Sunday 4 August 2019

એક ફેસબુક પેજ પરથી લોકોને ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે ધારા પટેલ

એક ફેસબુક પેજ પરથી લોકોને ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે ધારા પટેલ
ધારા પટેલ અને શિવમ પટેલ
ડિપ્રેશન અને સ્ટ્રેસ આ એવી બીમારી છે, જે આજકાલ મોટા ભાગના લોકોને હોય છે. ફરક એટલો પડે કે સ્ટ્રેસને લોકો સ્વીકારી લે છે અને ડિપ્રેશનને સ્વીકારતા નથી. કારણ કે ડિપ્રેશનને માનસિક બીમારી ગણવામાં આવે છે. વર્ચ્યુઅલ વર્લ્ડ જેટલું વિશાળ થયું છે, એટલું જ રિયલ વર્લ્ડ સંકોચાઈ રહ્યું છે. પરિણામે લોકોના સંપર્ક છૂટી રહ્યા છે. કેટલીકવાર એવું પણ બને છે કે સોશિયલ મીડિયા પર લોકોને સંખ્યાબંધ લાઈક્સ મળતી હોય, કમેન્ટસ મળતી હોય પરંતુ તે જ વ્યક્તિ રિયલમાં એકલું ફીલ કરતો હોય, પોતાની વાત લોકોને કહી ન શક્તો હોય. આજકાલના હેક્ટિક શેડ્યુલને કારણે પણ આવી ઘટનાઓ બને છે. પરિણામે લોકો ડિપ્રેશનનો ભોગ બનતા જાય છે.

ત્યારે આવા ડિપ્રેશન સામે લડવા, લોકોને ડિપ્રેશનમાંથી બહાર કાઢવાનું ઈનિશિયેટિવ લીધું છે અમદાવાદના ધારા પટેલે. ધારા પટેલે એક ફેસબુક પેજ પરથી પોતાના ઈનિશેટિવની શરૂઆત કરી હતી. ધારાએ ફેસબુક પર Human is near you, you are not alone નામનું પેજ શરૂ કર્યું છે. જેનાથી તે ડિપ્રેસ લોકોને પોતાની વાત કહેવાનું, શૅર કરવાનું પ્લેટફોર્મ આપે છે. આ વિશે વાત કરતા ધારાનું કહેવું છે કે,'આજકાલ આપણી લાઈફમાં કમ્યુનિકેશન ખૂટે છે. કોઈની સાથે આપણે વાત શૅર કરતા નથી. ત્યારે આ પ્લેટફોર્મ તમને પોતાની વાત કહેવાની તક આપે છે.'

depression
આ છે ધારા પટેલે બનાવેલું પેજ

ધારા પોતે જર્નલિસ્ટ છે, અને હાલ પીઆર તરીકે એક ફર્મમાં કામ કરે છે. અને પોતાના આ બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને તે આ ઈનિશિયેટીવ ચલાવે છે. આ પેજ શરૂ કરવાનો વિચાર કેમ આવ્યો એ સવાલના જવાબમાં ધારાનું કહેવું છે કે,'હું પત્રકાર છું, એટલે ઘણા લોકોને મારે નોકરી દરમિયાન મળવાનું થતું. હાઈપ્રોફાઈલ લોકોને મળતી. સામાન્ય લોકોને મળતી ત્યારે જ લાગતું કે લોકો ડાઉન ફીલ કરે છે. એટલે મને લાગ્યું કે કંઈક કરવું જોઈએ. વધુ તો કંઈ વિચાર્યું નહીં, પણ ફેસબુકનો ઉપયોગ કરીને આ પેજ બનાવ્યું. અને તમે માનશો નહીં પેજ શરૂ થયાના એક જ કલાકમાં મને 200 લોકોના મેસેજ આવ્યા કે આવું પ્લેટફોર્મ જરૂરી છે.'

