જો કોઈક બીજું એની સાથે ડાંડિયા રમે ને.. આપણો ચહેરો લાલચોળ થઈ જાય..

        ગલીમાં ક્રિકેટ રમતા સમયે,, એ જો બાલ્કનીમાં હોય.. તો શોટ તો ફટકારવો જ પડે... પત્તા રમતી વખતે જો સામે બેઠી હોય.. તો એની સાથે આંખોથી ઈશારા કરીને ચીટિંગ થઈ જાય... અને સ્ટોપ એન્ડ પાર્ટી રમતા સમયે.. એ જો પહેલી દેખાઈ જાય ને.. તોય એને આઉટ નહીં કરવાની.. કદાચ આ જ હતી માસૂમ મોહબ્બત...

       પણ પછી જેમ જેમ મોટા થઈએ ને.. એમ એમ આ મોહબ્બત.. કરિયરની ભાગદોડમાં... પરિવારના ડરમાં ખોવાતી જાય.. નસીબદાર હોય છે.. એ લોકો.. જે બાળપણની આ માસૂમ મોહબ્બતને જિંદગીભરના સાથમાં કન્વર્ટ કરી શકે છે..

Friday, 12 November 2021

પપ્પા

 

       


         તમે ક્યારેય પપ્પાને ટાઈટ હગ આપ્યું છે? છોકરીઓ માટે કદાચ આ સહેલું છે, પણ છોકરાઓ માટે એટલું જ અઘરું.

        આપણી ફરિયાદ હોય છે કે પપ્પા આપણને સમજતા નથી. બૌદ્ધિકો કહેશે કે પપ્પાએ છોકરાઓના ફ્રેન્ડ બનવું જોઈએ, પણ જરા જાતને પૂછો, તમે ક્યારેય પપ્પાના ફ્રેન્ડ બનવાની કોશિશ કરી છે?

        પપ્પા બિઝનેસમેન હોય કે નોકરિયાત, બધા જ ટેન્શન વચ્ચે એમણે આપણને રમકડાં અપાવ્યા છે, ભણવાની ફીઝ ભરી છે. એમના ખિસ્સામાં પૈસા હોય કે ન હોય, સ્કૂલમાંથી પિકનિક જવાના પૈસા કે કેન્ટીનમાં નાસ્તો કરવાની પોકેટમની એમણે જ આપી છે. પહેલું બાઈક પણ પપ્પાએ જ લઈ આપ્યું હશે.

        પણ.... ક્યારેય તમે પપ્પાને દુઃખ વ્યક્ત કરતા જોયા છે? ક્યારેય તમારી સામે પપ્પાએ ટેન્શન કહ્યું છે? મારી તો ના છે. તમે પણ તમારી જાતને આ સવાલ પૂછજો .. પૂછજો કે તમે ક્યારેય પપ્પાને એ સ્પેસ આપી છે કે એ તમારી સાથે બેસીને એમની લાગણી, સંઘર્ષ, તમારું ગમતું ન કરી શકવાથી થતી લાગણી ખુલીને કહી શકે? જો હા, તો મારા માટે તો તમે બેસ્ટ પુત્ર કે પુત્રી છો.. પણ જો ના, તો જરા અટકીને વિચારજો.

        બની શકે તો અત્યારે જ પપ્પા ને એક મસ્ત મજાનું ટાઈટ હગ આપો અને કહો પપ્પા, આપણે તો દોસ્ત બની ગયા.

Friday, 9 July 2021

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી

 

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,

બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

 

જનાબ સૈફ પાલનપુરીની આ પંક્તિઓ જીવનનું અણગમતું સત્ય છે. ગમે કે ન ગમે, સહન થાય કે ન થાય, પરંતુ દરેક વ્યક્તિનો અનુભવ હશે કે આપણને દુઃખ પહોંચાડનારા, નુક્સાનકરનારા લોકો મોટેભાગે અંગત હશે. કોઈ અજાણી વ્યક્તિએ કરેલા નુક્સાન કરતા અંગત વ્યક્તિએ કરેલું નુક્સાન વધારે મોટું હશે. 

