Friday 12 June 2020

Gulabo Sitabo Review: બે બિલાડીના ઝઘડા અને વાંદરાની વાર્તાનો લખનવી અંદાજ !


 
ડિરેક્ટરઃ શૂજિત સરકાર
કાસ્ટઃ અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના, વિજય રાઝ

બે બિલાડી અને વાંદરાની વાર્તા આપણે નાનપણથી સાંભળી છે. લાલચની પંચતંત્રની વાર્તાઓ પણ વાંચી છે. શૂજિત સરકારે એને એક મસ્ત અંદાજમાં રજૂ કરી છે. વાર્તા એક બુઢાઉ મિર્ઝાની છે, જેનો એક પગ કબરમાં છે. પણ એટિટ્યુડ કોઈ નવાબથી કમ નથી. બીજો છે બાંકે, જે આખા ઘરની જવાબદારી ઉપાડીને, એ જવાબદારી નીચે પોતાના સપના ઢબૂરીને જીવી રહ્યો છે. આ બે લાઈન વાંચવામાં ભલે કોઈ આર્ટ ફિલ્મ જેવી લાગે, પરંતુ શૂજિત સરકારની ટ્રીટમેન્ટ અને જૂહી ચતુર્વેદીનું રાઈટિંગ એટલું શાર્પ છે કે જોવામાં ક્યાંય બોર નથી થવાનું.

ઓટીટી પર રિલીઝ થઈ છે, એટલે ઈન્ટરવલ તો છે નહીં. પણ પહેલી 40 મિનિટ ઢીલી ઢીલી, સ્લો ચાલતી હોય એવું લાગે. પણ ફિલ્મના પાત્રો એટલા મજબૂત લખાયા છે, કે એ 40 મિનિટ પણ નીકળી જાય. ફિલ્મની સ્ટોરી તો નથી કહેવી, નહીં તો જોવાની મજા નહીં આવે. ફિલ્મની મસ્ત મસ્ત વાતો ગણીએ તો બેગમના રિએક્શન, ગુડ્ડોનો એટિટ્યુડ, મિર્ઝાની લાલચ, વિજય રાઝનો સરકારી રોફ, છેતરવા બેઠેલા વકીલની ફાંકાફોજદારી અને 30 રૂપિયા ભાડુ પણ ન આપી શક્તા બાંકેની લાચારી સરસ રીતે ઝીલાઈ છે.

ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો અંદાઝ તો શાનદાર છે જ. આ ઉંમરે પણ બિગ બી જે રીતે ચેલેન્જ લે છે તે કાબિલ-એ-દાદ છે. તો હવે આ કાનપુર-લખનઉના બેકગ્રાઉન્ડવાળી ફિલ્મો છોડી આયુષ્માન થોડુંક કંઈક બદલે તો સારુ. મિડલ ક્લાસ મેનના પાત્રમાં એને જોવો ગમે છે, પણ અતિ સર્વત્ર વર્જયેત. જો કે આ ફિલ્મમાં લખનઉ, આ શહેરનો અંદાજ અને હવેલી એ જ જાણે મુખ્ય પાત્ર છે.

શૂજિત સરકાર અને જૂહી ચતુર્વેદીની જોડીનો કમાલ છે એવા કેટલાક સીન, જેમાં કોઈ જ ડાઈલોગ વગર તમે ખડખડાટ હસી પડો. બેગમની મરવાની રાહ જોતા મિર્ઝાને જ્યારે સચ્ચાઈ ખબર પડે છે એ સીન જ લઈ લો. આ ફિલ્મની મજા જ એની વાર્તા અને એની ટ્રીટમેન્ટ છે. સાથે જ પૈસા અને કંઈક બનવાનું મહત્વ (કડવું સત્ય) પણ ક્લાઈમેક્સમાં બાંકેની ગર્લફ્રેન્ડ બતાવતી જાય છે. તો અમિતાભની એક્ટિંગ તો એક્કો છે જ. પણ વિજય રાઝે ય દર વખતે દરેક પાત્રમાં આટલા સહજ કેવી રીતે દેખાય છે? રાઝની એક્ટિંગનો રાઝ શું છે? અને બ્રિજેન્દ્ર કાલા (વકીલ) આવા પાત્રો જાણે એમના માટે જ ખાસ લખાય છે. આ ઉપરાંત બાંકેનું જનું ઝ બોલવું, ગ્યાનેશનું હિંદીના સાદા કોનની જગ્યાએ કૌન બોલવું, વાતચીતના આ લખનવી અંદાજ પર પણ ધ્યાન અપાયું છે. તો કેટલોક કટાક્ષ જોરદાર છે, જેમ કે જેસીબીની ખુદાઈ જોવા થતી ભીડ, સાધુ એ કહ્યું છે અહીં સોનું અને એ સોનું શોધવા ખાડો ખોદાય છે, તો વિજય રાઝનો ડાઈલોગ હમ સરકાર હૈ, હમે સબ પતા હૈ આ નાના કટાક્ષ પણ સ્માઈલ છોડી જાય છે.

તો સરવાળે સરેરાશ કાઢીએ તો સ્ટોરી મસ્ત છે, ટ્રીટમેન્ટ મજાની છે. એક્ટિંગમાં પણ કચાશ નથી. બસ શરૂઆતમાં થોડીક ખેંચાય છે એ તકલીફ છે. બાકી ગીતો ધ્યાનથી સાંભળશો તો એમાંય જીવનનો સાર દેખાશે, સાથે મજાય પડશે. 
હજી થિયેટર ખૂલ્યા નથી, તો મોબાઈલ કે લેપટોપ પર એકવાર તો જોઈ જ લેવાય.

2 comments:

  1. ખુલી કિતાબ, આજે વાંચી.. મોજ પડી

    ReplyDelete
  2. Very precise������

    ReplyDelete

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...