આજે તો ધારાના આ પેજને 1 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. અને તેમની ટીમમાં બીજા 5 લોકો જોડાઈ ચૂક્યા છે. ધારાની સાથે હવે શિવમ પટેલ પણ આ પેજ હેન્ડલ કરે છે. શિવમ પટેલ આ પેજનું કન્ટેન્ટ અને કમ્યુનિકેશન હેન્ડલ કરે છે. તો તમે ડિપ્રેસ્ડ લોકોને મળો કેવી રીતે અને તેમનું કાઉન્સેલિંગ કેવી રીતે કરો ? આ સવાલના જવાબમાં ધારા કહે છે,'એવા કોઈ ખાસ કાઉન્સેલિંગની જરૂર નથી હોતી. અમે બસ મળવાનું ગોઠવીએ. કોઈ જાહેર જગ્યાએ મળીએ. જેટલા લોકોને રસ હોય એ આવે. ગેમ રમીએ. બધા મળે એકબીજાને વાતો કરે. ફ્રેન્ડશિપ થાય. પોતાના પ્રોબ્લેમ શૅર કરે અને બસ કમ્યુનિકેશન થાય એનાથી જ કામ થઈ જાય છે.'
અત્યાર સુધીમાં આ પેજ થકી ધારા કુલ આઠ મીટ અપ કરી ચૂક્યા છે. જેમાં દર વખતે 30થી 35 લોકો આવે છે. ધારાનું કહેવું છે કે એવા ઘણા લોકો છે જે આ મીટ અપ પછી સારું ફીલ કરે છે. અને હવે અમારી સાથે કામ કરે છે. એક ડિપ્રેસ્ડ લેડી હતા, જેણે ત્રણ મીટ અપ પછી ડિપ્રેશનની દવાઓ લેવાની ઓછી કરી નાખી હતી. તેમને આ મીટ અપથી ફ્રેન્ડ્ઝ મળ્યા, જેમની સાથે તેમણે પ્રોબ્લેમ શૅર કર્યો અને હવે એ લોકો સાથે શોપિંગ કરવા જાય છે, મૂવી જોવા જાય છે. હવે એ ખુશ છે. બસ એક મીટ અપથી જ આટલું કામ થઈ જાય છે.

ધારાના આ પેજની ખ્યાતિ દેશ વિદેશ સુધી પહોંચી છે. ધારા કહે છે કે એક વખત એક છોકરાએ કેનેડાથી અમને ફોન કરીને વાત કરી હતી. તેનું બ્રેક અપ થયું હતું, અને તેને વાત શૅર કરવી હતી. અમે તેને સાંભળ્યો. બસ આજે એ છોકરો પોતે એક સારી પોઝિશન પર છે. તો દુબઈ ગુજરાતી સમાજ પણ આ ઈનિશિયેટિવ વિશે ઈન્કવાયરી કરી ચૂક્યુ છે. ગુજરાતી મિડ ડે ડોટકોમે આ જ મીટ અપથી જેને ફાયદો થયો એવા વ્યક્તિઓ સાથે પણ વાત કરી, જો કે તેઓ પોતાનું નામ જાહેર કરવા નથી ઈચ્છતા, એટલે અમે તેમના મીટ અપનો ફોટો પણ પબ્લિશ નથી કરી રહ્યા (કદાચ આ જ કારણ છે કે લોકો ડિપ્રેશનને જાહેરમાં નથી સ્વીકારી રહ્યા અને વધુને વધુ ભોગ બની રહ્યા છે.) આવા જ એક વ્યક્તિનું કહેવું છે,'આ પ્લેટફોર્મ પર હું એવા વ્યક્તિઓને મળી, જેમના જીવનમાં મારા કરતા વધુ મુશ્કેલી હતી, એમને જોઈને મને પ્રેરણા મળી. મને મિત્રો મળ્યા, મને લાગ્યુ કે હું જે ભોગવું છું એ તો ઓછું છે. હાલ હું એક સફળ આંત્રપ્રેન્યોર છું, પણ જો સાચા સમયે આ પ્લેટફોર્મ મને ન મળ્યું હોત તો કદાચ હું આજે એક દુખી સ્ત્રી તરીકે જીવતી હોત.'

ધારા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે આ પેજ અને એની એક્ટિવિટી મેનેજ કરે છે. ધારા કહે છે કે મોટા ભાગે અમે રવિવારે જ મળવાનું ગોઠવીએ, એટલે બધા લોકો આવી શકે. રવિવારે અમે બધા મળીએ ને વાતો કરીએ, એકબીજાની વાતો સાંભળીએ. અને આ રીતે આગળ ચાલે રાખે છે.

ઉલ્લેખનીય છે કે ઘણા લોકો ડિપ્રેશનથી પીડાતા હોય છે, ત્યારે આવા પ્લેટફોર્મની સમાજને જરૂર છે. એટલું જ નહીં લોકોએ પણ ખુલીને આ વિશે વાત કરવાની જરૂર છે. ધારા પટેલના આ ઈનિશિયેટિવને કારણે આજે કદાચ સેંકડો લોકો નોર્મલ જીંદગી જીવી રહ્યા છે.

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...