        જો આપણે બાળપણથી અત્યાર સુધીના વર્ષોનું એક નાનકડું એનાલિસીસ કરીએ તો ખ્યાલ આવી જ જશે કે, જે વસ્તુ જે પરિસ્થિતિ તમને ખુશ કરી શકે છે.. એ તમને દુઃખી પણ કરી શકે છે..જે વ્યક્તિ તમને હસાવી શકે છે.. એ જ તમને રડાવી પણ શકે છે.. નાના હોઈએ ત્યારે કોઈ રમકડું ખૂબ જ ગમતું હોય... એ રમીએ ત્યારે મજા બહુ આવે.. પણ તૂટી જાય ત્યારે રડવું પણ એટલું જ આવે... મોટા થયા પછી આ રમકડાની જગ્યા વ્યક્તિઓ લઈ લે છે. કેટલીકવાર મિત્રો, કેટલીકવાર સ્વજનો... જેની સાથે આપણે આનંદથી જીવન પસાર કરતા હોઈએ એ જ આપણને કોઈ વાતે દુઃખી કરી જાય.

        સાવ એવું પણ નથી કે બધા જ અંગત લોકો આપણો ઉપયોગ કરી જાય છે, કે દુઃખી કરી જાય છે. આજના સમયમાં પણ તમારી સાથે ખરાબ સમયમાં ખભેખભો મિલાવીને ઉભા રહે એ જીગરજાન મિત્રો, એવા સગાસંબંધીઓ હશે જ. એનો પણ તમને અનુભવ હશે જ. જે કેટલીકવાર તમે ખોટા હોવા છતાંય તમને એક સવાલ પૂછ્યા વગર સાથ આપે.

        પણ આ સાથ કરતાંય વધારે દુઃખ પેલા એવા અંગત લોકો પહોંચાડી જાય છે, જેના પણ આપણે જાત કરતા વધારે વિશ્વાસ મૂક્યો હોય છે. ક્યારેક આપણે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મૂકી દઈએ છીએ. ક્યારેક એ વ્યક્તિ પોતાની મજબૂરીમાં કે પછી જાણી જોઈને એના સ્વભાવ મુજબ આપણી સાથે ખરાબ કરી જાય છે. એક હકીકત એ પણ છે કે કોઈ આપણું નુક્સાન કરી જાય, એટલી જગ્યા આપણે આપણી જિંદગીમાં જાતે જ આપીએ છીએ.           

        પણ આનો ઉપાય શું? આ પરિસ્થિતિનું મૂળ છે અપેક્ષા. બીજી રીતે કહીએ તો કોઈના પર મૂકેલો વિશ્વાસ. જ્યારે આપણે મુસીબતમાં હોઈએ, ખરાબ સ્થિતિમાં હોઈએ તો આપણને કોઈ અંગત મિત્ર, કે વ્યક્તિ પાસેથી મદદની અપેક્ષા હોય. પણ એ જ્યારે આપણને મદદ ન કરી શકે, આપણી અપેક્ષા પર ખરા ન ઉતરે, ત્યારે આપણને દુઃખ થાય છે. એટલે કેટલેક અંશે તો આપણી સ્થિતિના જવાબદાર આપણે જ છીએ.

        ધારો કે તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ તમને છોડીને જતા રહે છે, તો દિવસો સુધી આપણને કશું ગમતું નથી. કેમ? કારણ કે એ વ્યક્તિ પાસેથી આપણને અપેક્ષા હતી કે દુનિયા ઉંધી ચત્તી થશે, આ વ્યક્તિ આપણી સાથે રહેશે. આ વ્યક્તિ છે, જેની સાથે મારે સુખ દુખ ભોગવવા છે. એટલે મૂળ તો અપેક્ષા જ છે.

