Tuesday 6 August 2019

Friend Zone Review:એક એવી વેબસિરીઝ જે નહીં જુઓ તો પણ ચાલશે

સ્ટાર કાસ્ટઃ મયુર ચૌહાણ, યશ સોની, સંજય ગલસર, રાહુલ રાવલ

ડિરેક્ટરઃ અર્ચના દેસાઈ 

વેબસિરીઝનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ગુજરાતી વેબસિરીઝ પણ બની રહી છે. નાના મોટા પાયે વેબસિરીઝ બની રહી છે. સંદીપ પટેલે ડિરેક્ટ કરેલી મલ્હાર ઠાકર અને માનસી પારેખ સ્ટારર ડુ નોટ ડિસ્ટર્બને સારો પ્રતિસાદ મળ્યો છે. એના બાદ હવે આવી છે 'ફ્રેન્ડ ઝોન'. આ વેબ સિરીઝનું શૂટિંગ તો લાંબા સમય પહેલા પુરુ થઈ ગયું હતું. આખરે આ વેબસિરીઝ શેમારુની એપ પર રિલીઝ થઈ છે. આ વેબસિરીઝમાં યશ સોની, મયુર ચૌહાણ, સંજય ગલસર અને રાહુલ રાવલ છે. સાથે જ શ્રદ્ધા ડાંગર પણ છે. આ વેબસિરીઝમાં શાનદાર એક્ટર્સ મયુર ચૌહાણ, યશ સોની અને સંજય ગલસર હોવાને કારણે દર્શકોને ખૂબ આશા હતી. પણ અફસોસ કે વેબસિરીઝ જોવા પાછળ ટાઈમ ન બગાડો તો જ સારું. અને જો તમે ત્રણ એક્ટર્સમાંથી કોઈના ફેન હો તો તો ના જ જોતા.


વાર્તા રે વાર્તા 

વેબસિરીઝ પાંચ એપિસોડની છે. દરેક એપિસોડ આશરે 15 મિનિટની આસપાસનો છે. આ સ્ટોરી ત્રણ એવા યંગસ્ટરની છે, જેમને ગમતી છોકરી હા નથી પાડી રહી. તેઓ પોતાની ગમતી છોકરીને મેળવવા તેની પાસેથી આઈ લવ યુ સાંભળવા બધી જ મહેનત કરે છે. પણ છોકરી હા નથી પાડતી. આખરે ત્રણેય મળે છે મયુર ચૌહાણ ઉર્ફે ડૉ.પ્રેમાનંદને. જે ફ્રેન્ડ ઝોન નામની બીમારીના સ્પેશિયાલિસ્ટ છે. મયુર ઉર્ફે ડૉ.પ્રેમાનંદ ત્રણેયનો ઈલાજ કરે છે. આ દરમિયાન ત્રણેયને ખબર પડે છે કે ત્રણેયને જે છોકરી ગમે છે એ તો એક જ છે. આખરે ડૉ. પ્રેમાનંદ પણ એ છોકરીને મળવા બોલાવે છે. અને બાકીની સ્ટોરી પ્રિડક્ટેબલ છે. બસ આ ચાર લાઈનના પાંચ એપિસોડ તમારે સહન કરવાના છે. સરવાળે સ્ટોરી નબળી છે. ફ્રેન્ડ ઝોનના મુદ્દાને હજી વધુ સારી રીતે મેચ્યોરિટીથી કોમેડી સાથે રજૂ કરાઈ શક્યો હોત.

હેનિલ ગાંધી આ પહેલા ટિનિયાગિરી લખી ચૂક્યા છે. જે યુટ્યુબ પર આવી હતી. આ સ્ટોરી પણ યુટ્યુબની કોઈ નાનકડી ચેનલ માટે જ ચાલે એવી છે. જ્યારે ત્રણ પ્રોમિનન્ટ એક્ટર્સ હોય ત્યારે ઘણી સારી આશા હોય છે, જો કે બધી જ આશા નિરાશા બની જાય છે.

હા સંજય ગલસરનો ટિપિકલ અમદાવાદી ટોન એકાદ વાર ગમશે. છેલ્લા એપિસોડમાં મયુરની નાનકડી ઈમોશનલ સ્પીચ એકાદ મિનિટ માટે જોવી ગમશે. પણ એટલા માટે પાંચ એપિસોડ સહન કરવા કોણ તૈયાર થાય.

એક્ટિંગ

સૌથી પહેલો સવાલ એ છે કે યશ સોની, મયુર ચૌહાણ અને સંજય ગલસર આ ત્રણેય પોતાની એક્ટિંગના કારણે જ વખણાય છે. ત્યારે આ વેબસિરીઝ કરી શું કામ હશે ? આમ તો પાંચેય એક્ટરની ઓવરએક્ટિંગ છે. જે દરેક સીનમાં દેખાય છે. યશ, મયુર અને સંજય પાસેથી આવી એક્ટિંગની કદાચ કોઈએ પણ આશા રાખી નહીં હોય. રાહુલ રાવલ વાંઢા વિલાસમાં દેખાઈ ચૂક્યા છે. પણ અહીં એક પણ સીનમાં તેમની પાસે ખાસ કંઈ કરવાનો સ્કોપ જ નથી. શ્રદ્ધા ડાંગર પણ બ્યુટી સિવાય ધ્યાન ખેંચતી નથી.

ડિરેક્શન પણ નબળું છે. જો તમે આ વેબસિરીઝ જોવાના હોય તો લોજિક વિશે તો વિચારતા જ નહીં. લોજિકને તો કંઈક લાગતું વળગતું છે જ નહીં. દરેક એપિસોડ ટુકડા છે, એટલે એક એપિસોડ જોઈને બીજો જોવાનું મન થાય એવું પણ નથી. મુદ્દો સારો પસંદ કરાયો છે, પરંતુ તેનો સ્ક્રીપ્ટ અને ડિરેક્શનમાં દાટ વાળ્યો છે.

મિડ ડે મીટરઃ 5માંથી 1 સ્ટાર. 

તા.ક. મયુર ચૌહાણ, યશ સોની, સંજય ગલસરને એક જ સવાલ. શા માટે ?

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...