Sunday 5 July 2020

… તો ‘કેવી રીતે જઈશ’ને બોલીવુડના જાણીતા ડિરેક્ટર અનુરાગ કશ્યપે પ્રોડ્યુસ કરી હોત!!


       

        ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે જઈશ?’ એક અલગ ચીલો ચાતરનાર ફિલ્મ બની છે. ફિલ્મ થિયેટર સુધી પહોંચી.. દર્શકો પણ થિયેટર સુધી પહોંચ્યા અને ફિલ્મને ખોળો પાથરીને વધાવી લીધી. પરંતુ આ ફિલ્મ દર્શકો સુધી પહોંચી એમાં અભિષેક જૈન અને એમની ટીમે કેટલી વીસે સો કર્યા છે, એની એક આખી અલગ જ કથા છે. 

        એક તો સમય એવો કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને રસ નહોતો... એમાંય અભિષેક જૈન ડિરેક્ટર તરીકે સાવ નવા, એટલે વિશ્વાસ કોણ મૂકે એ સવાલ. જો કે અભિષેકને અંદરથી એવી પ્રબળ ઈચ્છા કે ગુજરાતીમાં ફિલ્મ તો બનાવવી જ છે. અભિષેકને પોતાના આ સપનામાં સાથ મળ્યો એમના જેવા જ તરવરિયા યુવાનો અનિષ શાહ અને મિખિલ મુસળેનો. અનિષ શાહને કદાચ તમે ધૂનકીના ડિરેક્ટર તરીકે અને મિખિલ મુસળેને મેડ ઈન ચાઈના કે રોંગ સાઈડ રાજુના ડિરેક્ટર તરીકે ઓળખતા હશો. પરંતુ આ ત્રણેયની સ્ટ્રગલ તો કેવી રીતે જઈશ સાથે જ શરૂ થઈ હતી.
 
        એક જ સરખું સપનું આ ત્રણેય યુવાનોને 2010માં સિનેમેન પ્રોડક્શન હેઠળ લઈ આવ્યું. આ જ પ્રોડક્શન હેઠળ કેવી રીતે જઈશ?’ લખાઈ. ફિલ્મ લખાઈ ગઈ.. પછી બોલીવુડમાં સામાન્ય રીતે પ્રોડ્યુસર શોધવા અને કાસ્ટ શોધવાનું કામ ચાલુ થઈ જાય. પણ આ તો હતી ગુજરાતી ફિલ્મ, એ પણ એવા સમયે જ્યારે દર્શકોને ગુજરાતી ફિલ્મ જોવા થિયેટરમાં આવવામાં રસ નહોતો. ઈન્ડસ્ટ્રી પાસે કોઈ એવા નામ નહોતા, જે તમામ વર્ગના દર્શકોને થિયેટરમાં ખેંચી લાવે. એટલે ફિલ્મ બનાવવા પૈસા કોણ આપે એ યક્ષપ્રશ્ન હતો. 

              ત્રણેય મિત્રોએ સૌથી પહેલા NDFC એટલે કે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફ આશાની નજર દોડાવી. NDFC નવા ફિલ્મ મેકર્સને સહાય કરતું હોય છે. પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નહીં, એટલે નવો સ્રોત શોધવો જરૂરી હતો. અહીં અભિષેક જૈન અને અનિષે એક એવો નિર્ણય લીધો, જેના પરથી અલગ ફિલ્મ બની શકે. બંનેએ નક્કી કર્યુ કે ગોવા ફિલ્મ ફેસ્ટિવલ જઈએ, ત્યાં તો દુનિયા ભરના ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ આવશે, કોઈને તો આપણી વાર્તામાં રસ પડશે. આમ તો આ વિચાર જ એવો હતો જેમાં સફળતા મળશે કે નહીં એનો અંદાજ પણ નહોતો. તેમ છતાંય બંને ગોવા પહોંચી ગયા. સૌથી પહેલા બંનેએ અનુરાગ કશ્યપને જોયા, વાર્તા સંભળાવવા અનિષે ખચકાતા ખચકાતા અને અભિષેકે આત્મવિશ્વાસ સાથે એપ્રોચ કર્યો. અનુરાગે 8 વાગ્યાની પાર્ટી પહેલા બે કલાકનો સમય આપી દીધો. એટલે બંને મિત્રો તો ખુશખુશાલ. પણ, જેમ ઈન્ડસ્ટ્રીમાં થાય છે એમ 4 વાગ્યાથી અભિષેક અને અનીષે 8 વાગ્યા સુધી અનુરાગ કશ્યપની રાહ જોઈ. આખરે અનુરાગ પાર્ટીમાં પધાર્યા, ત્યારે કદાચ આ કમિટમેન્ટ ભૂલી ચૂક્યા હતા. 