        સ્થિતપ્રજ્ઞતા કેળવવી અઘરી છે. આપણે સામાન્ય માણસો છીએ, લાગણીશીલ છીએ. લાગણી વગર આપણી દુનિયા ચાલતી નથી. પણ છતાંય જો કેટલાક સંબંધોમાં, કેટલીક મિત્રતામાં, બિઝનેસમાં લાગણીઓ વિસારે પાડવી જરૂરી છે, પ્રેક્ટિકલ બનવું જરૂરી છે. બધા પર આંખ મીંચીને ભરોસો કરવો એ આપણી જ લાગણીઓને તોડવા માટે આમંત્રણ આપવા જેવી વાત છે.

        ધોનીને ક્રિકેટ રમતા આપણે બધાએ જોયો છે ને... વિરોધીની વિકેટ પડે તો પણ ખાસ ઉજવણી નહીં... ગમે તેવી ટેન્સ્ડ સિચ્યુએશન હોય,.. વિરોધી ટીમ જીતતી હોય તો પણ એના ચહેરા પર રતિભારનો ફરક ન વર્તાય. આ સિચ્યુએશનમાં પહોંચવું સરળ નથી. પણ જો આ સ્થિતપ્રજ્ઞતા કેળવી શકીએ.. તો નિષ્ફળતા.. દગો... કોઈ આપણી અપેક્ષા પર ખરું ન ઉતરે એવી સ્થિતિમાં આપણે પોતાની જાતને દુઃખી થતાં બચાવી શકીએ છીએ. સીધીની સટ વાત એ છે કે કોઈ આપણને મદદ ન કરે, આપણું કામ ન કરે... તો એને ખૂંચવું જોઈએ.. આપણને શા માટે કંઈ થાય?

    એટલે જો શક્ય હોય.. તો સ્થિતપ્રજ્ઞ બનતા શીખવું જોઈએ... શક્ય હોય એટલો લાગણી પર કાબુ રાખતા શીખવુ જરૂરી છે...

 

 થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,

ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

 

 

Wednesday, 9 June 2021

તમે ક્યારેય કોઈ અજાણી વ્યક્તિને થેન્ક યુ કહ્યું છે?

 


તમે ક્યારેય કોઈ અજાણી વ્યક્તિને થેન્ક યુ કહ્યું છે?

લાઈફ ઈઝ અ સર્કલ, ધ વર્લ્ડ ઈઝ અ સર્કલ.. અને કર્મનો સિદ્ધાંત પણ માનીએ તો સારા કર્મનું ફળ સારું જ મળે છે, પણ ક્યાંથી મળે એ આપણા હાથમાં નથી.

જરૂરી નથી કે તમે કોઈને મદદ કરી હોય, તમારી જરૂરિયાતના સમયે એ જ વ્યક્તિ તમને હેલ્પ કરે!

ઘણીવાર એવું બન્યું હશે ને કે તમને સાવ ક્યાંક અજાણી જગ્યાએથી, અજાણ્યા વ્યક્તિએ મદદ કરી હોય.

વરસાદમાં વ્હિકલ બગડ્યું હોય અને કોઈ ધક્કો મારી આપે... એક્સિડન્ટ થયો હોય અને કોઈ તરત જ આવીને તમને હોસ્પિટલ પહોંચાડે. ઓફિસમાં ક્યાંય અટવાયા હોય અને ધાર્યું ન હોય એવા કલીગ તમને હેલ્પ કરી દે. ક્યારેક ભીડભાડવાળી બસ કે ટ્રેનમાં કોઈ તમને પોતાની સીટ આપી દે...

આવા ઘણા બનાવો છે, અનુભવો છે, જ્યાં આપણને આશા ન હોય એ દિશામાંથી અચાનક મદદ આવીને ઉભી રહે.. કહેવાય છે કે ઈશ્વરની લાકડીમાં અવાજ નથી હોતો. તો મિત્ર, ઈશ્વરની મદદમાં પણ અવાજ નથી હોતો.. એ બસ કોઈ સ્વરૂપે આવે અને મદદ કરે...

