Friday 7 February 2020

જ્યારે મેં પહેલીવાર 'આગિયા' જોયા !!


ઉંમર હતી 22 વર્ષ, સાલ હતી 2014. સ્થળ હતું પાટણનું કોઈક ગામ, હાલ તો નામ યાદ નથી. પણ એ દિવસે લાગ્યુ કે વાહ, કુદરત પણ કરામતી છે ને યાર ! બાળપણમાં ભણતી વખતે આગિયા વિશે જાણ્યુ હતું. કવિતાઓ અને જુદા જુદા પાઠમાં આગિયાના વર્ણન આવતા, એટલે આપણને એટલી ખબર કે અંધારામાં કંઈક ચમકે, પણ જોયુ હોય તો ખ્યાલ આવેને ! એટલે સમજણ પડી ત્યારે લાગ્યુ કે અબરખની જેમ ચમકતુ હશે. થોડી વધુ સમજણ પડી ત્યારે લાગ્યુ કે રેડિયમ જેવું હશે. પણ જ્યારે સાચેસાચ જોયા ત્યારે તો આમ મજા મજા પડી ગઈ.

ગામડા સાથે મારો દૂર દૂરનો કોઈ નાતો નથી. હા દાદા અને ભાભુ (એટલે અમે મોટા પપ્પાને દાદા કહીએ) ગામડે રહે છે, પણ ત્યાં જવાનું, રહેવાનું ખાસ બન્યુ નથી. એકાદ વેકેશનમાં 4-5 દિવસ રહ્યો હોઈશ. પણ ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ ભણતી વખતે આવી તક 3 - 3 વાર મળી. પહેલીવાર NSS કેમ્પમાં સતત સાત દિવસ ગામડામાં રહ્યો પછી પદયાત્રાના ભાગ રૂપે એક વખત પાટણ અને બીજી વખત વલસાડના ગામડાઓમાં 4-4 દિવસ રહેવા મળ્યુ. અને મારાજ જેવા અમદાવાદી, જેનું ફેવરિટ સિટી મુંબઈ છે, એને જો જાણે જલસો પડી ગયો.

પન્નાલાલ પટેલ, મેઘાણીની વાર્તાઓમાં વાંચેલા તમામ દ્રશ્યો જાણે તાદૃશ થતા ગયા. એ ગાયોનું ધણ, છોકરાઓની મસ્તી, ઉડતી ધૂળ, ગામ વચ્ચે માત્ર એક જ સરકારી સ્કૂલ, ચોરે બેઠેલા ભાભાઓ, કપડા ધોવા જતી મહિલાઓ આ બધુ પુસ્તકના પાનામાં વાંચ્યુ હતુ, પણ જોયુ પહેલીવાર, ગાડામાં બેઠો પહેલીવાર, ખેતરમાં ગયો પહેલીવાર. અને સાચુ કહુ તો એ જ્યારે જોયુ ને એ ફીલિંગને એ, ચહેરા પર અનુભવેલી એ હવાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય એમ જ નથી. 

એમાંય રાતે તો આગિયા જોવા મળ્યા. કેવી અજબ જેવી વાત છે ! એક નાનકડુ જંતુ અને જંતુના ચમકતા ટોળેટોળા. કેમનું ચમકતુ હશે આ? કેવા ઉડાઉડ કર્યા કરે ? ઓટલે બેઠા બેઠા જોવાની જે મજા પડી છે, જે મજા પડી છે. ગજ્જબ.. આટલુ બધુ હતુ, અને 22 વર્ષ સુધી ક્યાં હતો હું? જાણે અફસોસ થયો ઘણું ગુમાવ્યાનો. અહીં અમદાવાદમાં તો તારા પણ નથી દેખાતા. અને મુંબઈ ભલે આપણા કરતા વધુ વિકસિત હોય, પણ ત્યાં તારા દેખાય છે, ત્યાં લીલોતરી દેખાય છે, ઝાડનો છાંયો મળી રહે છે. આપણે જ ક્યાંક ચૂક્યા છીએ. સાલુ આપણે આપણી આવનારી પેઢીને આ બધાથી વંચિત રાખીશું ? મને તો આગિયા છેક 22 વર્ષે જોવા મળ્યા. પણ હવેની પેઢીનો ચકલી કદાચ જોવાય નહીં મળે. ઠીક છે, આ બધી ચર્ચાઓ તો આપણે કરતા હોઈએ છીએ ને કરીને ભૂલીય જઈએ છીએ. 

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...