        જો કે અભિષેક અને અનિષને જોઈને તેમની પાસે આવ્યા અને પાર્ટીમાં વાર્તા સંભળાવવા કહ્યું. શોરબકોર વચ્ચે અભિષેકે નવો સમય માગ્યો. સમય મળ્યો સવારે સાડા છ નો. હવે મુશ્કેલી એ હતી કે અનુરાગની હોટેલ અને અભિષેક-અનિષની હોટેલ ગોવાના સામસામેના છેડે હતી. આખી રાત જાગીને નરેશનની પ્રેક્ટિસ કરી. સ્વાભાવિક છે, તમારે અનુરાગ કશ્યપ જેવા દિગ્ગજને સ્ક્રીપ્ટ સંભળાવીને પ્રોડ્યુસ કરવા મનાવવાના હોય ત્યારે તૈયારી પૂરી જોઈએ. અનુરાગની હોટેલમાં બાલ્કનીમાં બેસીને અભિષેક જૈને નરેશન આપ્યું. અનુરાગને રસ પડ્યો. ફિલ્મ પ્રોડ્યુસ કરવાની હા પાડી, અને આ બંને બંદા તો ખુશખુશાલ. બંનેની અમદાવાદ આવવાની ટિકિટ હતી, જે રદ કરાવી બંને મુંબઈ પહોંચ્યા, કારણ કે અનુરાગ કશ્યપે તેમને પોતાના બીજા પ્રોડ્યુસરને મળવાનું કહ્યું હતું.  જો કે એ મીટિંગમાં અનુરાગ નહોતા અને અનુરાગે સૂચવેલા પ્રોડ્યુસર (મૂળ ગુજરાતી)ને રસ ન પડ્યો. અભિષેકે પોતાના પુસ્તક આ તો જસ્ટ વાત છેમાં ખાસ લખ્યુ છે કે,’દુઃખની વાત હતી કે જે વિષય સાંભળીને અનુરાગ જેવા બિનગુજરાતીને રસ પડ્યો હતો, એ જ વાર્તા નકારનાર પેલો ફિલ્મ પ્રોડ્યુસર ગુજરાતી હતો. હશે કદાચ ઈતિહાસના ભાગ બનવાનું એમના નસીબમાં નહીં હોય. જો કે આખરે ઢગલાબંધ લોકોને મળ્યા બાદ, લોકોની વાતો સાંભળ્યા બાદ અભિષેક જૈને પોતે જ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યુ, પ્રોડ્યુસ કરી. અને પછી જે રચાયો એ ઇતિહાસ આપણને બધાને ખ્યાલ જ છે. 



        જો કે એક અફસોસ કદાચ રહે કે જો આ નવો ચીલો ચાતરનાર ફિલ્મ સાથે અનુરાગ કશ્યપ સંકળાયા હોત, તો ફિલ્મ કંઈક જુદા જ લેવલ પર ગઈ હોત. રસપ્રદ વાત એ છે કે પાછળથી અનુરાગ કશ્યપ અભિષેક જૈનની જ ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયા. વિક્રમાદિત્ય મોટવાને, મધુ મન્ટેના અને વિકાસ બહલ સાથે મળી બનાવેલા ફેન્ટમ પ્રોડ્ક્શનના બેનર હેઠળ અનુરાગ કશ્યપે સિનમેન પ્રોડક્શન સાથે મળી રોંગ સાઈડ રાજુ કો પ્રોડ્યુસ કરી. સિનેમેન અને ફેન્ટમ વચ્ચે 3 ફિલ્મો કરવાનો કોન્ટ્રાક્ટ પણ હતો. પરંતુ દુર્ભાગ્યે ફેન્ટમ પ્રોડક્શન જ વિખેરાઈ ગયું!!! 

        કદાચ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્ટ્રગલ લાંબી ચાલવાની છે...!! પરંતુ હંમેશા અમૃત કાઢવા માટે સમુદ્ર ઉલેચવો જ પડતો હોય છે.

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...