તો ચાલો આજે એ બધા જ અજાણ્યા લોકોને થેન્ક યુ કહીએ.. જેમણે જાણે અજાણે આપણી મદદ કરી છે.. આપણી લાઈફ સરળ બનાવી છે... Thank You દોસ્ત... મુશ્કેલીમાં મારો સહારો બનવા માટે મને Thank You… સાચવી લેવા માટે...

Wednesday, 5 May 2021

..... અને એક વેકેશન હતું!

 


ઉનાળો ફેલાતો જાય...

માતેલો તાપ ઠેઠ જીવ સુધી પહોંચ્યો તે દરિયા પણ સુક્કા દેખાઇ

દરેક ઉનાળે રમેશ પારેખના આ શબ્દો ગાવાની મજા આવે છે... પણ આ ઉનાળાનો તાપ માતેલો તો હવે લાગે છે, જ્યારે આપણને એસી ઓફિસમાં, એસી કારમાં બેસવાની અને ફ્રીજનું જ પાણી પીવાની આદત પડી છે. નહીં તો જરા યાદ કરો આપણું બાળપણ. આવા જો ધોમધખતા તડકામાં ચડ્ડીઓ પહેરીને, સ્લીપર ચડાવીને કેવા રમતા હતા?

              એપ્રિલ મહિનો શરૂ થાય કે ઝાડ પર ગરમાળાના ઝુમખા લટકતા હોય, અને એની સાથે જ હવામાં વેકેશનના આગમનની મહેક પણ શરૂ થઈ જાય. સ્કૂલની વાર્ષિક પરીક્ષાઓની તૈયારીની સાથે સાથે આપણા મનમાં વેકેશનમાં મામાના ઘરે જવાની, ફરવા જવાની, મિત્રો સાથે રમવાની તૈયારીઓ પણ ચાલતી જ હોય. આપણામાંથી બધાને પોતાના વેકેશન એવા યાદ હશે, કે આંખ સામે આખું ફ્લેશબેક ફરી જાય.

              છેલ્લી બે પરીક્ષાઓ જો સંસ્કૃત કે પીટી કે કમ્યુટર જેવી સરળ હોય, તો આપણું વેકેશન ત્યાંથી જ શરૂ થઈ જાય. અને જો ભૂલેચૂકે વિજ્ઞાન કે ગણિત છેલ્લી આવી... તો બીજા મિત્રોથી જેલસ થવાનું. જો કે છેલ્લું પેપર પુરુ થાય, એટલે બળબળતા બપોરે જ ઘોડો છૂટ્ટો... એયને ત્યારથી જ શર્ટને ઈનમાંથી કાઢીને જાણે આપણે વેકેશનનું એલાન કરી દેતા. છેલ્લો દિવસ હોય એટલે રિક્ષાવાળા કાકા આઈસક્રીમ ખવડાવવા લઈ જાય. બસ શાળાના મિત્રો સાથે એ છેલ્લી મુલાકાત હોય, પછી તો સીધા ઉઘડતી નિશાળે મળવાના.

              અને વેકેશનની આપણી દિનચર્યા પણ કેટલી વ્યસ્ત રહેતી! એયને સવારે વહેલા ઉઠીને પાણીની બોટલને સાઈકલના કેરિયર પર લગાવીને બેટ બોલ રમવા નીકળી જવાનું. તો બપોરે જમવાના સમયે મમ્મી શોધવા નીકળે ત્યાં સુધી ભર તડકો રમ્યા જ કરવાનું. અને જો રવિવાર હોય તો મહાભારત કે શક્તિમાનનું મ્યુઝિક સંભળાય તો ભલે ગમે તેની બેટિંગ બાકી હોય, બોલ બેટ લઈને બેસી જવાનું સીધા ટીવીની સામે... અને ટીવી જોતા જોતા જમીને પાછા પત્તા રમવાના હોય. આસપાસના મિત્રોમાંથી કોઈ એકના ઘરે ભેગા થવાનું અને રસના પીતા પીતા 2-3 કલાક એયને મજાથી પત્તા રમવાના. એમાંય જો કોઈ મિત્રને ત્યાં વીડિયો ગેમ હોય, તો એનો તો વટ જ અનોખો રહેતો. બે રિમોટ, એક ટીવી અને રમવાવાળા 5 જણ.  ત્યાં જ 4-5 વાગ્યો સમય થાય, એટલે ચા પીધા વિના પણ રોકાયા વગર સાતોલિયું, દોડ પકડ, ભેગી સાંકળ, લખોટી, ગિલ્લા દંડા જેવી રમતો તો હાજર જ હોય.

