Thursday 6 February 2020

Movie Review: તો આવી છે Luv ni Love Story!!!



પ્રતીક ગાંધીની ફિલ્મ હોય, એટલે સ્વાભાવિક છે કે અપેક્ષાઓનો અંબાર હોય. એમાંય આ વખતે તો ત્રણ ત્રણ હિરોઈન્સ શ્રદ્ધા ડાંગર, વ્યોમા નંદી અને દીક્ષા જોશી સાથે છે, એટલે ફિલ્મ જોવાની ઈચ્છા જબરજસ્ત હોય. વળી પ્રતીક ગાંધીએ આ વખતે થોડો અલગ રોલ કરવાનો ટ્રાય કર્યો છે. ત્યારે વાંચો કેવી છે આ ફિલ્મ.

ફિલ્મની સ્ટોરી તો ટ્રેલરમાં સમજાઈ જ ગઈ હશે, કે એક હીરો અને ત્રણ હિરોઈન છે. હીરો એટલે કે આપણા લવભાઈને વારાફરતી ત્રણ હિરોઈન સાથે પ્રેમ થાય છે. પણ લગ્ન કોની સાથે થાય છે ? આટલું ટ્રેલરમાં બતાવ્યુ છે. એ જોયા પછી અપેક્ષા કોઈક ટ્વિસ્ટની હતી. જો કે આપણા દુર્ભાગ્યે અને લવના પાત્રના સદભાગ્યે ટ્વિસ્ટ આવતું નથી. ના એટલે સારી બાબતો પણ છે હોં ફિલ્મમાં.

ફિલ્મની સારી વાત એ છે કે એમાં મહિલાઓને કેવી રીતે માન આપવું, સન્માન આપવું, એમના કામની કદર કરવી, એ સારી રીતે દર્શાવાયુ છે. વનલાઈનર્સ સારા છે. અને ફિલ્મનો બોનસ પોઈન્ટ છે હાર્દિક સાંગાણી. બોસ લવના મિત્રના પાત્રમાં એમના ભાગે વધુ ડાઈલોગ્સ તો નથી, પણ જેટલા છે એમાં એમણે બોલ ગ્રાઉન્ડની બહાર મોકલી આપ્યો છે. તાનાજી બાદ એમની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે. અને અહીં પણ ઓછા ડાઈલોગ્સ સાથે હાર્દિકે ફટકાબાજી કરી છે. હિરોઈન્સમાં શ્રદ્ધા ડાંગર, વ્યોમા નંદીને જોવાની મજા પડે. દીક્ષા જોશી પણ પોતાનું કામ સારી રીતે કરી ગયા છે. પણ, પ્રતીક ગાંધી... આ વખતે અપટુ ધ માર્ક નથી. પર્સનલી મને બહુ ગમતા એક્ટર છે. પણ કદાચ આ વખતે રોલ થોડો જુદો છે, કંઈક નવું ટ્રાય કરવાનો પ્રયાસ છે. ગલોટિયા ખાવડાવી, વાળ આગળ કપાળ પર રખાવી ક્યુટનેસ લાવવાનો ટ્રાય કર્યો છે, પણ એ પૂરેપૂરી નથી જામતી, એક્સેપ્ટેબલ નથી લાગતી. જો કે પ્રતીક ગાંધીની મહેનત દેખાય છે. અને હા એક્ટિંગની વાત ચાલે છે તો મેહુલ બૂચને પણ જોવાની મજા પડશે.

ડિરેક્શનમાં થોડા લોચા છે. ફિલ્મમાં ત્રણ લવસ્ટોરી છે, એટલે લાંબી લાગે એ સ્વાભાવિક છે. પણ પહેલી અને ત્રીજી લવસ્ટોરી કંઈક વધુ જ લાંબી લાગે છે. પ્રતીક ગાંધી અને વ્યોમા નંદીની સિકવન્સ મુંબઈની ફાસ્ટ  લોકલની સ્પીડથી ભાગે છે, તો બાકીની બે લવસ્ટોરી બતાવવામાં કેમ લોચો પડ્યો ? જ્યારે પ્રતીક ગાંધી વ્યોમના નંદીના ઘરેથી છેલ્લી વખતે નીકળે છે, અને વ્યોમાના ઘરનો દરવાજો બંધ થાય છે, એ મારી ગમતી સિકવન્સ છે. કદાચ તમને પણ એ ગમશે. કારણ છે ડોર પરની નેમ પ્લેટ !!! ડિરેક્ટર દુર્ગેશ તન્ના વધુ સારી ટ્રીટમેન્ટ આપી શક્યા હોત.



મ્યુઝિક તો ફિલ્મનું ગજબનાક જ છે. પાર્થ ઠક્કર અને નિરેન ભટ્ટની જોડી હંમેશા કમાલ કરે છે. ઘૂમે ઘૂમે હોય કે મંઝિલ, કે પછી આસમાની આ ત્રણે સોંગ્સ સિંગલ સાંભળવા ગમે છે, ને કળજુગનો કનૈયો આદિત્ય ગઢવીના અવાજમાં હોઠે ચડી જાય એવું છે. પણ આ જ સોંગ્સ ફિલ્મમાં પ્રિડિક્ટેબલ અને રિપીટ થયા હોય એવું લાગે છે. એટલે પહેલી લવસ્ટોરીમાં ઘૂમે ઘૂમે આવે તો ગમે, કનેક્ટ થવાય. પણ પછીના બંને સોંગ ફરજિયાત મૂક્યા હોય એવું લાગે છે. અને હા, કળજુગનો કનૈયૌ સરપ્રાઈઝ (હા, રિપ્રાઈઝ નહીં સરપ્રાઈઝ!!) વર્ઝન પણ સાંભળવું ગમે છે.

ઓવરઓલ વાત કરીએ તો પ્રતીક ગાંધી પહેલીવાર થોડા નબળા દેખાયા છે, હાર્દિક સાંગાણીએ પોતાની જગ્યા બનાવી છે. ત્રણે એક્ટ્રેસ પણ યાદ તો રહી જ જાય એવી છે. સ્ટોરીટેલિંગ અને ડિરેક્શનમાં ક્યાંક લોચા પડ્યા છે. પણ વન ટાઈમ વૉચ તો ખરી જ. હા, ટ્રેઈલર જોઈને જો ટ્વિસ્ટની આશા રાખશો તો નિરાશ થશો, પણ રોમાન્સ ભરપૂર મળશે.

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...