              અને આ રમતો રમાય ત્યાં સુધી જ્યાં સુધી મંદિરમાં સાંજની આરતીનો ઘંટ ન સંભળાય. જેવો ઘંટ વાગે કે મંદિરમાં પહોંચી જવાનું. અને નગારુ, શંખ, ઝાલર વગાડવા માટે એયને મજાની ખેંચમતાણી થાય. અને હજીય દિવસ પૂરો ક્યાં થયો છે. અંધારું થાય એટલે અંધારાની રમતો તો રમવી પડે ને. કોઈ એને સ્ટોપ એન્ડ પાર્ટી કહે, કોઈ ચોર પોલીસ રમે તો કોઈ બીજું. પણ આપણો શોરબકોર સૂર્યોદય સાથે શરૂ થાય તો ચંદ્ર અધવચાળે આવે તોય ચાલું હોય.

              અને છેલ્લે એયને મસ્ત નહાઈને ધાબામાં ઠંડી થયેલી પથારીમાં આકાશમાં ઝબકતા તારલાઓ નીચે સૂઈ જવાનું, અને સપ્તર્ષિ કે પછી ધ્રુવનો તારો શોધવાનો.

              આમ કરતા કરતા વેકેશન ક્યાં પુરુ થઈ જાય ખબર જ ના પડે. અને સ્કૂલ શરૂ થવાનો દિવસ નજીક આવે એટલે યુનિફોર્મ ખરીદવાનો, નવો કંપાસ, નવા પુસ્તકો, નવું દફ્તર ખરીદવાનો ઉત્સાહ તો કંઈક અલગ જ હોય. જો કે સૌથી વધારે મજા રહેતી ધક્કા પેન્સિલ અને જુદા જુદા કાર્ટૂનવાળા સ્ટીકર ખરીદવાની. પહેલા દિવસે સ્કૂલે પહોંચીને ભાઈબંધે વેકેશનમાં શું કર્યો એનો હિસાબ લેવાનો અને આપવાનો. પછી સ્ટીકર સરખાવવાના. આ આયોજન દર વર્ષે ફિક્સ રહેતું..

              કંઈક આવો રહેતો ને આપણો ઉનાળો.. કંઈક આવું રહેતું આપણું વેકેશન.. હવે તો બસ આ યાદો બચી છે... એને મમળાવવાની અને જરાક મલકી લેવાનું.

Thursday, 8 April 2021


 

        શું તમે તમારા લાઈફ પાર્ટનરના પછી એ પત્ની હોય પતિ હોય કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ... એમના બેસ્ટ ફ્રેન્ડ છો? ક્યારેય તમે તમારી જાતને આ સવાલ પૂછ્યો છે?

        જ્યાં લાગણી હોય ને, ત્યાં અપેક્ષાઓ હોય.. અને જ્યારે અપેક્ષા પૂરી ના થાય તો અણબનાવ થાય..પણ જરા વિચારો.. ક્યારેય તમને તમારા એકદમ અંગત મિત્ર સાથે આવા અણબનાવ થયા છે કે સંબંધ તૂટવા પર આવી જાય... નહીં ને.. તો પછી પ્રેમમાં કે લગ્નમાં આવું કેમ થાય છે?

        કારણ કે... આપણે સંબંધોને બોજ બનાવી લઈએ છીએ.. પાર્ટનર માટે કંઈક કરીએ.. તો એ જતાવીએ છીએ.. પછી એ મદદ હોય કે સેક્રિફાઈસ.. અને આ જ વસ્તુ આપણા પાર્ટનર માટે પણ ભાર બની જાય છે..

        આપણે આપણા બેસ્ટફ્રેન્ડ માટે કરેલા કામ, મદદ, નાની હોય કે મોટી.. ક્યારેય ગણાવતા નથી.. તો સતત સાથે રહેનાર પાર્ટનરને કેમ ગણાવીએ છીએ? બેસ્ટ ફ્રેન્ડ પણ આપણા માટે ક્યારેય કંઈ કામ ન કરી શકે.. તો એ સંબંધ તોડી નથી નાખતા.. ગુસ્સો કરીએ.. ઝઘડીએ પણ થોડીવાર માટે..

        પરંતુ જો પતિ કે પત્ની આપણા માટે કંઈ ન કરી શકે.. એમના થોટ્સ આપણા કરતા અલગ હોય... તો આપણે એ પચાવી નથી શક્તા... આવું કેમ?

        એટલે જ પાર્ટનરના બેસ્ટ ફ્રેન્ડ બનો... મોટા ભાગની મુશ્કેલી દૂર થઈ જશે... સંબંધોની ગરિમા જાળવો,, પણ માહોલ હંમેશા લાઈટ રાખો... કારણ કે આખરે તો એમની ખુશી, એમની સ્માઈલ જ તો તમાર ખુશી છે ને!

 

Wednesday, 7 April 2021

સાંજ

       


    મારા માટે સાંજ એટલે હજીય તું જ છે.. આપણે છેલ્લી વાર અહીં બેઠા ત્યારે સાંજ જ તો હતી.. એ દિવસ બાદ, મારા માટે તો નવી સવાર ક્યારેય થઈ જ નથી.

    આજેય દરરોજ સાંજે આ જ વડના ઝાડ નીચે 5 મિનિટ માટેય બેસીને હું તારી યાદો વાગોળું છું..

    તને પણ યાદ હશે જ ને.. આ વડના ઝાડ નીચે ક્યારેક આપણે કલાકો બેસી રહેતા... ક્યારેક શૂન ચોકડીની રમત રમતા.. તો ક્યારેક સમાજની રૂઢિઓની ઉંડી ચર્ચાઓ કરતા... આ જ ચર્ચાઓ બાદ એક દિવસ તો તે મને કહેલું ને.. કે યુ આર ધ બેસ્ટ પર્સન ટુ ગેટ મેરિડ... મને આજેય તારા અવાજમાં એ વાક્ય સંભળાયા કરે છે...

    ખેર, ફરિયાદ નથી કરવી.. આજે ફરી આ હું એ જ ઝાડ નીચે બેસીને લખી રહ્યો છું... અહીંની વડવાઈ જાણે મને અડીને તારા સ્પર્શની યાદ આપી રહી છે..  મકોડાનો ચટકા.. મને તારી મસ્તીભરી ચૂંટલીઓ યાદ કરાવી રહ્યા છે... અને પાંદડાના ખખડવામાં તારું એ ખુલ્લુ હાસ્ય કાનમાં ગૂંજી રહ્યું છે..

    સાચું કહું?... ભલે તું નથી... પણ હજીય અહીંની હવામાં તારી સુગંધ છે... તારું નામ યાદ કરતા જ આવતી હવાની લહેરખી મારા ચહેરા પર એક શરમાળ સ્માઈલ લઈ આવે છે... જ્યારે જ્યારે અહીં બેસું છું, ત્યારે મને લાગતું જ નથી કે તું નથી.

    કાશ... જો એ દિવસે મેં તારુ કહેલું માનીને કાર ધીમે ચલાવી હોત... તો આજે પણ આ ઝાડ નીચે આપણે બંને સાથે બેઠા હોત....

 


Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...